૫ડતર દિવસ : નડતરનો કે સગવડનો
- પ્રવીણ ક. લહેરી
ચંદ્રની કળા પ્રમાણે તિથિની ગણતરી થતી હોય તિથિ દિવસ કે રાત્રે ક્યારે બદલાય તે અંગે સમયની સમાનતા નથી હોતી. સામાન્ય નિયમ એવો છે કે સૂર્યોદય સમયે જે તિથિ હોય તે ગણવી. આના કારણે એવું બને કે આજે ચંદ્ર સૂર્યોદય સમયે ત્રીજમાં છે અને આવતીકાલે પણ ભલે અલ્પ સમયમાં ચંદ્ર ત્રીજની કળામાં હોય તો તેને વૃદ્ધિ તિથિ ગણીને આ પખવાડીયામાં બે ત્રીજ છે તેમ આપણે કહીએ છીએ. આનાથી વિરૂદ્ધ સ્થિતિમાં આજે સવારે સાતમ છે અને સૂર્યોદય પછી થોડા સમયે આઠમ શરૂ થાય છે. બીજે દિવસે સૂર્યાદય પહેલાં આઠમની કળા પૂરી થઈ હોય અને નવમીની કળા શરૂ થઈ હોય તો આપણે આઠમનો ક્ષય ગણીને સાતમ બાદ સીધી નોમ આવી જાય છે. પડતર દિવસ એટલે દિવાળીના દિવસે સવારે ચૌદસની કે અમાસની કળા હોય તો ઘણા ચૌદસ-અમાસ સાથે ગણી લે છે. બીજે દિવસે સવારે અમાસની કળા ચાલુ હોય અને દિવસ દરમિયાન સુદ એમક (પ્રતિપદા) હોય તો તે દિવસે નવું વરસ શરૂ થતું નથી અને અમાસ અને પ્રતિપદાની કળામાં ચંદ્ર રહે છે. ત્યારે પડતર દિવસ, વરસનો વચલો દિવસ કે ધોકો કહે છે. આ બધા નામો ગુંચવણ પેદા કરે છે. આ એવો દિવસ છે કે જેને આપણે તિથિ થકી ઓળખતા નથી. આમ તો આવા ચંદ્ર સંક્રાતિના અનેક દિવસો હોય છે પણ વર્ષના છેલ્લા દિવસને આગવું નામાભિધાન કરવામાં આવ્યું છે. આટલી સ્પષ્ટ છતાં આ બાબત સમજાય ન હોય તો ખગાળશાસ્ત્રનો અભ્યાસ શરૂ કરી દેવો. આપણા પૂર્વજોએ આજની ટેકનોલોજીના સાધનોની મદદ વિના જે કેલેન્ડર બનાવ્યું છે તેમાં સમયની ચોકસાઈની જે રીતે ગણતરી કરવામાં આવે છે તે સમજીએ તો આપણે દંગ રહી જઈએ.
સોશ્યલ મિડિયામાં કોઈકે લખ્યું, ‘આજે પડતર દિવસ છે - નડતર દિવસ નથી’ તે વાતનો ખ્યાલ રાખજો. કોઈએ હાલમાં ઓછો વપરાતો ‘ધોકો’ ચીતરીને ગૃહયુદ્ધના શસ્ત્રને રજુ કર્યું. પડતર દિવસ વધારાનો દિવસ, વરસનો વચલો દિવસ એ તો સમજી શકાય પણ જેમણે આ દિવસને ‘ધોકા’ તરીકે જાહેર કર્યોહશે તેનો ઈરાદો સમજવો મારા માટે તો મુશ્કેલ છે. નવા વર્ષે જૂના દુઃખ, પૂર્વગ્રહો છોડવાની વાત સાથે જ સંમત નહીં હોય તેમણે ઉપદેશ આપ્યો હશે કે આ દિવસે જૂના ઝઘડાનો નિકાલ અરસપરસ ધોકાવાળી કરીને લાવવો દંપતીના ઝઘડામાં ઘરમાં આ શસ્ત્ર કોનું તે નક્કી કરવા નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી પાંચ કરોડ પડતર કેસોમાં એકનો વધારો કરી શકાય. પડતર કેસોના નિકાલ કરતી કોર્ટમાં જૂતાવાળી થવા લાગી છે તે નિંદનીય છે પણ પડતર કેસોને કારણે અરજદારો અને સામાવાળા ધોકાવાળી કરી ઉકેલ ન લાવે તે જોવું જરૂરી છે.
આમ તો ૮૦ વર્ષ પૂરા કરીને મેં ભગવાન બુદ્ધના ઉપદેશને અનુસરીને વિચારો ઘટાડવા માટે સક્રિયપણે પ્રયત્નો કર્યા છે. મને આમાં ધાર્યા કરતાં વધારે સફળતા મળી છે કારણકે મારું મગજ મંદ ગતિએ જ ચાલતું હોય છે. એની ગતિ એટલી મંદ હોય છે કે ક્યારેક તો હું વિચારશુન્ય કે ગીતા મુજબ ‘‘પ્રજહાતિ યદા કામાન સર્વો ન પાર્થ મનોગતાન’ પ્રમાણે મન ઈચ્છા રહિત થઈ જાય છે. આવા સમયે મને સમાધીનું સુખ કે શાશ્વત આનંદ પ્રાપ્ત નથી થતો પણ ખૂબ મીઠી નિંદર આવી જાય છે. આથી મેં પડતર દિવસે મનને સંપૂર્ણ આરામ આપવાનો સંકલ્પ કર્યો. આપણા સંકલ્પમાં કુદરત હમેંશા વિઘ્નો મોકલ્યા જ કરે છે. અનેક લોકો પડતર દિવસનો લાભ લઈને ફોનથી કે રૂબરૂ દિવાળીના પડતર અભિનંદન આપવા માટે આપણને ખલેલ પહોંચાડે છે. અમૂક, ઉત્સાહી જનો આપણને એડવાન્સમાં ‘સાલ મુબારક’ કરવા આવી જાય છે. સરકારે પડતર દિવસે કોરોના જેવો કડક લોકડાઉન નાખવો જોઈએ. દિવાળીમાં ઘર-માળીયાની સફાઈ કરીને, નાસ્તા બનાવીને, રંગોળી પૂરીને, દીવા કરીને, સુશોભન કરીને અને મંદિરોની દર્શનાર્થીઓની લાઈનમાં ઊભા રહી થાકેલા સૌ માટે સંપૂર્ણ આરામની વ્યવસ્થા થઈ શકે. જો કે સ્વીગી અને જોમેટોને આવશ્યક સેવા ગણીને લોકડાઉનમાં મુક્તિ આપવી પડે અન્યથા જનરેશન ઝેડનો બળવો ફાટી નિકળવાની સંભાવનામાં અનેકગણો વધારો થઈ શકે.
પડતર દિવસે શું કરવું તેની મુંઝવણ અનેક લોકોને હોય છે. જે લોકોશહેરની ભીડથી બચવા માટે તીર્થસ્થાનોની કે પ્રવાસન સ્થળોની અસહ્ય ભીડમાં જવાનું સાહસ કરે છે તેમને તો અનેક પ્રકારની લાઈનોમાં ઊભા રહેતાં જ તહેવારોનો સમય ક્યારે પૂરો થઈ ગયો તેનો ખ્યાલ જ રહેતો નથી. ત્રણેક વર્ષ પહેલાં મેં સોમનાથ ફોન કરી મારા અધિકારીને પૂછ્યું કે બધું બરાબર છે ને ? તેમણે કહ્યું આમ તો બધું બરાબર છે પણ પાર્કિંગ સ્થળે વોશરૂમ માટે ખૂબ મોટી લાઈન છે. ત્યાં વોશરૂમની જરૂરત કરતાં વધારે સવલત છે તો આમ કેમ બન્યું તેની તપાસ કરી હકીકત જણાવવા મેં કહ્યું. તેમણે થોડા સમય પછી જાણ કરી કે રાત્રે ૧૫૦૦ જેટલાં લોકો ગાડીઓમાં અને પાર્કિંગમાં જ ભૂમિશયન કરી ગયા હતા. અનેક લોકો ‘ક્યાંક તો જગ્યા મળી રહેશે તેમ માનીને ઘરેથી ચાલી નીકળે છે પણ વાસ્તવિકતા સમજાય ત્યારે ભૂમિશયન સિવાય કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી હોતો. આપણી પાસે ગાડી હોય અને દિવાળીની લાંબી રજામાં પરિવાર અને મિત્રો સાથે ડ્રાઈવમાં દૂર સુધી ન જઈએ તો ગાડી લેવાનો અર્થ શું ? પશ્ચિમના દેશોમાં નાતાલ અને બોકસર ડે ના રોજ જેવા ટ્રાફિક જામ થતાં હતાં તેવા આપણે ત્યાં લોંગ વિક એન્ડ કે લાંબી રજાઓમાં થવા સામાન્ય બન્યા છે. આપણને હતું કે કોરોનાના લોકડાઉને પરિવાર મિલન સાથે દિવસો સુધી ઘરમાં રહેવાનો આનંદ ટકાઉ નિવડશે. પરંતુ કોરોના બાદ પ્રવાસનનો જે વિકાસ થયો છે તે સરકારી અગાઉ પ્રવાસન માટે ખર્ચેલા અબજો રૂપિયા કરતાં ખૂબ ઝડપી રહ્યો છે. માણસ સામાજિક પ્રાણી તો છે પણ તેનામાં રખડવાની જે વૃત્તિ છે તે અવસર મળતાં જ સક્રિય થઈ જાય છે. કાકાસાહેબ કાલેલકરે તો ‘‘રખડવાનો આનંદ’’ પુસ્તક લખીને આપણને રખડતા રહેવાની પ્રેરણા આપી છે. જેમણે આ પુસ્તક વાંચ્યું ન હોય તેમનામાં પણ જન્મજાત રખડુવૃત્તિ રહેલી છે. ગુજરાતી ભાષામાં પ્રવાસ વર્ણનો ખૂબ ઓછા લખાયા છે તેનો અર્થ એ નથી કે ગુજરાતીઓ પ્રવાસ ઓછો કરે છે. ગુજરાતીઓ રખડૂ (સારા અર્થ ) પ્રજા છે. હું પ્રવાસનને બદલે રખડૂ શબ્દ એટલે વાપરું છું કે પ્રવાસન સહેતુક હોય છે. રખડવામાં કોઈ લક્ષ્ય નથી હોતું. પરંતુ નિર્લેપભાવે ફરવાનો આનંદ છે. આજકાલ વિયેટનામ જવાનો ધસારો છે. વિયેટનામ જઈ આવેલા પ્રવાસીને પૂછો કે, ‘‘આ દેશનો આકાર કેવો છે ? ‘‘આ દેશની પાડોશમાં અન્ય ક્યા દેશો છે ? ‘‘હો ચિ મિન્હ કોણ હતાં ?
‘વિયેટનામ ક્યા યુરોપિયન દેશની કોલોેની હતી ? વિયેટનામની મુખ્ય નદી કઈ છે’’ ?
આના ઉત્તરમાં કહેશે કે વિયેટનામ ખૂબ સસ્તુ છે એટલે જવા જેવું. ત્યાંના લોકો શાંત અને સાલસ છે. આપણને ઈન્ડીયન ભોજન સહેલાઈથી મળી જાય છે વગેરે વગેરે.
જીવનમાં વૃદ્ધાવસ્થા પડતર દિવસ જેવી છે. કામ કાંઈ નહીં અને સમય પૂરતો. શું કરવું અને શું ન કરવું તેની વિચારણામાં દિવસો અને મહિનાઓ નીકળી જાય. મારા સંકલ્પ મુજબ રખડવાના આનંદ જેમ પડ્યા રહેવાનો પણ આનંદ છે. પ્રમાદ એ જ પરમાનંદ.
Comments
Post a Comment