સાયબર ગુન્હાઓ

                                                                       - પ્રવીણ ક. લહેરી

૧૯૯૦ ના દશકમાં શરૂ થયેલી ડોટ.કોમ ક્રાંતિ ધીમે ધીમે છતાં ખૂબ વ્યાપક ધોરણે આપણા દેશે અપનાવી છે. ‘ડિજીટલ ઈન્ડિયા’ના સ્વપ્નના અનેક લક્ષ્યાંકો વટાવી ભારતે ડિજીટલ વ્યવહારોની સંખ્યાથી સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કર્યું છે.

રોકડ ચૂકવણીના બદલે અગાઉ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા પૈસા ચૂકવાતા હતા. ત્યારબાદ બેંકોએ ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધાઓ વિકસાવી. કયુઆર કોડના આવિષ્કાર બાદ મોબાઈલ ફોન પરથી નાની-મોટી રકમ સહેલાઈથી ચૂકવવાનું શક્ય બન્યું. આ સવલત ‘પેટીએમ’ નામની એપ્લિકેશનથી થાય છે. આમાં મુખ્યત્વે યુ.પી. આઈ.(યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઈન્ટરફેસ)દ્વારા થાય છે. તેમાં ‘પેટીએમ’નો ફાળો છે. આ ઉપરાંત ‘ગુગલપે ‘ અને ‘ફોન પે’, ‘ભીમ’ જેવી એપ્લિકેશનો પણ ચૂકવણી માટે ઉપલબ્ધ છે. ભારતમાં યુ.પી.આઈ. પદ્ધતિથી થતી ચૂકવણીમાં ‘ગુગલપે’ અને ‘પેટીએમ’ મુખ્ય છે. આ ઉપરાંત નવી ‘ભીમ’, ‘ફોનપે’, કોટક, આઇસીઆઇસીઆઈ, એક્સિસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી અન્ય નાણાંકીય સંસ્થાઓ અને બેંકો આ ક્ષેત્રે કાર્યરત છે. હવે ઓનલાઈન વ્યવહારોની સંખ્યા એટલી વધી છે કે ૨૦ વર્ષ પહેલાં ચેકથી થતી ચૂકવણીની સંખ્યા ઘટીને ૨૦ વર્ષ કરતાં આજે માત્ર ૮.૫ ટકા જેટલી રહી છે. નવી પેઢી પોસ્ટકાર્ડની જેમ ચેકની પ્રથાથી અજાણ બની જાય તો નવાઈ પામવા જેવું નહી રહે. 

    સાયબર ફ્રોડ અંગે સમજવા માટે ઓનલાઈન બેકીંગ અને યુનાઈટેડ પેમેન્ટ્‌સ ઈન્ટરફેસ (યુપીઆઈ)ની કામગીરી વિશે જાણકારી મેળવવી આવશ્યક છે. ‘યુપીઆઈ’ એ ભારતની ડિજીટલ પેમેન્ટ વ્યવસ્થા માટે ભારતીય રિઝર્વ બેંકે વિકસાવેલું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ વ્યક્તિ થી વ્યક્તિ અને ગ્રાહક અને વેપારી વચ્ચેની રકમની ચૂકવણી તેમની બેંકોના એકાઉન્ટમાં ખૂબ ઝડપથી અને ચોકસાઈથી કરી આપે છે. આ સવલતનો ઉપયોગ મોબાઈલ ફોન દ્વારા થઈ શકે છે. તેથી આપણા દેશમાં તેની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી છે. વર્ષ ૨૦૧૬થી ભારતની તમામ મુખ્ય બેંકોએ યુપીઆઈ આધારિત એપ્લિકેશને વિકસાવી ગ્રાહકોને આ ડિજીટલ સવલતનો ઉપયોગ કરવા પ્રેરણા આપી છે. આ પધ્ધતિની સરળતા અને વિશ્વસનીયતાના કારણે વિશ્વમાં તેની પ્રશંસા થઈ રહી છે. આ પદ્ધતિનો ઉપયોગ કેટલો વ્યાપક છે તે સમજવા માટે એક જ માપદંડ પર્યાપ્ત છે. આ સીસ્ટમમાં દર સેકંડે ૭૫૦૦ નાણાંકીય વ્યવહારો થાય છે. ઓગસ્ટ ૨૦૨૫ માં આ સવલત મારફત ૨૦ બિલિયન (૨૦ અબજ)ના વ્યવહારો થયાં હતાં અને તેનું મૂલ્ય ૨૫ ટ્રિલિયન રૂપિયાનું હતું. આ સવલતનો વપરાશ કરનારા ગ્રાહકોની સંખ્યા ૫૦ કરોડની છે. ૨૦૨૫ માં અંદાજે ૨૪૦ અબજ વ્યવહારો અને તેનું મુલ્ય રૂપિયામાં ૩૦૦ ટ્રિલિયન હોવાનો અંદાજ છે. દરરોજના ૬૪ કરોડ વ્યવહારો સાથે ઓનલાઈન પેમેન્ટની સૌથી જૂની અને અનેક દેશોમાં વપરાતી ‘વિજા’ પદ્ધતિને યુપીઆઈએ પાછળ છોડી દીધી છે. હવે યુપીઆઈનો વપરાશ નજીકના દેશોમાં પણ શરૂ થયો છે. યુ.પી.આઈ. એ ભારત માટે એક મોટો સોફ્ટ પાવર છે. ભારતના ડિજીટલ વ્યવહારોમાં યુ.પી.આઈ.નો હિસ્સો ૮૪ ટકા છે જે તેનું પ્રભુત્વ દર્શાવે છે. યુપીઆઈનો કયુઆર કોડ શાકભાજી વેચતા ફેરિયાની લારી પર જોતાં વિદેશીઓ આશ્ચર્ય પામતા હતા. થોડા દિવસ પહેલાં મેં ઇસ્કોન ચાર રસ્તા પાસે વર્ષોથી ભીક્ષાવૃત્તિ કરતાં ભિક્ષુકના ગળામાં એક બોર્ડ જોયું. તેના કયુઆર કોડ પર આગળના કાર ચાલકે ડિજીટલ દાન કર્યું ત્યારે મારી નવાઈનો પણ પર ન રહ્યો. ભારત સરકારે આ દિશામાં ૨૦૦૯ માં ભારતીયો માટે ‘રાષ્ટ્રીય પેમેન્ટ કોર્પોરેશન’ની સ્થાપના કરી હતી. અગાઉ કાર્ડ પદ્ધતિથી પેમેન્ટ કરવાવાળાની સંખ્યા મર્યાદિત હતી. એક કરોડ વ્યાપારીઓ પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સ્વીકારવાની સવલત હોવા છતાં દેશમાં માથાદીઠ માત્ર ૬ વ્યવહારો થતા હતાં. ‘કાળું નાણું’ અને ‘ભ્રષ્ટાચાર’ માટે રોકડ ચૂકવણીનું પ્રમાણ ખૂબ મોટું હતું. રિઝર્વ બેંકના માર્ગદર્શન નીચે યુ.પી.આઈ.નું નિર્માણ થયું છે. યુ.પી.આઈ. એક સલામત, કાર્યકુશળ, સહેલાઈથી ભાગ લઈ શકાય તેવી, સૌના માટે સુલભ અને તમામ બેંકો, વેપારીઓ, ગ્રાહકો વિગેરે માટે સમાન ધોરણે સરળતા આપતી અને ભરોસાપાત્ર પદ્ધતિ બને તે પડકાર ખૂબ જટિલ હતો. યુ.પી.આઈ.નો વપરાશ શરૂ થયા બાદ ‘નેટમેજિક’ના સંચાલકે કહ્યું કે ખૂબ વિશાળ વ્યવહારો માટે યુ.પી.આઈ. વિકસાવીને ભારતે પોતાની મૌલિકતા અને સર્જનાત્મકનો પરિચય આપ્યો છે. ૨૦૧૯ માં ગુગલે અમેરિકાની સરકારને સલાહ આપી કે યુ.એસ. ફેડરલ રિર્ઝવે યુપીઆઈને અનુસરવું જોઈએ. યુ.પી.આઇ.ની જ્વલંત સફળતાનો લાભ અન્ય દેશો લેવા લાગ્યા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન દ્વારા અવાજથી કામ થાય, વિવિધ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરી શકાય તેમજ નાણાંકીય વ્યવહારની મર્યાદા વધારવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. યુ.પી.આઈ. એ આપણા દેશનું ગૌરવ છે એક મોટી સિદ્ધિ છે. 

    યુ.પી.આઈ. એક સંકલિત એક જ પ્લેટફોર્મ છે જેના દ્વારા નાણાંકીય વ્યવહાર થઈ શકે છે. આ પ્લેટફોર્મ અને તેના આધારે વિકસાવેલી એપ્લિકેશનો ૨૪ ટ ૭  સતત ઉપલબ્ધ છે. આના પર થયેલા નાણાંકીય વ્યવહારોણી ગુપ્તતા જાળવી શકાય તેવી વ્યવસ્થા પણ છે. સરકાર દ્વારા યુ.પી.આઈ. વ્યવહારો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય ખૂબ મહત્ત્વનો પુરવાર થયો છે. યુ.પી.આઇ.ના અગણિત ફાયદાઓને કારણે તેનો વપરાશ અને લોકપ્રિયતા સતત વધી રહ્યા છે. 

   ડિજીટલ વ્યવહારોમાં આજકાલ અનેક છેતરપીંડીના પ્રસંગો બહાર આવી રહ્યાં છે. આ ગુન્હાહિત પ્રવૃતિઓમાં અનેક માફિયા પ્રકારની ટોળકીઓ કાર્યરત છે. કોઈપણ નાણાંકીય વ્યવહાર કરનારને સૌથી પ્રથમ ગેરમાર્ગે દોરીને યેનકેન પ્રકારે તેના બેંક એકાઉન્ટને હેક કરી તેમાંની રકમ પોતે ખોલેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની કામગીરી ખૂબ ચાલાકીપૂર્વક કરવામાં આવે છે. ભારતમાં સાયબર ગુન્હાઓની સંખ્યા અને નાણાંકીય નુકસાનના આંકડાઓ ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. ૨૦૨૦ થી ૨૦૨૫ ના પાંચ વર્ષના સમયગાળામાં અંદાજે રૂ઼ ૫૨,૦૦૦ (બાવન હજાર)કરોડની ઉચાપત કરવામાં આવી છે. સૌથી વ્યાપક એવા કૌભાંડમાં ગુન્હેગાર વિવિધ તરકીબોમાંથી કોઈના પણ બેંક એકાઉન્ટને ઓનલાઈન ઓપરેટ કરવા માટેની ખાનગી માહિતી એકત્ર કરી લે છે. અંગ્રેજીમાં આને ફિસીંગ કહે છે. ત્યારબાદ મોબાઈલ ધારક સાથે સંવાદ સ્થાપીને આ યોજનામાં રોકાણ કરશો તો ખૂબ સારું વળતર મળશે તેમ જણાવી નાની નાની રકમનું રોકાણ કરાવી તેમાં આટલો ફાયદો થયો હોય તેવું દર્શાવીને મોટી રકમનું  રોકાણ કરવા સમજાવે છે. એક વખત મોટી રકમ રોકે કે તુરંત જ તેઓ સંપર્ક વિહોણા બની જાય છે. રોકાણ કરેલી રકમની વિગતો જ અદ્રશ્ય થઈ જાય છે. “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે”ની કહેવત સાર્થક કરતી આ ઓપરેશન પધ્ધતિ ભલભલાને ફસાવી દે છે. અમુક કિસ્સાઓમાં તમારો ફોન નંબર ડુપ્લિકેટ વપરાય રહ્યો છે. તેના પર ગુન્હાહિત પ્રવૃતિ થઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર કે પોલિસ તમને ટૂંક સમયમાં પકડશે તેમ કહીને ધમકાવીને અમુક રકમ ટ્રાન્સફર કરાવી લે છે. ડિજીટલ એરેસ્ટના કિસ્સામાં બનાવટી અધિકારી, બનાવટી વિડીયો અને ધાકધમકીથી લાખો રૂપિયા જ નહી પણ કરોડો રૂપિયા પડાવ્યાના બનાવો બનતા જ રહે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘મન કી બાત’માં ડિજીટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ જ નથી તેમ કહ્યા બાદ પણ આપણી ભોળી પ્રજા આ પ્રકારની ગુન્હાહિત પ્રવૃતિઓનો ભોગ બની રહેલ છે.  અમુક વ્યક્તિઓ હોટેલ, ટ્રાવેલ એજન્ટ, અતિથિગૃહોની ખોટી વેબસાઇટ પરથી લોકોને છેતરે છે. બુકીંગ માટેની પહોંચ રિઝર્વેશન સઘળું આપે છે પ્રવાસી જ્યારે તેના સ્થાને પહોંચે છે ત્યારે સમજે છે કે ખૂબ મોટી છેતરપિંડી થઈ છે. 

     આપણા માટે આવી બાબતોમાં ખૂબ કાળજી કરવી અનિવાર્ય છે. જે ફોનમાં બેકીંગની સગવડ હોય તેને લોક રાખવો તેમ જ તે ખોવાય ન જાય તે માટે કાળજી રાખવી જરૂરી છે. મૂડીરોકાણ જેવી લાલચમાં આવી ન જવું અને ડિજીટલ એરેસ્ટ જેવી પોકળ ધમકીવાળાથી ડર્યા વિના તેનો સંપર્ક કાપીને હેલ્પ લાઇન નં.૧૯૩૦ પર માહિતી આપવી. આજના આ ડિજીટલ યુગને પણ જૂની કહેવત જ લાગુ પડે છે -  ચેતતો નર સદા સુખી’   


Comments

Popular posts from this blog