ભારતીય મૂળના વિદેશી નાગરિકોની મુંઝવણ-૨
પ્રવીણ ક. લહેરી
સવારે અખબારના ૫ાનઓ ખોલીએ અને નજર સમક્ષ અનેક પ્રકારના સમાચારો આવે. દુનિયામાં ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બનતી આવી છે, બની રહી છે અને બનતી રહેશે. આ સમાચારોની ભરમારમાંથી અમુક સમાચારોના શિર્ષકો વાંચતા જ આપણા સંવેદન તંત્રને ચોટ પહોંચે અને આપણા મુખમાંથી શબ્દો સરી પડે; ‘‘શું થયું આ વહીવટી તંત્રને ? આચ રહ્યા આવા દર્દજનક શિર્ષકો ? કોઈક તો અમારું સાંભળો ? મજબૂર મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું, અમારા બાળકો ભૂખે મરે છે, અનાજ પણ મળતું નથી.’’ અધિકારી સમક્ષ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની ફરિયાદ, હોસ્ટેલમાં મારે ભોજન બનાવવું પડે છે, પાણી બહારથી લાવીએ છીએ.’’ ‘‘સિલીકોસિસથી મૃત્યુ પામેલ કામદારો માટે સરકારનું સોગંદનામું હાઈકોર્ટે ફગાવ્યું.’’ ૨૧.૮૦ લાખ ખેડૂતોએ અરજી કરી, માત્ર ૧.૩૮ લાખને સહાય મળી મંજૂરી’’ ‘‘સરકારે ઠરાવ કર્યાના પાંચ મહિને પણ આદિજાતિ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત’’ ગુજરાતમાં વારંવાર પેપરલીક થતાં ગુજરાતના યુવાનોમાં હતાશા’’ ‘‘જામનગરની હૉસ્પિટલમાં વૃદ્ધને આંચકીની સારવાર માટે મહિનો રાખી રૂા.૬ લાખ ખંખેર્યા.’’ જળજીવન મિશનમાં ભ્રષ્ટાચાર ગુજરાત પર સૌથી વધુ રૂા.૧૨૦.૬૫ની પેનલ્ટી. ૭ રાજ્યો પરની કુલ પેનલ્ટી રૂા.૧૨૯.૨૮ કરોડમાં ગુજરાતની ટકાવારી લગભગ ૯૩ ટકા.’’ ‘‘એક કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલ્કત મળતા નિવૃત્ત ખાણ-ખનીજ કર્મચારીની ધરપકડ’’ ‘‘મુખ્યમંત્રીનો આદેશ છતાં મંત્રીઓ સોમ-મંગળવારે જનફરિયાદ સાંભળવા હાજર હાજર રહેતાં નથી.’’
આવા શિર્ષકો અલગ અલગ વાંચીએ ત્યારે પ્રથમ તો એવી લાગણી થાય કે આવું તો બન્યા કરે. માણસ છે ભૂલ તો કરે. પરંતુ જ્યારે આ તંત્રની ઉદાસિનતાને ભોગ બનેલી વ્યક્તિની વ્યથા સાંભળીએ ત્યારે મનમાં જરૂર પ્રશ્ન થાય; ‘‘શું થયું છે આ વહીવટી તંત્રને ?
જ્યારે અનેક નિર્ભય વ્યક્તિઓ વહીવટીતંત્રને ોલાગેલા લૂણા અંગે નિખાલસ વાત કરે છે ત્યારે તેને વાંકદેખ્યા અને વિરોધીઓ તરીકે ચીતરવામાં આવે છે. ધારાસભ્યો કે સાંસદો જે પ્રજાના ચુંટેલા પ્રતિનિધીઓ છે, તેમના મોંએ ખંભાતી તાળાઓ લાગ્યા છે. શું બોલવું અને શું ન બોલવું તેમાં પ્રજાહિત જોવા કરતાં પક્ષનું હિત જ જોવાની અસરકારક તાલીમ આપવામાં આવી છે. કોઈ એવી પણ ટીકા કરે છે કે આપણું બંધારણ તો બ્રિટીશ શાસનના ૧૯૩૫ના કાયદાની નકલ માત્ર છે. આપણે સજાગપણે બ્રિટીશ સામ્રાજ્યવાદીઓએ ગોઠવેલી વ્યવસ્થા યથાતથા જાળવી રાખી છે. બંધારણના ૭૩મા અને ૭૪મા સુધારા દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને મજબૂત કરી લોકભાગીદારી સાથે વિકેન્દ્રીત વહીવટ આપવાનું સ્વપ્ન હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય કે પંચાયતોનું ત્રિસ્તરીય માળખું સર્વત્ર બિનકાર્યક્ષમતા, ભ્રષ્ટાચાર, સગાવાદ અને વેડફાટની સાથે જે માહોલનું નિર્માણ થયું છે તેમાં ગમે તેટલું ખોટું થાય પણ કોઈનો વાળ સુદ્ધાં વાંકો નહીં થાય તેવી વણલખેલી ખાતરી જોવા મળે છે.
લોકશાહી પદ્ધતિમાં વહીવટીતંત્ર , લોકો દ્વારા, લોકો માટે અને લોકોના અંકુશથી ચાલે છે તેવી અમેરિકી પ્રમુખશ્રી અબ્રાહમ લિંકનની વ્યાખ્યાથી આપણે બંધાયેલા છીએ. આપણા બંધારણના આમુખમાં જ બંધારણ એ લોકો દ્વારા નિર્મિત થયાની વાત છે. કમનસીબે ૭૮ વર્ષની આઝાદી બાદ નાગરિકોને જવાબદાર વહીવટીતંત્ર મળ્યું નથી તે સ્થિતી છે. પ્રશ્ન પોલીસ કસ્ટડીમાં મૃત્યુનો હોય કે ૭-૧૨ના ઉતારા માટે મોટી રકમ માંગતા તલાટીનો હોય, જાહેર બાંધકામમાં વ્યાપક ટકાવારીના ધોરણે ચાલતો ભ્રષ્ટાચાર અને તેનાથી કામોની ગુણવત્તાને પહોંચતી ગંભીર અસરનો પ્રશ્ન હોય વહીવટીતંત્રની નિષ્ફળતા અનેક લોકો માટે જોખમી બનતી જાય છે.
વહીવટી તંત્રે લોકફરિયાદો ઓછામાં ઓછી આવે અને જે આવે તેનો સમયમર્યાદામાં યોગ્ય નિકાલ થાય તે માટે આગવી વ્યવસ્થા કરવી વજરૂરી છે. આ વ્યવસ્થામાં પડતર પ્રશ્નોની માહિતી પારદર્શક રીતે ઉપલબ્ધ હોય અને તેના ઉકેલ માટેની જવાબદારી પણ નિશ્ચિત હોય તો જ વહીવટ લોકાભિમુખ બની શકે. આજે વહીવટી સુધારણામાં કચેરીઓમાં સુવિધા વધારવાની બાબતોને ભલે પ્રાધાન્ય આપવામાં આવે પણ સ્થળ પર શું સ્થિતી છે ? કોઈપણ તાલુકાનું નવું બંધાયેલું સેવા સદન હોય, કોર્ટનું નવું નક્કર મકાન હોય, શાળા હોય કે આરોગ્ય કેન્દ્ર દરેકમાં શૌચાલયની હાલત એટલી ખરાબ છે કે ત્યાં જતાંની સાથે તમારે નાકે રૂમાલ રાખવો પડે. સ્વચ્છ ભારતની ઝુંબેશ હેઠળ સરકારી મિલ્કતોની સ્થિતી નજરઅંદાજ કરવા જેવી નથી. સ્વચ્છતાના મુદ્દે વહીવટી તંત્રને જ દોષ દેવો તે અન્યાય છે. લોકોની ટેવો ન સુધરે ત્યાં સુધી આપણું સ્વચ્છ ભારતનું સ્વપ્ન રણના મૃગજળ સમાન છે.
લોકફરિયાદના નિવારણ માટે સૌથી પ્રથમ તો તંત્રે સંવેદનશીલ થવાની જરૂર છે. દરેક કામમાં મારું શું ? અને મારે શું ? નું વલણ ખૂબ વ્યાપક બન્યું છે. ગ્રામ્ય માતાના કાવ્યમાં કલાપીના શબ્દોનું તંત્રે સદાય સ્મરણ રાખવા જેવું છે. ગુપ્તવેશે આવેલો રાજા શેરડીમાં કાપ મૂતાં જ રસની ધાર જોતાં વિચારે છે કે ખેડૂતને લીલા લહેર છે. તેના પર કર વધારવો જોઈએ. ત્યારે...
‘‘કાપી કાપી ફરી ફરી, અરે કાતળી શેલડીની,
એકે બિંદુ રસ તણું હાવા પડે ના ?
શું કોપ્યો પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં.’’
‘‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ,
નહીં તો આવું ના બને, બોલી માતા ફરી રડી.’’
સંવેદનાની સાથે વહીવટી તંત્રે નાગરિકની રજૂઆત ધીરજથી સાંભળી, તેને મદદરૂપે થવાનું વલણ દાખવવું જોઈએ. સરકારી નીતિ નિયમમાં છૂટાછુટ મૂકીને પણ જરૂરિયાતમંદ માણસોને યોગ્ય રાહત મળે તો તેવો અભિગમ માનવતાના મૂલ્યોને પોષક બને.
તાજેતરમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજભવનને બદલે ‘લોકભવન-લોકનિવાસ’ તેમજ વડાપ્રધાન કાર્યાલયને બદલે ‘સેવાતીર્થ’ જેવા નામો આપ્યાં છે જેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે વહીવટીતંત્રને લોકકલ્યાણ અને સેવાની ભાવના સદાય તેમની નજર સમક્ષ રહે. સાથે સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે વહીવટીતંત્રનું હાલ જે ઉપેક્ષાનો ભાવ પ્રવર્તે છે તેની જગ્યાએ જવાબદારીની સભાનતા વધે તે માટે અનેકવિધ પગલાં લેવા અનિવાર્ય છે. અગાઉ આવકવેરા વિભાગમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો હતી તેની બદલે હાલની પદ્ધતિમાં ઓટોમેટિક એસેસમેન્ટ અને કોઈના વ્યક્તિગત સંપર્ક વિના અપીલની સુનાવણીને કારણે ભ્રષ્ટાચારનો અવકાશ ખૂબ ઘટી ગયો છે. રેલ્વેમાં, ટિકીટ બુક કરવાની કાર્યવાહી હોય કે વિમાની સફર માટે આ તમામ બાબતો ઓનલાઈન થઈ જતાં તે સેવાઓમાં થતી ગડબડને રોકી શકાઈ છે. આજ રીતે ડિજીટલ યુગમાં અનેક સેવાઓને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. રાજ્ય સરકારે ટૅકનોલોજીના ઉપયોગ થકી તંત્રમાં પ્રવર્તતા અનેક દૂષણો ડામવા માટે સક્રીય પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્નોમાં સફળતા પણ મળી છે.
હવે મુખ્ય ચિંતાનો વિષય એ છે કે માત્ર ટૅકનોલોજીથી પ્રશ્નોનો ઉકેલ ન આવે તેવી સમસ્યાઓના નિરાકરણમાં માનવીય અભિગમ અપનાવવો અનિવાર્ય છે. વહીવટીતંત્રનો ઢાંચો બ્રિટનના સામ્રાજયવાદી શાસને બનાવેલો છે તેના કારણે ગેરરીતિઓ થઈ છે તેવું નથી. પંચાયતી રાજની સંસ્થાઓની રચના આઝાદી બાદ થઈ છે પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો વહીવટ એટલી હદે કથળી ગયો છે કે શહેરોમાં ગંદકી, રસ્તા અને પાણી-પૂરવઠાના પ્રશ્નો તેમજ પ્રદૂષણના પ્રશ્નો ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. હકીકતમાં વહીવટીતંત્રના તમામ સ્તરે એક નવી હવા પેદા થાય અને લોકોની સુખાકારી માટે તંત્રની પ્રતિબદ્ધતા સ્થાપિત થાય તે આજના સમયનો તકાજો છે.
Comments
Post a Comment