જેમ્સ બોન્ડની રસપ્રદ વાતો
- પ્રવીણ ક. લહેરી
વર્ષ ૧૯૬૨માં વેસ્ટ ઇન્ડીઝના જમૈકા ટાપુ પર ઘેરા નીલા રંગના સમુદ્રના કાંઠે એક નવા ઈતિહાસનો નિર્માણ થઈ રહ્યું હતું. જો કે ત્યાં એકત્ર થયેલા લોકોને આ ઘટનાના મહત્વ વિષે ત્યારે કોઈ જાણકારી ન હતી. આ દિવસે એક જાસૂસી ફિલ્મના શુટીંગ માટે જે ટુકડી ટાપુ પર આવી હતી તેનું કામ જેવું તેવું ન હતું કારણ કે બ્રીટીશ જાસૂસીતંત્રના કાલ્પનિક ૦૦૭ કોડ ધરાવતા જાસૂસ જેમ્સ બોન્ડની નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવાની હતી. જેમ્સ બૉન્ડ નામના જાસૂસનું પાત્ર આ નવલકથાના લાખો વાચકો માટે ઉત્સાહ વધારવાનું હતું. અનેક લોકોની કલ્પના કરતાં વધારે ચતુરાઈ, સાહસ અને રંગીલા સ્વભાવની બાબતોને કારણેઆ એજન્ટનું નામ દુનિયાના લોકોની જીભે રમતું હતું.
ઈયાન ફ્લેમિંગ નામના લેખકે આ બીચની નજીક ગોલ્ડઆઈ નામનું નાનકડું વીલા બાંધ્યું હતું. તેમણે તેની કલ્પનાથી નવલકથામાં ગૌરવ, ચિંતા, ઇંતેજારી અને સાહસને ગૂંથી લીધા હતા. ૧૯૪૫માં ફ્લેમિંગે જે વીલા બાંધ્યું હતું ત્યાં જઈને તેઓ જેમ્સ બોન્ડની નવલકથા લખતા હતા. તેની માન્યતા હતી કે આ જગ્યાએ તેની સર્જનાત્મક શકિત ખીલી ઉઠે છે. કેરેબીયન સમુદ્ર ઉપર દ્રષ્ટિ રાખીને જેમ્સ બોન્ડની વાર્તા લખતા ઈયાન ફ્લેમિંગને આનંદ અને સંતોષ થતો હતો. ખૂબ આકર્ષક, ઠરેલ, હોશિયાર અને દયાહીન એવા આ બ્રીટીશ જાસૂસ બ્રિટનની મહારાણીના સેવામાં હતો. નવલકથાનું જેમ્સ બોન્ડનું કાલ્પનિક પાત્ર અનેક લોકો માટે એક વાસ્તવિકતા બની ચૂક્યું હતું. જેમ્સ બોન્ડની ૧૧ નવલકથા બાદ હવે તેનો અવતાર ફિલ્મી સ્વરૂપે થવાનો હતો.
ઈયાન ફ્લેમિંગનો સ્પષ્ટ ખ્યાલ હતો કે જેમ્સ બોન્ડના જાસૂસની ભૂમિકા કોણ ભજેવી શકે? વિવિધ નામો રજૂ થયા હતા. ઈયાન ફ્લેમિંગની ઈચ્છા હતી કે ટાપુ પરના તેના પાડોશી નોએલ કોવર્ડ પ્રથમ ડોક્ટર ‘નો’ નું પાત્ર ભજવે. કોવાર્ડે તારથી ફ્લેમિંગને જે જણાવ્યું તે આજે એક ઐતિહાસિક વાક્ય બની ગયું છે; “પ્રિય ઈયાન મારો જવાબ છે કે ડોકટર નો માટે મારી ના ના ના જ છે. ડોક્ટર નો ખલનાયક હતા પરંતુ નાયક એવા જેમ્સ બૉન્ડ માટે કોને પસંદ કરવા તે અંગે દ્વિધા હતી. સીન કોનેરી નામના અભિનેતાએ પોતાની કારકીર્દીમાં ટેલીવિઝન ઉપર નાના નાના પાત્રો ભજવ્યા હતા. ફ્લેમિંગને મતે કોનેરીની પસંદગી તેના માટે આદર્શ નહોતી. જેમ્સ બૉન્ડ તો એક ભદ્ર ખાનદાન વ્યકિત તરીકે સૌથી સારી હોટેલો, કેસીનોમાં સરળતાથી જઈ શકતા હતા. કોનેરી તો એડિનબર્ગના એક કારખાના કામદારનો પુત્ર હતો. તેને પોતે મજૂરી કરી હતી. ટ્રકના ડ્રાઈવર તરીકે નોકરી કરી હતી અને ચિત્રકામ શીખવીને પોતાના બંને છેડા ભેગા કર્યા હતા. શારીરિક રીતે કોનેરી સુદ્રઢ હતો અને તેની આંખોના ખૂણામાં એક પ્રકારની વિશિષ્ટતા હતી. ૧૯૬૨માં બીચ ઉપરના શૂટીંગના પ્રથમ દિવસે ઈયાન ફ્લેમિંગે સીન કોનેરીને જે અભિનય કરતાં જોયો તે વિશ્વના સિનેમાના ઈતિહાસમાં એક સીમાચિન્હ ગણાય છે.
ફિલ્લમાં જે સીન શુટ થતો હતો તેમાં જાણીતી સ્વીસ અભિનેત્રી ઉરસૂલા એક્ટ્રેસ ‘હની રાઈડર’ નામના પાત્રની ભુમિકા નિભાવતી હતી. ઉરસૂલા વ્હાઇટ બીકનીમાં સાથળ પર રાખેલી મોટી ચાબુક સાથે બહાર આવે છે અને કેમેરાએ જે ચિત્ર લીધું તે છ છ દાયકા સુધી પોસ્ટરમાં, મેગેઝીનના મુખપુષ્ઠમાં અને ટેલીવિઝનના પડદે દર્શાવાતું રહ્યું છે. જ્યારે તે દરિયાની પાણીની બહાર આવે છે ત્યારે કેમેરામાં જે ચિત્ર આવ્યું તેને બનાવવાનું શક્ય નથી. ઉરસૂલાની નિર્ભયતા અને કુદરતી તેજસ્વિતાના કારણે શૂટીંગની સમગ્ર ટીમ આનંદ સાથે આશ્ચર્યમાં ડૂબી ગઈ. ઉરસૂલાની પસંદગી પણ અકસ્માતે થઈ હતી. તેણીએ પોતાનો ફોટોગ્રાફ મોકલ્યો હતો. તેને જોઈને નિર્માતા ખુશ થયા હતા અને તેની શીઘ્ર પસંદગી કરી હતી. શરૂઆતમાં તેના સંવાદો અન્યના અવાજમાં રેકોર્ડ કરવા પડ્યા હતા. કારણ કે તેની બોલીમાં સ્વીસ લઢણ હતી. જેમને ઉરસૂલાનો દરિયાની પાણીમાંથી બહાર આવતો સીન જોયો છે તેમના માટે સંવાદનું મહત્વ ન હતું. સમુદ્રની માલકણ હોય તેમ છબીમાં છવાઈ ગયેલી ઉરસૂલાનું દ્રશ્ય આજે પણ અનેક દર્શકોને અભિભૂત કરે છે.
બીજી બાજુ સીન કોનેરી છે. ઈયાન ફ્લેમિંગને તેની સાથે બોન્ડના પાત્ર અંગે ખૂબ લાંબી ચર્ચાઓ કરી હતી.
Comments
Post a Comment