એક બહુમુખી પ્રતિભા - શ્રી ક. મા. મુનશી
- પ્રવીણ ક. લહેરી
સોમનાથ મંદિરના પુનઃનિર્માણ બાદ ૧૧ મે ૧૯૫૧ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા થયેલી પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે પ્રતિભાવ આપતા શ્રી કનૈયાલાલ મુનશીએ જણાવ્યું હતું કે, ‘જો સરદાર પટેલ ન હોત તો આપણી આંખો આ પુનઃનિર્માણ કરેલ મંદિર જોઈ શકી ન હોત.’ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેઓ કે. એમ. મુનશીના નામે જાણીતા હતા. તેમનું જીવન એ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે ખૂબ મહત્વનું છે. તારીખ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચ મુકામે જન્મેલા અને ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું. કે. એમ. મુનશીએ ગુજરાતી ભાષા, સાહિત્ય, રાજકારણ, પર્યાવરણ, વકીલાત અને ભારતના રાજદૂત તરીકે તેમણે જે કામગીરી કરી તેનો ઇતિહાસ લાંબો છે. કનૈયાલાલ મુનશી એક લેખક તરીકે તેમની ત્રણ નવલકથાઓ ‘જય સોમનાથ’, ‘પાટણની પ્રભુતા’ અને ‘ગુજરાતનો નાથ’ - આ ત્રણ નવલકથાઓએ અનેક વાચકોને તેમનું ઘેલું લગાડ્યું હતું તેમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. આ ઉપરાંત કૃષ્ણ અવતારના સાત ભાગો અને ભગવાન પરશુરામ માટે વૈદિક સમયની પૃષ્ઠભૂમિ અને સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતી તેમની નવલકથાઓ ગુજરાતી ભાષાના આગવા આભૂષણો છે. ભગવદ્ ગીતા અને આધુનિક જીવન, ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન કલ્ચર, સોમનાથ શાશ્વત દેવસ્થાન સહિત તેમના બહોળા લખાણો તેમની વિદ્વતા અને આગવી સૂઝબૂઝનો પરિચય આપે છે. શ્રી ક. મા. મુનશીએ માત્ર શબ્દોથી નહીં પરંતુ કાર્યથી પણ ભારતીય સંસ્કૃતિની અનોખી સેવા કરી છે. ભારતીય વિદ્યાભવનની સ્થાપના દ્વારા ભારતના અનેક શહેરોમાં અને વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિના અધ્યયન માટે એક સુંદર વ્યવસ્થા તેમણે કરી છે, જે આજે પણ ઉપયોગી રહી છે. મુંબઈમાં એક સફળ વકીલ તરીકે ખ્યાતિ ધરાવતા ક. મા. મુનશી આઝાદી આંદોલનમાં પણ જોડાયા. જેલવાસ પણ વેઠ્યો. ૧૯૩૯માં જ્યારે પ્રાંતીય સ્વાયત્તતા સાથેની મુંબઈ પ્રાંતની શ્રી ખેરના મુખ્યમંત્રીપદે સરકાર બની, તેમાં વિશેષ જવાબદારી તેમણે અદા કરી હતી. તેઓ ખેર મંત્રીમંડળમાં ગૃહમંત્રી હતા. શ્રી મુનશીજી સરદાર પટેલના ચુસ્ત ટેકેદાર અને સહયોગી હતા. હૈદરાબાદના નિઝામ જ્યારે પાકિસ્તાનમાં ભળવાનો વિચાર કરતા હતા, ત્યાં રઝાકારો દ્વારા હિન્દુઓની હત્યાઓ થઈ રહી હતી અને લુચ્ચા અંગ્રેજ અધિકારીઓ નિઝામને સ્વાયત્ત રહેવા કે પાકિસ્તાનમાં જોડાવા સમજાવતા હતા. આવી નાજુક સ્થિતિમાં ભારતના પ્રતિનિધિ (રાજદૂત) તરીકે સરદારે શ્રી મુનશીને હૈદરાબાદ મોકલ્યા. ત્યાંની પરિસ્થિતિમાં પોતાના જાન ઉપર જોખમ લાગતા શ્રી મુનશીજીએ સરદારને તે અંગે ફોન કર્યો. તેમની વાત સાંભળીને સરદાર હસી પડ્યા અને વ્યંગમાં કહ્યું, ‘કનુભાઈ’ - (સરદાર તેમને આ નામે બોલાવતા હતા.) - ‘જો તમને કંઈ થશે, અમે તમારું ખૂબ સારું સ્મારક બનાવીશું.’ ત્યાર પછી કહ્યું કે, ‘અમે યોગ્ય વ્યવસ્થા કરીએ છીએ.’ ઓપરેશન પોલો બાદ નિઝામ શરણે આવ્યા, તેમાં મુનશીની સમજાવટ અને કુનેહ જવાબદાર હતા. આ જ રીતે જ્યારે આરઝી હુકુમત અને ભારતીય લશ્કરે જૂનાગઢનો કબજો સંભાળ્યો ત્યારે તે સમાચાર સરદાર સાથે રહેલા મુનશીજીએ ફોન પર સાંભળ્યા. મુનશીજીએ સરદારને ‘જૂનાગઢ આઝાદ થયું છે’ તેમ કહેવાને બદલે માત્ર ‘જય સોમનાથ’ કહ્યું અને આ કોડ મેસેજના આધારે ત્યારબાદ ૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ સરદારે પ્રભાસ પાટણની મુલાકાત લીધી અને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની અઢીસો વર્ષ જેટલી ભગ્ન અવસ્થા નિહાળીને ખૂબ દુઃખ અનુભવ્યું. સરદારે સમુદ્રજળ હાથમાં લઈને સંકલ્પ કર્યો કે આ મંદિરનું પુનઃનિર્માણ થશે. આ મંદિરના પુનઃનિર્માણ માટે સોમનાથ ટ્રસ્ટની રચના અને તેના સેક્રેટરી તરીકે ક. મા. મુનશીએ જે ભૂમિકા ભજવી છે તે નોંધ લેવા સાથે આપણે એમ પણ કહી શકીએ કે જો ક. મા. મુનશી ન હોત તો સંભવ છે કે સોમનાથનું પુનઃનિર્માણ શક્ય બન્યું ન હોત. પંડિત જવાહરલાલ નહેરુની નારાજગી હોવા છતાં મુનશીજીની શક્તિ ધ્યાને લઈને તેમને દેશના કૃષિ મંત્રી અને ત્યારબાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક આપવામાં આવી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે તેમણે વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. પર્યાવરણ શબ્દ જ્યારે વપરાશમાં નહોતો ત્યારે તેમણે જે દીર્ઘદ્રષ્ટિથી વૃક્ષારોપણને મહત્વ આપ્યું તેની સારી અસર આજે દેશના ગામડે ગામડે જોવા મળે છે. શ્રી ક. મા. મુનશીના પ્રદાનનું મૂલ્ય સમજવા માટે આપણે અલગ અલગ દ્રષ્ટિકોણથી વિચારવાનું રહે. એક સફળ વકીલ તરીકે તેમની કારકિર્દી હતી, પરંતુ સાથે સાથે બંધારણ સભામાં બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર તરીકે તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું હતું અને બંધારણ ઘડતરમાં તેમનું જે પ્રદાન છે તે હજી પૂરું ઉજાગર થયું નથી. તાજેતરમાં પ્રશાંત ફાટક નામના લેખકે મરાઠીમાં સાંસ્કૃતિક પુનઃજાગરણના અધ્વર્યુ તરીકે ક. મા. મુનશીને બિરદાવ્યા છે, પરંતુ તેમની બહુમુખી પ્રતિભાને ન્યાય આપે તેવું પુસ્તક ગુજરાતીમાં ઉપલબ્ધ થાય તો ભાવિ પેઢી માટે પ્રેરણાદાયી બને. ગુજરાતી સાહિત્ય પરિષદમાં વર્ષો સુધી સેવા આપી પરિષદને એક સક્ષમ સંગઠન તરીકે વિકસાવવામાં પણ ક. મા. મુનશીનો ફાળો રહેલો હતો. તેમની નવલકથાઓનો અમુક અંશ ફ્રેન્ચ નવલકથામાંથી નકલ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો બાદ પણ તેમના લખાણો પ્રત્યે પેઢીઓ સુધી એક આગવું આકર્ષણ રહ્યું હતું તે નિર્વિવાદ છે. ગાંધીયુગના અનેક વિચક્ષણ નેતાઓમાં ક. મા. મુનશીનું સ્થાન અજોડ ગણવું જોઈએ. સરદાર પટેલના સહયોગી તરીકે તેમણે સરદારના અનેક કામોમાં પડદા પાછળ ઉપયોગી ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલને ક. મા. મુનશીની ક્ષમતામાં પૂરો વિશ્વાસ હતો. ગુજરાતે ક. મા. મુનશીની યાદમાં ખાસ કંઈ કર્યું હોય તેવું મારા ધ્યાનમાં નથી, પરંતુ ક. મા. મુનશીએ ભારતીય વિદ્યાભવનનું જે માળખું ઊભું કર્યું છે તે તેમનું જીવંત સ્મારક છે. ભારતીય વિદ્યાભવન આજે શિક્ષણ, પ્રકાશન અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ભારતની મહાન સંસ્કૃતિને વિશ્વ સમક્ષ સફળ રીતે રજૂ કરી શક્યું છે તેનું આપણે સૌ ગૌરવ લઈ શકીએ. ક. મા. મુનશીના જીવનમાંથી યુવાપેઢી પ્રેરણા લઈ પ્રાચીન અને આધુનિક તત્વોનો સમન્વય કરી વિકસિત ભારત ૨૦૪૭ ના ઉચ્ચ આદર્શો સાકાર કરે તેવી અભ્યર્થના.
Comments
Post a Comment