સૂફી સંત રાબિયા

                                                                            - પ્રવીણ ક. લહેરી

દેશમાં કોમી એકલાસ જાળવવા અંગે મેં જે લેખ લખ્યો તેના વિવિધ પ્રત્યાઘાતો આવ્યા. કોઈને એ એકતરફી લાગ્યો તો કોઈને તેમાંથી પરસ્પરની લાગણીમાં વૃદ્ધિ કરતો લાગ્યો. બાંગ્લાદેશની લેખિકા તસલીમા નસરીન દ્વારા જે લજ્જા નામની નવલકથા સત્ય ઘટનાને આધારે લખવામાં આવી છે અને આજે પણ બાંગ્લાદેશમાં જે કાંઈ થઈ રહ્યું છે તે ધર્મના નામે થઈ રહ્યું છે તેટલી વાતમાં કોઈ વિવાદનો અવકાશ નથી. લઘુમતી ઉપરના અત્યાચારમાં બાંગ્લાદેશ આજે માનવીય મર્યાદાઓ વટાવી ચૂક્યું છે ત્યારે ઇસ્લામમાં ‘સૂફી’ સંપ્રદાયના એક સૂફી સંતની વાત કરવી છે. ઇ.સ. ૭૧૭ આસપાસ ઈરાકના બસરા ગામમાં એક અતિશય ગરીબ પરિવારમાં એક પુત્રીનો જન્મ થયો. માતા-પિતાની આ ચોથી પુત્રીનું નામ રાબિયા બસરી રાખવામાં આવ્યું. રાબિયાનો અર્થ અરબીમાં ‘ચોથી’ થાય છે. રાબિયાના જન્મ સમયે તેમના ઘરની હાલત એટલી ખરાબ હતી કે એક દીવો કરવા જેટલું તેલ ઉપલબ્ધ ન હતું. ‘પડતાને પાટું’ જેવી કહેવત મુજબ રાબિયા બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ખોઈ બેઠી હતી. બસરામાં આવેલા ભીષણ દુષ્કાળને કારણે તે પોતાની બહેનોથી પણ વિખૂટી પડી ગઈ હતી. આવા સમયે એક ક્રૂર વ્યક્તિએ રાબિયાને પકડીને ગુલામ તરીકે વેચી દીધી. આવી દર્દભરી સ્થિતિમાં રાબિયા દિવસભર પોતાના માલિકના ઘરના નાના-મોટા તમામ કામો જહેમતપૂર્વક કરતી હતી પરંતુ રાત્રે જાગતી રહીને અલ્લાહની બંદગીમાં તલ્લીન રહેતી હતી. એક રાત્રે રાબિયાના માલિકે તેને બંદગી કરતા સજદામાં ઝૂકેલી જોઈ ત્યારે તેના માથા ઉપર એક દિવ્ય પ્રકાશનું વર્તુળ જોયું જેનાથી આખો ઓરડો રોશન દેખાતો હતો. માલિક આ દ્રશ્ય જોઈને ખૂબ ડરી ગયો. એને સમજાયું કે આ કોઈ સાધારણ છોકરી નથી પરંતુ અલ્લાહની એક મહાન સમર્પિત ભક્ત છે. આગલે દિવસે સવારે જ માલિકે રાબિયાને ગુલામીમાંથી મુક્ત કરી દીધી. સૂફી સંપ્રદાયમાં ‘ઇશ્ક એ હકીકી’ના સિદ્ધાંત પ્રમાણે રાબિયા બસરીએ એક ક્રાંતિકારી વિચાર આપ્યો છે. અગાઉ લોકો કયામતના ડરથી અથવા જન્નતની લાલચથી ભગવાનની ઇબાદત કરતા હતા. રાબિયાએ કહ્યું કે ઈશ્વરને પ્રેમ કરવા સિવાય કોઈ સ્વાર્થ હોવો જોઈએ નહીં. રાબિયાની આ વાત વાંચીએ ત્યારે આપણને કૃષ્ણભક્ત મીરાંની યાદ આવે છે. ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરે ન કોઈ’ જેવા મીરાંના અનેક પદોમાંથી જે બોધ મળે છે તેવો જ બોધ રાબિયાના જીવનમાંથી મળે છે. રાબિયાએ ખાસ ઉપદેશ નથી આપ્યો પરંતુ તેનું જીવન એ જ એક મોટો ઉપદેશ બની ગયું છે. ગુલામીમાંથી મુક્તિ બાદ રાબિયાએ એક નાની ઝૂંપડી બનાવી અને તેમાં વૈરાગ્યપૂર્ણ જીવન જીવવા લાગી. તેની પાસે માત્ર ત્રણ વસ્તુઓ હતી એક ચટાઈ, એક માટીનું માટલું અને એક ઈંટ કે જેનો ઉપયોગ તે ઓશિકા તરીકે કરતી હતી. એ સમયે તેની પાસે ઘણાં સિદ્ધ પુરુષો અને ધનવાન લોકોએ લગ્ન માટે વાત કરી હતી જેમાં હસન અલ બસરી નામના પૈસા અને સત્તાવાળા માણસ પણ સામેલ હતા. મીરાંની જેમ રાબિયાએ પણ આ વાત એમ કહીને નકારી કાઢી કે ઉનકા દિલ આત્મા ઓર અસ્તિત્વ માત્ર ને માત્ર ઈશ્વરને સમર્પિત છે અને તેના જીવનમાં બીજું કશું કરવા માટેની કોઈ જગ્યા જ બચી નથી. લોકોએ રાબિયાને જીવન જરૂરિયાત પૂરતું ખોરાક વગેરે આપ્યું. રાબિયા બસરીએ લગભગ ૮૦ વર્ષે જેરુસલેમમાં દેહત્યાગ કર્યો ત્યારે એમ કહેવાય છે કે તેની ઝૂંપડીમાંથી એક અવાજ આવ્યો કે ‘જેમણે સાક્ષાત્કાર કર્યો છે તે આત્મા પોતાના અલ્લાહની તરફ પરત ફરી રહ્યો છે.’ આઠમી સદીની આ મહિલા સૂફી સંત અને સાધ્વી ઈરાકની પહેલી મહિલા સંત માનવામાં આવે છે. રાબિયાએ અધ્યાત્મક્ષેત્રમાં જે સ્થાન હાંસલ કર્યું છે તે આજે પણ દુનિયામાં ઈશ્વર સમર્પણ અને સાધનાનું એક અનોખું ઉદાહરણ છે. રાબિયા બસરીનું જીવન આપણને શીખવે છે કે ભૌતિક સુખ-સુવિધા અને પરિસ્થિતિ ગમે તે હોય પરંતુ જો આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ સાચો હોય તો પ્રભુ આપણને દરેક બંધનથી મુક્ત કરી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચાડે છે. ભારતમાં ભક્તિ સંપ્રદાયની લાંબી પરંપરા રહી છે. સૂફી પંથ અને ભક્તિ પંથ વચ્ચે ઈશ્વર સમર્પણ અને વૈરાગ્યની જે ભાવના છે તે ભાવના સાચા ધર્મની ઊંચાઈ દર્શાવે છે નહીં કે મારો ધર્મ સાચો અને અન્ય ધર્મ ખોટા એવો વહેમ રાખનાર લોકો હકીકતમાં ધર્માંધતાની વ્યાખ્યામાં આવે છે અને તેઓ ગમે તે ધર્મ પાળતા હોય તેનો કોઈ અર્થ નથી. ૧૯૯૦ અગાઉ કાશ્મિર માટે કહેવાતું હતું કે તે સૂફી પરંપરામાં માને છે. સેંકડો વર્ષથી કાશ્મિરી બ્રાહ્મણ પંડિતો અને મુસલમાનો સરખી ભાષા સરખો ખોરાક અને સરખી સંસ્કૃતિનો હિસ્સો હતાં કારણ કે તેના ઉપર સૂફી સંપ્રદાયના સંસ્કારો હતા. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદના કારણે ૧૯૯૦માં કાશ્મીરમાં જે ઘટના ઘટી છે તેને ‘માનવસંહાર’ તરીકે ન ઓળખીએ તો બીજો કયો શબ્દ વાપરવો તે પ્રશ્ન છે. આજે પણ કલમ ૩૭૦ હેઠળના કાશ્મીરની ખાસ જોગવાઈઓ રદ થયા બાદ શાંતિ છે પરંતુ ત્યાંની બહુમતીના મનમાં જે ઝેર રેડવામાં આવ્યું છે તે દૂર થતાં સમય લાગશે. પ્રમુખસ્વામી મહારાજના અનેક સુભાષિતમાંના વાક્યોમાં એક વાક્ય એવું છે કે ‘પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ ધર્મ.’ હવે પ્રશ્ન એ છે કે ‘પરસ્પર નફરત ફેલાવે તે અધર્મ’ એમ કહેવું પણ સાચું છે. કમનસીબે અમુક ધર્મના શાસ્ત્રો જ ભેદભાવ, અસમાનતા, શોષણને વખોડતા નથી. હિન્દુ ધર્મની વર્ણ વ્યવસ્થા હોય કે જ્ઞાતિના ઊંચનીચના ભેદ હોય તે બંધારણની વિભાવનાઓ સાથે બિલકુલ સુસંગત નથી. તે જ રીતે કાફિરને રિબાવી રિબાવીને મારવાની વાત કોઈ ધર્મ કરે તો તે નિંદાપાત્ર છે. બુદ્ધ અને જૈન ધર્મમાં પાયાનો સિદ્ધાંત એ રહ્યો કે ‘ઈશ્વરની ચિંતા છોડો મૈત્રી અને પ્રેમથી એકબીજા સાથે રહો, અપરિગ્રહ અને સાદગી દ્વારા તેમજ જીવનની કઠોરતાને પણ પચાવીને આનંદમાં રહો’ તે ભાવના આપણને આજના યુગમાં ઉપયોગી સંદેશો આપે છે. અંતમાં મુનિશ્રી ચિત્રભાનુના કાવ્યની પંક્તિઓ ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યાં કરો..શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહો..’


Comments

Popular posts from this blog