માનવી અને પશુ વચ્ચે પ્રેમ
- પ્રવીણ ક. લહેરી
તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાર-પાંચ જગ્યાએ સિંહ કે સિંહણે બાળકથી માંડીને પ્રૌઢ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો ત્યારે અનેક તર્ક-વિતર્ક થયા. અમુક વિદ્વાનોનું માનવું છે કે પોતાના વિસ્તારમાં ખોરાકના અભાવે સિંહ આવું કરવા પ્રેરાય તેમ છે, તો બીજા વિદ્વાનોનું કહેવું છે કે સિંહ માનવવસ્તીની ખૂબ નજીક રહે છે અને કોઈપણ વ્યક્તિ સિંહને છંછેડે તો સિંહ હુમલો કરે છે. આ બધી ચર્ચા વચ્ચે પાલીતાણા પાસે એક એવો બનાવ બન્યો કે જેમાં કાળુભાઈ નામની એક વ્યક્તિને સિંહે દબોચી લીધો. કાળુભાઈના પગ ઉપર સિંહે આસન જમાવ્યું હતું ત્યારે આસપાસના લોકોને કાળુભાઈનો કરુણ અંજામ આવશે તેવી દહેશત હતી. પરંતુ કાળુભાઈએ સ્વસ્થતા જાળવી, સિંહ કે સિંહણ જે હોય તેની આંખમાં આંખ પરોવી તેને વહાલથી થપથપાવતા તેઓ સિંહની પકડમાંથી મુક્ત થયા. સિંહ પોતાના રસ્તે અને કાળુભાઈ નવજીવન સાથે પોતાના રસ્તે. આ ઘટનાએ એક વાત પુરવાર કરી કે જંગલી પશુઓ પણ પ્રેમને આધીન છે. ભલું થાય સોશિયલ મીડિયાનું કે આપણને અનેક અવનવી વાતો સમજાવે છે. આફ્રિકાના જંગલમાં એક યુરોપિયને હાથીઓ સાથે હળીમળી તેમની સારવાર સહિત તેમના સંરક્ષણ માટે કાર્ય કર્યું હતું. આ વ્યક્તિનું જ્યારે દેહાંત થયું ત્યારે માઈલો દૂરથી હાથીઓના ઝુંડના ઝુંડ મૃતકના મકાન સુધી ચાલતા પહોંચ્યા. તેમની આંખમાં અશ્રુ હતા. એ દિવસે કશું ખાધા-પીધા વગર તેઓ ઊભા રહ્યા અને પછી સૂંઢથી અલવિદા કહેતા ફરી જંગલમાં ચાલી ગયા. આ હાથીઓને કઈ જ્ઞાનેન્દ્રિયે આ સમાચાર આપ્યા હશે? મોતનો મલાજો જાળવીને શોક વ્યક્ત કરવા સુધીની પ્રક્રિયા કરવામાં હાથીઓના મનમાં વિચારોની શી મથામણ ચાલી હશે? સોશિયલ મીડિયામાં આપણે એ પણ જોઈએ છીએ કે સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, ગોરિલા સહિત અનેક જંગલી પશુઓ સાથે જેમની મિત્રતા છે તેવા યુવાન કે યુવતીને જોતાંવેંત આ જંગલી પશુઓ તેના તરફ પુરવેગથી દોડે છે, તેને ભેટી પડે છે, ઉપર બે પગ રાખીને વહાલ કરે છે અને જીભથી ચાટીને આત્મીયતા વ્યક્ત કરે છે. આવી જ રીતે સર્પો સાથે રહેતા બાળકોની હકીકતો પણ આપણે જાણીએ છીએ. દીવમાં વસતા રમેશભાઈ રાવળ સિંહોના સ્વભાવના નિષ્ણાત છે. તેઓ સિંહોની ભાષાના સંકેતો સમજી શકે છે. વર્ષો સુધી ગીરમાં સિંહોની નજીક રહીને રમેશભાઈ રાવળે સિંહોની વર્તણૂક બાબતે ઘણું સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આવી જ રીતે વન વિભાગના અનેક કર્મચારીઓ સાથે પણ વન્ય પશુઓની મિત્રતાથી આપણે વાકેફ છીએ.
એક રીતે જોઈએ તો મનુષ્ય પણ પશુ જ છે, પરંતુ સામાજિક સહયોગ, બુદ્ધિનો વિકાસ, તર્કનો ઉપયોગ અને જ્ઞાનના સંચય દ્વારા માનવ જાતે અકલ્પ્ય પ્રગતિ સાધી છે. હવે પ્રશ્ન એ છે કે માનવ અને પશુઓ વચ્ચેનો સંબંધ શું છે? જ્યાં સુધી ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઊંટ વગેરે પાલતુ પ્રાણીઓનો સંબંધ છે, ત્યાં આ વર્ગનાં પ્રાણીઓ પાલતુ બન્યાં છે. બિલાડી અને કૂતરાઓને પાળવાનો શોખ જ્યારે કોઈ વ્યક્તિ કે પરિવારમાં જોઈએ છીએ ત્યારે આપણે દંગ રહી જઈએ છીએ. પાળેલા પશુઓ અને માનવી વચ્ચે એક અતૂટ સંબંધ જોડાય છે. હું રાજુલા જેવા નાના ગામમાં પ્રથમ સોળ વર્ષ ઉછર્યો ત્યારે અમારા પાસે એક પાળેલી ગીર ગાય હતી. ભરવાડ તેને સવારે ચરવા લઈ જાય અને બપોરે બે વાગે તે પરત આવે. દૂર ગમાણમાં તેને બાંધવાની હોય તે પહેલાં અમારા નિવાસસ્થાનની ડેલી જોડે માથું ભટકાવી ડેલી ખોલે અને ફળિયામાં આવે. જ્યાં સુધી મારા બા તેને રોટલી ન ખવડાવે ત્યાં સુધી તે ઊભી રહે અને સમયાંતરે ધ્યાન દોરવા માટે ભાંભરતી રહે. ક્યારેક ઘરમાં વધારાની રોટલી ન હોય તો મારા બા તેની જોડે વાત કરીને સમજાવે ત્યારે નિરાશામાં માથું હલાવી તે જાય. પશુઓમાં બુદ્ધિ કે સમજણ ઓછી હોય છે તેવું આપણે માનીએ છીએ, પરંતુ એક વખત કોઈકે ખાસ પાંજરું બનાવીને બે સસલા પાળ્યા હતા. સસલાનો પાલક જ્યારે પિંજરા પાસે આવે ત્યારે એક સસલું ઉછળકૂદ કરી તેની સાથે ગેલ કરે, જ્યારે બીજું સસલું ખૂણામાં છુપાઈને બેસી રહે. પાલકે માન્યું કે એક સસલું ઉત્સાહી છે અને બીજું શરમાળ અને ડરપોક છે. આશ્ચર્યની ઘટના એ હતી કે થોડા દિવસ પછી જ્યાં કહેવાતું શરમાળ સસલું સંતાઈ જતું હતું, ત્યાં પિંજરામાંથી જગ્યા કરી જમીનમાં ટનલ બનાવી પછી બંને સસલા નાસી ગયા હતા !
“આહારનિદ્રાભયમૈથુનં ચ સામાન્યમેતત્ પશુભિર્નરાણામ્ ।” આહાર, નિંદ્રા, ભય અને મૈથુન - આ ચાર વસ્તુઓ મનુષ્ય અને પશુઓમાં સામાન્ય છે. તે ઉપરાંત ભાષા વિના વાત કરવાની એક રીત મનુષ્ય અને પશુઓ વચ્ચે વિકસી છે. તમામ પશુઓને માનવીના ચહેરા લગભગ યાદ રહે છે. અનેક પશુ-પક્ષીઓ માણસના અવાજને પણ ઓળખે છે. ૧૯૮૭-૮૮માં એક રાજકીય પક્ષના ટ્રસ્ટ દ્વારા રફાળેશ્વરમાં ઢોરવાડો ખોલવામાં આવ્યો હતો. રફાળેશ્વરમાં પાણીની તંગી અને ઘાસચારાની મુશ્કેલીને ધ્યાને લઈને આ ઢોરવાડાને મહી કેનાલના છેવાડાના ભાગે આવેલા પરીયેજ ગામે, ખેડા જિલ્લામાં, ખસેડવામાં આવ્યો હતો. આ ઢોરવાડામાં કેટલાં ઢોર હતાં કે છે તે અંગે રાજકીય વિવાદ ઊભો થયો હતો.
જ્યારે આ ઢોરની ગણતરીનો પ્રશ્ન આવ્યો ત્યારે આઠ ટીમ બનાવી હજારો ઢોરોની ગણતરી ચાલુ કરી, પરંતુ અમુક સમયે માલધારીઓએ સહકાર આપવાને બદલે એવી હરકતો કરી કે ટીમ ઢોર ગણતી હોય ત્યાં દૂરથી માલધારી સિસોટી મારે કે કોઈ અવાજ કરે તો ગણતરી હેઠળના ઢોર દોડીને દૂર જતાં રહે. ઘેટાં-બકરાં રાખતા માલધારી માત્ર નજર રાખીને કોઈ ઘેટું કે બકરું છૂટું પડી ગયું હોય તો તેને ઓળખી શકે. તેનું કારણ એટલું કે તેઓ દિવસ-રાત પશુઓ જોડે રહે છે.
ડાંગ જિલ્લામાં સ્વરાજ આશ્રમમાં સ્થાપક શ્રી ઘેલુભાઈ દેસાઈ સાથે મારે સાબરકાંઠાની એક તપાસ માટે ચારેક દિવસ રહેવાનું થયું હતું ત્યારે તેમણે પશુઓ, પંખીઓ અને માણસ વચ્ચે કઈ રીતે પ્રેમાળ સંબંધ વિકસે છે તેના ઘણા ઉદાહરણ સાથે વાત કરી હતી. ઘેલુભાઈએ જાતે એક જમાનામાં આંખ સામે આંખ મિલાવીને તેની જોડે દોસ્તી કરવાની કોશિશ કરી હતી. તેઓ નાગને ખૂબ કાળજીથી પકડીને સલામત રીતે છોડતા હતા, પરંતુ એક દિવસ કંઈક ચૂક થઈ અને સાપે તેમને ડંખ માર્યો, જેના માટે તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી.
ગાંધીજી કહેતા હતા કે અહિંસા અદ્વૈતના પડમાં છુપાયેલી છે. તેનો વિસ્તૃત અર્થ એ છે કે જ્યારે વ્યક્તિ અને પશુ વચ્ચે ઐક્યભાવ આવે ત્યારે એકબીજા પ્રત્યેનો ડર નાબૂદ થાય. ગાંધીજીની અહિંસાની સાધના એ કોઈ નબળાઈ નહોતી, પરંતુ સામી વ્યક્તિના દિલમાં રહેલી પ્રેમની લાગણીને જાગૃત કરવાનો પ્રયાસ હતો. દક્ષિણ આફ્રિકામાં ગવર્નર જનરલ સ્મટ્સ, જેમણે ગાંધીજીને ત્રણ-ચાર મહિના માટે જેલમાં પૂર્યા હતા, જેલમાંથી છૂટીને ગાંધીજી જનરલ સ્મટ્સને મળવા જાય છે અને ભેટ તરીકે તેમને જેલમાં બનાવેલી ચપ્પલની જોડ ભેટ આપે છે ત્યારે લશ્કરી મિજાજ ધરાવતા જનરલ સ્મટ્સ પણ અભિભૂત થઈ જાય છે. વર્ષો બાદ તેમણે ગાંધીજીને અંજલિ આપતાં કહ્યું હતું કે, આ એવી વ્યક્તિ છે જે અસામાન્ય છે. વિરોધી પ્રત્યે ઈર્ષા કે દ્વેષ રાખવાને બદલે તેમના મનમાં સૌ માટે પ્રેમ અને આદરની લાગણી રહેલી છે. આ એકવાર દર્શાવે છે કે આ વિશ્વમાં શાંતિ કરવી હોય અને સૌએ સુખી રહેવું હોય તો જૈન ધર્મની અહિંસાનું મહત્વ કે ગાંધીજીના સત્યાગ્રહ પાછળની ભાવના સમજીને આપણી આગામી પેઢીઓને આ માટેના મૂલ્યો અને સંસ્કારોનું સંક્રમણ કરવું અનિવાર્ય છે. કોઈ ફિલસૂફે સાચું જ કહ્યું હતું કે યુદ્ધનો જન્મ યુદ્ધના મેદાનમાં નહીં, પરંતુ માનવીના મનમાં થાય છે. માનવીના મનમાં ડર નહીં હોય અને માત્ર ને માત્ર પ્રેમ હશે તો તે અન્ય માનવીને તો ઠીક, પરંતુ ખૂંખારમાં ખૂંખાર પશુને પણ પ્રેમવશ કરી શકશે.
Comments
Post a Comment