ભારત-અમેરિકા અને ચીન
- પ્રવીણ ક. લહેરી
૧૯૫૦ના દશકામાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તટસ્થતાની વિદેશનીતિ અખત્યાર કરી અને ક્રમશઃ બીનજોડાણવાદી દેશોની સંખ્યા વધી તેનાથી અમેરિકા ભારત સાથે નારાજ રહેલું છે. ૧૯૬૦માં ચૂંટાયેલા યુવાન પ્રેસીડેન્ટ જહૉન કૅનેડીની લાગણી ભારત સાથે જોડાયેલી હતી. તેમણે પંડિત જવાહરલાલ નહેરુને નિમંત્રણ આપીને ખાસ કરીને ચીન સાથેનો આપણો વ્યવહાર બગડ્યો હતો ત્યારે અમેરિકાએ ભારતના પક્ષે રહેવું પસંદ કર્યું હતું. ૨૩મી નવેમ્બર ૧૯૬૩ના રોજ ખૂબ ભેદી સંજોગોમાં શ્રી જહૉન કૅનેડીની હત્યા થઈ અને તેની જગ્યાએ આવેલા લિંડન બી. જોન્સન દક્ષિણના રાજ્યના રૂઢીવાદી નેતા હતા. ૧૯૭૦ના દસકામાં પ્રમુખ રિચાર્ડ નિકશન અને તેના વિદેશમંત્રી હેનરી કિસીન્જરની જોડીના કારણે અમેરિકાનો લગાવ પાકિસ્તાન પ્રત્યે વધ્યો હતો. પાકિસ્તાનની મદદથી અતિશય ગુપ્ત રીતે કિસીન્જરે ૧૯૭૪માં ચીનની રહસ્યમય મુલાકાત લીધી અને તાઈવાનની મૂળ ચીન તરીકેની માન્યતા રદ કરીને ચીનને સીક્યોરિટી કાઉન્સિલ સહિત યુએનમાં અને તમામ આંતરરાષ્ટ્ર્ીય સંગઠ્ઠનોમાં સભ્યપદ આપવામાં આવ્યું. આ ઉપરાંત ચીનને નિકશન અને હેનરી કિસીન્જરે વેપાર માટે સૌથી તરફેણવાળો દેશ જાહેર કરીને ચીનને વિશ્વનું પ્રોડક્શન હબ બનાવવામાં ભારે મદદ કરી. વિધીની વિચિત્રતા છે કે આજે એ જીત અમેરિકા કરતાં પણ વધારે શક્તિશાળી બનતું જાય છે. તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં અમેરિકાને થયેલી હાનિ સશસ્ત્રોનો વપરાશ તેમજ યુક્રેનમાં વપરાયેલા શસ્ત્રો બાદ અમેરિકાના સેનાપતિઓ પ્રમુખશ્રી ડોનાલ્ડ ટ્ર્મ્પને જણાવે છે કે હવે લાંબો સમય પછી કોઈ યુદ્ધ ચાલું રાખીએ તો આપણી સુપર પાવર તરીકે જે શક્તિઓ છે તે ક્રમશઃ ક્ષીણ થતી જશે.
બિલકલિન્ટન અને બરાક ઓબામાના પ્રમુખપદના આઠ-આઠ વર્ષ ગણીએ તો તે ૧૬ વર્ષમાં પાકિસ્તાન કરતાં વધારે ભારતને અમેરિકાએ વધારે મહત્ત્વ આપ્યું. બરાક ઓબામાના સમયમાં અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્ર્લિયા એમ ચાર દેશોનો સમૂહ કવાડ ચીનને વિસ્તારવાદી નીતિને રોકવા માટે બનાવવામાં આવ્યો. પરંતુ અમેરિકાને અચાનક તેમાંથી રસ ઊડી ગયો છે. ફરી તે ચીન સાથે સબંધો સુધારી ચીન જોડે ભવિષ્યે કોઈ તકરાર ન થાય તે માટે કાર્યરત બન્યું છે. સંભવ છે કે અમેરિકાના રક્ષણ હેઠળનું તાઈવાન કે જેના પર ચીનનો દાવો છે તે પણ ચીનને ખુશ રાખવા માટે શાંતિપૂર્વક સોંપી દેવામાં આવે.
૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું તેમાં ભારતે બુરી રીતે હારનો સામનો કરવો પડ્યો. આજે ભારત ઘણું વધારે સક્ષમ થયું છે પરંતુ અર્થતંત્ર હોય કે લશ્કરી તાકાત - ચીન ભારત કરતાં ઘણું આગળ નીકળી ગયું છે. આના કારણે ચીન સાથેનો સરહદનો વિવાદ ઊકેલે તેવા કોઈ ચિહ્નો નજરે આવતા નથી. બીજી બાજુ ચીન ક્રમશઃ અરુણાચલ પ્રદેશ અને લદાખમાં પોતાના કબજા હેઠળની જમીનમાં વધારો કરી ભારતને મુંઝવણભરી પરિસ્થિતિમાં મૂકી દીધું છે. ચીનને હરકત કરતાં રોકવું તે આપણી વિદેશનીતિના ઘડવૈયાઓ માટે મુખ્ય પડકાર છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. વેપાર અને મૈત્રી કરાર જેવી ચેષ્ટા કરે છે તો બીજી ધમકીઓ આપે છે. ચીન વિદેશનીતિ બાબતમાં ખૂબ ચાલાક છે અને ઈરાનને સશસ્ત્ર સજ્જજ કરવામાં તેની પ્રમુખ ભૂમિકા રહી છે. રશિયા જેવી મહાસત્તાએ પણ યુક્રેન યુદ્ધમાં ચીન પાસેથી શસ્ત્રો લેવા પડ્યા તેવા અહેવાલ છે. આજે ભારત માટે ચીન સાથેના સબંધો સૌથી વધારે સંવેદનશીલ કક્ષાએ પહોંચ્યા છે. ભારતની ચીનમાંથી થતી આયાત ૧૦૦ અબજ યુ.એસ. અબજ ડોલર કરતાં પણ વધી છે અને વ્યાપારના કારણે ભારતને ખૂબ મોટી ખાદ્ય ભોગવવી પડી રહી છે. અનેક બાબતોમાં આપણા ઉદ્યોગો કાચા માલ માટે અથવા તો મધ્યમકક્ષાએ વપરાશમાં લેવાતી વસ્તુઓ માટે ચીન ઉપર અવલંબે છે. નથી આપણે આયાત ઘટાડી શકતા કે નથી નિકાસ વધારી શકતા. આ સંજોગોમાં ચીન, અમેરિકા અને ભારત વચ્ચેના સંજોગો ડામાડોળ થયાં છે. અમેરિકાના હાલના પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્ર્મ્પને હજી અઢી વર્ષ શાસન કરવાનું છે ત્યારે તેની ચંચળ પ્રકૃતિ ધ્યાને લેતાં ક્યારે શું થશે તેની આગાહી કરી મુશ્કેલ છે. સદ્નસીબે ભારતનો વિકાસ દર અન્ય કરતાં ઊંચો છે અને સ્થાનિક બજારમાં વસ્તુઓનું વેચાણ સારું છે ત્યારે આપણે હવે દેશમાં વંચિતોની આવક વધે, ગરીબી નાબૂદ થાય, ઉત્પાદકતા વધે તે માટે કાળજી કરવી જરૂરી છે. વિદેશનીતિનું એક જ સૂત્ર છે કે; ‘‘સમરથ કે નહીં દોષ ગોસાઈ’’ એ ન્યાયે આપણા સામ્થર્યમાં વૃદ્ધિ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
ભારત માટે રશિયા સાથેની દોસ્તી ટકાઉ અને ઉપકારક નિવડી છે. કમનસીબે રશિયા આજે અગાઉ જેવી મહાસત્તા રહ્યું નથી પરંતુ યુદ્ધના સરંજામ માટે તેમની સંશોધન અને ચોકસાઈ માટે આજે પણ નામના છે. હવે પછીના યુદ્ધો જ્યારે મિસાઈલથી લડાવાના ત્યારે આપણને ઑપરેશન સિંદૂર વખતે રશિયાની એસ-૪૦૦ની પ્રતિકારક સીસ્ટમ ખૂબ ઉપયોગી નિવડી હતી. રશિયાએ ભારતને અણુશક્તિમાં અને અવકાશક્ષેત્રમાં પણ મદદ કરી છે. સંભવ છે કે રશિયાની મૈત્રી ન હોત તો પશ્ચિમના દેશો ભારતને ટૅકનોલોજી ક્ષેત્રે બીલકુલ પછાત રાખવાનું ષડયંત્ર કરતાં હોત. અમેરિકા સૌથી શક્તિશાળી લોકશાહી દેશ છે અને ભારત સૌથી મોટી લોકશાહીનો દેશ છે તેવી વાતો નિરર્થક છે. અમેરિકાનું તંત્ર ડીપ સ્ટેટ અને તેની ગુપ્તચર એજન્સીઓ ચલાવી રહ્યા છે તેવી માન્યતામાં તથ્ય રહેલું છે. ચીન અને રશિયામાં પક્ષીય સરમુખત્યારશાહીને કારણે ગુપ્તતા જળવાય છે. તેઓની જાસૂસી પદ્ધતિ પણ ખૂબ અસરકારક છે. ભારતે જાસૂસીના ક્ષેત્રે અને સંરક્ષણના ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. પ્રશ્ન એ છે કે આપણે અતિ આધુનિક ટૅકનોલોજી દ્વારા ચીન આપણી સામે કોઈ દબાણ ન કરી શકે તેવી સંગીન સ્થિતિનું નિર્માણ કરી શકીએ તેમ છીએ ? ભારત જેટલો વિશાળ દેશ તેની સરકાર અને યુવાપેઢી સંઘર્ષના માર્ગને બદલે સાથે મળીને રાષ્ટ્ર્ીય લક્ષ્યાંકો નક્કી કરીને ૧૦ વર્ષ માટે વિકાસ અને માત્ર વિકાસની અગ્રતા આપીએ તો કશુંય અશક્ય નથી. ભારત માટે આઝાદીનું શતાબ્દિ વર્ષ ૨૦૪૭માં વિકસીત ભારત કેવું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આજે ટૅકનોલોજીમાં ખાસ કરીને આર્ટિફીશીયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિકમાં જે ઝડપથી પ્રગતિ થઈ રહી છે તે જોતાં આપણા માટે તક પણ છે અને જોખમ પણ છે. આપણા શાસકો અને તજજ્ઞો સાથે મળીને ભારતની ક્ષમતાનો સંપૂર્ણપણે ઉપયોગી કરે તો આપણે આગામી પાંચ જ વર્ષમાં ખૂબ મોટું પરિવર્તન લાવી શકીએ તેમ છીએ. આ માટે જરૂર છે નિષ્ઠાની, પ્રામાણિકતાની, દેશપ્રેમની અને સમર્પણની સખ્ત જહેમતની અને સંવાદિતતાની. આપણે આશા રાખીએ કે આગામી પાંચ વર્ષમાં અમેરિકા અને ચીનના દબાણથી મુક્ત થઈએ તેટલા શક્તિશાળી બનીશું.
Comments
Post a Comment