માનવી કેટલો સ્વતંત્ર ?
- પ્રવીણ ક. લહેરી
માનવ જીવન અંગે સૌથી મહત્વની ચર્ચા એ છે કે માનવીની જે ઈચ્છા છે કે તે સ્વતંત્ર છે કે તે અનેક કારણોથી ઘેરાયેલી છે. બર્ટ્રાન્ડ રસેલ રસેલ દ્વારા ૧૯૩૫માં એવું કહેવામાં આવ્યું હતું કે સ્વતંત્ર ઈચ્છા, કર્મ અને ભાગ્ય દ્વારા ઘડાયેલી નિયતિ એ બંને વૈજ્ઞાનિક રીતે સમજી શકાય છે. રસેલના કહેવા પ્રમાણે સમાજનો એક વર્ગ એમ માને છે કે આપણે સારા ઉછેર દ્વારા સંતોનોમાં ગુણાનો વિકાસ કરી શકીએ છીએ અને ધાર્મિક શિક્ષણ આ માટે ઉપયોગી છે. તેઓ માને છે કે ધાર્મિક ઉપદેશ સારા પરિણામો લાવે છે અને નૈતિક જીવન જીવવા માટેની સલાહ સાંભળનાર વ્યકિતને ફાયદો થાય છે. રસેલ માને છે કે જો માણસમાં બીજી વ્યકિતના વિચાર અને વર્તન બાબત કંઈક કરી શકવાની શકિત હોત તો અનેક લોકોમાં જે અવગુણો છે તે હોત જ નહી. જો આપણે એમ માનતા હોઈએ કે માનસિક રીતે સમાજમાં સૌ સ્વતંત્ર રીતે વિચારવા સક્ષમ છે. તો રાજકીય પ્રચાર, ફોજદારી કાયદા અને ધાર્મિક ઉપદેશોનું કોઈ મહત્વ રહે નહી.
જે લોકો સ્વતંત્ર વિચાર શકિતના પક્ષમાં છે તેઓને આ બાબતના સૂચિતાર્થો ખબર નથી. આપણે કોઈને પુછીએ “તે આ શું કામ કર્યું” અને સામાન્ય રીતે આપણને એક જ જવાબ મળશે કે તેને કેવું વર્તન, તેની માન્યતા અને શિક્ષા આધારિત કર્યું. આવા પ્રસંગે આપણે એ પણ સ્મરણમાં રાખવું જોઈએ કે વ્યકિત જ્યારે પોતે જ શા માટે આ રીતે વર્તન કરે છે. તે સમજી શકતો નથી, તો આપણે આવા વર્તન પાછળ રહેલા અજ્ઞાન કારણોને શોધવા જોઈએ. મોટા ભાગે આપણને એ ધ્યાનમાં નથી આવતું કે કયુ વર્તન કુદરતી આવેગ અથવા તો ઇચ્છાઓને આધારીત થતું હોય છે. એમ કહી શકાય છે કે આવા પ્રસંગે પણ વ્યકિતએ આવું વર્તન કેમ કર્યું તે પાછળ તેને સજાગ રીતે કરેલી પસંદગી જવાબદાર હોય છે. ઉદાહરણ તરીકે આપણે વર્તમાનપત્રમાં ગુના અંગેના જે સમાચારો વાંચીએ છીએ તેમાં ૨ વર્ષની બાળકી સાથે વૃદ્ધનાં અડપલાં, સગીરા ઉપર બળાત્કારો, દિવ્યાંગ વ્યકિત સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા અથવા તો હકીકતની અને પ્રેમીના ત્રિકોણમાંથી બે વ્યકિતઓ સાથે મળીને પોતાના જીવન સાથીની આયોજિત રીતે હત્યા કરે ત્યારે આપણા સમક્ષ આ જ પ્રશ્ન આવે છે. આવા ગુનાઓ માત્ર કુદરતી આવેગના કારણે નહી પરંતુ સંયમના અભાવે અને તેથી પણ વિશેષ આયોજિત કાવતરાખોરી અથવા મનમાં ઘડેલી યોજના પ્રમાણે કરવામાં આવે છે. પોતાના પેટની ભૂખ ભરવા માટે બ્રેડનું પેકેટ ચોરનાર છોકરા અને ચોરી કરીને લાખો રૂપિયાના દાગીના ચોરી જનાર બે ચોરો વચ્ચે પણ આસમાન જમીનનો તફાવત છે.
આપણું ન્યાયશાસ્ત્ર એમ કહે છે કે જો વ્યકિતમાં ગુનો કરવાની મનોવૃત્તિ ન હોય અને તેનું કોઈ કાર્ય ગુનાની વ્યાખ્યામાં આવે તો પણ તેને નિર્દોષ ગણવો જોઈએ. આજે તો કાયદાઓ વિચિત્ર બન્યા છે. દા. તા. એક કંપનીના ચેક ઉપર સહી કરનાર જનરલ મેનેજર અને મુખ્ય હિસાબનીસની સહી હોય અને તે ચેકનું કોઈ કારણસર પેમેન્ટ ન થાય તો કંપનીના સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરોની જવાબદારી બને છે. આમાં ડિરેકટરોનું મલીન હેતુ હોવાની બાબત તો નથી પરંતુ તેઓને આવો ચેક અપાયાની જાણ પણ નથી. આજે જયારે ન્યાયની પ્રક્રિયા એટલી ધીમી ગતિએ ચાલે છે કે જેલમાં રહેલા ૧૦૦ કેદીઓમાંથી
૭૦ થી ૭૫ કેદીઓ ઉપરનો ફોજદારીનો કેસ ચાલતો હોય પરંતુ તેમાં અતિ વિલંબ થતો હોય છે. આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ જયારે મુખ્ય ન્યાયાધીશ અને વડાપ્રધાનશ્રીની હાજરીમાં એવું કહ્યું કે ઘણા કેદીઓ ગરીબી અને ભણતરના અભાવેના કારણે જામીન અંગે કાર્યવાહી કરી શકતા નથી. આને કારણે તેઓની ગુના માટેની મહત્તમ સજા કરતાં વધારે સમય તો તેઓ કાચા કામના કેદી તરીકે જેલમાં વીતાવે છે. આ અમાનવીય છે અને મંત્રીમંડળ અને સુપ્રીમ કોર્ટે આનો ઉકેલ લાવવો જોઈએ. આ સલાહને બે વર્ષ ઉપરનો સમય થયો પરંતુ ન તો ન્યાયતંત્ર કે ન તો કારોબારીએ આવા ગંભીર નિરીક્ષણનેગંભીરતાપૂર્વક લીધું હોય તેવું જણાતું નથી.
આજે માનસશાસ્ત્ર વ્યકિતના વિચારોના પૃથ્થકરણોને બદલે તેની વર્તુણૂકો વિશ્લેષણ કરવામાં વધારે શ્રદ્ધા ધરાવે છે. કોઈપણ પ્રકારનું વર્તન શા માટે થાય છે? તેના પ્રેરક બળો કેવા છે? આવી વર્તણૂક નિયંત્રિત કરવા શું કરવું જોઈએ ? આવું વર્તન વ્યકિત વારંવાર ન કરે તે માટે શું થઈ શકે? આ બધા પ્રક્ષોના જવાબ સહેલા તો નથી. હકીકતમાં કોઈપણ વ્યકિતની વર્તણૂક તેના પોતાના વિચારો, સંસ્કારો અને આસપાસના સંજોગોથી પ્રેરિત થાય છે. માણસની વિચાર શકિત, આવેગો, બુદ્ધિ અને અન્યની દોરવણી થાય છે, તેમાં વ્યકિતનો સંપૂર્ણ દોષ નથી, પરંતુ વ્યકિતમાં સમજણ અને સંયમનો અભાવ તેને ગુનાહીત વર્તન કરવા પ્રેરે છે. વર્ષો પહેલા મારે એક મહિના માટે ઈજિપ્તમાં રહેવાનું થયું હતું. ત્યાંના એક વરિષ્ઠ પોલીસ અધિકારીને મેં પૂછ્યું કે અહીંયા ગુનાઓનું પ્રમાણ કેવું છે? તો તેમનો જવાબ હતો નહીવત. મને આશ્ચય થયુ અને મેં પૂંછયું કે અન્ય જગ્યાએ ગુનાનું પ્રમાણ ઘણું વધારે છે તો તમારે ત્યાં એ નહીવત કેમ હોઈ શકે? તેમણે કહ્યું કે ઈસ્લામે અમને ભાઈચારો શીખવ્યો છે. હું મારા ભાઈની વસ્તુ ન ઝુંટવી શકુ કે ન તો તેને નુકસાન કરી શકું, એ વાત વાત અમારી પ્રજાએ સ્વીકારી છે, જયારે પાકિસ્તાન જેવા દેશોમાં ગુનાનું પ્રમાણ ખૂબ ઊંચું છે, જ્યારે ઈજિપ્તમાં તે નહીવત છે. સાઉદી અરેબિયામાં કડક સજાને કારણે ઓછા ગુના બનતા હોય તો સ્કેડીનેવીયન દેશોમાં ઓછી સજા હોવા છતાં લોકોની સમજણ અને સંયમના કારણે ગુના ઓછા બને છે.
ભારત દેશમાં હાલની સાંપ્રત પરિસ્થિતિમાં આપણે વ્યકિતની વર્તુણૂક સમાજ કે રાષ્ટ્ર વિરોધી ન બને તે માટે માત્ર કાયદાઓ ઘડવાથી પ્રશ્ન ઉકેલાશે નહીં. આ માટે લોકજાગૃતિ, લોકશિક્ષણ અને આપસમાં આદરની લાગણી હોવા જરૂરી છે. આપણે આશા રાખીએ કે માત્ર સજાના ડરથી નહી પરંતુ મારી જવાબદારી સંયમપૂર્વક વર્તવાની છે તેવા સંસ્કારો થકી આપણો દેશ ગુનાના દરમાં નોંધપાત્ર ઘટાડો કરે તો તે વાત આપણા અને આપણી ભાવિ પેઢી માટે આનંદ અને ગૌરવની ઘટના હશે.
Comments
Post a Comment