માધવસિંહ સોલંકી

                                                                              - પ્રવીણ  ક. લહેરી

ગુજરાત રાજ્યની સ્થાપના બાદ અનેક મંત્રીમંડળો રચાયા પણ આજે પણ કોઈ શ્રી માધવસિંહભાઈના ૧૯૮૦-૮૫ ના મંત્રીમંડળની યાદી વાંચે તો તે નિઃશંકપણે કહી શકે કે તે મંત્રીઓ ગુજરાતના પીઢ, અનુભવી સફળ અને જાણકાર આગેવાનો હતા. આવી મજબૂત ટીમ સાથે શ્રી માધવસિંહભાઈએ જે ઝડપથી ગુજરાતમાં અનેક ક્ષેત્રે પરિવર્તનો આણ્યા તેનું મૂલ્યાંકન કરીએ ત્યારે ખ્યાલ આવે કે શૂન્યમાંથી સર્જન કોને કહેવાય?

શ્રી માધવસિંહભાઈનું વ્યક્તિત્વ ભાતીગળ હતુ. વિશાળ વાંચન, ઊંડું ચિંતન, વાસ્તવિકતા સાથે સીધો સંબંધ, સાહિત્ય અને સંસ્કૃતિ દ્વારા લાગણીઓ અને આદર્શોનો સમન્વય તેમજ એક કાયદાશાસ્ત્રીનું જ્ઞાન અને ચિવટના કારણે તેઓએ જીવનને રાજકારણ પૂરતું સીમિત ન રાખતાં સમાજના વિવિધક્ષેત્રે જોડયુંઃ કવિ હોય કે અધિકારી ઉદ્યોગપતિ હોય કે કાર્યકર. શ્રી માધવસિંહ તમામ સાથે તાદાત્મ્ય સાધી શકતા હતાં. તેમનું મુખ્ય મંત્રીની ક્ચેરીનું ટેબલ ખૂબ પહોળું હતું તે નાનું કરાવ્યું જેથી આગંતુકો સાથે હાથ મેળવી શકાય.

તેમના પ્રિય શાયર શ્રી અમૃત ઘાયલની આ પંક્તિઓને અનેકવાર યાદ કરતા હતાં.

‘‘જીવન જેવું જીવું છું, તેવું કાગળ પર ઉતારું છું,

ઉતારું છું પછી એને થોડું મઠારું છું,

ફરક તારા અને મારા વિશે છે એટલો જાહિદ

વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.’’

જો કે માધવસિંહભાઈ જીવનને બુદ્ધિગમ્ય રીતે, વિચારપૂર્વક અને ગંભીર રીતે જીવ્યા. નિવૃત્તિના સમયની તેમની સ્વસ્થ માનસિકતા આપણને આદિલ મન્સુરીની પંક્તિની યાદ અપાવે છે.

‘‘પથ્થર બની હું જોતો રહ્યો, કાળની ગતિ,

વર્ષો જીવનના પાણી બની સરી ગયા.’’

સત્તા, સંપત્તિ અને સિદ્ધિઓ નશીલા છે. તેને પચાવવા અઘરા છે પણ માધવસિંહભાઈએ પોતાની જાતને સ્થિતપ્રજ્ઞ રાખી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજકારણમાં ખટપટ ન હોય તેવું તો બને નહીં. આ સઘળી બાબતોમાં તે કાળજી રાખી, સ્થિતિને અંકુશમાં રાખતા હતા. કમનસીબે ‘અનામત’ના મુદ્દે ૧૯૮૫-૮૬માં જે આંદોલન થયું તેમાં તે સમયના સૌથી લોકપ્રિય આગેવાને રાજ્યમાં શાંતિ અર્થે રાજીનામું આપ્યું. આવા પ્રસંગે આપણને એક કવિના આ શબ્દો જરૂરથી સાંભરે;  ફક્ત કહેવા ખાતર ઉત્તરાયણ બે દિવસ છે. બાકી આપણે તો આખું વર્ષ ‘‘તું મારી કાપ અને હું તારી કાપું’’ એ જ તો કરીએ છીએ !

એક ચિંતકે કહ્યું છે; ‘‘જન્મ મળે છે, જીવન શોધવું પડે છે.’’ શ્રી માધવસિંહભાઈનું જીવન આ ઉક્તિને સાર્થક કરે છે. એક વિઘાના ખેતરથી ગુજરાતના નાથ બનવાની તેમની સફર ધીરજ, ખંત, વિશ્વાસ, જહેમત અને ઈશ્વરકૃપાનું પંચામૃત છે. શ્રી માધવસિંહભાઈને સાદગીના પ્રતિક સમા બાબુભાઈ જશભાઈ પટેલના આશીર્વાદ મળ્યા. લંડનની સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કરનાર રસિકલાલ પરીખનું પ્રોત્સાહન મળ્યું, શ્વસુર ઈશ્વરસિંહ ચાવડાનો ટેકો મળ્યો અને રતુભાઈ અદાણી, ઝીણાભાઈ દરજી જેવાનું પીઠબળ મળ્યું જેથી તેમનું વ્યક્તિત્વ પૂર્ણકળાએ ખીલી ઉઠ્યું.

શ્રી માધવસિંહભાઈના બહુઆયામી જીવનને કવિશ્રી અકબરઅલી જસદણવાળાના શબ્દોમાં મારી નમ્ર અંજલિ આપું છું.

‘‘મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,

પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું,

સમજપૂર્વક સમષ્ટિનું સમાધાન કરી લઉં છું,

જીવનને હું વલોવીને આત્મસંશોધન કરી લઉં છું,

સમય ક્યારે વિસામો ખાય છે ?

જીવનમાં વિસર્જન થાય છે નિત નિત નવું સર્જન કરી લઉં છું.’’

શ્રી માધવસિંહભાઈ સોલંકીની જન્મશતાબ્દિના પ્રારંભે પોતે પિતૃ શ્રદ્ધાંજલિ અર્થે લખેલા ‘સોલંકી યુગ’ પુસ્તકની પ્રસ્તાવના માટે શ્રી ભરતસિંહ સોલંકીએ મને અવસર આપ્યો તે માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મેં અગાઉ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીઓ વિશે લેખો લખ્યા ત્યારે શ્રી માધવસિંહભાઈના શાસનકાળની તસ્વીરો, આધારભૂત પુસ્તકો અને લખાણોનો અભાવ જણાયો હતો. શ્રી ભરતસિંહભાઈએ તમામ અગત્યના પાસાઓ આવરી લેતું આ પુસ્તક તૈયાર કરી આ શૂન્યાવકાશ ભરવાની શરુઆત કરી છે. આપણે આશા રાખીએ કે એક યુગદૃષ્ટા, વંચિતોના વિકાસને વરેલા, વિશાળ જ્ઞાન અને ભૂમીગત અનુભવવાળા ગુજરાતના અનેરા મુખ્યમંત્રીના જીવનમાંથી આપણી યુવાપેઢી પ્રેરણા લે. 

ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા જનતા સરકારની  પડતી પછી થયેલી રાજકીય વાપસી સાથે ગરીબોના કલ્યાણ અને ઉત્થાન માટે ૨૦ મુદ્દાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. દરેક રાજ્યમાં અનેક ગરીબલક્ષી યોજનાઓ હતી પરંતુ ૨૦ મુદ્દાના કાર્યક્રમને કારણે ચોક્કસ લક્ષ્યાંકો સાથે સરકાર ગરીબોને સહાય કરે તે રીતની આ વ્યવસ્થા એટલી સારી હતી કે કોંગ્રેસ સરકાર ગયા પછી પણ અન્ય પક્ષની સરકારે આ કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. માધવસિંહભાઈએ આ કાર્યક્રમની જવાબદારી તેમના વરિષ્ઠ ટેકેદાર અને વંચિતોના હાવી તરીકે ઉગ્ર રીતે કાર્યવાહી કરતાં શ્રી ઝીણાભાઈ દરજીને સોંપી હતી. શ્રી ઝીણાભાઈ દરજીની કાર્યશૈલી એવી હતી કે તેમાં વિરોધ કે સુનાવણીનો પ્રશ્ન ન હતો. મુખ્યમંત્રીના બંગલા પાસેથી લોકોની અવરજવરની કેડીનો મુદ્દો હોય કે ગણોતિયા અંગેના કાયદા સુધારવાનો હોય તેમાં ઝીણાભાઈનું વલણ માધવસિંહભાઈ કરતાં ભિન્ન રહેતું હતું. ઝીણાભાઈ દરજી તેમની આક્રમક શૈલીને કારણે સુપર ચીફ મિનિસ્ટર તરીકે પણ ઓળખાતા હતા. માધવસિંહભાઈ અનેક વિરોધીઓ જ નહીં પરંતુ પોતાના જ પક્ષના આગેવાનો સાથે સીફતપૂર્વક કામ પાર પાડીને પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. આ જ તો તેમની કુનેહ હતી !


Comments

Popular posts from this blog