માધવસિંહ સોલંકી
ગુજરાતના જાહેર જીવન પર જે વ્યક્તિઓએ અમીટ છાપ છોડી છે તેમાં શ્રી માધવસિંહભાઈ સોલંકીનું નામ અગ્રીમ યાદીમાં સામેલ થયું છે. ‘સોલંકી યુગ’ એ એક પુત્રનું પિતૃતર્પણ છે. ગુજરાતમાં ઈ.સ. વર્ષ ૯૪૦ થી વર્ષ ૧૦૪૪ સુધી ચાલ્યો હતો. સોલંકી વંશને ચાલુક્ય વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુસ્તકનું શિર્ષક એટલે સાર્થક છે કારણ કે તા.૩૦ જુલાઈ ૧૯૨૭ના રોજ જન્મેલા અને તા.૯ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અવસાન પામેલા શ્રી માધવસિંહ સોલંકીએ તેની ૯૩ વર્ષની જીવનયાત્રામાંથી ૬૦ કરતાં વધારે વર્ષો રાજકારણમાં વિતાવ્યા હતાં. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીપદે ચાર વખત આરૂઢ થનાર શ્રી માધવસિંહે ગુજરાતની રાજકીય પૃષ્ઠભૂમિમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. ગરીબો અને વંચિતોના વિકાસની સાથે તેમની સત્તામાં ભાગીદારી સુનિશ્ચિત કરવામાં તેમણે અહ્મ ભૂમિકા નિભાવી હતી.
વર્ષ ૧૯૭૫માં ગુજરાતમાં જનતા મોરચાની સરકાર અને વર્ષ ૧૯૭૭માં ભારતમાં જનતા પક્ષની રચના બાદ કોંગ્રેસના પ્રમુખ દેવકાંત બરુઆએ લોકસભા અને વિધાનસભાની દરેક બેઠકમાં જુદી જુદી જ્ઞાતિઓનું પ્રમાણ જાણીને પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિમાંથી ઉમેદવે પસંદ કરવાનો આગ્રહ રાખ્યો. ગુજરાતમાં ઇંદિરા કોંગ્રેસના આગેવાનો શ્રી રતુભાઈ અદાણી, શ્રી ઝીણાભાઈ દરજી, શ્રી માધવસિંહ સોલંકી, શ્રી સનત મહેતા અને શ્રી નરસિંહ મકવાણાએ ગુજરાત માટે ક્ષત્રિયનો દ્ભ, હરિજનનો ૐ, આદિજાતિનો છ અને મુસ્લિમનો સ્ = દ્ભૐછસ્ થીયરીની રચના કરી અને ૧૯૮૦ ની વિધાનસભાની ચુંટણીમાં તેને અમલમાં મૂકી. આઝાદી બાદ કોંગ્રેસે કેન્દ્રમાં અને રાજ્યોમાં શાસન કર્યું હતું પરંતુ તેમના મળતા મતોની ટકાવારી ૫૦ ટકાથી નીચે રહેતી હતી અને ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ૬૦-૬૫ ટકા રહેતી હતી. ૧૯૮૦ માં દ્ભૐછસ્ થીયરી થકી ચમત્કાર થયો. કોંગ્રેસે ૫૧.૦૪ ટકા મત સાથે ૧૮૨ માંથી ૧૪૧ બેઠકો પ્રાપ્ત કરી.
વર્ષ ૧૯૮૦ માં શ્રી માધવસિંહ સોલંકીને કોંગ્રેસપક્ષે સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે વરણી કરી. વર્ષ ૧૯૬૦ માં ગુજરાત રાજ્યની સ્થાપનાબાદ શ્રી માધવસિંહભાઈએ પ્રથમ વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂરો કર્યો. અગાઉ ડો. જીવરાજભાઈ મહેતા , શ્રી બળવંતરાય મહેતા, શ્રી હિતેન્દ્ર દેસાઇ, શ્રી ઘનશ્યામ ઓઝા, શ્રી ચીમનભાઈ પટેલ અને શ્રી બાબુભાઈ જશભાઈ પટેલમાંથી પાંચ વર્ષની મુદત પૂરી કરી ન હતી. આમ વિધાનસભા અને સરકારની પાંચ વર્ષની અવધિ પ્રથમવાર સુખરૂપ પૂર્ણ કરવાનો યશ શ્રી માધવસિંહભાઈના ફાળે જાય છે.
શ્રી માધવસિંહભાઈએ પાંચ વર્ષ સતત શાસન કર્યું તે હકીકત કરતાં આ સમયમાં તેમણે જે જે કાર્યો સંપન્ન કર્યા તેની મહત્તા ઘણી વધારે છે. ગુજરાત રાજ્યની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિમાં તેમણે જે ક્રાંતિકારક પરિવર્તન આણ્યું તેનાથી ગુજરાતની પ્રગતિકૂચ ખૂબ ઝડપી બની. આજે ગુજરાત અને મહારાષ્ટ્રને દેશના ‘વિકાસના એન્જીન’ તરીકે ગણવામાં આવે છે તેના પાયામાં શ્રી માધવસિંહભાઈનું યોગદાન રહેલું છે. ગુજરાતના કૃષિ ઉદ્યોગ અને સર્વિસ ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન કરવા તેમણે કરેલ પ્રયત્નોએ નેત્રદીપક સફળતા મળી હતી. ૧૯૮૦માં કૃષિક્ષેત્રનો હિસ્સો ૪૨ ટકા જેટલો હતો તે ઘટીને ૧૯૮૫માં ૨૦ ટકા સુધી આવ્યો હતો. ૧૯૮૦માં ઉદ્યોગનો હિસ્સો ૩૦ ટકા જેટલો હતો અને સર્વિસ સેક્ટરનો હિસ્સો ૨૮ ટકા જેટલો હતો તે વર્ષ ૧૯૮૫માં વધીને અનુક્રમે ૩૮ ટકા અને ૪૨ ટકાનો થયો હતો. અર્થતંત્રમાં આ મહત્વનો ફેરફાર શ્રી માધવસિંહભાઈનાં દુરદર્શી નીતિ અને ચુસ્ત અમલને આભારી હતો.
શ્રી માધવસિંહભાઈના શાસનકાળ દરમિયાન (૧૯૮૦-૧૯૮૫) અનેક દુરોગામી અસરો ધરાવતા નિર્ણયો થયા હતા તેમાંના અતિ મહત્વ ધરાવતા મુદ્દાઓનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરું તો પણ સૌને તેના પરિણામો અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે.
કોઈપણ પ્રદેશના વિકાસમાં આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ જ અર્થતંત્રને સુદ્રઢ બનાવે છે. શ્રી માધવસિંહભાઈના કાર્યકાળ દરમિયાન રાજ્યના રસ્તાઓને પહોળા કરવા, અદ્યતન કરવા અને ગામડાઓને મુખ્ય રસ્તાઓ સાથે સાંકળવાનો કાર્યક્રમ અમલી બન્યો. સિંચાઇ ક્ષેત્રે જ્યાં જ્યાં શક્યતાઓ હતી તેવા નાંના અને મધ્યમકદના ડેમોનું નિર્માણ કરી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના કિસાનો માટે બહુમૂલ્ય પાણી મળી રહે તો વ્યવસ્થા ગોઠવી વીજ ઉત્પાદન માટે વણાકબોરી અને ઉકાઈમાં નવા વીજમથકો ગાંધીનગર, સાબરમતી અને સિક્કાના પાવર સ્ટેશનની ક્ષમતામાં વધારો કરવા અને કચ્છમાં લિગ્નાઈટ આધારિત પાવર પ્લાન્ટની શરૂઆત થતાં ગુજરાત વીજક્ષેત્રે આત્મનિર્ભર દિશામાં આગળ વધ્યું.
જાહેરક્ષેત્રના એકમોમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર, ગુજરાત આલ્કલી અને કેમિકલ લિ. ની સ્થાપના ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીનું વિસ્તૃતિકરણ અને ગાંધીનગર ઇલેક્ટ્રોનિક એસ્ટેટની સ્થાપના થકી ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નવા સીમાચિન્હો ઉમેરાયા હતા. આ સાથે સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લઘુ અને કુટિર ઉદ્યોગક્ષેત્રે વિક્રમજનક સંખ્યામાં એકમો નોંધાયા અને તેમને નાણાંકીય ધિરાણ, કાચો માલ અને વેચાણ માટે સહાય પણ મળતી રહી. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે સ્થાનિક કાચામાલમાં મુલ્યવૃદ્ધિ કરી શકાય તે માટે ખાસ વસ્તુઓના ઉત્પાદન માટે એસ્ટેટો વિકસાવવામાં આવી. શ્રી માધવસિંહભાઈના કાર્યકાળ દરમિયાન ગુજરાતે માથાદીઠ મૂડીરોકાણ અને રાજ્યની ઘરગથ્થું આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી. સામાજિક સેવા ક્ષેત્રે શ્રી માધવસિંહભાઈએ શિક્ષણના વિકાસ અને બાળકોના પોષણ માટે ‘મધ્યાહન ભોજન યોજના’ શરું કરી એક નવી દિશા ખોલી આપી. શાળાના ઓરડાઓના બાંધકામ, શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં, શિક્ષકોની તાલીમ માટે અને કન્યા કેળવણી કોલેજ અભ્યાસ સુધી નિઃશુલ્ક બનાવી જે કાર્ય કર્યું તે આજે શિક્ષણના વ્યાપારીકરણને ધોઈ નાખ્યું છે તેમ કહેવામાં મને સ્હેજ પણ સંકોચ નથી. આરોગ્યક્ષેત્રે આધુનિક સાધનોની ખરીદી દવા ઉદ્યોગના વિકાસની કાળજી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યામાં વધારો અને હોસ્પિટલોમાં નવા વિભાગો સાથે આરોગ્ય સેવાઓનો વ્યાપ અને અસરકારક્તા વધારી શ્રી માધવસિંહભાઈએ રાજ્યના અને પ્રજાના સર્વાંગી વિકાસ માટે કામો કર્યા છે તે લાંબા સમય સુધી યાદ રહેશે. (ક્રમશઃ)
Comments
Post a Comment