સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ
- પ્રવીણ ક. લહેરી
૧૪મી નવેમ્બર ૧૮૮૮ના રોજ અલ્હાબાદ મુકામે જન્મેલા જવાહરલાલ નહેરુ જાણીતા વકીલ શ્રી મોતીલાલ નહેરુના પુત્ર હતા. ઇંગ્લેન્ડમાં હેરો અને કેમ્બ્રીજમાં અભ્યાસ કર્યા બાદ તેઓએ લંડનમાંથી બૅરિસ્ટરની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. મોતીલાલ નહેરુ માટે તેમનો પુત્ર તેમના જેવી જ વકિલાત કરીને અઢળક ધન કમાય તેવી અપેક્ષા હતી પરંતુ મોતીલાલ નહેરુ આઝાદીના આંદોલનમાં પ્રવૃત્ત થયાં અને મહાત્મા ગાંધીજી જાન્યુઆરી ૧૯૧૫ માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારબાદ અને મોતીલાલ નહેરુના સમગ્ર પરિવાર ઉપર મહાત્મા ગાંધીના વિચારધારાની ખૂબ મોટી અસર રહી. મોતીલાલ નહેરુનો પરિવાર પાશ્ચાત્ય ઢબે વૈભવી રીતે જીવતો હતો તેની જગ્યાએ બરછટ ખાદીના કપડાં અને સાદગીભર્યું જીવન અપનાવવાનું શરું કર્યું. ‘આનંદભવન’ અને ‘સ્વરાજભવન’ એ ઉત્તરપ્રદેશના તમામ આઝાદીના લડવૈયાઓ માટે એક ઘર જેવું સરનામું હતું.
સુભાષચંદ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ ના રોજ કટકમાં એક ધનિક બંગાળી પરિવારમાં થયો હતો. તેઆ પ્રેસીડન્સી કૉલેજ કલકત્તા અને ઇંગ્લેન્માં અભ્યાસ કર્યા બાદ ભારતીય સનંદી સેવામાં ચોથી રેન્ક સાથે પસંદ થયાં હતાં. તેમણે આવી સવલત અને સ્ટેટસવાળી નોકરી જતી કરીને આઝાદી આંદોલનમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. ઇંગ્લેન્ડથી પરત આવી ગાંધીજીને મુંબઈમાં મળી તેઓ રાષ્ટ્ર્ીય આંદોલનમાં જોડાયા.
સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુની ઉંમરમાં નવ વર્ષનો ફરક હતો પરંતુ આ બંને યુવાન નેતાઓ સમગ્ર ભારત માટે આદર્શ નેતાઓ હતા. આ બંને વચ્ચે ઘણું સામ્ય હતું. આ બંનેનો જન્મ ધનવાન પરિવારમાં થયો હતો. ખૂબ સગવડ સાથે પાશ્ચાત્ય ઢબ સાથે ઉછેર પામેલા અને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ પામેલા જવાહરલાલ અને સુભાષચંદ્ર દેશના યુવાનોની ધડકન હતા. આ બંને નેતાઓને એકબીજા માટે ખૂબ જ લાગણી હતી. આ બંને નેતાઓ તીવ્ર બુદ્ધિમત્તા ધરાવતા હતાં. દેશ-વિદેશના સાંપ્રત પ્રવાહોનું તેઓને ઊંડું જ્ઞાન હતું. આ બંને નેતાઓ ક્રમશઃ બંધારણીય સુધારાની રાહ જોવાનું ઈચ્છતા ન હતા અને ડોમેનિયન સ્ટેટ્સ કરતાં પૂર્ણ સ્વરાજના સંકલ્પ માટે પ્રતિબદ્ધ હતાં. આ ઉતાવળમાં પણ હતા. આના કારણે ૧૯૨૮માં રાષ્ટ્ર્ીય કોંગ્રેસના અધિવેશનમાં ગાંધીજી સાથે મળીને નક્કી કરેલાં ઠરાવો થોડા શબ્દોનો ફેરફાર કરવા જતાં બંનેને ગાંધીજી તરફથી જાહેરમાં ઠપકો સાંભળવાનો પ્રસંગ આવ્યો હતો. સુભાષચંદ્ર બોઝ અને પંડિત નહેરુ બંને કાલમાર્ક્સના લખાણોથી પ્રેરિત સમાજવાદી સમાજરચના માટે આગ્રહી હતા. કોંગ્રેસમાં સમાજવાદી મંચ બનાવી તેઓ ભારતના ભવિષ્ય માટે સમાજવાદનો માર્ગ ઉત્તમ છે તેમ માનતા હતા. શરુઆતમાં બંને ગાંધીજીના અનુયાયીઓ હતા પરંતુ ૧૯૩૮માં નેતાજી સુભાષચંદ્ર બોઝના કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ તેઓ લશ્કરી કાર્યવાહી સશસ્ત્ર બળવો કરીને બ્રિટન પાસેથી આઝાદી મેળવવા માટે ઉત્સુક હતા. મહાત્મા ગાંધી સાથેના હિંસા-અહિંસાના વિષયમાં થયેલા મતભેદોને કારણે તેમણે ૧૯૩૯માં ફરી વખત ચૂંટણી લડી પ્રમુખપદ હાંસલ કર્યું હતું તે છોડવાનો પ્રસંગ આવ્યો. તેમણે ‘ફોરવર્ડ બ્લોક’ની રચના કરી પરંતુ ‘ફોરવર્ડ બ્લોક’ રાજકીય પક્ષ તરીકે ખાસ આગળ વધી શક્યો નહીં.
નેતાજી સુભાષચંદ્ર બોઝને અંગ્રેજ સરકારે જ્યારે ઘરમાં નજરકેદ રાખ્યા હતા ત્યારે ખૂબ વ્યવસ્થિત આયોજન કરીને તેઓ અંગ્રેજોને થાપ આપીને પાંચ હજાર માઈલ જેટલી જોખમી મુસાફરી કરીને જર્મની પહોંચ્યાં હતાં. જર્મનીમાં યુરોપમાં બ્રિટીસ આર્મીના પકડાયેલા ભારતીય કેદીઓનું એક નવા લશ્કર તરીકે સંગઠ્ઠન કરવાનું તેમણે ચાલુ કર્યું હતું. જ્યારે સુભાષચંદ્ર બોઝે ભારતની પ્રજાજોગ જર્મનીમાંથી રેડિયો પ્રવચન કર્યું ત્યારે સમગ્ર દેશમાં એક અદ્ભૂત ઉર્જાનો સંચાર થયો હતો. ત્યારબાદ જર્મન સરકાર સાથે વિચારવિમર્શ પછી તેમણે જણાયું કે જર્મનીથી જમીન માર્ગે કે જળમાર્ગે ભારત પહોંચવું ખૂબ દુર્ગમ છે. આને બદલે દૂર પૂર્વમાં બર્મા સુધીનો પ્રદેશ જાપાને કબજે કર્યો છે ત્યારે જાપાનના સહયોગથી દક્ષિણ પૂર્વ દિશામાંથી બ્રિટીશ કબજા હેઠળના ભારત પર આક્રમણ કરવું પ્રમાણમાં સહેલું રહેશે તેમ માનીને તેઓ ફરી એકવાર જર્મન સબમરીનમાં જાપાન જવા નીકળ્યા. મધદરિયે જર્મન સબમરીનમાંથી જોખમી રીતે જાપાની સબમરીનમાં દાખલ થઈને તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના લશ્કરી વડા જનરલ તોજોની સહાયથી અગાઉ મોહનસિંગે સ્થાપેલ ‘આઝાદ હિંદ ફોઝ’ ત્યારે રાસબિહારી બોઝના નેતૃત્વ નીચે હતી. બંગાળના ક્રાંતિકારી અને જાપાનમાં સ્થાથી થયેલ રાસબિહારી બોઝે ખૂબ ખેલદિલીથી સંપૂર્ણ સહયોગ સાથે સુભાષચંદ્ર બોઝને ‘આઝાદ હિંદ ફોજ’નું નેતૃત્વ સુપ્રત કર્યું. નેતાજી સુભાષચંદ્રે ‘આઝાદ હિંદ ફોજ’ના સૈનિકોને કહ્યું કે, ‘‘તમે મને લોહી આપો હું તમને આઝાદી અપાવીશ.’’
‘‘કદમ કદમ બઢાયેજા, ખુશી કે ગીત ગાયે જા, જિંદગી હૈ કૌમ કી તું કૌમ પે લુંટાયે જા.’’ જેવા વીરતાભર્યા ગીતો સાથે ‘આઝાદ હિંદ ફોજ’નું પ્રયાણ સિંગાપુર બર્મા થઈને આસામ તરફ થયું.
ભારતમાં કોંગ્રેસે ઑગસ્ટ ૧૯૪૨માં અધિવેશન ભર્યું જેમાં મહાત્મા ગાંધીએ બે સૂત્રો આપ્યા. ‘‘અંગ્રેજો ભારત છોડો’’ અને ‘‘ભારતીયો માટે કરેંગે યા મરેંગે.’’ ગાંધીજીના આ આહ્વાનથી સમગ્ર દેશમાં કાયદો વ્યવસ્થા ભાંગી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. અંગ્રેજોએ સીફત અને ક્રૂરતાથી તે દબાવી દીધી. ગાંધીજીને પૂનાના આગાખાન મહેલમાં અને કોંગ્રેસના ટોચના આગેવાનોને અહેમદપુરના કિલ્લામાં કેદ કર્યા. કોંગ્રેસના લાખો કાર્યકરોને જેલમાં પૂરવામાં આવ્યા તેથી આંદોલન ખુલ્લી રીતે ચાલવાને બદલે ભૂગર્ભમાં ચાલવા માંડ્યું. ૧૯૪૨ થી ૧૯૪૫માં એક પક્ષે સુભાષચંદ્ર બોઝ હતા જેમનું કહેવું હતું, ‘‘અરજીઓ અને મંત્રણા કરવાથી આઝાદી પ્રાપ્ત નહીં થાય. આઝાદી માટે આપણે લોહી વહાવવું પડશે અને આપણી તાકાત દર્શાવવી પડશે.’’ સામે પક્ષે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નહેરુ એમ માનતા હતા કે, ‘‘અહિંસા, અસહકાર, રાજકીય મંત્રણાઓ અને જેલ ભરવાથી આપણે આઝાદી પ્રાપ્ત કરી શકશું.’’
અત્યારે આપણે પંડિત જવાહરલાલ નહેરુ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ વચ્ચેનો પત્ર-વ્યવહાર વાંચીએ છીએ ત્યારે આપણને ત્રણ વસ્તુઓ સમજાય છે. (૧) નેતાજી અને નહેરુ વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી અને બંનેને એકબીજાની બૌદ્ધિક ક્ષમતા અને દેશદાઝ માટે પૂરો ભરોસો હતો. (૨) સમાજવાદી સમાજરચના એ જ ભારતની પ્રજાનું ભવિષ્ય છે તેવું બંને માનતા હતા. (૩) સુભાષચંદ્ર બોઝ લશ્કરી તાકાત એકત્ર કરીને વિદેશીઓનો સાથ-સહકાર મેળવીને અંગ્રેજોને હિંદ છોડવાની તરફેણમાં હતા જ્યારે પંડિત નહેરુ ગાંધી વિચારધારા અનુસાર સત્યાગ્રહ, સહનશક્તિ અને જનશક્તિ દ્વારા અંગ્રેજોને હટવા માટે ફરજ પાડવામાં વિશ્વાસ મૂક્યો હતો. આ બંને નેતાઓ અતિ લોકપ્રિય હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝને લાગતું હતું કે જો પંડિત નહેરુ ગાંધી વિચારધારા છોડી તેમની સાથે જોડાય તો તે બંને સાથે મળીને દેશની જનતામાં જુસ્સો પ્રેરી શકશે. પંડિત નહેરુ હિંસા સ્વીકારવાથી દૂર રહેતા તેને કારણે નેતાજીને નિરાશા જરૂર થઈ પરંતુ ‘આઝાદ હિંદ ફોજ’માં એક બ્રિગેડનું નામ ‘નહેરુ બ્રિગેડ’ અને બીજી બ્રિગેડનું નામ ‘ગાંધી બ્રિગેડ’ રાખીને નેતાજી સુભાષચંદ્રે એક સંદેશો આપ્યો કે અમે સૌ દેશની આઝાદી માટે કુરબાની કરવા નીકળ્યા છીએ.
અમારો માર્ગ ભલે જુદો હોય પણ અમે એક છીએ. (ક્રમશઃ)
Comments
Post a Comment