ભારતીય રાજકારણ : ત્યારે અને અત્યારે
- પ્રવીણ ક. લહેરી
ભારતના આઝાદીના આંદોલન દરમિયાન અનેક લોકોએ મહાત્મા ગાંધીના માર્ગે ચાલવાનું પસંદ કર્યું હતું. સરદાર
વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, ર્ડા. રાજેન્દ્રપ્રસાદ જે. વી. ક્રિપ્લાલાણી, સીતા રમૈયા, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, વિનોબા ભાવે, ર્ડા. વી. સી. રોય, ર્ડા. જીવરાજ મહેતા, પી. સી. સેન, વિગેરે. નેતાજી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીમાંથી પ્રેરણા લઈને દેશ સેવા માટે પોતાની આઈ.સી.એસ.ની કારકીર્દીને ફગાવી દીધી હતી, પરંતુ સમય જતાં તેઓ ગાંધીજીની અહિંસાના કડક આલોચક બન્યા, અંગ્રેજ સરકારને થાપ આપીને અફઘાનિસ્તાન, રશિયા એમ લગભગ ૫૭૦૦ માઇલનો જોખમી પ્રવાસ ખેડીને તેઓ જર્મની પહોંચ્યા. ત્યાંથી એવા જ દિલધડક ઓપરેશન હેઠળ સબમરીનમાં બેસીને મહાસમુદ્રની વચ્ચે બીજી સબમરીનમાં પ્રવાસ કરીને તેઓ જાપાન પહોંચ્યા. બ્રિટીશ હસ્તકના સિંગાપુરના પતન પછી તેઓએ રાસબિહારી બોઝ પાસેથી આઝાદ એ હિન્દ ફોજનો હવાલો સંભાળ્યો અને ચલો દિલ્હીના નાદ સાથે ૮૦,૦૦૦ સૈનિકો સાથે બર્માના રસ્તે આસામ સુધી પહોંચ્યા. કમનસીબે આઝાદ હિંદ ફોજે પીછે હઠ કરવી પડી અને તા.૧૫ ઓગસ્ટ ૧૯૪૫ના જાપાનની શરણાગતિ બાદ ૧૮મી ઓગસ્ટે તાઈવાનના તાઈપેઈમાં વિમાની અકસ્માતમાં તેમનું મરણ થાયાના સમાચાર આવ્યા. નેતાજી ખરેખર વિમાની અકસ્માતમાં મૃત્યુ પામ્યા કે ત્યાંથી રશિયા ગયા કે મંચુરિયા કે પછી ભારતમાં ગુમનામી બાબા તરીકે રહ્યાં કે નહીં તે બાબત અનેક માન્યતાઓ પ્રવર્તે છે. અહિંસાને મુદ્દે ગાંધીજી અને પંડિત નહેરૂ સાથે મતભેદ હોવા છતાં ગાંધી અને નહેરૂના નામે આઝાદ હિંદ ફોજમાં બ્રિગ્રેડ રચીને તેમણે એક સંદેશો એ આપ્યો કે અમે સૌ દેશભકતો છીએ અને અમારા માટે કોઈ વ્યક્તિગત દ્વેષ નથી. આઝાદી બાદ જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલ સરકારમાં સાથે કામ કરતાં હતા ત્યારે તેઓ વચ્ચે વારંવાર અનેક મુદ્દા પરત્વે મતભેદો થયા પરંતુ પંડિત નહેરુએ અને સરદાર પટેલે પોતાના અંગત સબંધોમાં તેને હાવી થવા દીધા નહીં.
પંડિત નહેરુ સમાજવાદી સમાજરચનાના પુરસ્કર્તા હતા, જ્યારે સરદારના ખાસ મિત્ર અને સાથી તેમજ મહાત્મા ગાંધીના વેવાઈ એવા ચક્રવર્તી રાજગોપાલાચારી દેશના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ બન્યા હતા. આઝાદીના સંગ્રામ સમયે ચાણક્ય તરીકે ઓળખાતા ખૂબ કુશળ વહીવટકર્તા એવા રાજાજી સમાજવાદી સમાજરચનાના વિરોધી હતા. તેમણે અલગ સ્વતંત્ર પાર્ટીની રચના કરીને ૧૯૫૯થી નહેરૂની રાષ્ટ્રીયકરણની નીતિ તેમજ આર્થિક નીતિની ટીકા કરતાં કહ્યું હતું; “આ કહેવાથી સમાજવાદી સમાજ રચના લાઈસન્સ પરમીટ કવોટા રાજની સ્થાપના કરી રહ્યું છે. ઉદ્યોગ સાહસિકો ગૂંગળાઇ રહ્યાં છે અને દેશનો વિકાસ મંદ પડી રહ્યો છે. સરકારી અંકુશોને કારણે ભ્રષ્ટાચાર ફાલીફૂલી રહ્યો છે.”
રાજાજી અને પંડિત નહેરૂના મતભેદો તીવ્ર હતા. સંસદમાં પંડિત નહેરૂ સરકારે એક બીલ રજૂ કર્યું, તેનો રાજાજીએ ઉગ્ર વિરોધ કર્યો. સંસદમાં બીલનો વિરોધ કરતી વખતે રાજાજીએ ખૂબ તાર્કિક અપીલ કરતાં કારણો રજૂ કર્યા. આના પ્રત્યુત્તરમાં નહેરૂએ રાજાજીને કહ્યું; “આપ જે કહો તે સાચું, પરંતુ લોકતંત્રમાં તો સંખ્યાબળનું જ મહત્ત્વ છે. અમારા પાસે ભારે બહુમત છે એટલે આ બીલ પાસ થઈ જશે.”
આનાથી સહેજ પણ વિચલીત થયા વિના ખૂબ જ સંયમ અને શાંતિથી રાજાજીએ જે જવાબ આપ્યો તે લોકશાહીમાં શ્રદ્ધા ધરાવનારા સૌએ આરસની તકતીમાં કોતરી રાખવા જેવું છે. રાજાજીએ કહ્યું; “નહેરુજી આપની વાત સાચી છે કે આપની પાસે બહુમતી માટે સંખ્યા છે, પરંતુ મારા પાસે આ દેશ અને જનતાના હિતમાં એક સ્પષ્ટ કારણ છે. જેનો તમે બહુમતીના જોરે તે કારણ ખોટું છે એવું કદી સાબિત કરી શકો તેમ નથી. આશ્ચર્યની વાત છે કે રાજાજીના આ જવાબને પંડિત નહેરુએ કોઈ રાજકીય પડકાર તરીકે નહી પરંતુ, એક વિદ્ધાન પૂર્વસાથીની લાગણીથી કહેવાયેલી વાત છે, તેમ વિચારી તેમણે રજૂ કરેલું બીલ વાપસ લેવા માટે સહમતિ દર્શાવી. તેમણે કહ્યું; “મેં રાજાજીની વાત ખૂબ ધ્યાનથી સાંભળી છે અને રાજાજીએ જે બાબતે આપણું ધ્યાન દોર્યું છે તે માટે આપણે તેમના આભારી છીએ.” પંડિત નહેરૂએ લોકતંત્રનો પાયો એટલો મજબૂત નાંખ્યો છે તેનું આ ઉદાહરણ છે. આવી જ રીતે ૧૯૫૯માં ચીનના આક્રમણ હેઠળ દલાઈલામાએ તિબેટ છોડી ભારતમાં આશ્રય લેવો પડયો છે. તે સમયે અક્ષય ચીનનો ભાગ ચીને કબજે કરતાં લોકસભાની ઉગ્ર ચર્ચાનો જવાબ આપતાં પંડિત નહેરૂએ કહ્યું; ‘આ વિસ્તાર હિમાલયના ઉજ્જડ અને જ્યાં તણખલું પણ ઉગતું નથી તેવો વિસ્તાર છે.” પંડિત નહેરૂનો આવો લુલો બચાવ સાંભળીને તેમના પક્ષના જ વરિષ્ઠ સાથી મહાવીર ત્યાગીએ રોકડું પરખાવ્યું “પંડિતજી આપના માથા ઉપર હવે એક પણ વાળ ઊગતો નથી, તો શું તે કાપી નાખવું ? દેશની જમીન અંગે આપે જે કહ્યું તે બીલકુલ યોગ્ય નથી. પંડિત નહેરૂએ હસીને કહ્યું કે ત્યાગીજી આપની વાત સાચી છે અને ચીન પાસેથી તે જમીન પરત મેળવવા આપણે યોગ્ય કરીશું. નહેરૂની ખૂબ કડક ટીકા કરનાર રામમનોહર લોહીયા આહલાબાદના નહેરૂ પરિવારના આનંદ ભવનના મહેમાન થતા હતા અને તેમાં તેમણે કદી સંકોચ થયો ન હતો. આ હતી ત્યારના રાજકારણની ખેલદિલી.
આજે રાજકારણ અસહિષ્ણુતા અને હેતુ વિહીન ધમાલને કારણે સંસદ કે વિધાનગૃહો કામસુદ્ધાં કરી શકતા નથી ત્યારે આપણને અગાઉના સમયની યાદ આવે તે સ્વાભાવિક છે. આજના રાજકીય પક્ષો કોઈ વિચારધારા કે લોકકલ્યાણને વરેલા નથી પરંતુ પોતાનો સ્વાર્થ સાધવા માટે બનેલા વિવિધ જૂથો છે તેવી લોકલાગણી હવે ઊંડી નિરાશામાં ધકેલાઇ ગઈ છે. ભારતે આઝાદીની શતાબ્દીના વર્ષ ૨૦૪૭માં જો મહાસત્તા તરીકે અને વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત થવું હોય તો આપણે સૌએ દ્રઢ સંકલ્પ કરીને રાજકારણને ગરિમામય બનાવવું પડશે. તાજેતરમાં અનેક પક્ષો તૂટીને તેના સભ્યો કાં તો નવો પક્ષ રચે છે અથવા તો બીજા પક્ષોમાં જોડાઈ જાય છે. રાજકારણીઓમાં ચોક્કસ વિચારધારાનો અભાવ છે અને કહેવાતી વિચારધારાનો અમલ કરવામાં આવતો નથી. સ્થાનિક સ્વરાજની સંસ્થાનું કામ હોય, રાજય સરકાર કે કેન્દ્ર સરકાર તમામ કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આવે છે. લોકોના જીવનની સલામતી સાથે ચેડાં થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આવી જ રીતે આપણાં દેશમાં છેલ્લાં દસ વર્ષમાં ભેળસેળનું ચલણ વધ્યું છે તે પણ ચિંતાજનક છે. યુરિયામાંથી બનતું બનાવટી દૂધ હોય, પામ ઓઇલમાંથી બનતું પનીર કે મટન-ટેલોમાંથી બનાવાતા હવે લોકોને નવાઈ પણ લાગતી નથી. સરકાર પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માંગે છે, પરંતુ આપણાં મોટાભાગના કૃષિ ઉત્પાદનોમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકને કારણે જે ઝેરી તત્વોની હાજરી છે તે અંગે જો આપણે જલ્દીથી યોગ્ય ઉપાયો નહીં કરીએ તો આપણી ભાવિ પેઢીના આરોગ્ય ઉપર ખૂબ મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
કવિ ઈક્બાલે કહ્યું હતું કે, યુનાન, રોમ, ઈજિપ્ત આ બધાની સંસ્કૃતિ નાશ પામી, પણ ભારતની સંસ્કૃતિમાં કશુંક એવું છે કે હજારો વર્ષોથી અનેક પડકારો વચ્ચે આ સંસ્કૃતિ ટકી રહી છે. મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ આઝાદીના આંદોલને અનેક ક્રાંતિકારીઓના શહાદતે આપણને સ્વતંત્રતા અપાવી છે, પરંતુ આ આઝાદીના ફળો છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી તે હકીકત છે. જો આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિને વર્તમાનમાં યુગમાં ટકાવી રાખવી હોય તો આપણાં પરિવારોને તૂટતા બચાવવા પડશે. નવી વાત, અસ્પૃશ્યતા અને ભેદભાવો દૂર કરવા માટે પડશે.
Comments
Post a Comment