જહૉન કેનેડીની હત્યાનું રહસ્ય-૨
- પ્રવીણ ક. લહેરી
કોઈપણ ગુન્હો બને ત્યારે તેની તપાસ કરનાર વ્યક્તિ સૌ પ્રથમ એક પ્રશ્ન પૂછે છે કે આ ગુન્હાનો લાભાર્થી કોણ છે ? આ કિસ્સામાં લાભાર્થી તો ખુદ પ્રમુખ જોન્સન છે. પરંતુ પ્રમુખ બનેલા જોન્સન સામે આંગળી ચિંધવાની કોઈની હિંમત નહોતી. જો કે વર્ષો પછી અમેરિકાની રિપબ્લિક પાર્ટીના રિચાર્ડ નિકસન આ ગોઝારી ઘટનાના થોડા દિવસ પહેલાં ડલાસ આવ્યા હતા અને ત્યાં તેમણે કરેલી કામગીરી શંકાસ્પદ ગણાય તેવી હતી. કેનેડીની હત્યા બાદ તેઓ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે ટેલીફોન ઉપર થયેલી વાતનો રેકર્ડ દર્શાવે છે કે કૌભાંડ સમયે તેમણે જે ક્યુબા સામે અમેરિકાએ કરેલા હુમલા માટેનું કોડવર્ડ હતું. એક માન્યતા પ્રમાણે ડલાસમાં થયેલી કેનેડીની હત્યાના કાવતરા માટે પણ આ જ કોડવર્ડ રાખ્યો હોવાની શક્યતા અને શંકા અનેક લોકોએ વ્યક્ત કરી છે.
આ ઉપરાંત જ્યારે આ ઘટના બની ત્યારે ઝાપ્રુડર - દ્વારા કેમેરા ઉપર ફિલ્મ ઉતારવામાં આવી રહી હતી. આ ફિલ્મની દરેક સ્લાઈડનો વર્ષો સુધી અભ્યાસ થઈ રહ્યો છે જેમાં એક પ્રશ્ન અંગે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે કેનેડીને જે ગોળીઓ વાગી તે અલગ અલગ દિશામાંથી વાગી છે. વોરેન કમિશનની તારણ કે કેનેડીના માથામાં વાગેલી ગોળી રિબાઉન્ડ થઈને ટેકસાસના ગવર્નરને વાગી તેવા તારણને લોકો હાસ્યાસ્પદ ગણે છે. શેરી ફિએસ્ટર નામની એક સંશોધક વર્ષોના અભ્યાસ બાદ એમ કહે છે કે કેનેડીને પ્રથમ ગળા ઉપર ગોળી વાગી ત્યારબાદ તેનું શરીર ડાબી બાજુ ખસ્યું અને નીચું પણ નમ્યું અને તેના લમણામા જે ગોળી વાગી છે તે ડેલીંગ પ્લાઝા વિસ્તારના દક્ષિણ ભાગમાંથી આવી હોવી જોઈએ. ક્લિન્ટ હિલ નામના સીક્રેટ સર્વીસના એજન્ટ દ્વારા પણ કેનેડીના માથાના ભાગમાં થયેલી ઈજાનું વર્ણન જોતાં આવું બનવાની શક્યતા સવિશેષ છે.
જે લોકો સરકારી માન્યતા અને વોરન કમિશનના તારણનો વિરોધ કરે છે તેમના પાસે અનેક એવી બાબતો છે કે જેનો ખુલાસો નથી કોઈ સરકારે કર્યો કે નથી વોરેન કમિશને કર્યો. જે કાંઈ દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે તે રહસ્યને ઉકેલવાને બદલે વધારે ઘેરું બનાવે છે. તાજેતરમાં જાહેર થયેલા દસ્તાવેજો સ્પષ્ટપણે સાબિત કરે છે કે સમગ્ર તપાસને ત્યાંની તપાસ સંસ્થા સીબીઆઈ દ્વારા અનેક વસ્તુઓ છુપાવવા અને અનેક બાબતો અંગે ગેરરસ્તે દોરવા માટે ભરપૂર પ્રયાસો થયાં છે. વોરેન કમિશનમાં નિષ્ણાત તરીકે સીબીઆઈએ પોતાના જ અધિકારીને ઘુસાડીને વોરેન કમિશનની તપાસને અવિશ્વસનીય બનાવી છે તેવું પણ માની શકાય તેમ છે.
હાલના રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે જે ફાઈલો જાહેર કરી તેનાથી એક વસ્તુ તો સ્પષ્ટ બની છે કે આ કૃત્ય એકલા લી હાર્વે ઓસવાલનું હોય શકે નહીં. હકીકતમાં કૅનેડીની હત્યા પછી અસામાજિક તત્ત્વ એવા જેક રૂબીએ ઓસવાલની હત્યા કરી અને ત્યારબાદ જેક રૂબીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું તેથી એમ માનવાને સબળ કારણ મળે છે કે હત્યાનો સાચો ભેદ ન ઉકેલી શકાય તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જહૉન કૅનેડીના નાનાભાઈ રોબર્ટ કૅનેડીને લોકલાગણીના ડરે એટર્ની જનરલ તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા પરંતુ તેઓ પ્રમુખ જોન્સનના પ્રતિસ્પર્ધી તરીકે ઊભરી આવતા તેની પણ એક હૉટલના કિચન પાસે હત્યા કરવામાં આવી. આ હત્યા કરાનાર કોણ હતું તેનો ભેદ પણ વણઉકલ્યો છે. અમેરિકાની સામાન્ય પ્રજાને ત્યારે કે આજે કૅનેડીની હત્યા એક સામ્યવાદી માણસનું કૃત્ય હતું અને તેમાં કોઈ કાવતરું ન હતું તેવું માનવા માટે તૈયાર નથી. આમ જોઈએ તો ૬૩ વર્ષમાં અમેરિકાની જનતાની ત્રણ-ત્રણ પેઢી પૂરી થઈ પરંતુ બે બાબતો અંગે સ્થિતિ યથાવત્ છે.
(૧) જહૉન કૅનેડી અમેરિકાના એક તેજસ્વી અને લોકપ્રિય પ્રમુખ હતા અને કૅનેડી પરિવારની લોકપ્રિયતા પણ અકબંધ રહી છે. શ્રી રોબર્ટ કૅનેડીના અવસાન બાદ કૅનેડી પરિવારનો રાજકીય વારસો સૌથી નાના ભાઈ એડવર્ડ કૅનેડીએ સંભાળ્યો. તેઓ વર્ષો સુધી લોકપ્રિય સેનેટર રહ્યાં પરંતુ અકળ કારણોસર તેમણે પ્રમુખપદની સ્પર્ધામાં જોડાવવું ઉચિત ન માન્યું. ૧૯૬૩માં કૅનેડીની હત્યા સમયે અમેરિકાની સમગ્ર પ્રજાની સહાનુભૂતિ તેમની વિધવા જેક વિલીન કૅનેડી અને તેના બે નાના બાળકો તરફ હતી. જહૉન કેનેડીનો પુત્ર જહૉન જુનીયર માંડ પાંચ વર્ષનો હતો. કૅનેડીની હત્યાનો પૂરો સંદર્ભ સમજી ન શકે તેવું હતું. જહૉન કૅનેડીની અંતિમયાત્રા સમયે આ નાના પુત્રે અગાઉ સલામતિ અધિકારીઓ પાસેથી શીખેલી સેલ્યુટ એવી આબાદ રીતે આપી કે આજે પણ એ બાળકની સલામ લોકોને ભાવુક બનાવી દે છે.
જહૉન કૅનેડીના પુત્ર જહૉન જુનિયર જાતે નાનું વિમાન ઊડાડીને સમુદ્ર પરથી ઉડી રહ્યા હતાં ત્યારે ત્યાંના વાવાઝોડામાં પ્લેન સપડાયું અને તૂટી પડ્યું એટલે તેનો અંજામ પણ કરુણ આવ્યો. જહૉન કૅનેડીની પુત્રી કેરોલીને પોતાની કારકિર્દી સામાન્ય ધોરણે વિકસાવી પરંતુ બરાક ઓબામાએ તેમના કાર્યકાળ દરમિયાન કેરોલીનને જાપાનમાં અમેરિકાના રાજદૂત તરીકે મોકલી લોકલાગણીનું સન્માન કર્યું. જેકવીલીન કૅનેડીએ આ હત્યાના થોડા વર્ષ બાદ ગ્રીસના એક અબજોપતિ કદરૂપા ઓનેસીસ સાથે લગ્ન કર્યા ત્યારે અમેરિકી પ્રજાને પારાવાર દુઃખ થયું. તેમના માટે જેકવિલીન કૅનેડી એક દેવીસમાન હતા અને પ્રજાની અપેક્ષા હતી કે તેઓ જહૉન કૅનેડીની વિધવા તરીકે જહૉન કૅનેડીની વિરાસતને જાળવી રાખે. જેકવિલીન કૅનેડીના પુનઃલગ્નની વાત ક્રમશઃ વિસરાઈ ગઈ છે. જેકવિલીન કૅનેડીની અંતિમ સમયની બિમારી અને તેના પુત્ર-પુત્રીએ કરેલી કાળજી લોકહૃદયમાં આજે પણ અંકિત છે.
જહૉન કૅનેડીના સૌથી નાના ભાઈ એડવર્ડ કૅનેડી એક રાત્રે દારુની મહેફિલ પછી એક મહિલા-મિત્ર સાથે ગાડીમાં જતા હતા ત્યારે ગાડી પુલ પરથી નદીમાં ખાબકી. એડવર્ડ કૅનેડી મહામહેનતે બહાર નીકળ્યા અને બચી ગયા પરંતુ તે મહિલા-મિત્રનું અવસાન થતાં તેમણે બેકાળજી દાખવી તેવા આક્ષેપો થયાં અને તેમના માટે ક્ષોભકારક સ્થિતિનું નિર્માણ થયું હતું.
(૨) જહૉન કૅનેડીની જિંદગીમાં જેટલી લોકપ્રિયતા મળી તેટલી જ કરુણાનો અનુભવ કરવાનો થયો. જહૉન કૅનેડીના પિતાએ ઓઈલના ધંધા દ્વારા નોંધપાત્ર સંપત્તિ હાંસલ કરી હતી અને તેની તાલીમ અને મદદના કારણે જ કૅનેડી બંધુઓ રાજકારણમાં આગળ વધી શક્યા હતા. કૅનેડી પરિવાર દુઃખી રહ્યું કારણ કે તેમના પરિવારના અનેક સભ્યો અપમૃત્યુને વર્યાં. તેમની બેજોડ લોકપ્રિયતા હોવા છતાં તેઓને જીવનમાં સુખ-શાંતિનો અનુભવ થયો નહીં. જો કે આજે પણ અમેરિકી પ્રજાના માનસમાં કૅનેડી શબ્દ એક જાદુઈ અસર કરે છે. વિધીની વિચિત્રતા જોઈએ તો માત્ર બે વર્ષ માટે પ્રમુખપદ ભોગવનાર કૅનેડી આજે પણ રાજકારણમાં એક આદર્શ વ્યક્તિ માનવામાં આવે છે. જો કે સાથે સાથે જહૉન કૅનેડી અને રોબર્ટ કૅનેડીના લગ્નેત્તર સબંધો અને અનેક શોખોને કારણે એક વર્ગ તેની ટીકા પણ કરે છે.
અમેરિકાના પૂર્વ પ્રમુખ જહૉન કૅનેડીના જીવનનો ઈતિહાસ અનેક લોકોએ લખ્યો છે. તેમની હત્યાના ભેદભરમ અંગે વિશેષ સંશોધનો દ્વારા અનેક હકીકતો ઉજાગર કરવામાં આવી છે પરંતુ આજે પણ આ હત્યાનું રહસ્ય ઉકેલી શકાયું નથી.
Comments
Post a Comment