જહૉન કેનેડીની હત્યાનું રહસ્ય

                                                                          - પ્રવીણ  ક. લહેરી

વિશ્વમાં અનેક ઘટનાઓ એવી બને છે કે જેની પાછળ રહેલાં કારણો અને સત્ય હકીકતો આપણને પ્રાપ્ત થતી નથી. આ ઘટનાઓના ભેદભરમના ચક્કરમાં સત્ય ઢંકાઈ જાય છે. આના કારણે અનેક લોકો જુદી જુદી થીયરીઓ રજૂ કરીને ઘટનાના રહસ્યને વધારે ઘેરું બનાવે છે. ફોજદારી ગુન્હો હોય કે હિસાબની ગરબડ ફોરેન્સીક સાયન્સની મદદથી આપણે ઘણાં પેચીદા પ્રશ્નો ઉકેલી શકીએ છીએ. આમ છતાં ભૂતકાળની વણઉકલેલી ગુંચો આજે પણ આપણા સમક્ષ છે.

આપણા દેશમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે ‘આઝાદ હિંદ ફોજ’ની રચના કરી ૮૫૦૦૦ જેટલા સૈનિકો સાથે બર્માના જંગલો પાર કરીને કોહીમા સુધી વિજયયાત્રા કરી પરંતુ ત્યારબાદની પીછેહઠ અને ૧૫ ઑગસ્ટ ૧૯૪૫ના રોજ જાપાને અમેરિકા સમક્ષ સ્વીકારેલી શરણાગતિ બાદ તા.૧૮ ઑગસ્ટ ૧૯૪૫ના રોજ તાઈવાનના તઈપઈ ગામે વિમાનમાં ઊડતા નેતાજી અને સાથીઓનું વિમાન ટેક ઓફ બાદ તૂટી પડ્યાના સમાચાર અને તેમાં સખ્ત રીતે દાઝી જવાથી નેતાજી મૃત્યુ થયાના સમાચાર આવ્યા ત્યારથી આજ સુધી નેતાજી આ કહેવાતા વિમાની અકસ્માતમાં મૃત્યુ પામ્યા તે વાત સ્વીકારી શકાતી નથી. મહાત્મા ગાંધીજીને આ સમાચાર મળ્યા ત્યારે તેઓએ સંદેહ વ્યક્ત કર્યો હતો. 

આવી જ રીતે ૧૯૬૬માં તાસ્કંદ મુકામે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી સંધિની રાત્રે જ શ્રી લાલબહારદુર શાસ્ત્રીનું નિધન થયું તેના કારણો અંગે પણ આપણા દેશમાં સતત ચર્ચા ચાલતી રહે છે. ‘તાસ્કંદ ફાઈલ’ નામની ફિલ્મે પણ આ અંગેના વિવિધ પાસાંઓ ઉજાગર કર્યા છે.

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્ર્‌પતિ શ્રી ડોનાલ્ડ ટ્ર્‌મ્પે અનેક ગુપ્ત રખાયેલી ફાઈલો જાહેરમાં મૂકી છે. આ ફાઈલોમાંથી ૧૯૬૦માં સૌથી યુવાનવયે રોમન કૅથોલિક ધર્મ પાળતા જૉહન ફિત્ઝરા કેનેડીની ૨૩ નવેમ્બર ૧૯૬૭ના રોજ ડલાસ મુકામે જે હત્યા થઈ તે અંગે આજે ૬૩ વર્ષ થવા આવ્યા પરંતુ સત્ય શું છે તે જાણી શકાયું નથી. તા.૨૩ નવેમ્બર ૧૯૬૩ના રોજ એક ખુશનુમા સવારે અમેરિકાના દક્ષિણ વિસ્તારના ટેકસાસ રાજ્યની રાજધાનીમાં પહોંચેલા રાષ્ટ્ર્‌પ્રમુખ કૅનેડી અને શ્રીમતી કૅનેડી ટેકસાસના ગવર્નર સાથે ખુલ્લી મોટરમાં જન અભિવાદન ઝીલતા જઈ રહ્યાં હતા ત્યારે અચાનક ગોળીબાર થયો. કૅનેડીના માથા પર ગોળી વાગી અને ત્યાંથી તેઓને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં તેનું અવસાન થયું. આ ક્રુર ઘટના બાદ અમેરિકાની પોલીસ દ્વારા લી હાર્વે ઓસવાલ નામના એક માણસની ધરપકડ કરવામાં આવી. આ ઓસવાલ અમેરિકા વિરોધી ક્યુબા દેશ સાથે અને સામ્યવાદી રશિયા સાથે સંકળાયેલો છે એટલે તેમણે ડલાસની લાયબ્રેરીના ઉપરના માળથી ટેલિસ્કોપિક બંદૂકથી કૅનેડીની હત્યા કરી છે તેવી જાહેરાત કરવામાં આવી. લી હાર્વે ઓસવાલને જ્યારે જેલમાંથી કોર્ટમાં રજૂ કરવા લઈ જવાતો હતો ત્યારે જેક રૂબી નામના શખ્સે ખૂબ નજીકથી ગોળીઓ મારી ઓસવાલની હત્યા કરી. આ હત્યાનો સિલસીલો અહીંથી ન અટકતા થોડા દિવસ પછી તેનું પણ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું. આ ઘટનાક્રમને લીધે સમગ્ર વિશ્વમાં ખૂબ મોટો ઉહાપોહ થયો. જહૉન કેનેડી ખૂબ જ લોકપ્રિય પ્રમુખ હતા. તેના બે વર્ષનો કાર્યકાળ દરમિયાન તેમણે અમેરિકાને ખરેખર મહાન બનાવવા માટે અનેક પગલાં લીધા હતા. તેમણે માણસને ચંદ્ર પર મોકલવાનું સ્વપ્ન સેવ્યું હતું જે તેની હત્યા પછી ૬ વર્ષે ૧૯૬૯માં સાકાર પણ થયું. જો કે અમેરિકાના અવકાશયાત્રી૧૯૬૯માં તો ખરેખર ચંદ્ર ઉપર પહોંચ્યા હતા તે કે માત્ર ટ્રિ્‌ક-ફોટોગ્રાફીથી આનો યશ લીધો હતો તે અંગે પણ વિવાદ ચાલે છે. જહૉન કૅનેડી ડેમોક્રેટીક પક્ષના ઉદાર મતવાદી હતા. પરંતુ ચૂંટણી જીતવાની વ્યૂહરચનાને કારણે તેમણે ટેકસાસના સિનીયર સેનેટર લીંડન બી જોન્સનને પોતાની સાથે ઉપપ્રમુખની જગ્યા માટે ઉમેદવાર બનાવ્યા હતા.

જહૉન કેનેડીએ ચૂંટણી સમયે જોન્સનને સાથી તરીકે પસંદ કર્યા તે સામે તેમના નાના ભાઈ રોબર્ટ કેનેડીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જોન્સનને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી ન કરવા દબાણ પણ કર્યું હતું. આમ છતાં રાજકીય ગણતરીઓ ધ્યાને લેતાં જોન્સનને ઉપપ્રમુખ પદનું ઉમેદવારી પદ મળ્યું અને કેનેડી સાથે ચૂંટાઈને તે ઉપપ્રમુખ બન્યા હતા. તા.૨૩ નવેમ્બર ૧૯૬૪ના એ ગોઝારા દિવસે પ્રમુખ કેનેડીના કાફલામાં જોન્સન પણ તેમના પત્ની સાથે બીજી કારમાં હાજર હતા. અમેરિકાના બંધારણ પ્રમાણે પ્રમુખના મૃત્યુ બાદ તુરત ઉપપ્રમુખને પ્રમુખપદ મળે છે તે જોગવાઈ અનુસાર ડલાસથી વોશિંગ્ટન જતાં પ્લેનમાં એક બાજુ કેનેડીના મૃતદેહનું કાસકેટ હતું અને બીજી બાજુ શ્રી જોન્સનનો અમેરિકાના પ્રમુખપદનો સોગંદવિધી કરવામાં આવી રહ્યો હતો. આ પ્રસંગે શ્રીમતી જેકવિલીન કેનેડીને જ્યારે વિનંતી કરવામાં આવી કે તેઓ પોતાના રક્તરંજિત ડ્રેસ બદલીને સોગંદવિધીમાં જોડાય ત્યારે તેમણે કહ્યું કે, ‘મારે પોશાક બદલવાની જરૂર નથી. દુનિયા ભલે જુએ કે આ લોકોએ શું કર્યું છે.’ કેનેડીની હત્યાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. ૧૯૫૦ અને ૧૯૬૦ના દસકાઓ અમેરિકા અને યુરોપના રાષ્ટ્ર્‌ો અને રશિયા અને તત્કાલિન સામ્યયાદી દેશો વચ્ચે શીતયુદ્ધનો સમય હતો. ભારત, ઈજિપ્ત અને યુગોસ્વેલિયા, ઈન્ડોનેશિયા અને ધાનાની આગેવાની હેઠળ એશિયા અને આફ્રિકાના અનેક દેશોએ પંડિત નહેરુ પ્રેરિત બીનજોડાણવાદી નીતિ અપનાવી હતી. પ્રમુખ કેનેડીની લોકપ્રિયતા વ્યાપક હતી. જેના અવસાનને કારણે અમેરિકામાં જ નહીં પરંતુ અનેક દેશોના સામાન્ય માણસોએ અરેરાટી અનુભવી હતી. મને યાદ છે કે હું સેન્ટ ઝેવિયર્સ કૉલેજની હોસ્ટેલમાં હતો અને સવારે છાપામાં આ સમાચાર વાચ્યા ત્યારે ખૂબ દુઃખની લાગણી થઈ હતી. એક પ્રગતિશીલ વિચારધારા ધરાવતા દ્વિતીય વિશ્વયુદ્ધમાં નોંધપાત્ર સેવા આપી ચૂકેલા પ્રબુદ્ધ અને વિશાળ દૃષ્ટિકોણવાળા જહૉન કેનેડીમાં લોકોને પ્રમુખ અબ્રાહમ લિંકન પછી એક આગવા વ્યક્તિત્વના દર્શન થતા હતા.

કેનેડીની હત્યા અગાઉ ૧૦૦ વર્ષ પહેલાં અબ્રાહમ લિંકનની હત્યા જે સંજોગોમાં થઈ હતી તેની અને કેનેડીની હત્યા વચ્ચેની અનેક પ્રકારની સામ્યતા જોગાનુજોગ હતી પરંતુ લોકોને એવો લાગતું હતું કે અબ્રાહમ લિંકન અધૂરું કાર્ય પૂર્ણ કરવા તેમજ જહૉન કેનેડી અવતાર લીધો હશે.

કેનેડીની હત્યાના કારણો શોધી કાઢવા માટે તત્કાલિન ચીફ જસ્ટીસ વોરેનના અધ્યક્ષપદે એક કમિશનની રચના કરવામાં આવી. આ કમિશને અનેક પ્રકારના પૂરાવાઓ એકત્ર કરીને એક જ કારણ તારણ કાઢ્યું કે આ હત્યા પાછળ એકમાત્ર લી હાર્વે ઓસવાલ જવાબદાર હતો અને તેમાં કોઈ કાવતરું નહોતું. ફોરેન કમિશનના આ અહેવાલને પણ સામાન્ય જનતાએ કદી સ્વીકાર્યો ન હતો. મોટાભાગના લોકોની લાગણી હતી કે કેનેડીની હત્યા એકલદોકલ ઓસવાલે કરી તે વાત માની શકાય તેમ નથી કારણ કે આ હત્યા પાછળ કોઈક પ્રકારનું ઊંડું કાવતરું હોવું જ જોઈએ. જહૉન કેનેડીના નાના ભાઈ રોબર્ટ કેનેડી જે સરકારમાં એટર્ની જનરલ હતા તેઓ જોન્સનની સરકારમાં પણ અનિચ્છા હોવા છતાં તે પદે ચાલુ રહ્યા. રોબર્ટ કેનેડીની ઈચ્છા આ કાવતરું શોધી કાઢવા માટે હતી. કેનેડીની હત્યા પાછળ સ્થાપિત હિતોએ કાંઈક ગરબડ કરી છે તે માટે સૌથી પહેલાં શંકાની સોય ટેકસાસના ઓઈલના મોટા ઉત્પાદકો સામે ચિંધવામાં આવી હતી. ઓઈલના વ્યવસાય સાથે સંકળાયેલા અબજોપતિઓએ પોતાની વગ વાપરીને કરવેરાના કાયદામાં એવી જોગવાઈ કરી હતી કે તેમણે કરેલા ૧૦૦ રૂપિયાના ખર્ચ સામે તેઓને આવકમાંથી ૧૫૦ રૂપિયા બાદ મળતાં હતાં. કરવેરામાં ધનિકો પ્રત્યેના આવા પક્ષપાતને નિવારવા માટે વિસ્તૃત બીલ કેનેડીએ કોંગ્રેસમાં રજૂ કર્યું હતું. આ ઓઈલના મોટા ઉત્પાદકો જોન્સનની નજીક હતા અને તેમના માટે જોન્સન પ્રેસીડેન્ટ બને તે ખૂબ અગત્યનું હતું. તેમની પાસે અમાપ ધન હોવાથી તેમની વગ સર્વત્ર હતી. 

                                    (ક્રમશઃ)


Comments

Popular posts from this blog