નેતાજી અને આઝાદ હિંદ ફોજ - ૨

                                                                     - પ્રવીણ  ક. લહેરી

જર્મની જેમ જાપાન પાસે બર્મા, સિંગાપોર, થાઈલેન્ડ જેવી જગ્યાએ ભારતીય યુદ્ધ કેદીઓ મોટી સંખ્યામાં હતા. અગાઉ મોહન સિંહ અને ત્યારબાદ જાણીતા ક્રાંતિકારી રાસ બિહારી બોઝે આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. રાસબિહારી બોઝે નેતાજીનું ઉમળકાથી સ્વાગત કર્યું એટલું જ નહીં પરંતુ તેમને આઝાદ હિન્દ ફોજના સરસેનાપતિ બનાવી પોતે નિવૃત્તિ લીધી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજના સૈનિકોને જાપાન મારફત શસ્ત્ર-સરંજામ મળે તેવી વ્યવસ્થા કરી. આ ઉપરાંત જાપાન હસ્તકના એશિયાઈ દેશોમાં વસતા ભારતીય વેપારીઓ અને અન્ય લોકોને આઝાદ હિન્દ ફોજ માટે ભંડોળ આપવાની અપીલ કરી. આપણને આજે જાણીને આશ્ચર્ય થાય કે તે જમાનામાં આ બિનનિવાસી ભારતીયોએ નેતાજી બોઝની થેલી છલકાવી દીધી. નાણાની જ નહીં પરંતુ અનેક પરિવારોએ, ખાસ કરીને તેમની મહિલાઓએ, અનેક કિલોગ્રામ સોનું ભારતની આઝાદી માટે નેતાજીના ચરણોમાં ધરી દીધું હતું. ગોંડલના એક વેપારીએ તો પોતાની સંપૂર્ણ મિલકત નેતાજીને આપી અને તેઓ જે કહે તે રીતે તેમની સાથે રહેવા માટે તૈયારી દર્શાવી હતી.

નેતાજીને જ્યારે ખાતરી થઈ કે તેમના હસ્તકની આઝાદ હિન્દ ફોજ હવે કોઈપણ મોરચે લડવા માટે સક્ષમ છે ત્યારે તેમણે સિંગાપોરમાં એક માર્ચપાસ યોજી. નેતાજીની આઝાદ હિન્દ ફોજની અનેક વિશેષતાઓ હતી જેમાં એક બ્રિગેડનું નામ ગાંધી બ્રિગેડ હતું તો બીજી બ્રિગેડનું નામ નેહરુ બ્રિગેડ હતું. આ ઉપરાંત માર્ચપાસના સમયે મંચ ઉપર પાછળના ભાગે હાથમાં લાકડી લીધેલા ગાંધીજીનું ફૂલોથી બનાવેલું ચિત્ર હતું. સામાજિક માધ્યમોમાં ગાંધી, નેહરુ અને નેતાજી એકબીજાથી અલગ હતા તેવી વાતો કરનારને આ ત્રણેય વ્યક્તિઓ વચ્ચેના આત્મીય સંબંધોનો અંદાજ નથી. સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતા કહ્યા હતા તો ગાંધીજીએ તેમને આઝાદીના રાજકુંવર કહ્યા હતા. તેઓ અંગે પદ્ધતિ વિશે મતભેદ હોઈ શકે પરંતુ તેમની દેશભક્તિ, નીડરતા, સમર્પણ અને ત્યાગ અંગે શંકા કરવી એ નરી મૂર્ખામી છે. 


આઝાદ હિન્દ ફોજે ૧૯૪૪માં ૮૫ હજાર સૈનિકો સાથે આક્રમણ શરૂ કર્યું. તેનો હેતુ અંગ્રેજોની જીવાડોરી સમાન પુરવઠા માર્ગો કાપી નાખવા અને ભારતમાં રાષ્ટ્રીય ભાવના ધરાવતા લોકોમાં ક્રાંતિની ચિનગારી પ્રગટાવવાનો હતો. અંગ્રેજો માટે આઝાદ હિન્દ ફોજનું આક્રમણ એટલું ચિંતાજનક હતું કે મોટાભાગના ભારતીય જવાનો યુરોપ અને આફ્રિકામાં હતા. ભારતમાં ગાંધીજીના “ભારત છોડો” અને “કરેંગે યા મરેંગે” ના પડકાર પછી વાતાવરણ ભારેલા અગ્નિ સમાન હતું. આના કારણે બ્રિટન માટે આઝાદ હિન્દ ફોજને હરાવવી એ ખૂબ અગત્યની અગ્રતા હતી. આ કામ માટે બ્રિટને જનરલ મોન્ટેગ્યુ સ્ટોપફોર્ડની પસંદગી કરી હતી. આ ઉપરાંત જનરલ વિલિયમ સ્લિમ, કે જેઓ લશ્કરના ૧૪મા વિભાગનું નેતૃત્વ કરતા હતા, તેમને પણ આ કાર્યમાં જોડ્યા હતા. બર્માના રસ્તે ભારત તરફ આવવા નીકળેલી આઝાદ હિન્દ ફોજ જ્યારે કોહિમા પહોંચી ત્યારે સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય સર્જાયું હતું. અનેક લોકોને એમ લાગતું હતું કે આઝાદ હિન્દ ફોજ બ્રિટીશ લશ્કરને હરાવીને “ચલો દિલ્હી” ના નાદ સાથે લાલ કિલ્લા ઉપર ત્રિરંગો લહેરાવશે. આઝાદ હિન્દ ફોજની સરકારમાં મંત્રીઓ હતા, તેનું અલગ ચલણ હતું અને હવે ભારતની ભૂમિ ઉપર પહોંચેલી આઝાદ હિન્દ ફોજને કેવી રીતે રોકવી તે બ્રિટન માટે ગંભીર સમસ્યા હતી. જનરલ મોન્ટેગ્યુ સ્ટોપફોર્ડ અને જનરલ વિલિયમ સ્લિમ દ્વારા આઝાદ હિન્દ ફોજને રોકવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ જાપાનના ૮૫ હજાર સૈનિકોએ ચિન્દવિન નદી પાર કરવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ જાપાનના લશ્કરને સફળતા મળી ન હતી. બ્રિટનની ભારતીય સેના માટે આઝાદ હિન્દ ફોજને રોકવી અને જાપાને કબજે કરેલા બર્મા જેવા દેશોને મુક્ત કરાવવાનું કામ દિનપ્રતિદિન કઠિન બનતું હતું. એપ્રિલ ૧૯૪૪માં બ્રિટિશ જનરલો માટે એક કાળરાત્રી આવી હતી. જો આઝાદ હિન્દ ફોજને રોકીને પાછળ ધકેલવામાં ન આવે તો બ્રિટનના રાજાના મુગટના સૌથી ચમકદાર હીરા સમાન હિન્દુસ્તાન ગુમાવવાની નોબત આવી હતી. આના કારણે બ્રિટને વોટરલૂ કરતાં પણ કોહીમાના યુદ્ધને વધારે નિર્ણાયક ગણ્યું હતું. 

કમનસીબે આઝાદ હિન્દ ફોજને જે શસ્ત્રો અને પુરવઠાની જરૂરિયાત હતી તે પૂરી કરવામાં જાપાન નિષ્ફળ ગયું હતું. અનેક પડકારો વચ્ચે નેતાજીના અંકુશ હેઠળની ભારતીય સેનાનું મનોબળ ઘણું ઊંચું હતું. આની સામે બ્રિટને ભારતમાં હાજર તેમના લશ્કરી જવાનોને એકત્ર કરીને ખૂબ મોટા પાયે આઝાદ હિન્દ ફોજ ઉપર આક્રમણ કર્યું હતું. આના કારણે એક વખત આઝાદ હિન્દ ફોજની પીછેહઠ શરૂ થઈ હતી. આ સમયે પણ નેતાજીએ વ્યૂહાત્મક રીતે પીછેહઠ કરીને આઝાદ હિન્દ ફોજને નવેસરથી ગોઠવીને ખૂબ ઝડપથી ભારતની ભૂમિ પર આગળ વધવા માટે વિચાર્યું હતું. કમનસીબે ૧૯૪૪માં પર્લ હાર્બર ઉપર જાપાનની નૌસેના અને વાયુસેનાના હુમલા બાદ દ્વિતીય વિશ્વયુદ્ધમાં સાથી દેશો સાથે જોડાયેલા અમેરિકાને કારણે ફિલિપાઇન્સથી શરૂ

કરીને જાપાન સુધી અમેરિકાનો દબાવ હતો તો પશ્ચિમ બાજુથી અંગ્રેજોની ભારતીય સેનાનો દબાવ હતો. આના કારણે જાપાને જીતેલા પ્રદેશોને મુક્ત કરવામાં સાથી દેશોને ક્રમશઃ સફળતા મળી ગઈ હતી. ૧૯૪૫ના પ્રથમ છ માસમાં આઝાદ હિન્દ ફોજ ઘણી પાછળ ધકેલાઈ હતી. આવા સંજોગોમાં નેતાજી ફરી જાપાન જઈને જનરલ તોઝો સાથે વાતચીત કરીને શસ્ત્રો મેળવી પુનઃ યુદ્ધનો આરંભ કરવા ઈચ્છતા હતા. ઓગસ્ટ ૧૯૪૫માં અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકીને જે તબાહી સર્જી તે ઇતિહાસમાં સાવ અનોખી હતી. આના કારણે જાપાન પાસે વધારે વિનાશ સહન કરવાને બદલે શરણાગતિ સ્વીકારવી સિવાય કોઈ વિકલ્પ ન હતો. જાપાનના રાજપુરુષોએ સમ્રાટના હોદ્દાને જાળવીને અમેરિકા સાથે જે સંધિ કરી તે આજે પણ અમલમાં છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં નેતાજી તાઇવાન સુધી પહોંચ્યા ત્યાં સુધીની માહિતી આપણને આધારભૂત રીતે મળે છે. પરંતુ ત્યારબાદ એક વિમાની અકસ્માતમાં દાઝી જવાથી તાઇવાનમાં તેમનું મૃત્યુ થયું છે તેવા સમાચાર મળ્યા હતા. ગાંધીજી સહિત અનેક આગેવાનોને આ સમાચાર સાચા નથી તેવું લાગતું હતું. જે રીતે કલકત્તાથી બર્લિન પહોંચીને રેડિયો ઉપર પ્રવચન આપી પોતાની હાજરી ભારતીયોને જણાવી હતી તેમજ જાપાન પહોંચીને સિંગાપોરમાંથી વાયુ પ્રવચન કરીને તેમણે જે પડકાર કર્યો હતો તેમ નેતાજી ફરી ક્યાંકથી પ્રગટ થશે તેવી આશા આપણે સૌએ દાયકાઓ સુધી રાખી હતી. નેતાજી કયા સંજોગોમાં અદૃશ્ય થયા તેનું શું થયું તે અંગે જુદા જુદા પંચોએ તપાસો કરી છે પરંતુ હજી પણ લોકોને એ વાતની ખાતરી થતી નથી કે તેમનું મૃત્યુ વિમાની અકસ્માતમાં થયું હતું. તે માન્યતા સામે અનેક પ્રશ્નો છે જેનો કોઈ ઉત્તર જડતો નથી. આઝાદ હિન્દ ફોજ અને નેતાજીએ આંદામાન-નિકોબારના ટાપુઓને પણ બ્રિટિશ હકૂમતમાંથી મુક્ત કર્યા હતા. નેતાજીનું જીવન એટલે એક મેઘાવી વ્યક્તિ. આઈ.સી.એસ. જેવી કઠિન પરીક્ષા ત્રીજા નંબરે પાસ કરીને નોકરીમાં જોડાવા કરતાં આઝાદીના આંદોલનમાં જોડાવાનું નક્કી કરીને તેમણે નોકરી છોડી દીધી. એટલું જ નહીં પરંતુ મુંબઈ આવીને ગાંધીજીને મળીને તેમણે પોતાની જાતને આ દેશની મુક્તિ માટે સમર્પિત કરી હતી. આજે પણ આપણે નેતાજીના જીવનનો અભ્યાસ કરીએ તો આપણા રુવાડા ખડા થઈ જાય તેવી રોમાંચક ઘટનાઓથી તેમનું જીવન ભરેલું હતું. તેમના મૃત્યુની વાત ચકરાવે ચડી છે પરંતુ આજે આપણે આઝાદીની હવામાં શ્વાસ લઈએ છીએ તેમાં નેતાજીનો સિંહફાળો છે તે વાતનો કોઈ ઇન્કાર કરી શકે નહીં.


Comments

Popular posts from this blog