સંત કબીર અને મહાત્મા ગાંધી-૨
- પ્રવીણ ક. લહેરી
(૩) નિડરતા
’’કબીર ખડા બજાર મેં, લિયે લુકાટી હાથ, જો ઘર ફૂંકે ઘર અપના સો ચલે હમારે સાથ,’’ ગાંધીજી પણ ચંપારણ સભાગૃહમાં આવેલ ત્યારે વિજય મોહન બાબુ, ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા નામાંકીત વકીલોને સલાહ આપી કે આઝાદીનો આંદોલનમાં જે જોડાય તેમણે બધી વસ્તુઓના ત્યાગ કરવો જરુરી છે. ત્યાગ મુર્તિ સમા સરદાર વલ્લભભાઈ પટેલે એક સભામાં કહયું હતું, ’’હું ૧૯૧૭ માં ગાંધીજી સાથે જોડાયો ત્યારે અમદાવાદમાં મારી ધીકતી વકીલાત ચાલતી હતી, હું ખૂબ પૈસા કમાતો હતો, વૈભવી જીવન જીવતો હતો, મારા પોશાકો સૌથી સારા હતા અને મારા ઘરનું ફર્નિચર કદાચ તમામ ધનવાનોના ઘરના ફર્નિચર કરતા સારુ હતું, તમે એમ ના માનશો કે હું આ બધુ છોડી એક વારની લંગોટીવાળા માણસની પાછળ ચાલી નીકળું. હું સાવ ભોળો છું એવું તો નથી.’’ સરદારે જે વાત કરી તે નિડરતા અને સાહસની કરી હતી. ’’મને જયારે સમજાયું કે ગાંધીજીમાં એકવાકયતા છે, જે વિચારે છે તે જ બોલે છે અને જે બોલે છે તે જ કરે છે. તેનામાં ડર માત્રની નિશાની નથી. મને સમજાયું કે, આ માણસની સાથે ચાલવામાં દેશનું ભલું થશે. મનથી એક યજ્ઞ કર્યો, આ યજ્ઞમાં મારા તમામ અરમાનો અને અપેક્ષાઓને હોમી દીધી. મારી તમામ સંપતિ, મિલ્કત, મુડીને સંપૂર્ણ પણે હોમી દીધી સરદાર આજીવન જે સાદગીવાળા અને ત્યાગની ભાવના નિભાવી તેનાથી સૌ સારી રટ્ઠૈો વાકેફ છીએ.
(૪) કોમી સંવાદ
આપણા દેશમાં ૧૬ મી અને ૧૭ મી સદીમાં હિન્દુ અને મુસ્લીમ ધર્મ વચ્ચે ખુબ મોટો ટકરાવ થયો ત્યારે ધર્મના નામે જે દિવાલ ચણાઈ રહી હતી તેના પર પ્રહાર કરતા કબીરે કહયું. ’’રામ અને રહિમમાં કોઈ ભેદ નથી. જાતી ન પુછો સાધુકી, પુછ લીજીયે જ્ઞાન, મોલ કરો તરવાર કા, પડા રહન દો મ્યાન.’’ તેેણે એ પણ કહયું ’’મુલ્લા મીનાર ચઢકે બાંગ પુકારે કયા તેરા સાહિબ બહેરા હૈ, વો તો ચીંટી કે ઝાંઝર કી આવાજ ભી સુનતા હૈ’’ મોલવી અને પંડિતોને તેમણે સરખે હાથે ઠપકાર્યા હતા અને વ્યક્તિની સુઝબુઝને તે જાતીથી નહીં પણ ચરિત્રથી કરવી જોઈએ તેની આ વાત પણ ખુબ મહત્વની છે.
મહાત્મા ગાંધી - કબીરની ધર્મ અંગેની વાતોને ’’ઈશ્વર અલ્લાહ તેરા નામ ભજનથી જ નહીં’’ પરંતુ ચરિત્ર, સહિષ્ણુતા અને પ્રેમ રાખવાની વાતને મધ્ય સ્થાને રાખી જયાં જયાં કોમી હુલ્લડો થયા ત્યાં ગાંધીજી ખુલ્લા પગે પગયાત્રા કરી હતી. આઝાદીના ઉષાકાળે કોમી રમખાણોની વચ્ચે તેઓ કલકત્તાના બલીયાઘાટામાં ’’હૈદરી મંઝીલ’’ નામના ખૂબ મોટા મકાનમાં હિન્દુ મુસ્લીમની ખૂબ મોટી વસ્તીમાં રહેવા આવ્યા ત્યારે મોટરગાડીમાંથી ઉતર્યા ત્યારે એક બાજુ હિન્દુ અને એક બાજુ મુસ્લીમોના ટોળાઓએ પથ્થરમારો કર્યો ’ગાંધી હાયહાય - ગાંધી ગોબેક’ ત્યારે ગાંધીજી પોતાની કોઈ સલામતિની પરવા કર્યા વિના દ્રઢતાથી એકબાજુ ગયા અને ખૂબ શાંતિથી બોલતા કહયું, ’’ભાઈઓ હું વૃદ્ધ છું, ઝાડ ઉપરના પીળા પાન જેવો છું, હું કયારે પડી જઈશ તે તોે ઈશ્વર જાણે પરંતુ મારે તમને એક નાની વાત કહેવી છે જો સાથે રહેવું હોય તો પ્રેમથી રહો તો જ સુખી થઈ શકશો.’’ ગાંધીની આ વાત સાંભળી બન્ને પક્ષના લોકો મહાત્મા ગાંધીનો જય બોલવા માંડયા આ ચમત્કાર કેમ થયો ? ગાંધી કોઈ મનુષ્યની ઓળખ તેના ધર્મથી ન કરતા સેવા અને પરસ્પરના પ્રેમથી કરવી જોઈએ તે અંગે સ્પષ્ટ હતા. જો કે આજે આને લોકો સ્વીકારતા નથી જે સેવા અને પરસ્પરના પ્રેમનો લોકોમાં અભાવ થયો છે, તે આપણને કયાં લઈ જશે ? જેનો અંદાજ આંકવો મુશ્કેલ છે.
કબીર અને ગાંધીની સરખામણી કરીએ ત્યારે વિચારનું સાતત્ય જોવા મળે છે. કબીરે શબ્દો દ્વારા અને ઉપમાઓ દ્વારા સમજાવવાની કોશીશ કરી હતી. તેના દ્વારા અનેક સામાજીક સુધારા થયા હતા. કબીર અને ગાંધી બન્ને વૃતિથી સંતપુરુષો હતા. બન્ને માટે દુનિયાને બદલવાનો શ્રેષ્ઠ રસ્તો હિંસા નહીં પણ પ્રેમ અને સહિષ્ણુતા છે. તેરો દુરદર્શી હતા. કબીરનો કરધો અને ગાંધીનો ચરખો એ બન્ને પ્રતિકો આપણી ભાવી પેઢીએ સમજવા ખૂબ જરુરી છે. આપણે ત્યાં દર વર્ષે શાંતિ માટેનો પુરસ્કાર આપવામાં આવે છે. મહાત્મા ગાંધીને ચાર વખત નોબલ પ્રાઈઝ માટે વિચારણામાં લેવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે તેઓનું નામ એક પણ વખત પણ સ્વીકૃતિ ન પામ્યા. આશ્ચર્યની વાત એ છે કે, શાંતિ નોબલ પ્રાઈઝ મેળવનાર અનેક લોકોએ પોતાની વિચારધારા મહાત્મા ગાંધીના આદર્શો પ્રમાણે જઈ હતી તેવો જાહેરમાં એકરાર કરેલો છે. (૧) રવિન્દ્રનાથ ટાગોર (ર) પર્લબક (૩) નેલ્શન મંડેલા (૪) માર્ટીન લ્યુથર કિંગ (૪) આઈન્સ્ટાઈન (પ) દલાઈ લામા (૬) ઓંગ સુ કી (૭) અર્મત્ય સેન (૮) બરાક ઓબામા (૯) જયોર્જ બર્નાડ શો. મહાત્માના હત્યારા ગોડસેના સોશ્યલ મીડીયા ઉપર ગુંણગાન કરતા લોકોને મારે એક પ્રશ્ન છે. ગોડસેના વિચારોથી કોઈએ લોકઉપયોગી કે સર્જનાત્મક કામ કર્યું છે ? સમાજમાં સુધારા માટે કોઈ પ્રદાન કર્યું છે ? ગાંધીજીને કારણે હિન્દુ ધર્મ જોખમમાં કેમ હોઈ શકે, જયારે તેઓ પોતે પોતાની ઓળખ સનાતની હિન્દુ તરીકે લખતા મહાત્મા ગાંધી સનાતની હિન્દુ સાથે સત્ય અને અહિંસાના પૂજારી છે.
કબીર અને ગાંધીની વિચારધારાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા વિના કાચી માહિતી અને પૂર્વગ્રથી આપણે શાશ્વત સત્ય નહીં સમજીએ તો માનવજાતના ભવિષ્યને જોખમમાં મૂકીશું. હિન્દી ભાષાના સાહિત્યકાર મહાવીર પ્રસાદ દ્વિવેદીએ જે ધારણા કરી તેની પાછળ કારણ એ છે કે સામાન્ય રીતે જોઈએ તો આપણા દેશમાં બુદ્ધિ કરતાં માન્યતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આપણો સમાજ અંધશ્રદ્ધાના વાતાવરણમાં અનેક પરંપરાઓમાં, રુઢિઓ અને કર્મકાંડોને કશું સમજ્યા વગર વળગી રહ્યાં છે. કબીરનો જન્મ થયો ત્યારબાદ તેને નદીમાં ત્યજી દેવામાં આવ્યા હતા અને મુસ્લિમ દંપતિને ત્યાં તેમનો ઉછેર થયો. તેઓએ અભ્યાસ કર્યો જ નહોતો પરંતુ કાશીના વાતાવરણમાં તેમણે જે વિચારો ગ્રહણ કર્યા હતાં તેનો યથાતથા સ્વીકાર ન કરતાં ભગવાન ગૌતમ બુદ્ધે આપેલા માપદંડ પ્રમાણે તેમણે દરેક વાત અને દરેક માન્યતાને પોતે જ સત્યની એરણ ઉપર ચઢાવીને શું સાચું અને શું ખોટું તે નક્કી કરવામાં ખૂબ મોટું પ્રદાન કર્યું હતું. તેમના ગુરુ રામાનંદે પણ જ્યારે કર્મકાંડ કરવાનું કહ્યું ત્યારે કબીરે ખૂબ સીફતપૂર્વક ગુરુની માન્યતાને પડકારી હતી અને તેને ખાતરી કરાવી હતી કે જીવનમાં પરંપરાગત ચાલ્યું આવે તેનો પણ બુદ્ધિથી ચકાસીને જ સ્વીકાર કરવો જોઈએ.
ગાંધીજીનો જન્મ પોરબંદરના દિવાનના કુટુંબમાં થયો હતો. બાળપણમાં ડર, આત્મ વિશ્વાસનો અભાવ, મુંઝવણ જેવી સમસ્યાઓ હતી પરંતુ ગાંધીજીમાં સાચી વસ્તુની ગ્રહણ કરવાની તત્પરતા હતી એટલું જ નહીં પરંતુ વિચાર, વાણી અને વર્તનમાં એક વાક્યતા રાખવી જોઈએ તેવો દૃઢ સંકલ્પ તેમણે કરેલો; તેમણે કહ્યું હતું, ‘‘મારા માટે ભગવાન સત્ય નથી પરંતુ સત્ય એ ભગવાન છે.’’ આ વાત પાયાની છે. આ મુદ્દાના કારણે કબીરજી અને ગાંધીજી વચ્ચે પાયાનું સામ્ય છે.
Comments
Post a Comment