સંત કબીર અને મહાત્મા ગાંધી
- પ્રવીણ ક. લહેરી
ભારતના ઇતિહાસમાં અનેક મહાપુરુષોએ અદભુત પ્રદાન કર્યું છે પરંતુ બે વ્યક્તિઓ એવી છે કે જેમણે અંધશ્રદ્ધા દ્વારા થતા અત્યાચાર અને સામાજિક કુરુઢીઓને કોઈ શાસ્ત્ર કે શસ્ત્રથી નહિ, પરંતુ સત્ય અને પ્રેમથી પડકાર્યા છે. સંત કબીરે તેમની સાધુકડી બોલીમાં જે સાખી, દોહાઓ કે કાવ્યો આપણને આપ્યા છે તેમાં તમામ પ્રકારના સામાજિક દુષણોને તર્કબદ્ધ રીતે પડકારવામાં આવ્યા છે સાથે સાથે સચોટ ઉપમા દ્વારા સંતકબીર સામાન્ય માણસ સમજી શકે તેવા શબ્દો સાથે જે કાંઈ ખોટું થઈ રહ્યું હતું, જે કાંઈ અનિષ્ટ હતું, જે કાંઈ નુકસાન થતું હતું તેના માટે સબળ સંદેશો આપ્યો હતો. ભારતના પ્રખર વિચારક શ્રી રજનીશ - ઓશો દ્વારા કબીરના સાહિત્યની ચર્ચા કરતા એમ લખવામાં આવ્યું હતું કે ’’આપણે ઘણા તત્વચિંતકોના સાક્ષી છીએ પણ કબીરની વાત તદ્દન જુદી છે. તેમના સાદા શબ્દો શરૂઆતમાં પ્રભાવ નહીં પાડી શકે પણ ઊંડાણથી તેનું અધ્યયન કરશો તો તમને સમજાશે કે કબીરની વાણી આગ ઝરતો ગોળો છે આપણા વ્યવહારમાં કબીરના શબ્દો જે રીતે ગોફણનો પથ્થર ધાર્યું નિશાન પાર પાડે તેમ કબીરનો સંદેશો પણ ધાર્યું નિશાન પાર પાડે છે.’’
કબીર તો સાવ અભણ હતા સારી જિંદગી કાપડ વણવા માટે હાથશાળ ઉપર બેસીને તૈયાર કરેલું કાપડ ગાંઠડીમાં બાંધી માથે મૂકી વેચવા જતા, આવા રોજીંદા જીવન વચ્ચે એમણે પોતાના ચિંતનને જે શબ્દોમાં રજુ કર્યું તેની નોંધ તેની પત્ની લોઈ દ્વારા કહેવામાં આવી અને દોહા અને સાખી લોકજીભે રમતા થયા. કબીરે કોઈ પંથ સ્થાપ્યો ન હતો પરંતુ તેના શિષ્ય દ્વારા આશ્રમ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આજે દૂરદરાજના વિસ્તારોમાં કબીરના શબ્દો આપણે સાંભળી શકીએ છીએ. હિન્દી સાહિત્યના પ્રખર સાહિત્યકાર આગવી વિચારધારા વાળા આચાર્ય મહાવીર પ્રસાદ દ્વારા એવી કલ્પના કરવામાં આવી કે જાણે કબીરે જ ’’મોહનદાસ કરમચંદ (મહાત્મા ગાંધી) બનીને જન્મ લીધો છે આ કોઈ માત્ર ધારણા કે સરખામણી નથી પરંતુ આમાં મહાવીર પ્રસાદે એક ઊંડો આધ્યાત્મિક સંદેશ આપ્યો છે જ્યારે આપણે બંને મહાપુરુષોના જીવન અને ઉપદેશનો વિચાર કરીએ ત્યારે મહાવીર પ્રસાદની આ કલ્પના જ ફળીભુત થઈ હોય તેવું જણાય છે. ગાંધી અને કબીર જીવનભર સત્ય, પ્રેમ, સાદગી, અદ્વેત અને સેવા ધર્મની ઉપાસના કરી હતી. કબીર માટે મહાત્મા ગાંધી એ કહ્યું હતું કે આપણા દેશમાં એક કરોડ લોકો પોતાને કબીરપંથી તરીકે ઓળખાવે છે પરંતુ હકીકતમાં આપણી અનેક ધારણાઓ કબીરના ઉપદેશને કારણે સાચા માર્ગે બંધાય છે.
કબીર એક વણકર હતા અને ગાંધીએ ૧૯૫૨ ના રાજદ્રોહના આરોપસર ફોજદારી મુકદમાનો સામનો કરતા હતા ત્યારે જજે પૂછ્યું કે તમારો વ્યવસાય શું છે ? ત્યારે ગાંધીએ બહુમાર્મિક જવાબ આપ્યો હતો કે, હું વ્યવસાયે ખેડૂત અને વણકર છું. ગાંધીજીના આ જવાબમાં અંગ્રેજોએ જેનું શોષણ કર્યું હતું તેવા શોષિત વર્ગોની સાથે પોતાની જાતને જોડીને ગાંધીએ આજ વાતને પોતાના બચાવનામામાં રજૂ કરી હતી. અમદાવાદના સર બ્રુમફિલ્ડ જજની કોર્ટમાં મહાત્મા ગાંધી અને શંકરલાલ બેંકર ઉપર જે રાજદ્રોહનો મુકદમો ચાલ્યો તેમાં ગાંધીજીનું ૨૬ પાનાનું બચાવનામુ જે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે તે વાંચીએ ત્યારે ગાંધીજીની કલ્પના, તેમની સત્ય પ્રત્યેની નિષ્ઠા અને વાસ્તવિકતા સમજાવવામાં તેની જે કુનેહ હતી તે અદભુત હતી કબીરની સાખી અને દોહાના અર્થની આગળ જઈને સમાજ સુધારણાની વાતોને મૂકી હતી તે ગાંધીએ પણ ’ઈન્ડિયન ઓપિનિયન’ અને ’હરિજન’ સામયિકો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કબીર અને મહાત્મા ગાંધીની સરખામણી કરીએ તો પહેલા ગુરુવર્ય શ્રી રવિન્દ્રનાથ ટાગોરના જીવનનો એક પ્રસંગ યાદ કરવા જેવો છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ ગીતાંજલિને નોબલ પ્રાઈઝ મળ્યું ત્યારે તેઓ નોબલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય નહીં પરંતુ સમગ્ર એશિયાના પ્રથમ નાગરિક હતા. રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલિ કાવ્યની ટીકા કરતા અમુક વિવેચકોએ એમ લખ્યું કે, ’’ગીતાંજલિ ઉપર અંગ્રેજી કાવ્યોનો પ્રભાવ છે.’’ આ વાતનો ભારપૂર્વક ઇન્કારી રવિન્દ્રનાથે લખ્યું કે, મારા માનસિક અને આધ્યાત્મિક અનુભવોનું મૂળ કોઈ વિદેશી ચિંતક નહીં પણ સંત કબીર છે. કવિ રવિન્દ્રનાથના આગ્રહથી ગુરુ દયાળ મલિકે કબીરની રચનાઓને સુંદર અંગ્રેજીમાં ભાષાંતર કરી છે. જે આજે પણ ઇન્ટરનેટ ઉપર ’સોંગ્ઝ સેલેશ્યસ’ તરીકે ઉપલબ્ધ છે કબીરના શબ્દોની અસર વ્યાપક બની તેનું મૂળ કારણ કબીરનો બૌદ્ધિક અભિગમ અને માનવતાના મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા છે.
(૧) સર્જનનું સંગીત
અગાઉ લખ્યું તેમ કબીર પોતાની રચનાઓ પોતાની હાથશાળના ખટખટ અવાજોના તાલ સાથે કરી હતી. એમના માટે કરધા (હાથશાળ) નું સંગીત અને મહાત્મા ગાંધીનું ચરખાનું સંગીત વચ્ચે ઘણી સામ્યતા રહી છે. કબીરે ઝીણી ઝીણી બિની રે ચદિરયા જેવા કાવ્ય અને વણાટ ઉપરાંતની અનેક બીજી ઉપમાઓ આપવામા આવી હતી. કબીર ઈશ્વરના વણકર જ હતા સૌ સૌકાઓ બાદ ગાંધીજીએ કહ્યું, ’’મારે આધ્યાત્મ માટે હિમાલયની ગુફાઓમાં જવાની જરૂર નથી મારા માટે ચરખો કાંતવો પરમ સાધના છે. તેમાં મને ગુલામ ભારતને આઝાદીનો મર્મ મળે છે.’’ કબીર કરધા દ્વારા શ્રમનું મહત્વ દર્શાવ્યું છે અને ગાંધી ચરખાને માટેના સ્વાવલંબન અને સર્જનાત્મક સિદ્ધિ કહી છે. કબીર અને ગાંધી માટે કર્મકાંડો કે કોઈ પ્રકારની ક્રિયાઓ ભક્તિ કે મુક્તિ માર્ગ ન હતા, પરંતુ શારીરિક શ્રમ દ્વારા કરે છે સર્જન તે જ તેમના માટે સાચી સાધના હતી.
(ર) જ્ઞાન ઉપર સંવેદનાનો વિજય
આપણા સમાજમાં પુરુષો માટે જ્ઞાન અને મહિલાઓ માટે લાગણી અનામત હોય તે ધારણા છે, ત્યારે કબીરે આ ધારણાને સાવ ઉલટાવી દીધી હતી. કબીરે કહ્યું ’’પોથી ૫ઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય’’ ગાંધીજીનું અહિંસા અને સત્યાગ્રહનું સમગ્ર કાર્ય આ કબીરના ’પ્રેમ નામના ઢાઈ અક્ષર’ ઉપર નિર્ભર હતું. જે જમાનામાં હિટલરને નાઝીવાદ અને મુસોલોનીનું ફાસીવાદ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા હતા ત્યારે આ સરમુખત્યારોને પ્રેમ દ્વારા સમજાવવાની ગાંધીની ચેષ્ટા ત્યારે અનેક લોકોને અપ્રસ્તુત લાગી હતી. આજે જયારે આપણે ચાર વર્ષથી યુક્રેન રશિયાના યુદ્ધ થઈ રહયા છે. એક બાજુ ઈરાન અને ઈઝરાયલ અમેરિકા તેમજ વચ્ચેના યુદ્ધો દ્વારા જો કાંઈ હાસલ થયું હોય તો તે માત્ર વિનાશ જ છે. સત્યાગ્રહમાં ગાંધીએ અહિંસા શબ્દ વાપર્યો, જે હકીકતમાં પ્રેમનો પર્યાય છે. અહિંસાની માર્મિક વ્યાખ્યા ’’અહિંસા અદ્વેતના પડમાં છુપાયેલી છે’’ આપણે જયારે દરેક વ્યક્તિમાં આધ્યાત્મની અનુભૂતિ થાય ત્યારે સમગ્ર વિશ્વ આપણું મિત્ર દેખાય છે. વિશ્વગુરુ બનવાની હોશિયારી કબીર કે ગાંધીમાં હોત તો વિશ્વ ગુરુને બદલે તેઓ દરેક વ્યક્તિ વિશ્વમિત્ર બને તેવું કહેતા હોય. વિજ્ઞાન અને ટેકનોલોજીના આવિષ્કારો અને સાધનો વિનાશ વેરે ત્યારે જ્ઞાનની નિરર્થકતાનો પુરાવો આપો આપ જોવા મળે છે. મહાત્મા ગાંધીએ ચપટી મીઠું ઉપાડીને જે પ્રતિજ્ઞા કરી કે, ’’જે સામ્રાજય પર કદી સુર્ય આથમતો નથી તેના પાયામાં હું લુણો લગાડું છું.’’ મારી લડાઈ સત્ય માટે છે. સાચાની વાત માનવી જરુરી છે. ધારાસણા અને ધોલેરા જેવી જગ્યાએ બ્રીટીશરોને અમાનુષી, લાઠીચાર્જ સહન કરતા સત્યાગ્રહીઓને એટનખરોએ ગાંધી ફિલ્મમાં દર્શાવ્યા છે. કબીર કહે હું બધુ ભર બજારમાં લાઠી લઈને ઉભો છે આ વાત આપણને સૌને સત્ય પ્રત્યે સમર્પણ અને દ્રઢતા રાખવા માટે પ્રેરણા આપે છે. (ક્રમશઃ)
Comments
Post a Comment