ભારત : આઝાદીનું આંદોલન 

                                                                  - પ્રવીણ  ક. લહેરી

એક જમાનામાં ભારતને સોનાની ચિડિયા ગણવામાં આવતું હતું. મરી-મસાલા, કાપડ, હસ્તકલા અને હીરાના વેપાર થકી ભારતે વિદેશોમાંથી ઘણી સારી કમાણી કરતું. ૧૬૯૮માં કચ્છના કાનજીમાલમના માર્ગદર્શન હેઠળ કાલીકટ પહોંચેલા વાસ્કો દ ગામાની યાત્રાથી દરિયાઈ માર્ગે ભારત અને યુરોપ સાથે વેપાર પુનઃસ્થાપિત કર્યો હતો. આ વેપારમાં પોર્ટુગીઝ, સ્પેનીશ, ડેનીશ, ફ્રેંચ અને અંગ્રેજો સામેલ હતા. ઈ. સ.૧૬૦૦માં સ્થપાયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ક્વિન વિક્ટોરીયા તરફથી પ્રમાણિત કર્યા બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં વેપાર વિકસાવ્યો હતો, પરંતુ સાથોસાથે ડચ, ફ્રેંચ અને પોર્ટુગીશને ભારતમાં વિશાળ ધોરણે વેપાર કારવાની તક ન મળે તે માટે તેમણે પ્રથમ સ્થાનિક રાજાઓ અને નવાબો સાથે વેપારી સંધિઓ કરી હતી. ઈસ. ૧૭૭૨ માં કલકત્તાના નવાબે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુપરત કરેલા મહેસૂલ વસૂલવાના અધિકારો સાથે અંગ્રેજી શાસનના પગરણ મંડાયા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનને વિસ્તારવામાં રોબર્ટ કલાઈડ, ડેલહાઉસી જેવા ઘણા ગવર્નર જનરલોએ શામ, દામ, દંડની નીતિ અપનાવી હતી અને બ્રિટિશ સામ્રાજયનો પાયો નાખ્યો હતો. ઈ. સ. ૧૮૫૭માં અંગ્રેજી શાસકો સામેના અનેક અસંતોષને કારણે અંગ્રેજોને દેશમાંથી હટાવવા માટે જે ક્રાંતિ થઈ તેને આપણે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાએ છીએ. ઈસ્ટ ઈન્ડિયા કંપની શોષણ નીતિની મર્યાદા વટાવતા જે અસંતોષ ફાટી નીકળ્યો હતો તેને ક્વિન વિક્ટોરીયાએ એક જાહેરનામા સાથે નિયંત્રણમાં લેવા પ્રયત્ન કર્યો હતો. આ જાહેરનામા ધાર્મિક સ્વતંત્રતા, સામાજિક પરંપરા પ્રત્યેનું માન જેવી બાબતો સામેલ હતી. પરંતુ બ્રિટનની સરકાર દ્વારા ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસે શાસન સંભાળ્યા બાદ પણ ભારતીય પ્રજાના આર્થિક શોષણનો દોર અવિરત ચાલુ રહ્યો હતો.

ભારતની આઝાદીના અગ્રીમ નેતા શ્રી દાદાભાઈ નવરોજીએ બ્રિટિશ સરકાર સમક્ષ શોષિત ભારતની પ્રજાની બેહાલી પુરાવા સાથે વર્ણન રજુ કર્યું હતું. અખિલ ભારતીય મહાસભા (કોંગ્રેસ) દ્વારા વહીવટી સુધારણા અંગે ઠરાવો થતા હતા પરંતુ શરૂયાતમાં કોંગ્રેસે મુઠ્ઠીભર શિક્ષિતોની એક સ્વૈચ્છિક સંસ્થા બની રહી હતી જેનો ઇરાદો બ્રિટિશ સામ્રાજયના ભાગ તરીકે કેનેડા અને ઓસ્ટ્રેલિયાની માફક સ્વાયતતા મેળવવાનો હતા. . ઈ. સ. ૧૯૧૫માં દક્ષિણ આફ્રીકામાં રંગભેદ સામે ૨૦ વર્ષ સુધી સત્યાગ્રહ નામના નવીન પ્રકારના આંદોલનો ચલાવવા માટે ગાંધીજીએ વીર ગાંધીનું સંબોધન પ્રાપ્ત કર્યું હતું. રંગભેદ સામેની તેમની નોંધપાત્ર સફળતાએ ભારતીય યુવા પેઢીમાં રસ પેદા કર્યો હતો. તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ મુજબ એક વર્ષ ભારતની-યાત્રા કરીને ભારતીય લોકોની માનસિકતા અને વાસ્તવિકતા સમજવા માટે ગાંધીજી દ્વારા સનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પંડિત મદનમોહન માલવિયા દ્વારા સ્થાપિત બનારસ હિન્દુ યુનિવર્સિટીના તારીખ ૪ ફેબ્રુઆરી

૧૯૧૬ના રોજ ગાંધીજીએ કાશીમાં જે પ્રથમ જાહેર પ્રવચન આપ્યું તેનો સાર એ હતો કે બ્રિટિશરો આપણું શોષણ કરે છે કારણ કે આપણા ભાઈબહેનો તેમના સહયોગી છે. મુઠ્ઠીભર અંગ્રેજો માટે ભારતના કરોડો લોકોને ગુલામ બનાવવાનું અશકય જ ગણાય, પરંતુ આપણી પ્રજાનો એક વર્ગ તેમાં ભાગીદાર હોવાના કારણે અંગ્રેજો રાજ કરતાં હતા, અને આર્થિક રીતે શોષણથી પ્રજાની પાયમાલી કરી હતી. ગાંધીજીની આગેવાની હેઠળ ૧૯૧૭ માં ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ અને વિરમગામ સત્યાગ્રહ દ્વારા દેશના લાખો લોકોને શ્રદ્ધા બેઠી કે આ માણસ અનોખો છે. તેની કાર્યપદ્ધતિ આગવી છે. તેની સાદગી અને સંયમ અનુકરણીય છે. ગાંધીજીની અહિંસક પરંતુ મક્કમ લડતમાં લોકો જોડાતા હતા. ૧૯૨૨માં ગાંધીજીએ સવિનય કાનૂનભંગનું આંદોલન શરૂ કર્યું તેને અભૂતપૂર્વ લોક પ્રતિભાવ મળ્યો હતો. આંદોલન આગળ વધે તે પહેલા ઉત્તર પ્રદેશના ચૌરીચોરાહ પોલીસ સ્ટેશનમાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મીઓને જીવતા બાળી મુકયા. ગાંધીજીએ કહ્યું કે હજી દેશે અહિંસાની વાત પચાવી નથી શકી. હિંસા દ્વારા આપણે સરકારને અમર્યાદ ત્રાસ ગુજારવા માટે પ્રોત્સાહન આપીશું તો લોકોની હિંમત તુટી જશે. ગાંધીજીના આ નિર્ણયથી કોંગ્રેસ પક્ષના આગેવાનો અને પ્રજાના ઘણા પ્રતિનિધિઓ નારાજ થયા હતા. પરંતુ સરકારને હિંસક પ્ર્‌ત્યાઘાત આપવાનો મોકો જ ન મળે તે માટે ગાંધીજી દ્રઢ નિશ્ચયી હતા. વર્ષ ૧૯૨૮ માં કોંગ્રેસના કલકત્તાના મહા અધિવેશનમાં બે મુખ્ય વિચારધારાઓ જોવા મળી હતી. પંડિત જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ તાત્કાલિક ધોરણે પુનઃ આઝાદી પ્રાપ્ત કરવા ઠરાવ કરવા માંગતા હતા. હકીકતમાં તેઓ બંને ગાંધીજી સમક્ષ સ્વાયત્તાના ઠરાવ મંજુરી આપી હતી પરંતુ જાહેર પ્રવચનમાં તે ઠરાવમાં સુધારો સૂચવતા ગાંધીજીએ જવાહરલાલ અને સુભાષચંદ્ર બોઝને ઠપકો આપીને કહ્યું હતું કે આપણે આપણાં વચનપાલનમાં નિષ્ફળ જઈએ તો આપણો કોઈ વિશ્વાસ કરશે નહી.

ઈ. સ. ૧૯૨૯માં લાહોરમાં રાવી નદીના કાંઠે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં ૨૬ મી જાન્યુઆરી ૧૯૩૦ સુધીમાં ભારતને પૂર્ણ સ્વરાજ આપવા માટે ઠરાવ કરવામાં આવ્યો અને અંગ્રેજો તેમ ન કરે તો આંદોલન કરવાની ફરજ પડશે તેમ જાહેર કરવામાં આવ્યું. 

૨૬, જાન્યુઆરી ૧૯૩૦ માં કોંગ્રેસે અધિકૃત કરેલા સર્વોચ્ચ નેતા તરીકે ગાંધીજીએ વાઇસ રોયને પત્ર લખીને જણાવ્યું કે સામાન્ય માણસ માટે મીઠું એ પ્રાથમિક જરૂરિયાત છે, અને સરકાર તેના પર કરોડો રૂપિયાનો ટેક્ષ વસૂલે તે સરાસર અન્યાય છે. તેમણે વાઈસ રોયને સમયમર્યાદામાં મીઠા પરનો કર નાબૂદ કરવા માટે પત્ર લખ્યો. તેનો નકારાત્મક જવાબ આવતા ગાંધીજીએ કહ્યું; ”મેં રોટલાનો ટુકડો મેળવવા હાથ લંબાવ્યો હતો પણ મને તેને બદલે પત્થર મળ્યો, ગાંધીજીએ તારીખ ૧૨ માર્ચ ૧૯૩૦ થી ૫, એપ્રિલ ૧૯૩૦ એમ પચ્ચીસ દિવસની પદયાત્રા કરીને ૨૪૩ કિલોમીટરનું અંતર કાપી દાંડીના દરિયા કિનારે પહોંચ્યા. ૬થી એપ્રિલ ૧૯૩૦ ના પ્રભાતે દરિયામાં સ્નાન કરીને નજીકમાં જામેલું મીઠું મુઠ્ઠીમાં ઉપાડી ગાંધીજીએ કહ્યું કે મેં નમકનો કાયદો તોડ્યો છે અને બીટીશ સામ્રાજ્યના પાયા આથી લૂણો લગાવું છું. ” ગાંધીજીએ એ પણ કહ્યું કે મારી લડત સતા સામેના સત્ય માટે છે. બ્રિટિશ સરકારે શરૂઆતમાં ગાંધીજીની ધરપકડ કરવાનું ટાળ્યું હતું. તેથી ગાંધીજીએ દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ કરી લોકોમાં બ્રિટિશ સત્તાના અન્યાયને ઉજાગર કર્યો હતો. ગાંધીજીની ધરપકડ થઈ અને તેમને પૂનાની યરવડા જેલમાં બે વર્ષ ઉપર કારાવાસ ભોગવવનો આવ્યો.

આઝાદીના આંદોલનમાં એક મજબૂત સીમાચિન્હરૂપ દાંડીયાત્રા અનોખુ મહત્વ રહ્યું છે. છેલ્લા ૯૬ વર્ષમાં અનેકવાર સતાધીશો સહીત અનેક લોકોએ ગાંધીયાત્રાનો પુનઃ પ્રયોગ કરવા પદયાત્રાઓ કરી છે. ભારત સરકારે દાંડી કૂચના માર્ગને પવિત્ર ગણીને તેને એક સવિશેષ મહત્વ આપ્યું છે. શરૂઆતમાં મીઠાના સત્યાગ્રહ અંગે અનેક કોંગ્રેસી આગેવાનો શંકાશીલ હતા પરંતુ તેના દ્વારા દેશમાં આવેલી વ્યાપક જાગૃતિને કારણે તેઓએ ગાંધીજીના આ સ્વયંભૂ નિર્ણયની પ્રશંસા કરી. નેતા સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું; “મહાત્મા ગાંધીની આ યાત્રા એ આપણા આઝાદી આંદોલનનો બ્રિટિશ સામ્રાજય ઉપર થયેલો સૌથી મોટો પ્રહાર (સ્ટ્ઠજીંિ જીર્ંષ્ઠા) છે.”


Comments

Popular posts from this blog