અખિલ ભારતીય સેવાનું ભવિષ્ય 

                                                                           - પ્રવીણ  ક. લહેરી

તાજેતરમાં ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીની જમીનને બીનખેતીમાં ફેરવવા માટે ચાલતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન મારફત દરોડા પાડીને જે કાગળો જપ્ત કરવામાં આવ્યા છે તેના આધારે આ કૌભાંડમાં ૧૦૦૦ કરોડથી વધારે રૂપિયાની ગેરકાયદે લેવડદેવડ થઈ છે તેવો અંદાજ છે. આ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં તત્કાલિન કલેકટર સામે ફરિયાદો આવતા અને તપાસ કરતાં એવું જણાવ્યું હતું કે કોઈ એક એજન્ટ (વચેટીયો) દ્વારા તમામ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવતા હતા અને તેના દ્વારા જ લાંચરૂશ્વત પેટે ઘણી મોટી રકમની હેરાફેરી થઈ હતી. તાજેતરના દરોડા બાદ જે કૌભાંડ બહાર આવ્યું તેમાં ઘણી વિચિત્રતાઓ જોવા મળી છે. જે કલેકટરને ફરજ મુક્ત કરીને અટકાયત કરવામાં આવી છે તેમણે મસૂરીની તાલીમમાં નીતિશાસ્ત્રમાં સૌથી વધારે માર્ક આવ્યા હોવાનું કહેવાય છે. બીજું કે આ કલેકટરની જે જ્ઞાતિ છે તે જ્ઞાતિના આગેવાનોએ “અમારી જ્ઞાતિ સામે જ આવી કાર્યવાહી કરવામાં આવે છે.” જ્યારે ખેતીથી બીનખેતીની જમીનની અરજીઓના નિકાલમાં સમગ્ર ગુજરાતમાં લાંચ રૂશ્વત માટે પણ ચોક્કસ રકમનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. જો સુરેન્દ્રનગરના કલેકટર સામે કાર્યવાહી થઈ શકતી હોય તો તમામ કલેકટરોના નિર્ણયોની ચકાસણી થવી જોઈએ અને તેમની પાસે આવકના જાણીતા સાધનો સિવાય કોઈ મૂડી કે સંપત્તિ છે તેની પણ તપાસ થવી જોઈએ.

હવે આપણને એ પ્રશ્ન થાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની અખંડિતતા અને સુશાસન માટે જે અખિલ ભારતીય સેવાઓનું નિર્માણ કર્યું હતું અને તેને બંધારણમાં સ્થાન આપ્યું, તમામ સરકારી અધિકારોઓ અને કર્મચારીઓને માટે ખાસ રક્ષણની જોગવાઈઓ કરીને શાસકો અધિકારીઓને પરેશાન ન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. આજે જનમાનસમાં એવું ચિત્ર છે કે સ્થાપિત હિતો અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચે એવી મજબૂત સાંઠગાંઠ છે કે ભ્રષ્ટાચાર બેરોકટોક ચાલે છે. જે કિસ્સાઓ જાહેર થાય છે કે જેમાં કંઈક કાર્યવાહી થાય છે તે તો હિમશિખરની ટોચ માત્ર છે.

ભારતમાં વિદેશી મૂડીરોકાણમાં જે જે અવરોધો છે, તેમાં શાસનમાં પ્રવર્તતી નકારાત્મક વલણ અને ભ્રષ્ટાચારને અગ્રસ્થાને મુકવામાં આવે છે. સરકાર એકબાજુ કામ કેમ સરળતાથી થાય તે અંગેનાં પગલાં લઈ રહી છે, ત્યારે તંત્ર કંઈક ને કંઈક બહાના ઊભા કરીને નિર્ણયમાં વિલંબ કરે છે. પડતર ફાઈલનો મુદ્દો સૌને મુંઝવે છે. અનેક અધિકારીઓ પ્રમાણિક હોય તો પણ તેઓ નિર્ણય લેતા ડરે છે. નિર્ણય લેવામાં જે હિચકીચાટ છે તેના કારણે તંત્રને લકવાની બિમારી લાગુ પાડી છે તેમ કહેવામાં કોઈ અતિશયોકિત નથી.

અખિલ ભારતીય સેવાઓ ખાસ કરીને ભારતીય પ્રશાસન સેવા (ૈંછજી) અને ભારતીય પોલીસ સેવા (ૈંઁજી) પાસે સરદાર પટેલને જે અપેક્ષાઓ હતી તેનું સુંદર નિરૂપણ ૨૧, એપ્રિલ ૧૯૪૮ના રોજ દિલ્હીના મહેતા હાઉસમાં પ્રથમ (ૈંછજી) અધિકારીઓના બેચને સંબોધતા સરદાર પટેલે જે વાતો કરી હતી તેનું આજે આપણને સ્મરણ થાય તે સ્વાભાવિક છે.

અખિલ ભારતીય સેવાઓએ દેશની અખંડિતતા જાળવવામાં, નીતિના ઘડતરમાં, પ્રશ્નોને રાષ્ટ્રીય દ્રષ્ટિથી જોવામાં અને ઉકેલવામાં મહત્વનો ફાળો આપ્યો છે. અખિલ ભારતીય સેવામાં અનેક અધિકારીઓની કામગીરીનું લોકહિતનું રક્ષણ કર્યું છે અને દેશના વિકાસને નવી દિશા ચિંધી છે. આમ છતાં આજે વાતાવરણ એટલું પ્રદૂષિત થયું છે કે અગાઉ અખિલ ભારતીય સેવાઓનું જે ગૌરવ હતું તે હવે લગભગ લુપ્ત થયું છે. યુનિયન પબ્લિક સર્વીસ કમિશન દ્વારા તેજસ્વી વ્યકિતઓની અખિલ ભારતીય સેવા માટે પસંદગી થાય છે. સમાજના તમામ સ્તરમાંથી અધિકારીઓ આવતા હોય છે. કમનસીબે સમગ્ર સમાજમાં પૈસા પ્રત્યેનું જે આકર્ષણ પેદા થયું છે તેમાં નીતિમત્તાના ભોગે ગેરકાયદે આવક કરવામાં હવે કોઈને ક્ષોભ કે સંકોચ હોય તેવું દેખાતું નથી. મંત્રીઓ અને અધિકારીઓની જીવનશૈલીમાં લગ્ન કે હવે તો જન્મદિવસની ઉજવણીમાં પણ વૈભવ છલકાતો જોવા મળે છે. 

ભારત આજે ડિજિટલયુગમાં પ્રવેશી ચૂક્યું છે સમગ્ર વિશ્વમાં આર્ટિફીશિયલ ઈન્ટેલીજન્સની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. અમુક ચિંતકોનું માનવું છે કે આર્ટિફીશિયલ ઈન્ટેલીજન્સના વપરાશની ખૂબ મોટી અસર જાહેર વહીવટમાં થશે. આજે કોઈપણ નિર્ણય લેવામાં ઉપલબ્ધ માહિતી, નીતિ-નિયમો કે અગાઉના નિર્ણયનો સંદર્ભ મેળવવામાં મુશ્કેલી પડે છે. પરંતુ આર્ટિફીશિયલ ઈન્ટેલીજન્સના સમયમાં આ બધી માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે. આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ દ્વારા બુદ્ધિગમ્ય નિર્ણય કરવાનો પણ સરળ બનશે. આ સંજોગોમાં વહીવટીતંત્રમાં અધિકારીઓની ભૂમિકાની નવેસરથી વ્યાખ્યા કરવી પડશે.

સત્તા અને ભષ્ટાચાર આજે તો એક સિકકાની બે બાજુ જેવા બની ગયા છે. પ્રમાણિકતાના અભાવના કિસ્સાઓ અગણિત થતાં જાય છે. દરેક કામમાં મારુ શું ? એ પ્રશ્ન કામ કરનારના મનમાં સૌથી પહેલો ઉદ્‌ભવે છે અને જો તેને તેમાં પોતાનું કશું ન દેખાય તો મારે શું ? એમ કહીને સંપૂર્ણ ઉપેક્ષાનો ભાવ પણ સર્વત્ર દ્રષ્ટિગોચર થાય છે. આ સંજોગોમાં સુશાસનની સ્થાપના કરવા માટે આજના પડકારોનો અભ્યાસ કરીને ડિજીટલ ક્રાંતિને ધ્યાને રાખીને અને નાગરિકોનું હિત એ અગ્રસ્થાને છે તેમ સ્વીકારીને આપણે વહીવટીતંત્રનો પુનઃગઠન કરવાનું રહેશે. 

વહીવટી સુધારણા માટે અનેકવાર કમિટીઓ અને કમિશન નીમવામાં આવે છે. કમનસીબે તેમની સેંકડો ભલામણનો અમલ થતો નથી. તાજેતરમાં ગુજરાતમાં વહીવટી સુધારણા માટે તમામ ઓફિસો વાતાનુકુલીત કરવી તેવી ભલામણ વાંચીને મોટાભાગના નાગરિકોના મનમાં એ પ્રશ્ન ઉદભવ્યો કે કરદાતાઓની સખત જહેમત દ્વારા થયેલ આવકમાંથી તેઓ કર ભરે છે ત્યારે સરકારીતંત્ર પ્રજાના પૈસાને પવિત્ર ગણતું નથી. સરકારીતંત્રમાં અનેક એવા ખર્ચ થાય છે કે જે નિવારવા જોઈએ. ગમે તેવી મહત્ત્વની બેઠક હોય, સેમિનાર હોય કે આંતરરાષ્ટ્રીય કોન્ફરર્ન્સ હોય તેમાં ભોજનનો ખર્ચ વ્યકિતદીઠ ૪૦૦૦, ૬૦૦૦ કે ૮૦૦૦ આવ્યો તેવું વાંચીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે એક વ્યકિત માટે ૫૦૦ ગ્રામના ભોજનની કિમત જો આટલી ઊંચી હોય તો તે ભોજનમાં દાળમાં કંઈક કાળું છે તેમ લોકો માની લે તો તે સત્યની નજીક છે.

વહીવટી સુધારણા માટે પાંચ સિદ્ધાંતોનો અમલ કરવો અનિવાર્ય છે :

૧. પ્રજાએ ભરેલો કરનો પૈસો પવિત્ર છે અને તેમાંથી એક રૂપિયો પણ ખર્ચતા પહેલા જે ખર્ચ કરીએ છીએ લોકહિતમાં અનિવાર્ય છે કે કેમ તે ચકાસવું જોઈએ.

૨. સરકારમાંથી કલ્યાણ રાજયના ભાગરૂપે જે લાભાર્થીઓને પૈસા ચુકવવામાં આવે છે તેમાં બેંક ખાતાની સીધી ટ્રાન્સફર અસરકારક નિવડી છે તેમ છતાં અનેક જગ્યાએ લાભાર્થીઓને ગુમરાહ કરીને તેમના લાભની રકમ વહીવટીતંત્ર આરોગી જાય છે. જે કિસ્સામાં આવું બન્યું હોય તેમાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી તે કરવી જોઈએ.

૩. સરકારી બાંધકામમાં અનેક વસ્તુઓ વધારે ખર્ચ કરવા માટે થતી હોય તેવું વાતાવરણ રહે છે. એકના એક રસ્તાને વરસમાં ત્રણ વાર ખોદવો અને નવો બનાવવો તેવું સૌ નાગરિકો જૂએ છે. કોઈ મકાનમાં કોટાની ફર્સ હોય તો તે ઉખેડીને વેટ્રીફાઇડ ટાઈલ્સ નાંખવી જરૂરી હોતી નથી. સર્કિટ હાઉસો અને વિશ્રામગૃહોમાં અતિ વૈભવી રૂમો/સ્યૂટ નિર્માણ કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી.

૪. ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં નવા નવા પુલોનું તૂટી પડવું, ચેકડેમોનું ધોવાઈ જવું કે બિલ્ડીંગોનું આયુષ્ય અલ્પ હોવું એના પાછળ મુખ્યત્વે ભ્રષ્ટાચાર અને બેદરકારી જવાબદાર છે, તે અંગે પણ અસરકારક શિક્ષાત્મક કાર્યવાહીના અભાવે એક પ્રકારની અરાજકતા વ્યાપી છે.

૫. આપણાં દેશમાં ક્રિકેટની ઘેલછા છે તેથી સરકારોએ અબજોની આવક ધરાવતી મેચો પાસેથી કર નહીં વસૂલવાનું રાખ્યું છે. આઈ૫ીએલ જેવી ખાનગી માલિકીની મેચોમાં પણ કરોડો રૂપિયા જતા કરીને સરકાર સમગ્ર પ્રજાને અન્યાય કરે છે. જ્યાં અઢળક કમાણી છે ત્યાં ટેક્ષ રાખવો અનિવાર્ય ગણાય.


Comments

Popular posts from this blog