ડૉ. રામમનોહર લોહિયા : સમાનતા અને સ્વતંત્રતાના મશાલધારી

                                                                      - પ્રવીણ  ક. લહેરી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અનેક તેજસ્વી પ્રતિભા ધરાવતા લોકોએ ભાગ લીધો હતો. મહાત્મા ગાંધી, જેમણે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવીને પોતાના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેની સલાહ મુજબ એક વર્ષ ટ્રેન, બસ, બળદગાડા સહિત જે રીતે અનુકૂળ આવ્યું તે રીતે ભારતભ્રમણ કર્યું. ભારતભ્રમણ પૂરું થવાનું હતું ત્યારે કાશીમાં બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના કરી રહેલા શ્રી મદનમોહન માલવીયાએ ગાંધીજીને અતિથિ વિશેષ તરીકે બોલાવ્યા હતા. આ સમારંભમાં અગ્રણી ઉદ્યોગપતિ દાતાઓ, રાજા-મહારાજાઓ વગેરે ઉપસ્થિત હતા. આ પ્રસંગે મહાત્મા ગાંધીજીએ જે પ્રવચન કર્યું તેમાં તેમના ભારતભ્રમણના અનેક અનુભવોનો નીચોડ હતો. આજે ૧૦૯ વર્ષ પછી પણ આપણે તે પ્રવચન વાંચીએ તો સમજાય છે કે ગાંધીજીની કલ્પના કેવી હતી. ગાંધીજીના મતે અંગ્રેજોની હુકુમત દૂર કરવી જરૂરી હતી, પરંતુ એ સાથે આપણા સમાજમાં અને વિચારધારામાં મોટા પરિવર્તનની જરૂર હતી. સ્વચ્છતાનો પ્રશ્ન હોય કે શોષણનો અંત લાવવાનો મુદ્દો હોય, અસ્પૃશ્યતા જેવા કલંકને દૂર કરવાની વાત હોય કે વૈજ્ઞાનિક વિચારો સામાન્ય માણસ સુધી પહોંચાડવાનો મુદ્દો હોય—આવી અસંખ્ય બાબતોમાં પાયાના પરિવર્તન માટે ગાંધીજીએ ઉગ્ર શબ્દોમાં હિમાયત કરી, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ. એની બેસન્ટ અને મદનમોહન માલવીયાની ના છતાં ગાંધીજીએ પોતાનું પ્રવચન પૂર્ણ કર્યું. ત્યાં સુધીમાં અનેક રાજા-મહારાજાઓ વિરોધમાં સ્ટેજ છોડી ગયા હતા.

ગાંધીજીના ૧૯૧૬ના બનારસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે આપેલા પ્રવચનની અસર વિદ્યુતવેગે સમગ્ર દેશમાં થઈ. ગાંધીજી સમાજવાદી વિચારસરણી ધરાવતા ન હતા, પરંતુ તેમના રચનાત્મક કાર્યક્રમોનું મુખ્ય લક્ષ્ય દેશના વિકાસ સાથે વ્યક્તિઓની આવકમાં સમાનતા લાવવાનું હતું. ગાંધીજી મૂડીવાદનો વિરોધ એટલા માટે કરતા હતા કે તેમાં થોડા લોકોના હાથમાં મૂડી અને ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ થાય છે. ભારતની આઝાદી દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝ, પંડિત જવાહરલાલ નહેરુ, ભગતસિંહ સહિત અનેક આગેવાનો ભારત માટે સમાજવાદી સમાજરચનાના આગ્રહી હતા. ગાંધીજી અને સરદાર સમાજવાદ કે સામ્યવાદને બદલે માનવતાના મૂલ્યોના આધારે કલ્યાણકારી રાજ્ય બનવું જોઈએ અને તેમાં સમાનતાની કાળજી રાખવી જોઈએ તેવો આગ્રહ રાખતા હતા.

તા. ૨૩ માર્ચ ૧૯૧૦ના રોજ ઉત્તરપ્રદેશના અકબરપુરમાં શ્રી રામમનોહર લોહિયાનો જન્મ થયો. તેમના બાળપણમાં માતાનું મૃત્યુ અને પિતાશ્રીની રાષ્ટ્રભક્તિની પ્રેરણાએ તેમને મજબૂત બનાવ્યા. તેઓ પુસ્તકોના કીડા નહોતા, પરંતુ સમાજને ૩૬૦ ડિગ્રીથી જોઈને વાસ્તવિકતાના આધારે પોતાની વિચારધારા ઘડી. લોહિયા પર બાળપણથી ગાંધી વિચારધારાનો પ્રભાવ હતો, પરંતુ તેઓ કાર્લ માર્ક્સની સમાજવાદી સમાજરચનાના આગ્રહી હતા. શ્રી રામમનોહર લોહિયા નાણાંની તંગી વચ્ચે પણ જર્મનીના બર્લિન સ્થિત હમ્બોલ્ટ યુનિવર્સિટીમાં પીએચડી કરવા ગયા. તેમની થિસિસમાં બ્રિટિશ સરકારની શોષણભરી નીતિઓનો વૈજ્ઞાનિક વિરોધ હતો. ૧૯૩૦માં મીઠાના કરને હટાવવા માટે ગાંધીજીએ કરેલી દાંડીકૂચ પાછળ જે દલીલ હતી, તેવી જ દલીલ લોહિયાની હતી. તેમનું માનવું હતું કે ભારતીય સમાજવ્યવસ્થા ઉચ્ચ-નીચના ભેદ પર આધારિત છે, જેમાં જન્મથી જ જ્ઞાતિના આધારે વ્યક્તિની ઓળખ નક્કી થાય છે અને તેના માટે વ્યવસાય પસંદગી તથા વ્યક્તિત્વ વિકાસમાં પૂરતી સ્વતંત્રતા નથી.

જર્મનીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રામમનોહર લોહિયાએ ભારત છોડો આંદોલન દરમિયાન ભૂગર્ભમાં રહીને હિંમત અને દૃઢતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું. ગાંધીજીની જેમ, ડૉ. લોહિયા માટે માત્ર આઝાદી લક્ષ્ય નહોતું, પરંતુ તે પછી સામાન્ય માનવીને તેનો લાભ મળે અને તેનું જીવન સાર્થક બને તે મહત્વનું હતું. તેમણે ગાંધીજીના વિચારો અને માર્ક્સવાદ વચ્ચે સેતુ રચવા માટે ઘણો બૌદ્ધિક પરિશ્રમ કર્યો. આઝાદી પછી અનેક આગેવાનો સરકારી હોદ્દા સ્વીકારતા હતા, પરંતુ લોહિયાએ સત્તા વિરોધી ભૂમિકા પસંદ કરી. પંડિત જવાહરલાલ નહેરુની નીતિઓ અને શાસનવ્યવસ્થાની કડક ટીકા કરનારાઓમાં તેઓ અગ્રણી હતા. અંગત રીતે નહેરુ સાથે ઘનિષ્ઠ મિત્રતા હોવા છતાં, લોહિયા પ્રયાગરાજમાં નહેરુ વિરોધી પ્રવચન આપ્યા પછી આનંદ ભવનમાં આરામ અને ભોજન માટે જતા. તેઓ કોઈની સાથે વ્યક્તિગત કડવાશ રાખતા ન હતા. તેમનો આગ્રહ હતો કે આઝાદીના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે.

૨૩ માર્ચ ૧૯૧૦ના રોજ જન્મેલા અને ૧૨ ઓક્ટોબર ૧૯૬૭ના રોજ અવસાન પામેલા ડૉ. રામમનોહર લોહિયા જર્મનીમાં અભ્યાસ દરમ્યાન જર્મન ભાષામાં પારંગત થયા હતા. અવસાન પહેલાં થોડા દિવસ તેઓ અર્ધજાગૃત અવસ્થામાં જર્મન ભાષામાં પોતાના અભ્યાસના મુદ્દાઓ બોલતા હતા. લોહિયા માટે સમાજવાદ કોઈ સૂત્ર નહોતું, પરંતુ સમાન અને સ્વતંત્ર સમાજ રચવાનું સાધન હતું. બહુજન હિતાય બહુજન સુખાયની સાથે સૌને સમાન અવસર મળે અને લઘુત્તમ જરૂરિયાતો પૂરી પડે તે માટે તેમણે સતત પ્રયત્ન કર્યો. ૧૯૬૩માં પંડિત નહેરુની સરકાર સામે અવિશ્વાસનો ઠરાવ રજૂ કરીને તેમણે ઉપેક્ષિત વર્ગોની સમસ્યાઓને વાચા આપી.

આજે આપણે જોઈએ છીએ કે ચૂંટણી દરમિયાન જાતિવાદને પ્રોત્સાહન મળે છે. જ્ઞાતિના આગેવાનોને મનમાની કરવાની છૂટ મળે છે. જાતિવાદ, પૈસા અને બાહુબલના પ્રભાવને કારણે ચૂંટણીના પરિણામો કેટલા અંશે લોકમતનું પ્રતિબિંબ છે તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે. લોહિયાએ જાતિ સૂચક અટકો છોડીને માણસને માણસ તરીકે જોવાનો આગ્રહ રાખ્યો હતો. વર્તમાન સમયમાં ગરીબી, બેરોજગારી, વધતી આર્થિક અસમાનતા અને સામાજિક વિભાજન વચ્ચે લોહિયાના વિચારો અત્યંત પ્રાસંગિક છે. તેમનું માનવું હતું કે વિકાસ ત્યારે જ કહેવાય જ્યારે તેનો લાભ સમાજના સૌથી નબળા માણસ સુધી પહોંચે. ભારતને વધુ ન્યાયી, સમાન અને માનવતાવાદી બનાવવાનું તેમનું સ્વપ્ન આજે પણ અધૂરું છે.

જો લોહિયા આજે જીવતા હોત, તો તેઓ સરકારને બે સવાલ જરૂર પૂછતા :

(૧) શું આપણે બંધારણની કલ્પના મુજબ સમાનતાવાળો સમાજ બનાવ્યો છે કે મૂડીવાદના ચક્કરમાં કરોડો લોકો વંચિતોની કક્ષામાં કેમ આવી ગયા છે?

(૨) શું આ દેશમાં ગરીબ, બેરોજગાર અને વંચિત લોકો માટે ન્યાય મેળવવો સરળ છે ? 

શ્રી રામમનોહર લોહિયાની ૧૧૭મી જન્મજયંતિ પ્રસંગે આપણી સૌની જવાબદારી છે કે તેમના આદર્શોને ચરિતાર્થ કરવા માટે પ્રયત્ન કરીએ.


Comments

Popular posts from this blog