શહેર અને સમાજનો વિકાસ
- પ્રવીણ ક. લહેરી
આપણાં દેશમાં અનેક વખત કડવો અનુભવ થાય છે કે જે લોકો પાયાનું કામ કરે છે, તેઓ સાવ ભુલાઈ જાય છે. મુંબઈ જેવા મહાનગરમાં જેઓને મુંબઈના શિલ્પકાર કહી શકાય તેવા નાના શંકર શેઠનું નામ આજે કોને યાદછે? વર્ષ ૧૮૦૩માં જન્મ અને વર્ષ ૧૮૬૫માં અવસાન પામેલા નાના જગન્નાથ શંકર શેઠ એક દૂરંદર્શી, પરોપકારી, ઉદ્યોગ સાહસિક અને શિક્ષણવિદ હતા. તેઓએ એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૮૨૨માં માત્ર ૧૯ વર્ષની વયે તેમણે બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. વર્ષ ૧૮૫૩માં સર જમશેદજી જેજીભોય સાથે મળીને તેમણે ગ્રેટ ઇન્ડિયન પેનિનસુલા રેલ્વેની સ્થપાના કરી હતી અને આજ કંપનીએ મુંબઈથી થાણેની પ્રથમ ટ્રેન દોડાવી હતી.
નાના જગન્નાથ શંકર શેઠના પ્રદાનની યાદી કરીએ તો આપણને ચોક્કસ ખ્યાલ આવે કે ૬૨ વર્ષની ઉંમરમાં તેમણે જે કામ કર્યું તે કરવા માટે સામાન્ય માણસને ત્રણ ચાર જિંદગી પણ ઓછી પડે. એલ્ફિન્સ્ટન કોલેજ, બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી અને રેલવેની શરૂઆત કરનાર નાના જગન્નાથ શંકર શેઠ દ્વારા મહિલા કેળવણી માટે ૧૮૪૯માં મુંબઈમાં પહેલું બાલિકા વિધાલય ખોલવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે સંસ્કૃત લાયબ્રેરી અને વિવિધ અંગ્રેજી સ્કૂલની સ્થાપના પણ કરી હતી. મુંબઈની ગ્રાન્ટ મેડીકલ કોલેજને વિકસાવાવામાં પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. મુંબઈમાં ૧૮૫૭થી શરૂ કરીને મુંબઇને એક આધુનિક શહેર બનાવવા અને તેના સુનિયોજિત વિકાસ માટે તેમણે અનેક રચનાત્મક સૂચનો કર્યા હતા. મુંબઈ શહેરની મહત્વની સડકોના નિર્માણમાં પણ તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો.
મુંબઈની પહેલી રાજકીય સંસ્થા બોમ્બે એસોસિએશનની તેમણે ૧૮૫૨માં સ્થાપના કરી હતી, અને ૧૮૬૧માં મુંબઈની વિધાન પરિષદમાં શરૂઆતમાં નિમાયેલા ભારતીયોમાં તેઓ સામેલ હતા. શિક્ષણ અને સેવાભાવી સંસ્થાઓ માટે તેમણે સેંકડો એકર જમીન દાનમાં આપી હતી. તેમનું પુરૂ નામ જગન્નાથ શંકર શેઠ મુરકુટે હતું, પરંતુ લોકો તેમણે વ્હાલથી નાના શંકર શેઠ તરીકે સંબોધતા હતા. આજે મુંબઈની ખ્યાતનામ સર જે જે સ્કૂલ ઓફ આટ્ર્સ અને જે જે હોસ્પિટલના નિર્માણમાં એમણે ખૂબ જેહમતથી તન મન ધનથી સેવા કરી હતી. નાના શંકર શેઠે સતી પ્રથાના વિરોધામાં કાયદો બનાવવામાં લોર્ડ બેન્ટીક અને રાજા રામ મોહન રોયને સાથ આપ્યો હતો.
આપણા માટે એ ખુશીની અને આશ્ચર્યની વાત છે કે એટલા વર્ષ પછી મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સેન્ટ્રલ રેલ્વેના નામને બદલીને નાના જગન્નાથ શંકર શેઠ ટર્મિનસ કરવા માટે ભારત સરકારને ભલામણ કરી છે.
આપણા દેશમાં ઘણીવાર પ્રતિમા મુકવી કે રાજકીય કે આર્થિક શકિત પ્રદર્શન બની જાય છે. પથ્થર અને કાંસાની રચનાઓ ઊભી કરતી સમયે તે વ્યક્તિના પાયાના પ્રદાનને આપણે વીસરી જઈએ છીએ. ઓગણીસમી સદીમાં મુંબઇને વિકસાવવામાં જે પારસી મહાનુભાવોએ નોંધપાત્ર કામ કર્યું હતું, તેમાં જમશેદજી જીજી ભોઈ, જહાંગીર કાવસજી, દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા વિગેરે નામો જાણીતા છે. ડેવીડસાસૂન નામના યહૂદી ઉધોગપતિનું નામ પણ જાણીતું છે. ગમે તે કારણે નાના શંકર શેઠનું નામ ધીમે ધીમે સમકાલીન સ્મરણમાંથી વિસરાતું ગયું છે. નાના શંકર શેઠની ૩૦૦મી પૂણ્યતિથી ૩૧ જુલાઈ ૨૦૨૫ના રોજ આવી અને ચાલી ગઈ. તેમના સ્મારક માટે શિવાજી પાર્ક પાસે હિન્દુ મિલની જમીન ઉપર આ કાર્ય કરવાની ચર્ચા ચાલી પરંતુ અચાનક તે બંધ થઈ ગઈ.
નાના શંકર શેઠ સોના ચાંદી અને આભૂષણોના વેપાર માટે જાણીતા હતા, એટલું જ નહી પરંતુ અનેક આરબો અને અફઘાની વેપારીઓ પોતાનો કિંમતી સામાન બેન્કોને બદલે નાના શંકર શેઠ પાસે રાખવામા વધારે સલામતી સમજતા હતા. ગીર ગામમાં નાના શંકર શેઠનો વિશાળ વાડો હકીકતમાં એક મહેલ જેવી ઈમારત હતી, તેને
ગંગનચુંબી ઈમારત બાંધવા માટે તોડી પાડવામાં આવી. ભારતમાં રેલ્વે જેવી સેવાના અગ્રગામી નાના શંકર શેઠ મુંબઈથી થાણેની પ્રથમ ટ્રેનમાં બિરાજમાન હતા. નાના શંકર શેઠ કદાચ ગતિ, કદી મહાનુભવોની સૂચિમાં સામેલ ન થયા, કારણ કે તેમની સેવા એક આદર્શ નાગરિક તરીકેની હતી. ર્ડા. ભાઉ દાજી અને સર બેન્ટિક સાથે મળીને તેમણે મુંબઈને પહોળી સડકો અને વૃક્ષોથી હરિયાળું બનાવવાની યોજના પર કામ કર્યું હતું.
આપણી કમનસીબી છે કે આજે પણ મુંબઈ આવા બહુમુખી પ્રતિભા ધરાવતા અને સમાજના અનેક ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનાર નાના જગન્નાથ શંકર શેઠના જીવન અને કર્મોનું દસ્તાવેજીકરણ કરી શક્યા નથી. જે વ્યકિતએ આજથી લગભગ સવા બસો વર્ષ પહેલા જન્મીને ત્યારની અણવિકસિત મુંબઈ નગરીને વાહન વ્યવહાર, શિક્ષણ, સમાજ સુધારણા, આંતર માળખાકીય સુવિધા અને આરોગ્ય ક્ષેત્રે જે સંસ્થાકીય કામો કર્યા છે. તે. આપણને આજે પણ ખૂબ પ્રભાવિત કરે છે.
૧૯મી સદીમાં અમદાવાદ પણ એક મહાનગર તરીકે વિકસી રહ્યું હતું ત્યારે અનેક લોકોએ અમદાવાદને મહત્વનું શહેર બનાવવામાં અનોખુ પ્રદાન કર્યું છે.
અમદાવાદને પૂર્વના માન્ચેસ્ટર બિરુદ મળ્યું તેમાં સૌથી પ્રથમ યશ આપણે કાપડ મિલ ઉધોગના સ્થાપક શ્રી રણછોડદાસ છોટાલાલને આપવો જોઈએ. આ ઉપરાંત લાલભાઈ, સારાભાઈ જેવા કુટુંબોએ પણ કાપડ મિલના ઉધોગને વિકસાવાવામાં અનન્ય પ્રદાન કર્યું છે.
૧૯મી સદીમાં બ્રેટીશ સામ્રાજયના કલેક્ટર તરીકે કામ કરતાં સ્કોટીશ એલેક્ઝાન્ડર શ્રી કિર્લોક ફાર્બસ અને તેમણે ગુજરાતી શીખવવા માટે વઢવાણથી બોલાવેલા કવિ દલપતરામનો ફાળો નોંધપાત્ર છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે આજે ગુજરાત વિદ્યાસભા તરીકે જાણીતી છે, તેના ૧૭૫ વર્ષ ૨૦૨૩માં પૂરાં થયા, પરંતુ આજે ગુજરાત વિધાસભાનું કાર્યક્ષેત્ર ઘણું સીમિત બની ગયું છે.
મગનભાઈ કરમચંદ નામના ધનાઢ્ય વેપારીએ અમદાવાદનાં નિર્માણમાં અને તેનો ઈતિહાસ લખવામાં નોંધપાત્ર કામ કર્યું છે. હઠીસિંગના દેરાસરના નિર્માણમાં પણ તેમનું પ્રદાન રહ્યું છે. - હરકુંવર શેઠાણી તેના મુખ્ય દાતા રહ્યાં હતા. મહીપતરામ રૂપરામ, રમણલાલ નિલકંઠ જેવા અનેકે ગુજરાતમાં સમાજ સુધારણામાં જે કાર્ય કર્યું છે તેનું આજની પેઢીને બિલકુલ ખ્યાલ નથી. આજે ૧ કરોડની વસ્તી સુધી પહોંચવા આવેલા અમદાવાદ શહેરના ઈતિહાસમાં અનેક એવા અજાણ્યા નામો છે કે જેમના થકી આ શહેરને વેપાર, સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજ સુધારણામાં અગ્રેસર બનાવ્યું છે.
ભારતમાં રેલ્વેના વિકાસમાં અમદાવાદનો ફાળો રહેલો છે. અમદાવાદ મુંબઈ પ્રાતનો ભાગ રહ્યો અને છેક ૧૯૬૦માં ગુજરાતીભાષી લોકોને તેમનું અલગ રાજય મળ્યું. આઝાદીના સંગ્રામમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, અબ્બાસ સયબજી, માધવલાલ શાહ, રવિશંકર મહારાજ, મહાદેવ દેસાઈ, નરહરી પરીખ સહિત અનેક લોકોએ ગાંધીજી સાથે રહીને ઉલ્લેખનીય કાર્યો કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં શ્રી કલ્યાણજીભાઈ મહેતા અને મીઠુબેન પેટીટે અનેક ગાંધીયન સંસ્થાઓ સ્થાપીને આદિવાસીઓની સેવામાં જીવન સમર્પણ કર્યાં હતા.
આપણે આ સઘળી વસ્તુઓનો વિચાર કરીએ ત્યારે એક વાત નિશ્ચિત છે કે દરેક યુગમાં જે વ્યકિતઓ શહેર કે સમાજના વિકાસમાં અનેરૂ પ્રદાન કરે છે તેમની અનેક વખત વિનાકારણે વિસ્મૃતિ થાય છે. અમદાવાદે તાજેતરમાં તેની સ્થાપનાના ૬૧૫ વર્ષ પૂરાં કર્યા ત્યારે આપણા સમક્ષ એક પડકાર છે કે આપણે અમદાવાદના ઘડવૈયાઓની યાદી તૈયાર કરી અને તેમના સંક્ષિપ્ત જીવન ચરિત્રો આપણી ભાવિ પેઢી માટે ઉપલબ્ધ કરાવીએ.
Comments
Post a Comment