આંદામાન-નિકોબારની આદિજાતિઓનું અનોખું જીવન

                                                             પ્રવીણ  ક. લહેરી

આજે માનવ સભ્યતાનો વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત થયો છે. પરંતુ અગાઉ આપણા પૂર્વજો ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં જીવતા હતા. મુખ્યત્વે જંગલી પેદાશો એકત્ર કરવી અથવા તો વનમાં રહેતા પ્રાણીઓના શિકાર દ્વારા ગુજરાન કરતા હતા. આપણા પૂર્વજો ક્રમશઃ ખેતી, ઉદ્યોગ તરફ વળ્યા અને વિકસિત સમાજનું નિર્માણ થયું. આમ છતાં આજે વિશ્વમાં અનેક જગ્યાએ અમુક જાતિના લોકો જીવનની પ્રાથમિક અવસ્થામાં રહીને વિકસિત સમાજ સાથે જોડાવાનો ઇન્કાર કરે છે.

ભારતીય ઉપખંડની પૂર્વ દક્ષિણ દિશા ઉપર જે ટાપુઓનો સમૂહ છે તે આંદામાન અને નિકોબાર ટાપુઓ તરીકે ઓળખાય છે. ત્યાં રહેતા ગ્રેટ આંદામાનીઝ અને ઓંગે જાતિના લોકો વિકસિત સમાજ સાથે ક્રમશઃ જોડાતા જાય છે પરંતુ સેન્ટિનેલીઝ, જારવા જાતિના લોકો પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરવા સામે ખૂબ આક્રમક રીતે વર્તે છે. આ સેન્ટિનેલીઝ, જારવા અને સોમ્પેન જાતિના લોકો જંગલી ભૂંડ, મોટી ગરોળી, માછલીઓને પોતાના ધનુષ-બાણથી શિકાર કરીને ગુજરાન ચલાવે છે. સેન્ટિનેલીઝ જાતિના લોકો અન્ય લોકોના સંપર્ક વિહોણા છે અને પથ્થરયુગની પરિસ્થિતિમાં રહે છે પરંતુ બહારના કોઈપણને પોતાના ટાપુ ઉપર આવતા રોકે છે. આ આદિજાતિઓનું ગુજરાન વન અને સમુદ્રમાંથી ખોરાક મેળવીને થાય છે. તેઓ ઉપલબ્ધ લાકડું, તણાઈ આવેલા લોખંડના ભાગો વગેરે દ્વારા પોતાના સાધનો બનાવે છે. ભારત સરકારે આ લોકોની જીવનશૈલીમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરવો તેવો નિર્ધાર કર્યો છે. આનું મુખ્ય કારણ એ છે કે અન્ય લોકોના સંપર્કમાં આવ્યા બાદ તેમને કોઈ સંપર્કજન્ય રોગ લાગી પડે તો તે સામે તેમની પ્રતિકારક શક્તિ ન હોય. આ આદિજાતિ સમુદાયોની વસ્તી ખૂબ નાની છે અને તેમાં ખાસ કરીને નેગ્રીટો, જારવા, સોમ્પેન, ઓંગે અને મોંગોલોઇડ જાતિના લોકો તેનું અસ્તિત્વ ટકાવી રાખે તે જોવું જરૂરી છે.

બ્રિટિશોના આક્રમણ પહેલા આંદામાન ટાપુઓ ઉપર બંગાળ બાજુથી થોડા લોકો ગયા હતા પરંતુ આંદામાનના વિવિધ ટાપુઓ ઉપર લગભગ સાઠ હજાર વર્ષથી લોકો રહેતા આવ્યા છે. એક થિયરી એવી પણ છે કે આમાંના અમુક ગુલામોના વેપારના સમયે વહાણ તૂટતા આવીને વસ્યા હોય. જોકે ઉપલબ્ધ સંશોધનના તારણો પ્રમાણે નેગ્રીટોએ નીગ્રો નહીં પણ સંપૂર્ણપણે અલગ જાતિ છે. ઈ.સ. ૧૮૫૮ માં અહીં બ્રિટિશો સાથેના યુદ્ધમાં નેગ્રીટો જાતિના લોકો જીવ બચાવવા માટે એક ટાપુ ઉપર વસવા લાગ્યા હતા. આજે ૬૨૫ જેટલા ગ્રેટ આંદામાનીઝ નેગ્રીટો લોકો છે. આમાંની એક પેટા જાતિના માત્ર દસ લોકો રહ્યા હતા, જે આજે ૪૩ જેટલા થયા છે. આંદામાનના આદિજાતિ લોકોએ મરઘાંપાલન, ફળની ખેતી વગેરે કરવાનું શીખ્યા છે પરંતુ બહારના લોકો સાથે સંપર્ક ટાળે છે.

દક્ષિણ આંદામાનમાં રહેતી ઓંગે નામની જાતિ અન્ય જાતિ કરતા ખૂબ પછાત છે. બ્રિટિશ આક્રમણ પછી ઓંગે જાતિના માત્ર ૬૭૨ લોકો બચ્યાનો અંદાજ હતો. જેમાં આજે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ઓંગે જાતિના લોકો વસ્ત્રો પહેરવા, મકાનમાં રહેવું, અનાજ ઉગાડવું જેવી પ્રવૃત્તિ કરે છે. ઓંગે જાતિના લોકોમાં હસ્તકલાની આવડત નોંધપાત્ર છે અને લાકડા તથા શંખ દ્વારા તેઓ અનેક આકર્ષક વસ્તુઓ બનાવે છે. 

આંદામાન-નિકોબારમાં આદિ જૂથોમાં જારવા જાતિ સૌથી વધારે આક્રમક ગણાતી હતી. તેઓ દક્ષિણ પૂર્વમાં રહેતા હતા અને બહારનો કોઈ વ્યક્તિ ત્યાં આવવા પ્રયત્ન કરે તો ઝેરી બાણોથી તેની હત્યા કરતા હતા. ૧૯૯૬ માં એક વખત આદિજાતિની વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર મળ્યા બાદ જારવા લોકોની આક્રમકતામાં ઘટાડો થયો છે. અસરકારક બાણો બનાવવા અને ધાતુમાંથી વસ્તુઓ નિર્માણ કરવાની કળા જારવા લોકોને હસ્તગત છે. હવે ખાધા-ખોરાકીની વસ્તુઓ મેળવ્યા બાદ વ્યક્તિ સાથે ફોટો પડાવે છે પરંતુ બહારથી આવતી વ્યક્તિઓને તેમના આવાસના વિસ્તારોમાં જવા દેતા નથી. આજે ૪૦૦ જેટલા જારવા લોકો બચ્યા છે. તેમને બહારના રોગો લાગી પડે તો તેમના બચવાની શક્યતા ઓછી છે. સેન્ટિનેલીઝ ઉત્તર આંદામાનમાં રહે છે. તેઓ બહારની દુનિયા સાથે સંપર્ક ન રાખવો તે બાબતમાં ખૂબ ઉગ્ર છે. તેઓનો ટાપુ બીજા ટાપુ કરતા દૂર હોવાથી તેઓ પોતાની એકલા રહેવાની નીતિને ચોકસાઈથી અમલમાં મૂકી શકે છે. શિકાર અને માછલી પકડવાના કામ ઉપરાંત તેઓ શંખમાંથી આભૂષણો બનાવવા, નાની નાની હોડીઓ તૈયાર કરવામાં સારી આવડત ધરાવે છે. એક વિદેશી વ્યક્તિએ જીવના જોખમે આ લોકોનો સંપર્ક કરવાનું સાહસ કર્યું ત્યારે તેનો કરુણ અંત આવ્યો હતો.

માનવશાસ્ત્રના ક્ષેત્રમાં ડૉ. મધુમાલા ચટ્ટોપાધ્યાય પ્રથમ મહિલા છે કે જેમણે અલગ અલગ રહેતા સેન્ટિનેલીઝ જાતિના લોકો સાથે સંપર્ક બનાવ્યો. ચોથી જાન્યુઆરી ૧૯૯૧ના રોજ આ યુવા મહિલાએ સંશોધન કાર્ય માટે કમર સુધીના પાણીમાં કોરલ ઉપર ચાલીને આ આદિજાતિ સમૂહનો સંપર્ક કર્યો અને તેમને થોડા નાળિયેર આપ્યા. સંભવ છે કે મહિલાને જોઈને તેઓએ આક્રમકતા ન દાખવી. મધુમાલા ચટ્ટોપાધ્યાયની નાનકડી હોડીને કિનારે આવવા દીધી. ડૉ. મધુમાલા ચટ્ટોપાધ્યાયની સફળતા પાછળ વર્ષોની તપસ્યા અને આદિજાતિની સ્વાયત્તા માટેનું માન કારણભૂત છે. સેન્ટિનેલીઝ જાતિ બાદ ડૉ. મધુમાલાએ જારવા અને ઓંગે આદિજાતિઓનો સંપર્ક પણ કર્યો. એટલું જ નહીં પરંતુ  બહારની એક મહિલાને પોતાના ઘરમાં લઈ જઈને પરિવારના સભ્ય તરીકે વિશ્વાસ મૂકીને અભ્યાસ કરવામાં સહયોગ કર્યો. પોતાના બાળકોને ડૉ. મધુમાલા પાસે રમતા મૂકવા અને ઈશારાથી અરસપરસની વાત સમજવાની કોશિશ કરવાનું કામ તેમણે સફળતાપૂર્વક કર્યું. ડૉ. મધુમાલા ચટ્ટોપાધ્યાયનું નામ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણને આપણા દેશના દક્ષિણ-પૂર્વ ભાગમાં રહેતા આદિવાસી જૂથોને કશું નુકસાન કર્યા વિના તેમનો સંપર્ક કરવો, અભ્યાસ કરવો અને યથાશક્તિ મદદ કરવી એ વાત અવશ્ય સાંભરે છે.

સોમ્પેન જાતિને અગાઉ મલયાલમ વંશ સાથે જોડાયેલા માનવામાં આવતા હતા. આ જાતિ મોંગોલોઇડ વંશમાંથી આવે છે. સોમ્પેન જાતિ પોતાનું જીવન વણઝારાની જેમ ગાળે છે અને એક જગ્યાએ સ્થિર થઈને રહેતા નથી. સોમ્પેન લોકો ખૂબ શરમાળ છે. તેઓ સરકારી મદદરૂપે ખોરાક, આવાસ, ઘરવખરી વગેરેનો શાંતિથી સ્વીકાર કરે છે. તેમના ટાપુ ઉપર ખૂબ હરિયાળી છે પરંતુ ખોરાક માટે તેઓ ભૂંડ અને માછલીને પસંદ કરે છે. નિકોબારના આદિજાતિ જૂથો પોતાના ખોરાકમાં નાળિયેર, ચોખા અને માછલીનો ઉપયોગ કરે છે. તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે અને અનેક પ્રસંગે નાચગાનથી ઉજવણી કરે છે.

ભારત સરકારે પ્રવાસીઓને આ નાના નાના આદિજાતિઓથી દૂર રાખવાની જે નીતિ અપનાવી છે તેને કારણે આ જૂથોનું અસ્તિત્વ ટકી રહ્યું છે. આમ છતાં તેમની સંખ્યામાં ઘટાડો થાય તો તે ચિંતાનો વિષય ગણાય છે. આ આદિજાતિ જૂથો માટે શિકાર અને વન્યપેદાશો ઉપર નભવું થોડું મુશ્કેલ છે. તેમની પ્રતિકાર શક્તિ પણ ઓછી છે. તેમની જીવનશૈલી ઉપર હવે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રભાવ પડવાની શરૂઆત થઈ છે. આપણે આશા રાખીએ કે આ આદિજાતિ જૂથો પોતાની સાંસ્કૃતિક અને આનુવંશિક ઓળખ જાળવી રાખે અને ડૉ. મધુમાલા જેવા સંશોધકો આપણને તેમની જીવનશૈલીના વિવિધ પાસાઓથી વાકેફ કરે. આંદામાન-નિકોબારની આ આદિજાતિઓ સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના અભ્યાસુઓ માટે ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડે છે.


Comments

Popular posts from this blog