ઈરાન ઈઝરાયલ  યુએસએ યુદ્ધ

                                                                              પ્રવીણ  ક. લહેરી

અનેક વર્ષોથી ઈરાન વ્યાપક વિનાશના શસ્ત્રો અને એટમબૉમ્બ બનાવી રહ્યું છે તેવી વાત અમેરિકા અને ઈઝરાયેલ તરફથી વારંવાર કહેવામાં આવતી હતી. બે વર્ષ પહેલા હમાસ અને હિજબુલ્લાહના આરબ જૂથોએ ઈઝરાયેલ સામે કરેલ અચાનક હમલાને અને ત્યાર બાદ ઉપરોકત બંને સંગઠનોને ટેકો આપતા ઈરાનને બોધપાઠ ભણાવીશું તેવી ધમકી ઈઝરાયેલ અને અમેરિકા તરફથી મળી રહી હતી. થોડા મહિના અગાઉ ઈઝરાયેલના યુરેનિયમના જથ્થાનું વિનાશ કરવા માટે અતિ આધુનિક પ્રોટેન્ગ બોમ્બ દ્વારા અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાને હજારો મિસાઈલનો મારો ચલાવીને સૌ પ્રથમવાર ઈઝરાયેલને નોંધપાત્ર નુકસાન કર્યું હતું અને સાથેસાથે મધ્ય પૂર્વના દેશોમાં આવેલા અમેરિકન લશ્કરી થાણા ઉપર પણ મિસાઈલનો હુમલો કર્યો હતો. આના પ્રત્યુત્તરમાં અમેરિકાના પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ઈરાન અણુશકિત વિકસાવી શકશે નહી અને ૧૯૭૯ થી જે ધર્મગુરુઓનું ઈરાનમાં શાસન ચાલે છે તેને પણ નેસ્ત નાબૂદ કરવામાં આવશે.

ઈરાન એ એક પ્રાચીન સભ્યતા છે. અને હજારો વર્ષ પહેલા પર્શિયન સામ્રાજય સ્થાપવામાં ઈરાન સફળ રહ્યું હતું. સંસ્કૃતિ અને સત્તાનો વારસો ધરાવતા ઈરાનમાં ઈસ્લામના પ્રવેશે સમગ્ર ચિત્ર બદલી નાખ્યું. ઈરાનના જ્ઞાન ભંડારમાં રહેલા લાખો પુસ્તકોને આરબ આક્રમણકારોએ એ દલીલ સાથે નાશ કર્યો કે આ ગ્રંથો કુરાન સાથે સહમત થતાં નથી, તેથી તેનો નાશ કરવો જરૂરી છે. ઝોરાસ્ટીયન ધર્મકાળના તરીકે કુરાન એકમાત્ર પર્યાપ્ત છે, અને તેની સાથે સહમત થતાં ગ્રંથોની પણ આવશ્યકતા નથી. મુસ્લિમ આક્રમણને કારણે લગભગ ૧૩૦૦ વર્ષ પહેલાં ઝોરાસ્ટીયન ધર્મ પાડતા પારસી સમુદાયના અમુક લોકોએ ઈસ્લામ સ્વીકારવાને બદલે ભારતમાં આવીને સંજાણા જદુ રાજા પાસે શરણ લીધું. પારસીઓના આગમન સમયે જાણીતી બનેલી વાર્તા પ્રમાણે જદુ રાજાએ દૂધથી છલોછલ ભરેલું પાત્ર મોકલ્યું, જેનો અર્થ હતો કે અહી જગ્યા નથી, તેની સામે સમાજદાર પારસી આગેવાનોએ એ દૂધના પાત્રમાં ખંડ ઉમેરી સંદેશો આપ્યો કે અમે આ દૂધમાં ખાંડની જેમ એકાકાર થઈને રહીશું. જદુ રાજાની વિવિધ શરતો સાથે પારસીઓ ભારતમાં વસ્યા. શહેનશાહ પહેલવી દ્વારા ઈરાનને આધુનિક અને પ્રગતિશીલ બનાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા.

થોડા વર્ષોથી ફ્રાન્સમાં રાજયાશ્રય લઈને દેશથી દૂર રહેલા આયોતોલ્લાહ ખોમેનીએ ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ કરવા માટે આહવાન કર્યું અને ઈરાનમાંથી શહેનશાહ પહેલવીએ ભાગી જવું પડ્યું. ખામેનેઈએ ઈરાન પરત આવીને પોતાની અબાધિત સત્તા સ્થાપી એટલું જ નહી, પરંતુ શહેનશાહે કરેલા સુધારાઓ રદ કરી ઈસ્લામના શરિયા કાનૂન મુજબ ખૂબ જ કડક એવી સામાજિક વ્યવસ્થા ગોઠવી. ૧૯૭૯ ના આ ઈસ્લામિક ક્રાંતિનું એક આગવું મહત્વ રહ્યું છે. ઈરાનની આ ક્રાંતિએ એવું સબીત કર્યું કે ઈસ્લામ પાડનારા માટે વિજ્ઞાન ટેકનોલોજીની શોધ કરતાં ધર્મ ગ્રંથોના વાક્યો જીવનમાં વધારે ઉપયોગી છે. આ ઉપરાંત ઈસ્લામના કાયદા કાનૂન મુજબ જીવન જીવવામાં ભલે બુદ્ધિગમ્ય વલણ છોડવું પડે કે અગવડો વેઠવી પડે તો તે ધાર્મિક કર્તવ્ય ગણીને વેઠી લેવું. જો કે રૂઢિચુસ્ત સમાજમાં મહિલાઓ માટે અનેક બંધનો હોવાના કારણે ઈરાનમાં છેલ્લા ૪૬ વર્ષમાં અનેકવાર નાના મોટા વિદ્રોહ થયા છે, પરંતુ ઈરાનના શાસને તેને ક્રૂરતાથી દબાવી દીધા. ઈરાન માટે ફ્રૂડ ઓઈલની આવક એ મહત્વની છે અને એ ગણિતે જોઈએ તો ફ્રૂડ ઓઈલનો વિશાળ ભંડાળ ધરાવતા ઈરાનનો આર્થિક વિકાસ આજે છે તેના કરતાં ઘણો વધારે થઈ શક્યો હોત. ઈરાનમાં ધર્મની સાથે રાષ્ટ્રીય ભાવના જોડીને અમેરિકા વિરૂદ્ધનું એક મજબૂત વાતાવરણ પણ તૈયાર થયું હતું. સામે પક્ષે અમેરિકાએ પણ ઈસ્લામિક ક્રાંતિથી છંછેડાઈને ઈરાન ઉપર વિવિધ પ્રકારના અંકુશો મૂકવાનો સતત પ્રયત્નો કર્યો છે. બાળકોના પોષણ માટેની વસ્તુઓ કે જીવન જરૂરિયાતની દવાઓ પણ ઈરાનમાં ઉપલબ્ધ ન થાય તેવી કડક કાર્યવાહી ભૂતકાળમાં અમેરિકાએ કરી છે. ભારતે ઈરાનને ચોખા, દવા જેવી વસ્તુઓ આપી યોગ્ય ભાવે ફ્રૂડ ઓઈલ મેળવ્યું છે. જો કે ઈરાન એક ઈસ્લામિક દેશ તરીકે પાકિસ્તાન પ્રત્યે કૂણું વલણ ધરાવતું હતું.

આવી પૂર્વ ભૂમિકા વચ્ચે જ્યારે આ ફેબ્રુઆરી મહિનામાં ઈઝરાયેલ અને અમેરિકાએ ચોક્કસ બાતમીના આધારે ૫૦ બોમ્બરો સાથે દેહરાનની મુખ્ય સરકારી ઈમારતમાં બંકરમાં ચાલી રહેલ સલામતી મિટિંગ ઉપર બોમ્બ વર્ષા કરી તેનો વિનાશ કર્યો. આની સાથે ઈરાનના સર્વેસર્વા ૮૪ વર્ષના ખામેનીનું પણ અવસાન થયું. ઈરાનના અનેક ઉચ્ચ નેતાઓ અને જનરલો પણ મૃત્યુ પામ્યા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો આગ્રહ સેવ્યો છે કે ઈરાને ઈઝરાયેલ અને અમેરીકાની શરણાગતિ સ્વીકારવી જોઈએ. ઈરાનના નવા શાસકની પસંદગી અમેરિકાની સાથે મંત્રણા કરીને જ કરવી જોઈએ. ઈરાને પોતાનો અણુ કાર્યક્રમ સદંતર બંધ કરવો જોઈએ, તેમજ ઈરાનમાં રહેલા ઓઇલ માટે વિદેશી કંપનીઓને મંજૂરી આપવી જોઈએ. ઈઝરાયેલ અને અમેરિકાની માંગણી જોતાં ઈરાન અણુબોમ્બ બનાવે છે, આંતકવાદીઓને પ્રોત્સાહન આપે છે, ત્યાં ધાર્મિક સરમુખત્યારી છે તેવા મુદ્દા અગત્યના છે કે ઈરાનનું ઓઇલ અમેરિકનોને મફતના ભાવે મળે તે માટે આ યુદ્ધ છે તે સમજવું મુશ્કેલ નથી. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તેમની બીજી ટર્મમાં ખૂબ જ દૂરાગ્રહી બન્યા છે. કેનેડા અને અમેરિકાના ૫૧ માં રાજ્ય તરીકે ઓળખાવવું, યુક્રેનની અલભ્ય ધાતુઓની માલિકી કરાર હેઠળ અમેરિકાની કરવી, અને ગ્રીનલેન્ડનો વિશાળ પ્રદેશ અમેરિકાને તાબે કરવા માટે તેમણે અન્ય દેશોની સાર્વભૌમિક્તાનો અનાદર તો કર્યો જ છે, પરંતુ કયા દેશે કોની સાથે કઈ વસ્તુનો વેપાર કરવો કે ન કરવો તેનો નિર્ણય પણ અમેરિકા જ કરશે તેવો આગ્રહ રાખ્યો છે. અમેરિકા અને ઇઝરાયેલે સાથે મળીને ઈરાનમાં ભયંકર બોમ્બ વર્ષા અને મિલાઇલના મારાથી ખૂબ ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. સામે પક્ષે ઇરાને ઝૂકવાની ના કહીને પોતાના વિશાળ બેલાસ્ટિક મિસાઈલનો પયોગ કરીને ઈઝરાયેલ સહિત મધ્ય પૂર્વના ૧૧ દેશોમાં નોંધપાત્ર વિનાશ સર્જ્યો છે. ઈરાને હોર્મુઝ ખાડી અવરોધીને સમગ્ર વિશ્વની ફૂડ ઓઇલાના ૪૦% જથ્થાને રોક્યો છે. સમગ્ર વિશ્વમાં ઉર્જાની તંગી ઊભી થાય તેવી પૂરી સંભાવના છે. આ યુદ્ધ દ્વારા કોને કેટલું નુકસાન થશે તેની સાચી માહિતી મેળવતા તો સમય થશે. આજે વિવિધ દેશોની કડક સેન્સરશીપને કારણે આપણને પૂરતા કે સાચા સમાચાર મળતા નથી. અમુક નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા માટે એક બાજુ તેની સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૧૭૫ મિલિયન યુએસ ડોલરનું ટેરિફ રીફંડ આપવાનો પ્રશ્ન ઊભો છે, ત્યારે બીજી બાજુ ઈરાન સાથેના યુદ્ધમાં અબજો ડોલરનો દરરોજ ધુમાડો થઈ રહ્યો છે. આ વાત એટલા માટે ગંભીર છે કે અમેરિકા માટે અફઘાનિસ્તાન, વિયેતનામ જેવા દેશોમાં જે પીછેહઠનો સામનો કરવો પડયો હતો, તેવું થાય તો ઈઝરાયેલના અસ્તિત્વ ઉપર ઘણો મોટો ખતરો પેદા થશે. આ ઉપરાંત જો અમેરિકા અને ઈઝરાયેલ ઈરાનને ઝુકાવી શકે તો ઈરાન સામ્રાજ્યવાદનો એક ભાગ બની રહેશે અને વેનેઝુએલા જેમ તેની સાર્વભૌમિકતા ગુમાવી દેશે. ઈરાન માટે અને ઈઝરાયેલ માટે આ જંગ અસ્તિત્વનો સવાલ છે. અમેરિકા જેવી સૌથી શકિતશાળી સેના ઈરાનને તહસનહસ કરી નાંખશે તો એશિયાના દેશો માટે એક ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થશે.

Comments

Popular posts from this blog