ગાંધીજી અને સ્વદેશી
- પ્રવીણ ક. લહેરી
તા. ૯મી જાન્યુઆરી ૧૯૧૫ના દિવસે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવ્યા ત્યારે તેમનું વીર ગાંધી તરીકે ઉમળકાભર્યું સ્વાગત થયું હતું. ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી ભારત આવીને સ્વતંત્ર સંગ્રામમાં પ્રદાન કરવા માટે તેમના રાજકીય ગુરુ ગોખલેએ દક્ષિણ આફ્રિકા જઈ તેમણે સમજાવ્યા હતા. ગાંધીજી ભારત આવે પછી એક વર્ષ માટે ભારત ભ્રમણ કરવું અને તે સમય દરમ્યાન કોઈ નિવેદનો ન કરવા. ગાંધીજીએ આ પ્રમાણે કર્યું.
ભારતના પ્રવાસ દ્વારા ગાંધીજીએ એ જોયું કે અંગ્રેજોએ ખૂબ ઝડપથી અને વિશાળ પાયે શોષણ કરીને સોને કી ચીડીયા જેવા આ દેશને પારાવાર શોષણ કરીને તેનું હિર ચૂસી લીધું હતું. ગાંધીજીએ જે ગરીબી, કંગાળિયાત, અંધશ્રદ્ધા, કુપોષણ, નિરક્ષરતા, બીમારી વિગેરે જોયા ત્યારે તેમણે પ્રથમ ખ્યાલ એ આવ્યો કે ૭૫ હજાર જેટલા અંગ્રેજો આ દેશ પર એટલા માટે શાસન કરી શકે છે કે અમુક સ્થાનિક લોકો તેમનો સહયોગ કરે છે, અન્યથા ૩૩ કરોડ માણસોને ગુલામીની બેડીમાં જકડી રાખવાનું કાર્ય ૭૫ હજાર અંગ્રેજો માટે દુષ્કર નહી પરંતુ અશક્ય હતું. ભારત ભ્રમણ દરમ્યાન કરેલા આ બે મહત્વના નિરીક્ષણના કારણે ગાંધીજીએ અંગ્રેજો સાથે અસહયોગ અને સ્વદેશીના વપરાશના કાર્યક્રમો હાથ ધર્યા. સ્વદેશી કાર્યક્રમ હેઠળ ગાંધીજીએ તમામ ભારતીયોને પોતાના વિદેશી વસ્ત્રોને હોળીમાં હોમી દેવા જણાવ્યું ગાંધીજીની અગાઉ પણ ભારતમાં વિદેશી વસ્તુના બહિષ્કારની ઝુંબેશ ચાલી હતી, પરંતુ ગાંધીજીના આહવાનના કારણે જે પ્રતિભાવ આવ્યો તે ખૂબ વ્યાપક અને અજોડ હતો. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો હોય તો ગામડે ગામડે સ્વાવલંબન પરઅસર થાય તે માટે તેમણે ચરખા અને હાથશાળ મારફ્ત ખાદી ઉત્પાદનના કાર્યક્રમને અગ્રતા આપી.
૧૯૨૦માં ગાંધીજીએ જે ૧૯ મુદ્દાના રચનાત્મક કાર્યક્રમની જાહેરાત કરી હતી, તેમાં સ્વદેશી અગ્ર સ્થાને હતું. અગાઉ ભારતની સમૃદ્ધિ માટે ઉત્તમ ખેતી અને કુશળ કારીગીરી કારણભૂત હતા. બંગાળના ઢાંકાના વણકરો એટલું પાતળું મલમલનું કાપડ વણી શકતા, જેનો આખો તાકો એક વીંટીમાંથી પસાર થઈ શકતો હતો. ભારતની આ કુશળતા અનેક વસ્તુઓના નિર્માણ સાથે ગાઢ
રીતે જોડાયેલી હતી. પોતાના કાપડના વેચાણ માટે અંગ્રેજોએ ઢાકાના વણકરોનાં આંગળાઓ કાપી નાખ્યા, તે વાત સાચી હોય કે નહીં, પરંતુ એ સત્ય છે કે કુટીર ઉધોગો અને અનેક ક્ષેત્રની કારીગીરીનું અંગ્રેજોએ ખૂબ સમજી વિચારીને નાશ થાય તેવી નીતિઓ અપનાવી હતી.
૧૯૧૭માં ચંપારણમાં ફરજીયાત ગળીની ખેતી (તીન કઠિયા) પદ્ધતિનો વિરોધ કરતાં ગાંધીજીએ જે સત્યાગ્રહ કર્યો તેને અણધારી અને અભૂતપૂર્વ સફળતા મળી. નીલવરો અને અંગ્રેજોની સરકારની તીન કઠિયામાં ખેડૂતોને છૂટછાટ આપવાની ફરજ પડી. એકલપંડિત ગાંધીજીએ કરેલા આ સત્યાગ્રહની સમગ્ર દેશની જનતા ઉપર ખૂબ ગહેરી અસર પડી.
વર્ષ ૧૯૨૦થી લગભગ ૧૦ વર્ષ સુધી ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ અને ખાદીના ઉત્પાદન અને વપરાશ માટે અથાગ પ્રયત્નો કર્યા. આ પદ્ધતિને કારણે ભારતમાં સ્વદેશીનો નારો ઘરે ઘરે ગુંજવા લાગ્યો હતો. અનેક લોકોએ વસ્ત્રમાં માત્ર ખાદીનો જ ઉપયોગ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. અનેક પરિવારોએ ખાદીને પોષાક તરીકે અપનાવ્યો. જવાહરલાલ નહેરૂના શબ્દોમાં ખાદી એ આઝાદી માટેનું રાષ્ટ્રીય ગણવેશ બની રહ્યો. ખાદીનું ઉત્પાદન એટલે છેવાડાના માનવીને રોજગારી અને આવક ગાંધીજીએ ચરખા અને હાથશાળની ટેક્નોલૉજી સુધારવા માટે પણ અવિરત પ્રયાસો કર્યા હતા. ચરખાની સારી ડિઝાઈન તૈયાર કરવા માટે એમણે તે જમાનાના રૂપિયા ૧ લાખનું ઈનામ જાહેર કર્યું હતું. સ્વદેશી વસ્તુના વપરાશને કારણે ખાદી અને ગ્રામઉધોગને ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું હતું.
મહાત્મા ગાંધી જ્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ઈંગ્લેન્ડ ગયા ત્યારે લીસ્ટરની કાપડ મીલના બેકાર બનેલા કામદારોના પરિવારને સામે પગલે ગાંધીજી મળ્યા ત્યારે તેમણે આ કામદારોને પ્રશ્ન કર્યો કે શું તમે તમારા ભારતીય ભાઈબહેનોને ભૂખમરો વેઠતા જોવા ઈચ્છો છો? તમને અન્ય રોજી મળી શકે પરંતુ ભારતના કારીગર માટે સ્વાલંબી બન્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી. ગાંધીજીની વાત બે મુદ્દાની અંગ્રેજ કામદારને સ્પર્શી ગઈ તે એક ઐતિહાસિક હકીકત છે.
ગાંધીજીની સ્વદેશીની વિભાવના સૂક્ષ્મ રીતે સમજવાની જરૂર છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમણે ઝોન રસીલ પુસ્તક વાચયું અને તેમના મનમાં સર્વોદયની કલ્પના સ્થાયી થઈ. યાંત્રીકરણ અને મૂડીવાદના ભય સ્થાનોથી ગાંધીજી પણ ઝોન લીયો ટોલ્સ ટોય અને હેન્રી જોરોમથી પરિચિત હતા. શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક પ્રમાણે જે મહેનત કર્યા વગરનું ખાય છે તે ચોરી કરે છે તે વચનમાં ગાંધીજીને અતૂટ શ્રદ્ધા હતી. ગાંધીજીએ કહેલું “હું નથી ઇચ્છતો કે મારુ ઘર ચારે બાજુ દિવાલોથી બન્યું હોય જેમાં બહારની હવા આવી ના શકે. મારા ઘરમાં એવી બારીઓ હોય કે જેમાંથી નવા વિચારોની હવાની આવજા થતી રહે. આ હવાની આવજાને કારણે હું મારા મૂળમાંથી ઊખડી ન જાવ તેની પણ મારે કાળજી કરવી જોઈએ. ગાંધીજીના સ્વદેશીનું આ સૂક્ષમદર્શન છે. ગાંધીજી કહેતા હતા “આપણે જંગલમાં રહેવા માટે જન્મ્યા નથી, પરંતુ સમાજમાં રહેવા માટે જન્મ્યા છે.” ભારતીય પરંપરાની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના પ્રમાણે આપણે અન્ય દેશોની પ્રજા માટે કોઈ પૂર્વગ્રહ કે દૂરભાવ રાખવાનો નથી. જરૂર જણાય ચીજવસ્તુઓનો વેપાર થઈ શકે, પરંતુ જે વસ્તુનું ઉત્પાદન આપણાં થકી આપણાં દેશમાં થઈ શકે તો તેને અગ્રતા આપવી જોઈએ.
વર્ષ ૧૯૯૦ બાદ ઉદારીકરણ અને વૈશ્વિકરણનાં કારણે સમગ્ર વિશ્વમાંથી ભારતમાં મોજશોખની અનેક વસ્તુઓ આવે છે. આજે જ્યારે અમેરીકા આપણને આપણા માલ ઉપર ઊંચી ટેરિફ નાંખીને આપણી નિકાસ રૂંધવાનો પ્રયત્ન કરે છે જ્યારે તેના પ્રતિકાર માટે આપણે સ્વદેશી અપનાવવું જોઈએ. ગાંધીજીના સમયમાં ભારતમાં ઘણી ઓછી વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. આઝાદી બાદ ક્રમશઃ ભારતની ઔધોગિક ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે અને વૈવિધ્ય આવ્યું છે. આપણે ઇચ્છીએ તો અનેક પરદેશી વસ્તુ વિના ચલાવી શકીએ તેમ છીએ, અને અનેક વિદેશી વસ્તુના બદલે ભારતમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ. ગુણવત્તા અને કિંમતની દ્રષ્ટિએ પણ ભારતીય માલ વિશ્વમાં સ્પર્ધાત્મક કરી શકીએ તેવી સ્થિતિમાં પહોંચ્યા છીએ ત્યારે આપણે દેશના હિતમાં સ્વદેશીનો ઉપયોગ કરવો જ રહ્યો. ગાંધીજીએ અંગ્રેજોના શોષણને અટકાવા માટે સ્વદેશીનો આશ્રય લીધો હતો. આજે આપણે આપણી નિકાસને અવરોધતા દેશોને બોધપાઠ આપવા માટે તેઓના માલની જગ્યાએ સ્વદેશી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવો અને તેમાં વધારો કરવો તે આ સમયનો તકાજો છે.
Comments
Post a Comment