મનનું પોષણ : મનનો જમણવાર
- પ્રવીણ ક. લહેરી
સદ્વિચાર પરિવારના સ્થાપક અને આજીવન સેવાના ભેખધારી શ્રી હરિભાઈ પંચાલનો દેહાંત છઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૧ના રોજ થયો હતો. આજે આ ઘટનાને ૧૫ વર્ષ વીતી ગયા છે પણ સદ્વિચાર પરિવારમાં અનેકને તેની ચેતનાનો અનુભવ થાય છે. ગુજરાતના હજારો સેવાભાવી વ્યક્તિઓમાં શ્રી હરિભાઈની મૌલિક પ્રકારની સમજ અને સેવા આગવી રહી. નવા નવા વિચારો અને પ્રયોગો દ્વારા સમાજના વંચિતોની, ઉપેક્ષિતોની જરૂરીયાતો પૂરી પાડવા તેમણે અવિરત કાર્ય કર્યું હતું.
એક જમાનામાં અને આજે પણ અનેક જ્ઞાતિ સમૂહોમાં મરણ બાદ ખૂબ મોટા પાયે પ્રેતભોજનનું આયોજન કરવું ફરજિયાત માનવામાં આવે છે. શ્રાદ્ધપર્વમાં પણ ૧૫ દિવસ વિવિધ પ્રકારની સરવણી, શ્રાદ્ધ માટે કાગભોજન અને સગા-સબંધીઓને મિષ્ટ વાનગીઓ ખવરાવવાની પ્રથા છે. આવી સામાજિક રૂઢિઓ પાળવામાં સબંધિત પરિવારો દેવદાર થઈ પાયમાલ થાય તો પણ પરંપરા છે તો નિભાવવી જ પડે તેવો સામાજિક માહોલ છે. આવી રૂઢિ દૂર કરવા શ્રી હરિભાઈ એ શ્રાદ્ધપક્ષમાં ‘મનનો જમણવાર’ શિર્ષક હેઠળ એક પ્રવચનશ્રેણીનો પ્રારંભ કર્યો હતો. આશ્રમ રોડ પરના એચ. કે. કોલેજના હૉલમાં સાંજે સમારંભ યોજીને ગુજરાતના પ્રબુદ્ધ વક્તાઓને આમંત્રીને સામાજિક સુધારણા અને સાંપ્રત વિષયો પર મનનીય પ્રવચનો દ્વારા હાનિકારક પરંપરાઓ છોડવા સાચી સમજણ આપવામાં આવતી હતી. આ પ્રવચનશ્રેણીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. થોડા વર્ષ આ ઉપક્રમ સારી રીતે ચાલ્યો પરંતુ અમુક મુશ્કેલીઓને કારણે તે બંધ પડતાં એક ખાલીપો વર્તાતો હતો. વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૦માં રચાયેલા નવા ટ્રસ્ટીમંડળે શ્રી હરિભાઈની હાજરીમાં આ પ્રવૃતિનો પુનઃઆરંભ કર્યો હતો અને સાથે સાથે સેવાક્ષેત્રે સંકળાયેલી વિવિધ વ્યક્તિઓનું સન્માન કરવાનું શરૂ કરેલું હતું.
શ્રી હરિભાઈના અવસાનબાદ ટ્રસ્ટીમંડળે તેમને સર્વાધિક પ્રિય એવા ‘મનના જમણવાર’ને નવું રૂપ આપ્યું. હરિભાઈની પૂણ્યતિથી તા. ૬ જાન્યુઆરી(૨૦૧૧) અને તેમની જન્મજયંતિ તા.૧૦મી જાન્યુઆરી (૧૯૨૮) બંને તારીખો સાથે કુલ પાંચ દિવસ માટે ‘મનનો જમણવાર’ કાર્યક્રમ યોજવાનું શરૂ કર્યું. સાથે સાથે સાદા ભોજનની પણ વ્યવસ્થા કરી. વર્ષ ૨૦૧૧માં હરિભાઈ પંચાલના અવસાન નિમિત્તે શોક વ્યક્ત કરવા પધારેલા સ્વામીશ્રી સચ્ચિદાનંદજીએ સૂચન કર્યું કે હરિભાઈ જેવાં મોટા ગજાના સમાજ સેવકના જીવનમાંથી યુવાપેઢી પ્રેરણા લે તે માટે સારી રકમના પુરસ્કાર સાથે સેવા એવોર્ડ આપવો જોઈએ. આ લેખકે તત્કાલિન સદ્વિચાર પરિવારની આર્થિક સંકડામણની સ્વામીજીને વાત કરી એટલે તેમણે તરત જ ચેકબૂક માંગવી સેવા એવોર્ડ માટે રૂ઼પિયા એક લાખનું દાન આપ્યું. સદ્વિચાર પરિવારે આમાં રૂ઼. ૨૫ હજાર ઉમેરી દર વર્ષે શ્રી હરિભાઈ પંચાલના જન્મદિને ૧૦મી જાન્યુઆરી અને મનના જમણવારના છેલ્લા દિવસે ‘શ્રી હરિભાઈ પંચાલ સેવારત્ન એવોર્ડ’ આપવાની શરૂઆત કરી. છેલ્લા અગીયાર વર્ષમાં આ એવોર્ડ પ્રાપ્ત કરનારા મહાનુભવોનું સૂચિ આ પ્રમાણે છે.
(૧) સને ૨૦૧૩-૧૪ શ્રી ઘેલુભાઈ નાયક (૨) સને ૨૦૧૪-૧૫ શ્રી કુલીનભાઈ લુઠીયા - મુંબઈ (૩) સને ૨૦૧૫-૧૬ શ્રી રાજુ-દિપ્તી, કોબા (૪) સને ૨૦૧૬-૧૭ શ્રી પુરુષોત્તમભાઈ પંચાલ - વડોદરા (૫) સને ૨૦૧૭-૧૮ શ્રી સુરેશભાઈ સોની - કૃષ્ઠયજ્ઞ સેવા ટ્ર્સ્ટ (૬) સને ૨૦૧૮-૧૯ શ્રી મનુભાઈ મહેતા (૭) સને ૨૦૨૦-૨૧ શ્રી પ્રવીણભાઈ બળદાણિયા (૮) સને ૨૦૨૧-૨૨ શ્રી જગદીશભાઈ ત્રિવેદી (૯) સને ૨૦૨૨-૨૩ શ્રી ક્ષિતીષભાઈ મદનમોહન (૧૦) સને ૨૦૨૩-૨૪ શ્રીમતી નિરંજનાબેન મુકુલભાઈ કલાર્થી અને (૧૧) સને ૨૦૨૪-૨૫ ડૉ. ભરતભાઈ ભગત.
આ સૂચિ પરથી સૌ કોઈ જોઈ શકશે કે સદ્વિચાર પરિવારે સમગ્ર ગુજરાતમાંથી વ્યાપક જાણકારી મેળવીને આજીવન સેવામાં રત રહ્યાં છે તેવી વ્યક્તિઓનું સન્માન કરીને ધન્યતા અનુભવી છે. સેવાક્ષેત્રે ગુજરાત નસીબદાર છે. મહાજન પરંપરા ઉપરાંત અન્યને ઉપયોગી થવાની ભાવના ગુજરાતના સામાન્યમાં સામાન્ય માણસોમાં પણ જોઈ શકાય છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યા પ્રમાણે;‘‘મને સ્વર્ગની ઈચ્છા નથી, મને નથી પુનઃજન્મની કે મોક્ષની ઈચ્છા. મારી ઈચ્છા તો એટલી જ છે કે સૌ દુઃખી જીવાત્માઓની પીડાનો નાશ થાય.” ગુજરાતની પ્રજાએ આજરીતની જાગૃતિ દર્શાવીને અનેક કુદરતી અને માનવસર્જિત આફતોના પ્રસંગોએ જે ઉદારતાથી દાનની સરવાણી વહાવી છે તે અજોડ કહી શકાય.
આજથી પચીસ વર્ષે પ્રજાસત્તાક દિનની સવારે કચ્છના એપી સેન્ટર સાથે આવેલ મહાભૂકંપ બાદ ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓએ જે ત્વરાથી અને સંપૂર્ણપણે રાહતની જવાબદારી ઉઠાવી હતી તેનાથી દેશ અને દુનિયામાં સંવેદનાનો સાચો સંદેશ પહોંચ્યો હતો. પરિણામ સ્વરૂપ હજારો સંસ્થાઓએ સરકારના સહયોગ સાથે નેત્રદીપક કામગીરી કરીને આફતને અવસરમાં પલટી નાંખીને કવિતાની પંક્તિ; ‘‘ભલે અમને નાખો આગમાં, અમે ફેરવીશું તેને બાગમાં’’ સાર્થક કરી હતી. સમગ્ર વિશ્વમાં કચ્છ પુનર્વસન અને તેના ઔદ્યોગિકરણની ઘટના તેમજ પાણી માટે “વોટર શેડ ટ્રીટમેન્ટનો પ્રોજેક્ટ’’ અને નર્મદાનું જળ ઉપલબ્ધ થતાં કચ્છ જિલ્લાની કાયાપલટ થઈ છે. કચ્છ આજે ગુજરાતનો પછાત નહી પણ વિકસીત જિલ્લો બની ચૂક્યો છે. બંદરોનો વિકાસ અને ખાણ-ખનીજની ઉપલબ્ધીઓ પણ આમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ગુજરાતની પ્રજાના સેવાના સંસ્કાર જળવાય રહે તે માટે છેલ્લા પંદર વર્ષથી અવિરત ચાલતી ‘મનન જમણવાર’ની લોકપ્રિયતા વર્ષોવર્ષ વધતી જાય છે. દર વર્ષે ૫૦૦ થી ૬૦૦ શ્રોતાજનોની રૂબરૂ હાજરી અને ઓનલાઈન તે જોતાં અગણિત વ્યક્તિઓ આ કાર્યક્રમમાંથી પ્રેરણા લે છે. યુટ્યૂબ પર આ કાર્યક્રમોના રેકોર્ડીંગ ઉપલબ્ધ છે. મનના જમણવારનો એક ચોક્કસ વિષય નક્કી કરીને તેના પર પાંચેય દિવસો માટે ગુજરાતના માનનીય વિદુષ સન્નારી ડો. જ્યોતિબેન થાનકી લગભગ દરરોજ એક કલાક પ્રવચનોના વિષયોનું ઉદાહરણ આપું તો ૧. જીવ તું ચિંતા શિદને કરે - કૃષ્ણને કરવું હોય તે કરે ! ૨. સૌ કડીઓમાં વડી, સ્નેહની કડી ૩. શ્રી અરવિંદનું જીવન અને કથન ૪. વૈષ્ણવજન તો તેને રે કહીએ ૫. વ્યક્તિના જીવનમાં પરિવારની ભૂમિકા અને મહત્ત્વ ૬. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી ૭. મોક્ષનું દ્વાર મન વગેરે અનેક વિષયો ઉપરાંત બીજા કલાક માટે વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, સાહિત્યકારો, કવિઓ અને પત્રકારોમાંથી ખાસ નિમંત્રણ આપી પ્રવચન માટે બોલાવી તેમના જ્ઞાન અને અનુભવનો લાભ શ્રોતાઓને મળે છે. મનના જમણવાર પ્રવચન શ્રેણીનો મૂળ હેતુ સંસ્કાર સિંચનનો છે. આજે સમાજમાં અનેક કારણોને લીધે જે અજંપો છે. પરિવારો વિખેરાય રહ્યા છે. યુવાપેઢી સ્વતંત્ર જ નહી પણ સ્વછંદી થઈ રહી છે ત્યારે સમાજ કેમ સલામત, સંવેદનશીલ અને સશક્ત બને તે માટે આવા ઉપક્રમો આવશ્યક છે. એક બાજુ વાંચન ઘટ્યું છે. પરિવારો અને શાળાઓ સંસ્કાર આપવામાં નિષ્ફળ જઈ રહ્યા છે ત્યારે સુવિચારો દ્વારા ભાવિ પેઢીનું ઘડતર થાય તે માટે દરેક શૈક્ષણિક સંસ્થા રહેણાંકની સોસાયટીમાં સદ્વિચાર મંડળો સ્થાપીને યુવાપેઢીને સાચા માર્ગે દોરવાનું કામ અગ્રતા માંગી લે છે.
સદ્વિચાર પરિવારે તેની સ્થાપનના ૬૦ વર્ષ ગતવર્ષે પૂરાં કર્યા. આ હિરક જયંતિ પ્રસંગે સદવિચાર સાથે લાંબા સમયથી સંકળાયેલા કાર્યકરો, તેના પરિવા, દાતાઓ અને સમાજમાં નોંધપાત્ર પ્રદાન કરનાર સૌ કોઈનું હિરક મહોત્સવ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. હિરક જયંતિ મહોત્સવ પ્રસંગે ૪૦ થી ૬૦ પાનની ૬૦ પુસ્તિકાઓનું પ્રકાશન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ પુસ્તિકાઓ રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય તેવી માહિતી આપે છે. સદ્વિચાર પરિવાર સાચા અર્થમાં પરિવાર છે જેમાં ૯૦૦૦ જેટલા દાતાઓ, આજીવન સભ્યો અને શુભેચ્છકોનો સમાવેશ થાય છે. આ સૌના સહયોગથી જ સદ્વિચાર પરિવારની સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે. ૩૫૦ થી વધુ સભ્યો ધરાવતા સદ્વિચાર પરિવાર વરિષ્ઠ ગૌરવ ગ્રુપ દ્વારા વડિલોને અરસપરસની હૂંફ મળે અને સાથે મળીને આનંદ કરે, ઉત્સવોની ઉજવણી કરે અને સેવાના કામો કરે તેવી વ્યવસ્થા સૌ માટે લાભદાયી પૂરવાર થઈ છે.
કોઈપણ સંસ્થા તેના અસ્તિત્વના ચોક્કસ વર્ષો પૂરાં કરે ત્યારે તેની ઉજવણી કરી સંસ્થાના હેતુઓ પૂરાં કરવાનો સંકલ્પ દ્રઢ કરવો ઉપયોગી બને છે. સદ્વિચાર પરિવાર તેની ઊજળી પરંપરા સાથે સાંપ્રત સમયની સમસ્યાઓ સુલજાવવા કટિબધ્ધ છે. શ્રી હરિભાઈના સિધ્ધાંતો અને મૂલ્યોની જાળવણી માટે તકેદારી રાખીને મનના જમણવાર જેવાં કાર્યક્રમો થકી સદવિચાર પરિવારનો સેવાયજ્ઞ અવિરત એ જ સદ્વિચાર માટે સૌથી મોટી મૂડી છે.
Comments
Post a Comment