સદ્વિચાર ૫રીવાર : ૬૦ વર્ષની સેવાયાત્રા
- પ્રવીણ ક. લહેરી
આઝાદીના ઉષાકાળે ભારતની ૩૩ કરોડની વસ્તીમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ગરીબ, નિરક્ષર, વહેમી અને વંચિત હતા. તેવા સમયે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક યુવકે પિતાની મરણપથારી સામે તેમના સૂચનથી સંકલ્પ કર્યો કે હું મારું જીવન સમર્પિત કરીને માત્ર જનસેવામાં જ પ્રવૃત્ત રહીશ. આ પ્રતિજ્ઞા કરનાર શ્રી હરિભાઈ પંચાલે આજીવન સેવા કરી ગુજરાતના પ્રથમ પંક્તિના સમાજસેવકમાં સ્થાન મેળવ્યું તેમના સાથી શ્રી જિતેન્દ્રભાઈ પટેલ તથા શ્રી ચંદુભાઈ પ્રજાપતિના સહયોગ દ્વારા તેમણે શરુઆતમાં દરિયાપુર ટાવરના પગથિયે બેઠક જમાવી લોકોની અનેક જરૂરિયાતો જેવી કે અનાજ, દવા, શાળાની ફી, પાઠ્ય પુસ્તકો, સ્ટેશ્નરી, પગરખાં વગેરે માટે નાના નાના દાનો એકત્ર કરીને તેના દ્વારા સેંકડો પરિવારની આવશ્યકતાઓ પૂર્ણ કરી. શ્રી હરિભાઈની ઈ.સ. ૧૯૫૬માં શરુ થયેલી યાત્રા ૫૫ વર્ષ ચાલી. ઈ.સ. ૨૦૧૧માં તેમનો દેહાંત થતાં તેમણે દેહદાન કરી ‘નિમિત્તમાત્ર’નું ઉપનામ સાર્થક કર્યું.
ઈ.સ. ૧૯૬૫માં સેવા-પ્રવૃત્તિનો વ્યાપ વધતાં તેમણે સદ્વિચાર પરિવારની સ્થાપના કરી હતી. શરુઆતમાં આશ્રમ રોડ પરની ઑફિસથી કાર્યવાહી શરુ કરી પણ સાથે સાથે ઉંવારસદમાં ૨૦૦ દિવ્યાંગો માટે સરકમારી સહાય સાથેની નિવાસી શાળાની સ્થાપના કરી. તેમના સાથી શ્રી ભૂપેન્દ્રભાઈ બેંકરના સહયોગથી વિશાળ જમીન દાનમાં અથવા રાહતદરે પ્રાપ્ત કરી. તરોડામાં શ્રી માણેકલાલ હરગોવનદાસ પટેલના દાનથી આંખની હૉસ્પિટલ ચાલુ કરી. આ ઉપરાંત ગોધરામાં રોટરી કલબના સહયોગથી શ્રી પી.ટી. મીરાણી આંખની હૉસ્પિટલની સ્થાપના કરી. આ હૉસ્પિટલના વિકાસ માટે શ્રી વિનોદભાઈ શાહ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી મણિભાઈ પટેલ અને શ્રી જયંતિભાઈ આર. શાહ (ગોળવાળા)ના સહયોગથી એક સુસજ્જ હૉસ્પિટલ છે જે આદિવાસીઓની સેવામાં સક્રીય છે. સદ્વિચાર પરિવારે ભૂજ, હિંમતનગર, ખેડબ્રહ્મા, મોડાસા, મણિનગર વગેરે કેન્દ્રોમાં પણ સદ્વિચાર પરિવારની શાખાઓ સક્રીય કરી.
શ્રી હરિભાઈ પંચાલને સદ્વિચાર પરિવારની સ્થાપના અને સેવાપ્રવૃત્તિ માટે પ્રેરણા આપનારા ગુજરાતના વિખ્યાત ત્રણ સંતોનું સ્મરણ કરવું આવશ્યક છે. પરમ પૂજ્ય રામચંદ્ર ડોંગરે મહારાજ, જનકલ્યાણના સ્થાપક અને ભક્ત શ્રી પુનિત મહારાજ અને મૂઠ્ઠી ઊંચેરા માનવી શ્રી રવિશંકર મહારાજે શ્રી હરિભાઈને સતત માર્ગદર્શન આપ્યું. શ્રી હરિભાઈનું વલણ મૌલિક અને ચીલાચાલુ પ્રવૃત્તિથી તદ્દન નવા પ્રકારની સેવા માટે તેમણે અનેક સફળ પ્રયોગો કર્યાં. શ્રી હરિભાઈએ આજથી ૫૦ વર્ષ પૂર્વે દિકરીના લગ્ન મંડપમાં જ રક્તદાન માટે વ્યવસ્થા કરી હતી. રક્તદાન અને અંગદાન માટે તેમણે વર્ષો સુધી વ્યાપક કામગીરી કરી. આ માટે ગુજરાતના રાજ્યપાલે સદ્વિચાર પરિવારનું ખાસ સન્માન પણ કર્યું છે.
શ્રી હરિભાઈ પંચાલનું જેલમાં રહેલા કેદીઓની સુધારણા અને પુનર્વસન માટેનું કામ અગ્રગામી તો છે પરંતુ તે માટે તેમણે જે અભિગમ અપનાવ્યો તે ખૂબ દીર્ઘ દૃષ્ટિવાળો અને હકારાત્મક હતો. સાબરમતી જેલમાં જઈ કેદીઓને ભજનો સંભળાવી તેમનામાં સારા સંસ્કારો કેમ ઉજાગર થાય તે માટે કેદીઓ સાથે વ્યક્તિગત સંવાદ કર્યો હતો. ખૂબ માટે આજીવન કેદની સજા ભોગવતા કેદીઓને તેમના ગુન્હાનો ભોગ બનેલ પરિવાર પાસે ક્ષમા અપાવી, તે પરિવારની મહિલાઓ પાસે કેદીઓને રક્ષાબંધન કરાવી મનુષ્ય મનુષ્ય વચ્ચે સ્નેહનો સેતુ સફળતાપૂર્વક નિર્માણ કરી શકયા હતા.
આવો જ રક્ષાબંધનનો સફળ કાર્યક્રમ તેમણે દિલ્હીની તિહાર જેલમાં પણ યોજ્યો હતો. માનવીના મનમાંથી વેરઝેર દૂર કરી પશ્ચાતાપના પવિત્ર આંસુઓથી મનનો મેલ દૂર કરાવી સુખ-શાંતિના માહોલનું સર્જન કરી તેમણે એક નવી દિશા ચિંધી. રાજકોટમાં ખૂનો કરવા બદલ શશિકાંત માળી નામના આરોપીને ફાંસીની સજા થઈ. આ સજામાં રાહત અપાવવા માટે શ્રી હરિભાઈએ રાષ્ટ્ર્પતિ ભવન સુધી પ્રયત્નો કર્યા. આ પ્રયાસો સફળ ન થતાં હરિભાઈએ સરકારની ખાસ મંજૂરી મેળવીને તેઓ ફાંસી પામેલા શશિકાંત માળીની કોટડીમાં તેની સાથે રહ્યા. શ્રી હરિભાઈએ સમજાવતાં શશિકાંત માળીએ કિડનીનું દાન કરી એક નવો ચીલો પાડ્યો.
૧૯૬૦થી ૨૦૦૦ના ૪૦ વર્ષો દરમિયાન ગુજરાતમાં ૨૫ જેટલાં દુષ્કાળો પડ્યા. શ્રી હરિભાઈએ ખેડૂતના પાકને બચાવવવા સાબરકાંઠામાં ટ્યૂબવેલો બનાવરાવ્યા. સરકારી યોજના હેઠળ પશુઓને સાચવવા ઢોરવાડા પણ શરુ કર્યાં. અસરગ્રસ્ત કિસાનોને બિયારણ, અનાજ અને ખાતરની સહાય કરી ૧૯૭૦ માં આવેલા પૂર સમયે શ્રી હરિભાઈ પંચાલ અને તેમના સાથી શ્રી મધુસૂદન ઓઝા ભાલ નળકાંઠા વિસ્તાારમાં બચાવ કામગીરી કરવા ગયા હતાં ત્યારે ત્યાંના પ્રવાહમાં બંને તણાયા. શ્રી મધુસૂદનભાઈનું ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું. ઉસ્માનપુરામાં તેમની સ્મૃતિમાં એક માર્ગનું નામાભિધાન ‘‘મધુસૂદન ઓઝા માર્ગ’’ રાખવામાં આવ્યું છે. તે સમયે સદ્વિચાર પરિવાર પાસે જળ અને જમીન પર ચાલી શકે તેવી અદ્યતન જીપ હતી. અછત અને અતિવૃષ્ટિમાં કામ કરવા ઉપરાંત ભારતમાં જ્યાં પણ ધરતીકંપ, મહામારી કે અન્ય કુદરતી આફતો આવી ત્યાં સદ્વિચાર પરિવારના કાર્યકરો સહાય માટે અચૂક પહોંચ્યા જ હોય. ૧૯૯૦માં સદ્વિચાર પરિવારને ૨૫ વર્ષ પૂરાં થયા ત્યારે તેની રજતજયંતિ પ્રસંગે અસાગના સ્થાપક શ્રી કિર્તી શાહ અને નહેરુ ફાઉન્ડેશનના શ્રી કાર્તિકેય સારાભાઈએ સદ્વિચાર પરિવારનો અભ્યાસ કરી એક લેખ તૈયાર કર્યો જેમાં તેમણે સદ્વિચાર પરિવારની અનેક વિશિષ્ટતાઓ વર્ણવી હતી. તેઓના તારણોનું સંક્ષિપ્તમાં વર્ણન કરવું હોય તો નીચેના મહત્ત્વના મુદ્દાઓનો ઉલ્લેખ જરૂરી છે.
૧. કોઈપણ પ્રકારની આંતરમાળખાકીય સુવિધા ન હોવા છતાં સદ્વિચાર પરિવાર દેશના કોઈપણ ખૂણે આફતના સમયે સેવા માટે પહોંચે છે.
૨. સદ્વિચાર પરિવારની સેવાના વ્યાપ ઉપરાંત તેમાં વિવિધતા પણ છે.
૩. સદ્વિચાર પરિવારમાં ૨૦૦થી વધુ વ્યક્તિઓ કશી અપેક્ષા કે વળતર વિના સેવા માટે સદાય તત્પર હોય છે.
૪. સંસ્થાના સ્થાપક શ્રી હરિભાઈ પંચાલના સમર્પિત વ્યક્તિત્વના કારણે દાતાઓ, કાર્યકરો સંપૂર્ણ સહયોગ આપે છે.
૫. સદ્વિચાર પરિવાર અન્યને સેવાકીય કાર્ય કરવા કે તેમાં જોડાવા માટે પ્રેરણા આપે છે.
આ ઉપરાંત સદ્વિચાર પરિવારનું એ સદ્ભાગ્ય રહ્યું કે તેના માધ્યમ અને સહકારથી અને ધર્મપુરુષો અને કથાકારો માટે જનતા સુધી પહોંચવાનો અવસર મળ્યો. સ્વામીશ્રી સત્યમિત્રાનંદગિરીજી, સ્વામી અધ્યાત્માનંદજી, સ્વામી તદ્રુપાનંદજી, સ્વામી વિદિતાત્માનંદજી, મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા વગેરે માટે સદ્વિચાર પરિવારે કાર્યક્રમો યોજવામાં પહેલ કરી હતી. આજે પણ અનેક ધાર્મિક સંસ્થાઓ સદ્વિચાર પરિવાર સાથે જોડાયેલી છે. આ સૌ મહાનુભાવોના સહયોગથી નશામુક્તિ, સંસ્કારો અને દાનની ભાવના વિકસાવવામાં સદ્વિચાર પરિવારે નોંધપાત્ર ફાળો આપ્યો છે.
ઈ.સ. ૧૯૭૮માં શ્રી હરિભાઈ પંચાલે જોધપુર ગ્રામ પંચાયત પાસેથી રાહતદરે જમીન ખરીદી હતી જે આજે પશ્ચિમ અમદાવાદના વિકસીત વિભાગમાં છે. સદ્વિચાર પરિવારની પ્રવૃત્તિઓમાં આ જગ્યાનું અનેરું મહત્ત્વ છે.
સદ્વિચાર પરિવારના સ્થાપકશ્રી હરિભાઈની કાર્યશૈલી અનેરી હતી. સવારે પાંચ વાગ્યે મહત્ત્વની બાબતો પર માર્ગદર્શન આપતા પૅમ્ફલેટો તૈયાર કરવા અને તેને છપાવી જાતે વિવિધ સંસ્થાઓ, સરકારી વિભાગોમાં અને કાર્યક્રમોમાં જઈને વિતરણ કરવું, સમાજને સાચી દિશા બતાવવા માટે શ્રી હરિભાઈ સદાય જાગૃત અને સતત પ્રવૃત્તિશીલ રહ્યા. તેમણે ગુજરાતમાં લાખો લોકોનો સંપર્ક કરીને સેવાકીય કાર્યો માટે સારું વાતાવરણ તૈયાર કરવામાં ઉલ્લેખનીય પ્રદાન કર્યું છે.
સદ્વિચાર પરિવારનું સુવિચાર માસિક આજે ૯૦૦૦ પરિવારોમાં પહોંચે છે. તમામ આજીવન સભ્યો (હાલ ફી રૂા.૬,૦૦૦/- અને રૂા.૨૫ હજાર કે તેથી વિશેષ દાન આપનાર દાતાઓ સાથે સદ્વિચાર પરિવારનો નાતો ત્રણ-ત્રણ પેઢીથી ચાલુ છે. શ્રી હરિભાઈએ શિક્ષણ, આરોગ્ય કૃષિ, સંસ્કાર અને પ્રેરણા માટે ઉપયોગી એવા ૩૫૦ પુસ્તકો નજીવી કિંમતે ઉપલબ્ધ કરાવ્યા છે. શ્રી હરિભાઈની જોડણી અને વ્યાકરણ માટેની ચીવટ સવિશેષ હતી. સદ્વિચારો થકી જાત ઘસી નાંખી તેમાં કોઈ શંકા નથી. અંગ્રેજીના ‘બી ગૂડ, ડૂ ગૂડ’ જેમ ‘ભલા થાઓ અને ભલું કરો’ તે સંદેશ સાથે શ્રી હરિભાઈએ અવિરત પ્રયત્નોથી પોતાની પ્રતિજ્ઞા પાળી બતાવી છે.
Comments
Post a Comment