જ્યાં જોઉં ત્યાં કચરો જ કચરો


                                                                       - પ્રવીણ ક. લહેરી

વર્ષ ૨૦૧૪ના સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રને પ્રથમવાર લાલ કિલ્લાની રાંગ પરથી સંબોધતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને આહ્‌વાન કર્યું હતું કે ચાલો, આપણે વર્ષ ૨૦૧૯ની ૨જી ઑકટોબરના રોજ રાષ્ટ્ર્‌પિતા મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દી નિમિત્તે તેમને ‘સ્વચ્છ ભારતની’ ભેટ આપીએ. આ ઉત્તમ સંકલ્પના કારણે જાહેરમાં થતી શૌચ પ્રવૃત્તિ લગભગ નામશેષ થઈ છે. લાખો શૌચાલયના નિર્માણને કારણે અનેક ગામો-નગરો-શહેરોમાં ગંદકીનું પ્રમાણ ઘટ્યું છે. વિવિધકક્ષાએ વહીવટી તંત્રે પણ કાળજી કરી સ્વચ્છતા માટે પ્રયાસો કર્યાં છે. આમ છતાં આપણે વાસ્તવિકતાનું વિશ્લેષણ કરીએ તો વર્તમાન સ્થિતિ ચિંતાજનક જણાય છે. આપણે ‘સ્વચ્છ ભારત’ના આદર્શને સાકાર કરવા માટે લાંબી મંજિલ કાપવાની છે. આપણે જે જે વસ્તુઓ વાપરીને હવે આ બીનપયોગી છે તેમ માનીને ફેંકી દઈએ છીએ તે કચરાનું ઉદ્‌ભવ સ્થાન છે. કાગળ, કાપડ, પ્લાસ્ટિક, ધાતુ જેવો કચરો હોય કે શાકભાજી કાપતાં કે ફળો સુધારતાં જે સેન્દ્રીય કચરો ઉત્પન્ન થાય છે તે આપણે ઘરમાં રાખેલી કચરા પેટીમાં નાખીને બીજે દિવસે સફાઈ કર્મચારીને હવાલે કરી આપણી જવાબદારી પૂરી એવો સરળ અભિગમ ધરાવીએ છીએ.

હકીકતમાં જે મિનિટે આપણે કોઈપણ વસ્તુને કચરા તરીકે ફેંકીએુ છીએ ત્યારથી તેનો પર્યાવરણીય દૃષ્ટિએ યોગ્ય નિકાલ ન થાય ત્યાં સુધી આપણે જાગૃત નાગરિક તરીકે જવાબદાર છીએ તેમ સમજવું જોઈએ. કચરાની ઉત્પતિથી માંડીને યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા વિચારીએ તો નીચેના મુદ્દાઓ મહત્ત્વના છે. સૌથી પ્રથમ આજે આપણે ઉપભોક્તા તરીકે અનેક વસ્તુઓ પુનઃઉપયોગમાં લેવાના બદલે ફેંકી દેવાની વૃત્તિ વિકસી તેવી સ્થિતિ છે. અગાઉ ડેરીઓ કાચની બોટલમાં દૂધ પૂરું પાડતી હતી. આ બોટલો ફરી એકઠી કરી સ્વચ્છ કરી વપરાશમાં લેવાતી હતી. આજે પ્લાસ્ટિકની થેલીમાં દૂધ વિતરણની પદ્ધતિ દાખલ થતાં દરરોજ કરોડો પ્લાસ્ટિકની થેલી કચરામાં ફેંકી દઈએ છીએ. આપણે ત્યાં ‘પેકેજિંગ’ સુવિધાભર્યું બનાવવામાં આપણે કચરાનું પ્રમાણ ભયજનક હદે વધાર્યું છે. પ્લાસ્ટિક કે જેનો નિકાલ સૌથી જટીલ છે તેનો ૫૦ ટકા વપરાશ માત્ર ‘પેકેજિંગ’માં થાય છે. શાકભાજી, કપડાં, કરિયાણું વગેરે લેવા માટે નાના વેપારી કે મોલ ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલીઓ આપે છે. અગાઉ કપડાં કે શણની થેલીનો ઉપયોગ થતો હતો ત્યારે આજની જેમ ‘વાપરો અને ફેંકી દો’ની પ્રથા ન હતી. કોઈપણ વસ્તુ વાપરતા પહેલાં આપણી જાતને ત્રણ પ્રશ્નો અવશ્ય પૂછવા જોઈએ :

એક, આ વસ્તુ વિના હું કાર્ય કરી શકીશ. ગ્લાસમાંથી સ્ટ્ર્‌ો દ્વારા પ્રવાહી પીવાના બદલે ગ્લાસમાંથી સીધું જ પીણું પી શકાય. બીજું, આ વસ્તુ હું વાપરું અને કચરામાં ફેંકી દઉં તો તેનો નિકાળ સરળ છે કે મુશ્કેલ ? આપણે કાગળ કે કપડું વાપરીએ તો તેનો નિકાલ સહેલો છે પણ પ્લાસ્ટિક, કાચ કે ધાતુનો નિકાલ ઘણો સમય લે છે. પ્રવાહી રસાયણો તો ખૂબ જોખમી બની શકે છે. ઈલેકટ્ર્‌ોનિક કચરા માટે પણ ખૂબ કાળજી કરવી જરૂરી છે. ત્રીજું મેં વાપરેલી અને કચરામાં કાઢેલી વસ્તુઓનું હું યોગ્ય વર્ગીકરણ કરું છું ? તો તેના નિકાલમાં વર્ગીકરણના કારણે ખૂબ સરળતા થઈ શકે તેમ છે. સેન્દ્રિય કચરો જ્યારે ખાતર બને ત્યારે સોના જેવો છે પણ તે અન્ય પદાર્થો સાથે સડતો રહે તો તે પ્રદૂષણનું નિમિત્ત બને છે. પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ કચરાના વર્ગીકરણનો આગ્રહ રાખે છે પણ આપણે તે અંગે બેદરકાર છીએ. ઉદાહરણ તરીકે મેડિકલ કચરો બાળી નાંખીને તેનો  નિકાલ કરવો ઉચિત છે. હકીકતમાં આવો અતિ જોખમી  કચરો પણ ભણેલી-ગણેલી પ્રજા સામાન્ય કચરા સાથે ફેંકી દે ત્યારે શું સમજવું ?

કચરો એકત્ર કરી તેને એક જગ્યાએ લઈ જવાની શહેરીકરણની પ્રથા કોણે અને કેમ શરું કરી હશે તે સમજવું મારા માટે મુશ્કેલ છે. જે વસ્તુના યોગ્ય નિકાલ માટે વિકેન્દ્રિત ધોરણે વધારે સાનુકૂળતા હોય ત્યાં તેનું પરિવહન કરી કચરાના ડુંગરો બનાવી આપણે શું હાંસલ કરી શકીએ ? મહાનગરોમાં કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા વોર્ડ કક્ષાએ જ કરવી જોઈએ. તેને એકત્ર કરી સ્ટોર કરવા કરતાં જે તે દિવસે તેના નિકાલની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે તેમ છે. આનાથી ડિઝલનો વપરાશ, પરિવહનની મજૂરી  સહિત અનેક બાબતોમાં ફાયદો થશે. શહેરની ઇંચે ઈંચ જમીનમાં મકાનો-રસ્તાઓ બાંધવાની લ્હાયમાં યોગ્ય જગ્યા છોડીને કચરાનું વર્ગીકરણ અને શુદ્ધિકરણ કે પુનઃઉપયોગ માટે વ્યવસ્થા કરતાં નથી. આપણા આર્કિટેક્ટો અને ટાઉન પ્લાનરોને કચરાના વિકેન્દ્રિત ધોરણે નિકાલનું મહત્ત્વ સમજાવવામાં આવતું નથી. જે જે મહાનગરોએ ઘન કચરાના નિકાલ માટે કે ગંદા પાણીના નિકાલ માટે કેન્દ્રિત વ્યવસ્થા કરી છે તેઓ આજે એવા અટવાયેલા છે કે તેમને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો સુઝતો નથી. અમદાવાદના પિરાણાના કચરાના પહાડો કે મુંબઈના દેવનારની ડમ્પીંગ સાઈટ - લેન્ડફિલથી કેટલું નુકશાન થયું છે તેનાથી સૌ વિદિત છે. સરકારે અલબત્ત એક સારો નિર્ણય કર્યો છે કે હૉટલો, ટાઉનશીપ વગેરેને કચરા કે ગંદા પાણીને ત્યાં ને ત્યાં જ ઉચિત નિકાલ કરવો. હકીકતમાં મહાનગરોમાં નવી હાઉસીંગ સ્કિમોમાં ત્યાં જ કચરાનું વર્ગીકરણ થાય અને નિકાલ થાય તે માટે કાયદાકીય જોગવાઈઓ કરવામાં હવે વિલંબ ન કરવો.

 જો ઘન કચરાનો સમયસર યોગ્ય નિકાલ ન થાય તો તેમાંથી ઝેરી વાયુ, બૅકટેરિયા, વાઈરસ સહિત અનેક રોગજન્ય તત્ત્વો પેદા થતાં રહે છે. કચરાના પ્રકાર પ્રમાણે તેના નિકાલ માટે જે વિવિધ પદ્ધતિઓ માન્ય છે તેનો ઉપયોગ કરવો જોઈએ. 

(૧) સૌથી જોખમી કચરો જેવો કે મેડીકલ વેસ્ટ કે સંસર્ગથી કૅન્સર થવાની સંભાવનાવાળા પદાર્થોને સારી ઊંચી ચીમની સાથેની ભઠ્ઠીમાં બાળી નાખવાનો વિકલ્પ જ ઉપલબ્ધ છે.

(૨) અમુક કચરાને વાયુમાં રૂપાંતર કરી શકાય છે. ગોબર ગૅસ પ્લાન્ટ એ આનું એક ઉદાહરણ છે. એક સમયે મુંબઈના ગંદા પાણીને લોઅર પરેલ પાસે ગૅસ પ્લાન્ટના ઇંધણ તરીકે ઉપયોગમાં લઈ દાદર, માટુંગા, માહિમ, સુબી રાંધવાનો ગેસ પાઈપલાઈન મારફત આપવામાં આવતો હતો.

(૩) કચરો આણા માટે જોખમી છે પણ ઘણાં સજીવો-બૅકટેરિયા માટે તે ખોરાક છે. આ ‘બાયોલોજીકલ પ્રક્રિયા’ દ્વારા સેન્દ્રિય કચરાનો યોગ્ય નિકાલ થાય છે સાથે સાથે આપણને રાંધણ ગૅસ અને સારું ખાતર પણ પ્રાપ્ત થાય છે. ખાસ પ્રકારના અળસીયાં દિન-રાત સક્રીય રહે છે. ખૂબ કચરાના ખૂબ મોટા જથ્થાને વર્મીકલ્ચરમાં રૂપાંતર કરી આપણને શ્રેષ્ઠ પ્રકારનું ખાતર આપે છે. ક્રમશઃ આ પ્રથાનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે તે આનંદની બાબત છે.

ચોથી પ્રક્રિયામાં કુદરતી ખાડાઓ કે કોતરોમાં કચરો ઠાલવી તે જમીન નવસાધ્ય કરવામાં આવે છે. મુંબઈમાં ‘બેક વે રેકલેમેશન’ની યોજના જૂના મકાનોના કાટમાળથી છીંછરો દરિયો પૂરીને પૂર્ણ કરવામાં આવી હતી. અમદાવાદમાં વર્ષ ૨૦૦૧ના મહાભૂકંપ બાદ તૂટી પડેલાં મકાનનો મલબો વાપરીને શહેર ફરતે તેના રીંગ રોડની કામગીરી કરવામાં આવી હતી. જો કે સેન્દ્રિય રાસાયણિક કચરો, પ્લાસ્ટિક વગેરે સાથે હોય તો તે પર્યાવરણને ભારે નુકશાન પહોંચાડે છે.

પાંચમા વિકલ્પ તરીકે પ્લાસ્ટિકમાંથી ફરી પ્લાસ્ટિકના દાણા કે ડિઝલ બની શકે છે. કાગળના અને કાપડના કચરામાંથી ફરી કાગળ બનાવી શકાય છે. ધાતુ-કાચના કચરામાંથી અનેક વસ્તુઓનું પુનઃનિર્માણ થઈ શકે છે.

Comments

Popular posts from this blog