રૂપિયાના અવમૂલ્યનને કેમ રોકી શકાય ?
- પ્રવીણ ક. લહેરી
બ્રિટિશ શાસન દરમિયાન ૧૮૭૨માં ગવર્નર જનરલ લોર્ડ મેયોના આદેશથી ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી યોજવામાં આવી હતી. હાલ આની વિગતો ઉપલબ્ધ નથી. ૧૮૫૭ માં મહારાણી વિકટોરિયાએ ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી વહીવટ લઈને સીધો બ્રિટિશ સરકાર હેઠળ મૂક્યો હતો. ૧૮૮૧ માં ભારતમાં જે વિગતવાર વસ્તી ગણતરી થઈ તેને પણ પ્રથમ વસ્તી ગણતરી માનવામાં આવે છે. આ કાર્ય લોર્ડ રિપન વાઈસરૉય હતા ત્યારે થયેલું. ત્યારબાદ દર ૧૦ વર્ષે છૂટીછવાઈ પ્રદેશવાર નહીં પણ સમગ્ર વસ્તીની ગણતરી કરવામાં આવી છે. અગાઉની વસ્તી ગણતરીમાં અનેક મુશ્કેલીઓ હતી. ત્યારે ઘરને નંબર આપવાની પ્રથા ન હતી. અનેક જગ્યાઓએ સમયસર પહોંચવું પણ શક્ય ન હતું. આદિવાસીઓ અને ખેડૂતો એક ગામમાં ન રહેતાં જંગલો અને સીમમાં રહેતા હતાં. આમ છતાં અનેક મર્યાદા વચ્ચે વસ્તી ગણતરીની જે કામગીરી થઈ છે તે આપણા માટે ભૂતકાળની સ્થિતિ સમજવામાં અતિ ઉપયોગી માહિતીનો ભંડાર છે. બંધારણ સભાએ ૧૯૪૮ માં ભારતમાં વસ્તી ગણતરી અંગે ખાસ કાયદો ઘડયો છે. વસ્તી ગણતરી ૧૯૪૮ નો કાયદો ખૂબ ટૂંકો છે. માત્ર ૧૮ કલમો સાથે આ કાયદો કેન્દ્રીય સરકારને વસ્તી ગણતરી માટે વ્યક્તિઓની નિમણૂક, પ્રજાજનના સહયોગ માટેની જોગવાઈ સહિત જરૂર જણાયે લોકોને ચોક્કસ પ્રકારની ફરજ પાડવા કેન્દ્રીય સરકારને અધિકારો આપે છે. સમયાંતરે આ કાયદામાં જરૂરી સુધારા-વધારા થતાં રહ્યાં છે.
ભારતની પ્રથમ વસ્તી ગણતરી સ્વતંત્ર ૧૯૫૧ માં અને છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧ માં થઈ હતી. દર ૧૦ વર્ષે થયેલી વસ્તી ગણતરીના આંકડા જાણવા રસપ્રદ છે. ૧૯૫૧ માં ૩૬.૧૦ કરોડ લોકો હતાં. જ્યારે ૧૯૬૧ માં આ આંક વધીને ૪૩.૯૨ કરોડનો થયો હતો. ત્યારબાદ ૧૯૭૧ માં તે વધીને ૫૪.૮૧ કરોડ સામે ૧૯૮૧ માં ભારતની વસ્તી ૬૮.૩૩ કરોડ નોંધાયેલી હતી. ૧૯૯૧ માં તે વધીને ૮૪.૬૪ થયેલી. એકવીસમી સદીની પ્રથમ વસ્તી ગણતરી ૨૦૦૧ માં થઈ હતી તેમાં ૧૦૨.૨૮ કરોડના આંકડા સાથે ભારતે ૧ અબજની સંખ્યા ઓળંગી હતી. વર્ષ ૨૦૧૧ માં તેમાં વધારો થઈને ૧૨૧.૦૮ કરોડની જનસંખ્યા સાથે ભારત ચીન બાદ વસ્તીમાં બીજે ક્રમાંકે હતું. વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોનાને કારણે વસ્તી ગણતરી થઈ શકી ન હતી, પરંતુ એપ્રિલ ૨૦૨૩ માં કામચલાઉ રીતે વસ્તી અંગે તૈયાર કરાતાં અંદાજ પ્રમાણે ભારતે ૧૪૨.૯૦ કરોડના આંક સાથે વિશ્વમાં ચીનની જગ્યાએ સૌથી વધારે વસ્તી ધરાવતા દેશનું બિરૂદ મેળવ્યું છે.
વસ્તીનો વિસ્ફોટ એ એક વિકરાળ સમસ્યા છે. ભારતની ગરીબીનું મુખ્ય કારણ સતત વસ્તીમાં થતો જંગી વધારો છે. ભારતના અનેક રાજ્યોમાં પ્રજનન દર ખૂબ ઊંચો હોવાના કારણે વસ્તીવધારમાં દરેક રાજ્યનો વૃધ્ધિદર અલગ અલગ છે. હવે પ્રજનનદરમાં થઈ રહેલા સતત ઘટાડાના કારણે ભારતમાં વસ્તીનો વૃધ્ધિદર ઘટી રહ્યો છે. વિશ્વમાં સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા દેશોની યાદીમાં ભારતનો ક્રમાંક ચાર છે પણ માથાદીઠ આવકમાં ભારત ૧૯૩ દેશોની યાદીમાં ચેક ૧૩૬ માં સ્થાને છે.
ભારતમાં કેન્દ્રીય મંત્રીમંડળે ૧૨ મી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ વસ્તી ગણતરી ૨૦૨૭ ની પ્રક્રિયા કુલ રૂપિયા ૧૧૭૧૮.૨૪ કરોડના ખર્ચે પૂર્ણ કરવા મંજૂરી આપી છે. ભારતની વસ્તી ગણતરી એટલે વિશ્વની સૌથી વિશાળ વહીવટી અને આંકડાકીય કામગીરી છે. આ વસ્તી ગણતરીની કામગીરી બે તબક્કાઓમાં થશે. એપ્રિલ થઈ સપ્ટેમ્બર ૨૦૨૫ ના સમયગાળામાં મકાનોની ગણતરી પૂરી કરવામાં આવશે. જે વિસ્તારો શિયાળામાં બરફ આચ્છાદિત થઈ જાય છે ત્યાં વ્યક્તિઓની ગણતરીની કામગીરી સપ્ટેમ્બર ૨૦૨૬ માં જ પૂર્ણ કરી લેવામાં આવશે. વસ્તી ગણતરી ૨૦૨૭ ની કામગીરીમાં અનેક વિશિષ્ટતાઓ સંકળાયેલી છે.
૧. આ કામગીરીમાં કુલ ૩૦ લાખ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે.
૨. એક ખાસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા વિગતો એકત્ર કરવામાં આવશે. આના કારણે વધારે સચોટ અને વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ થશે.
૩. એકત્ર કરવામાં આવેલી માહિતી વપરાશ કરનારને સરળતાથી ઉપલબ્ધ થાય અને તેમને જે જરૂરી વિગતો જોઈએ તે તેમને જે જરૂરી વિગતો જોઈએ તે સરળતા મળી શકશે. વસ્તી ગણતરી ૨૦૨૭ માં કેન્દ્રીય સર્વરમાં માહિતી એકત્ર થવાથી વિશ્લેષણ સાથેની વિગતો ખૂબ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
૪. સરકારી મંત્રાલયો અને વિભાગોને તેમને લગતી માહિતી મશીન પણ વાંચી શકે તેવી રીતે ઉપલબ્ધ કરાશે. માહિતી વ્યવસ્થિત કોષ્ટકો, પત્રકો વિગેરેમાં મળવાથી નીતિ વિષયક નિર્ણય માટે તેનો આધારભૂત રીતે ઉપયોગ થઈ શકશે.
૫. વસ્તી ગણતરી ૨૦૨૭ ના પત્રક મુજબ અગાઉની ગણતરીમાં વ્યક્તિ, સ્ત્રી/પુરુષ, ઉંમર, ભણતર, રોજગારી, દિવ્યાંગત વિગેરે માહિતી મળતી હતી તેના કરતાં ઘણી જ વધારે વિગતોને આવરી લેવામાં આવશે.
એક ધારણા મુજબ આ ડિજિટલ વસ્તી ગણતરી વિશ્વમાં આ ક્ષેત્રે અનેક વિક્રમો સ્થાપી એક આદરેશ ઉદાહરણ બનશે. સામાન્ય ચુંટણી જેમ આ જંગી કામગીરી પર પાડવામાં લખો લોકોની જહેમત અને કરોડો નાગરિકોના સહયોગનો સમન્વય થશે. વસ્તી ગણતરીની કામગીરી ૧૭ વર્ષના સમયગાળા બાદ હાથ ધરતી હોય અગાઉનો અનુભવી અધિકારી-કર્મચારીઓની સંખ્યા મર્યાદિત હશે. આ વસ્તી ગણતરી દરમિયાન ગણતરી કરનાર વ્યક્તિ પ્રથમ વખત ઘરોની નોંધણી સમયે અને ત્યારબાદ વ્યક્તિઓની સંખ્યા અને પ્રશ્નો ની યાદી મુજબ માહિતી ભરવા માટે એમ બે વખત તમામ ઘરોની મુલાકાત લેશે. દ્દર વખતની જેમ આ વસ્તી ગણતરીની કામગીરી શિક્ષકો મારફત થશે. મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા સમયે થયેલો વિવાદ ફરી થવાની શક્યતા છે. જો કે સરકારી કર્મચારીના સંવર્ગમાં સંખ્યાની રીતે પોલીસ અને શિક્ષકો જ મુખ્ય છે. તેથી શિક્ષકોની સેવા આવા રાષ્ટ્રીય કાર્યમાં લેવી આવશ્યક છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ રાજ્યસરકારો વધારાનો સ્ટાફ જરૂરિયાત મુજબ નીમશે. વસ્તી ગણતરી ૨૦૨૭ માં નીચે દર્શાવેલી બાબતો મહત્વની છે.
(૧) ખાસ એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્રકારની એપ્લિકેશન દ્વારા આ ડિજિટલ સર્વે મોબાઈલ આધારિત હશે.
(૨) વસ્તી ગણતરી માટે એક ખાસ પોર્ટલ વસ્તી ગણતરી સંચાલન અને દેખરેખ માટે હશે જેનું ટૂંકાક્ષરી અંગ્રેજી નામ હશે.
(૩) ઘરોની ગણતરી સમયે એચએલબી વેબ મેપનો ઉપયોગ કરવામાં આવશે.
(૪) નાગરિક પોતાની માહિતી જાતે અપલોડ કરી શકશે.
(૫) નાગરિકોની સક્રિય ભાગીદારી માટે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ જુંબેશ ચલાવશે. એકત્ર થયેલી માહિતી ચોક્કસ સાચી અને સમયસરની છે તેની ખાસ કાળજી રાખવામાં આવશે.
(૬) આપણા દેશની ખૂબ વિશાલ અને ભીન્ન ભીન્ન સામાજિક અને સાંસ્કૃતિક બાબતોને આવરી લેવાશે.
(૭) વસ્તી ગણતરી કરનાર સૌ કોઈને આ કામ માટે વધારાનું માનદ ભથ્થું આપવામાં આવશે.
વસ્તી ગણતરી ૨૦૨૧ માં થવી જોઈતી હતી. પરંતુ કોરોનાની મહામારીને કારણે તેમાં વિલંબ થયો તે સમજી શકાય પરંતુ કોરોના મહામારી પૂરી થયાં બાદ પાંચ વર્ષનો વધારાનો વિલંબ શા માટે થયો તે અંગે વિભિન્ન મતો પ્રવર્તે છે. વિરોધપક્ષ દ્વારા જ્ઞાતિ સાથે વસ્તીગણતરી થવી જોઈએ તે માંગણી સરકારને શરૂઆતમાં સ્વીકાર્ય ન હતી. રાજકીય દબાણ હેઠળ સરકારે વસ્તી ગણતરીમાં જાતી-જ્ઞાતિનો સમાવેશ ભલે કર્યો પરંતુ બંધારણની સમાનતાનો સતત ભંગ થતો રહે તેવી સ્થિતિ સર્જાશે. આમ પણ આજે ચૂંટણીમાં જ્ઞાતિવાદ સૌથી મહત્વનું પરિબળ છે. હવે સ્થિતિ વકરી શકે છે.
વસ્તી ગણતરી ૨૦૨૭ થી દેશની પાયાની સમસ્યાઓ બેરોજગારી, ગરીબી, મૂડીની અસમાનતા અંગે જે માહિતી મળશે તે ચોંકાવનારી હશે. સાક્ષરતા સરેરાશ જીવનનું આયુષ્ય જેવા મહત્વના મુદ્દે ૧૭ વર્ષ બાદ આપણને અદ્યતન માહિતી મળશે. બે વસ્તી ગણતરી ૨૦૧૧ અને ૨૦૨૭ વચ્ચે ૧૭ વર્ષ લગભગ એક પેઢી જેટલું અંતર છે તેથી તેના આંકડાઓમાં અગાઉ કરતાં નોંધપાત્ર તફાવત જોવા મળશે. અનેક બાબતો અંગે આપણી જાણકારી અને સમજણ યોગ્ય આધાર સાથે નક્કી થશે.
Comments
Post a Comment