રૂપિયાના અવમૂલ્યનને કેમ રોકી શકાય ?
- પ્રવીણ ક. લહેરી
આઝાદી સમયે એક રૂપિયા બરાબર એક પાઉન્ડ અને સવા ડોલરની સ્થિતિમાંથી સ્વતંત્રતાના ૭૮ વર્ષમાં રૂપિયો સતત ગબડતો રહ્યો છે. આજે રૂા ૯૦.૫૮ બરાબર એક ડોલર અને રૂ઼. ૧૨૦.૯૫ બરાબર એક પાઉન્ડ છે ત્યારે આપણે સૌએ વિચારવું જોઈએ કે રૂપિયાનું અવમૂલ્યન કેમ રોકી શકાય ? સાથે સાથે વિશ્વનું ચોથા ક્રમનું આપણું વિશાળ અર્થતંત્ર કઈ રીતે મજબૂત બની રૂપિયાને પણ વિશ્વબજારમાં એક વિશ્વસનીય ચલણ બનાવી શકે. રૂપિયાના મૂલ્યમાં સુધારણા કરવાની જવાબદારી એકમાત્ર સરકારની નથી પણ સૌ નાગરિકોની સહિયારી ફરજ છે. ઘણાં વર્ષોથી આપણે ત્યાં આયાતનું પ્રમાણ નિકાસ કરતાં વધારે હોવાથી વ્યાપાર ખાધ (ટ્રેડ ડેફિસીટ) રહે છે. મુખ્યત્વે વિદેશ વસતા ભારતીયો તેમજ ભારતીય મૂળના વિદેશીઓ દ્વારા જે વિદેશીમુદ્રા ભારતમાં મોકલવામાં આવે છે તેના કારણે એકંદરે ખાધમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આપણે ત્યાં જે જે વસ્તુઓ આયાત થાય છે તેમાં મુખ્ય વસ્તુઓ બાબત ચર્ચા કરવાથી આપણને રૂપિયાના અવમૂલ્યનના કારણો જાણવા મળશે.
વર્ષ ૨૦૨૪ માં ભારતમાં જે ૧૦ વસ્તુઓની મોટા પ્રમાણમાં આયાત થઈ છે તેની વિગતો નીચે મુજબ છે :
૧. વિજ સામગ્રી : ભારત વિશ્વનું ત્રીજા નંબરનું વીજ ઉપભોક્તા છે. લગભગ ૭૦ બિલિયન યુ.એસ. ડોલરના મૂલ્યની વીજસામગ્રીની આયાત કરી હતી. મુખ્યત્વે ચીન, જાપાન, અમેરિકા અને યુરોપના દેશોમાંથી આ આયાત થઈ હતી. જે દેશ અવકાશ, વિજ્ઞાન અને અણુ-પરમાણુના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી શકે તે વીજ સામગ્રી તો અવશ્ય બનાવી શકીએ. ભારત સરકાર, રાજ્ય સરકારો અને ઉદ્યોગકારોએ સંયુક્ત રીતે એક્શન પ્લાન બનાવી ૧૦૦૦ દિવસમાં મોટાભાગની વીજ સામગ્રીનું ભારતમાં જ નિર્માણ થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ.
૨. ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ : આપણા આયાત બીલમાં સૌથી વધારે રકમ ૨૩૦ અબજ યુ.એસ. ડોલર આ આયાત માટે ચૂકવાયા છે. વિશ્વની ક્રૂડ ઓઇલ બજારમાં ચીન, ભારત અને જાપાનની ક્રૂડ આયાતો જંગી છે. આપણા દેશમાં ઉર્જા માટે પર્યાપ્ત સાધનો નથી. આપણે વાહનોની સંખ્યામાં ધરખમ વધારો કર્યો છે. હવે સૂર્ય ઉર્જા, પવન ઊર્જાના વધતાં જતાં ઉત્પાદન અને વીજ સંચાલિત વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં આપણે આગામી પાંચ વર્ષમાં આ વસ્તુઓની આયાતમાં અડધો અડધ ઘટાડો કેમ થાય તેની વ્યૂહરચના તૈયાર કરવી જોઈશે. આપણા પાસે વિદેશી મુદ્રાનો જે ભંડાર છે તેમાંથી આ વસ્તુઓની આયાત એક વર્ષ માટે થઈ શકે તે પર્યાપ્ત નથી. પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા આપણે આપણી મુસાફરી અને માલસામાનના પરિવહનમાં કાપ મૂકવો અનિવાર્ય છે . આજે તો ધર્મસ્થાન હોય કે પ્રવાસન સ્થળ, તેમાં હજારો અને લાખોની સંખ્યામાં વાહનો જોવા મળે છે. આપણે દર પૂનમે અહી તો દર અમાસે ત્યાં એમ દર્શન કરવા માટે પેટ્રોલ-ડીઝલ બાળવું રાષ્ટ્રીય હિતમાં નથી.
૩. કમ્પ્યૂટર સહિતના મશીનો : આપણો દેશ ડિજીટલ ક્રાંતિમાં મોખરે છે. કમ્પ્યૂટર, પ્રિન્ટર, મોબાઈલ સહિત અનેક વસ્તુના ઉત્પાદનમાં આપણે વિદેશી પૂર્જાઓ વાપરવા પડે છે. આટલા વર્ષો બાદ પણ આપણે આ ક્ષેત્રમાં આપણી ક્ષમતા મુજબની પ્રગતિ કરી શક્યા નથી. હવે આગામી ત્રણ વર્ષમાં આ વસ્તુઓમાં આપણે સ્વદેશી અને સ્વાવલંબનના ધોરણોનો પૂર્ણ અમલ કરી શકીએ. હાલમાં આ વસ્તુઓની આયાત માટે આપણે ૬૧ અબજ યુ.એસ. ડોલરનો ખર્ચ કર્યા છે.
૪. કિંમતી ધાતુઓ અને હિરા-મોતી : ૨૦૨૪ માં આ વસ્તુઓની આયાત લગભગ ૯૦ અબજ યુ.એસ. ડોલરની હતી. આપણે દર વર્ષે ૫૦૦ થી ૬૦૦ ટન સોનુ આયાત કરીએ છીએ. હિરાની આયાત સાથે તેને કટિંગ-પોલિશીંગ દ્વારા નિકાસ થાય છે તેથી કાચામાલની આયાતની કિંમત કરતાં વધારે આવક નિકાસ દ્વારા થાય છે. સોનાની આયાત પર સરકાર ડયૂટી નાંખે કે તેને નિયંત્રિત કરે તો મોટા પાયે દાણચોરી થાય છે. રૂપિયાના મૂલ્યને સ્થિર અને મજબૂત કરવા માટે આપણે ત્રણ/ચાર વર્ષ નવું સોનું ખરીદવાનું ટાળીએ તો દેશને ઘણો મોટો લાભ થાય તેમ છે. આમ પણ ભારતના લોકો પાસે સૌથી વધુ અંદાજે ૨૫૦૦૦ ટન જેટલું સોનું છે. આર્થિક સ્થિતિ સુધરતા આપણે શહેરોમાં સોના-ચાંદી-મોતી-હિરાની અને તેના આભૂષણોની ખરીદી મોટાપાયે થાય છે. આ માટે થતી આયાતને કારણે રૂપિયાની કિંમત પર ખૂબ મોટું દબાણ આવે છે. આ સમસ્યાનો ઉકેલ નાગરિકોના હાથમાં છે. આપણી માન્યતા છે કે સોનું ખરીદાય પણ અતિ વિકટ સંજોગો સિવાય સોનું ગીરવી રાખી સોના સામે ધિરાણ આપતી કંપનીઓ પાસે અનેક દેશોની સોનાની અનામત કરતાં વધારે સોનાનો જથ્થો છે.
૫. ઓર્ગેનિક કેમિકલ્સ : રંગ-રસાયણ ઉદ્યોગ માટે ચીન, સાઉદી અરેબિયા અને અમેરિકાથી આપણે ૨૫-૨૫ અબજ યુ.એસ. ડોલરની કિંમતના ઓર્ગેનીક કેમિકલ્સ આયાત કરીએ છીએ.
૬. જુદા જુદા પ્રકારની ચરબી અને તેલની આયાત પાછળ આપણે વર્ષે લગભગ ૧૬.૭૫ અબજ યુ.એસ. ડોલરનો ખર્ચ કરીએ છીએ.
૭. પ્લાસ્ટિક માટે કાચામાલ અને વસ્તુઓની આયાતનું મૂલ્ય ૨૧.૬૧ અબજ ડોલર છે.
૮. સેવાક્ષેત્રની આયાત માટે વાર્ષિક ૧૯૫ બિલિયન યુ.એસ. ડોલરનો ખર્ચ થાય છે.
૯. લોખંડ-સ્ટીલની આયાત માટે આપણે દર વર્ષે ૧૭.૭ બિલિયન યુ.એસ. ડોલર ખર્ચીએ છીએ.
૧૦. મેડિકલ સાધનો માટે આપણે વાર્ષિક ૧૩.૭ યુ.એસ. ડોલરની કિંમત ચૂકવીએ છીએ. વિમાનો- સ્પેસક્રાફ્ટની આયાત માટે આપણે ૧૨.૬ અબજ યુ.એસ. ડોલરની ચૂકવણી કરીએ છીએ.
છેલ્લા થોડા વર્ષમાં આપણે આપણી વ્યાપાર ખાધ ૧૦૦ અબજ ડોલરની નીચે લાવી શક્યા છીએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફવોરથી આંતરરાષ્ટ્રીય વેપારમાં જે અંધાધૂંધી સર્જી છે ત્યારે સ્વાભાવિક રીતે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાના સંજોગો નિર્માણ થયાં છે. આપણે રૂપિયાને મજબૂત બનાવવો હોય તો સર્વપ્રથમ તો આપણે નિકાસમાં ધરખમ વધારો કરવો રહ્યો. આ ઉપરાંત ૧૯૮૦ ના દશકા જેમ આપણે આયાત થતી વસ્તુઓ સામે સ્વદેશી ધોરણે અહીં ઉત્પાદન કરવા ગંભીર વિચારણા કરવી જોઈએ. ચીન અને જાપાનના આર્થિક વિકાસમાં નિકાસની ભૂમિકા કેન્દ્રસ્થાને રહી છે. ભારતમાં આ અંગે ૧૯૯૦ પછી મુક્ત આંતરરાષ્ટ્રીય વેપારનીતિના કારણે સરકાર અને ઉદ્યોગોએ ‘મેડ ઇન ઈન્ડિયા’ તરફ જરૂરી ધ્યાન આપ્યું નથી. આ માટે જરૂરી છે સહિયારા ચિંતનની ,સુગ્રંથિત આયોજનની અને વ્યૂહરચનાના અસરકારક અમલની આપણે હવે ગંભીરતાથી આ અંગે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
Comments
Post a Comment