૫ેકેજિંગ : એક મોટી સમસ્યા 

                                                                           - પ્રવીણ ક. લહેરી

તાજેતરમાં  દિવાળીના તહેવારો પૂરા થયા. દિવાળી એટલે ખરીદીની મોસમ. અનેકને બોનસ મળે અને અન્ય લોકો પોતાની ખરીદ શક્તિ પ્રમાણે ખર્ચ કરે. ખરીફ પાકની આવક સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ ખરીદ શક્તિમાં નોંધપાત્ર  વધારો થાય. આ વર્ષે એક સર્વેક્ષણ પ્રમાણે ભારતના લોકોએ દિવાળીના તહેવારોમાં વિક્રમજનક ખર્ચ કર્યો  છે. એક અંદાજ પ્રમાણે દિપોત્સવીના તહેવારમાં રૂા.૬ લાખ કરોડનો ખર્ચ થયો છે. ખરીદીની પ્રક્રિયામાં પેકેજિંગનું મહત્ત્વ અનેરું છે. અગાઉ શણના કોથળા, કાપડની થેલીઓ, એલ્યુમિનિયમ  અથવા પતરાંની બેગો (પેટીઓ)નો ઉપયોગ પેકેજિંગ અને પરિવહનમાં થતો હતો. મેં બાળપણમાં જોયું હતું કે છાપાંની પસ્તીમાં નાસ્તાઓ બાંધી અપાતા હતાં. પ્લાસ્ટિકના ઉપયોગની શરુઆત પહેલાં પેકેજિંગના સાધનો મર્યાદિત હતાં તેમજ તેના નિકાલમાં કોઈ પર્યાવરણના પ્રશ્નો પેદા થતા ન હતાં. આજે ચિત્ર સમગ્રપણે બદલાયું છે. પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે. ઉદાહરણ તરીકે પ્રવાહી માટે અગાઉ કાચની બોટલો વપરાતી હતી. આજે તેમાં પ્લાસ્ટિકની બોટલોનો વપરાશ ખૂબ સામાન્ય બન્યો છે. શણના કોથળાની જગ્યાએ હાઈ-ડેનસીટી (એચડીપી) પ્લાસ્ટિકના કોથળાનો વપરાશ થાય છે.

પેકેજિંગની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે માલસામાનને સ્ટોરેજ, વિતરણ વેચાણ કે ઉપયોગમાં લેવા માટે સાનુકૂળ વ્યવસ્થા એ પેકેજિંગની ભૂમિકા છે. આપણને એ જાણીને આશ્ચર્ય થાય છે કે વર્ષ ૨૦૨૪ માં વિશ્વમાં પેકેજિંગ ક્ષેત્રમાં અમેરીકી ડૉલર ૧ ટ્રિલીયન જેટલો કારોબાર થયો હતો. પેકેજિંગ અંગે એક કહેવત છે :  ‘‘સારું  પેકેજીંગ તમારા માલનું વેચાણ વધારશે પણ ઉત્કૃષ્ટ પેકીંગ તમારી બ્રાન્ડને મજબૂત બનાવશે.’’  આજે ગ્રાહકોને પેકેજિંગ તોડી ભેળસેળ ન કરી શકે તેવા અને મન મોહી લે તેવા સુંદર પેકેજિંગની અપેક્ષા છે. પેકેજિંગ માટે વસ્તુનું  ટકાઉપણું, ઘન કે પ્રવાહી, ટ્રાન્સપોર્ટમાં તેને નુકશાન થવાની સંભાવનાઓ આવી અનેક બાબતોનો વિચાર કરીને તેના મટિરીયલ અને ડિઝાઈનની પસંદગી કરવાની રહે છે. દાખલા તરીકે આંખ, નાક કે કાનના ટીપાં માટે કાચ કે પ્લાસ્ટિકની બોટલ, તેને નુકશાન ન થાય તે માટેનું ખોખું, ટીપાં પાડવા માટેની સગવડ જેવી બાબતોની કાળજી કરવાની હોય છે. પેકેજિંગ સાથે હવે કાયદા મુજબ અનેક વિગતો આપવાની હોય છે. વસ્તુમાં રહેલા તત્ત્વો, ખાવાની વસ્તુ હોય તો કેલરી અને પોષકતત્ત્વોની વિગતો, ઉત્પાદનની તારીખ અને વપરાશમાં લઈ શકાય તેની મુદત, મહત્તમ છૂટક વેચાણ કિંમત વગેરે દર્શાવવા ફરજિયાત છે. ગ્રાહક સુરક્ષા માટે સબંધિત દેશોની કાયદાકીય જોગવાઈઓ પાળવી જરૂરી છે.

વર્ષ ૧૯૯૦ પહેલાંના સમયમાં ઉદારીકરણના અભાવે આપણા દેશની પેકેજિંગ ઈન્ડસ્ટ્રી સારા મટિરીયલ અને ઉચ્ચ ટૅકનોલોજીથી વંચિત હતી. આપણી ડેરીઓ કાચની બોટલમાં દૂધનું વેચાણ કરતી હતી. તેમાં પરિવહન, તૂટફૂટ, સ્વચ્છતા સહિત અનેક સમસ્યાઓ હતી. ત્યારબાદ ખાસ પ્રકારના ફૂડગ્રેડ પ્લાસ્ટિકના સાત થરવાળી કોથળીમાં દૂધનું વેચાણ શરુ થયું. પરિવહન અને તૂટફૂટ, સ્વચ્છતા કે સગવડમાં લાભ થયો પણ દૂધની લાખો કોથળીઓના પ્રદૂષણની સમસ્યા સામે આવી. પેકેજિંગમાં પ્લાસ્ટિકના ઉપયોગના જેટલાં લાભ છે તેટલાં જ ગેરલાભો છે. પેકેજિંગ ઉદ્યોગ સમક્ષ પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યા સૌથી મોટી છે. આ પડકાર ઝીલી લઈને આપણે પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારવા માટે ઘનિષ્ઠ પ્રયત્નો કરવા અનિવાર્ય છે. આજે પાણી, પીણાં, ખાદ્ય પદાર્થો, દવાઓ, અનાજ, કઠોળ, મસાલા વગેરેના પેકીંગમાં પ્લાસ્ટિકના કુલ વપરાશના પ૦ ટકાનો વપરાશ છે. આના કારણે આ પ્લાસ્ટિક પેકીંગની વસ્તુઓનો યથાયોગ્ય નિકાલ, પુર્નઃવપરાશ કે વપરાશમાં ઘટાડો થાય તે જરૂરી છે. ભાવનગરના ડૉ. તેજસ દોશીએ પ્લાસ્ટિકની બોટલો અને અન્ય વસ્તુઓના ઉપયોગથી બગીચામાં બાંકડા વગેરે બનાવી એક નવી દિશા ચિંધી છે. 

પેકેજીંગ ઉદ્યોગની વિશિષ્ટ બાબતોનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

(૧) સૌ પ્રથમ તો પેકેજિંગનું મહત્ત્વ સ્ટોરેજ, પરિવહન, ગ્રાહકોની પસંદગી પ્રમાણે નક્કી કરવાનું રહે છે. (ર)  પેકેજિંગ ઉદ્યોગમાં વધારો કરતાં પરિબળોમાં આપણે દિવસે દિવસે ‘પેક્ડ ફૂડ અને પીણાં’ નો વપરાશ વધારી રહ્યાં છીએ. ભારતમાં ગમે ત્યાં રસ્તા પરની  દુકાનોમાં સેંકડો પ્લાસ્ટિકની થેલીઓ લટકતી જોઈએ છીએ. આમાં નાસ્તા, તમાકુની વસ્તુઓ, મુખવાસ, સીંગ, ચણા જેવી વસ્તુઓ હોય છે. ખાદ્ય પદાર્થોના પેકીંગમાં પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ ફોઈલનો સંયુક્ત ઉપયોગ થયેલો હોય છે. (૩) પ્લાસ્ટિકમાં બન્ને પ્રકારના સખત અને નરમ મટિરીયલની ઉપલબ્ધિ હોવાથી જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ થઈ શકે છે. શાકભાજી ખરીદતાં નાની નાની પ્લાસ્ટિકની થેલીઓ (સૌરાષ્ટ્રમાં તેને ઝભલાના નામે ઓળખે છે ) નરમ પ્લાસ્ટિક છે. જ્યારે પાણી અને પીણાંની બોટલો મધ્યમ પ્લાસ્ટિકની કેટેગરીમાં આવે છે. ખુરશી, ડોલ, પેન જેવી અનેક વસ્તુઓ કડક પ્લાસ્ટિકની કેટેગરીમાં આવે છે. (૪) પેકેજીંગ ક્ષેત્રે સતત સંશોધન થતું રહે છે. ગ્રાહકોને સલામત રીતે વસ્તુઓ પહોંચે તે મુદ્દો સૌથી મહત્ત્વનો છે. ઈ-કોમર્સની વસ્તુઓના પેકીંગમાં બ્રાઉન પેપર, કાર્ડ બોર્ડ, બબલ રેપ, ચીપકાવવાની ટેપ વગેરેનો બહોળો વપરાશ થાય છે. ઝડપી ડિલીવરી સાથે તેના પેકેજિંગ અને પરિવહનનો ખર્ચ  મૂળ કિંમતના ૩૦  ટકા જેટલો હોય છે. (પ) પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝથી થતું પ્રદૂષણ નિવારવા માટે એક સુગ્રંથિત આયોજનનો અભાવ છે. ઈ-કોમર્સના કચરાનો યોગ્ય નિકાલ કરવા માટેની પદ્ધતિ નક્કી કરવાની જરૂર છે.  ચેન્નાઈ અને ઈન્દોરમાં ઘન કચરાના નિકાલ માટે ખાનગી-સરકારી સહયોગથી નોંધપાત્ર કામગીરી થઈ છે. તમામ મોટા શહેરોમાં આ માટે વ્યવસ્થા થાય તો પ્લાસ્ટિકના પ્રદૂષણને નિવારી શકાય તેમ છે. પ્લાસ્ટિકે ધાતુ, કાગળ, કાપડ અને કાચના વપરાશનું સ્થાન લીધું છે. પ્લાસ્ટિકના પ્રદૂષણને કારણે હવે ફરી કાગળ, કાપડ, ધાતુ અને કાચના વપરાશનો આગ્રહ રાખવામાં આવે છે.

ભારતમાં પેકેજિંગ માટે ખાદ્યપદાર્થો અને પીણાં માટે મહત્તમ વપરાશ છે. ત્યારબાદ સૌંદર્ય પ્રસાધનો અને અંગત વપરાશની વસ્તુઓના પેકીંગમાં પ્લાસ્ટિક વપરાય છે. અનાજ, ખાતર, ખાંડ, તેલબિયાં વગેરેમાં હાઈડેન્સીટી પ્લાસ્ટિકના કોથળાનો વપરાશ છે. પેકેજિંગના ક્ષેત્રમાં એશિયા સૌથી પ્રથમ છે. પેકેજિંગના ક્ષેત્રમાં એશિયા સૌથી પ્રથમ છે. ત્યારબાદ નોર્થ અમેરિકાનો બીજો નંબર છે. પેકેજિંગના કારણે વસ્તુઓનું સંરક્ષણ, ભેળસેળ સામે રક્ષણ, ગ્રાહકોને માટે સવલત આપે છે. આધુનિક સમયમાં ડિજિટલ પ્રિન્ટીંગના કારણે પેકેજિંગ સાથે આપવાની માહિતી અને ડિઝાઈનને આકર્ષક રીતે રજૂ થઈ શકે છે. એમેઝોન-ફિલપકાર્ડ જેવા વેચાણકર્તા લાખો વસ્તુઓ ફોટાઓ સાથે તેની વેચાણની વસ્તુઓ ૩૬૦ અંશમાં જોઈ શકાય તે રીતે રજૂ કરે છે.

હવે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સી દ્વારા પેકેજિંગને ચુસ્ત રીતે, સસ્તી રીતે અને આકર્ષક રીતે કેમ રજૂ કરી શકાય તેના અનેક વિકલ્પો આપવામાં આવે છે. પેકેજિંગના ડેટાના વિશ્લેષણ સાથે સૌથી સુયોગ્ય ક્યો વિકલ્પ છે તે પણ કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગથી નક્કી કરી શકાય છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૩૫ માં હાલનું ૧ ટ્રિલિયન અમેરિકી ડૉલરનું પેકેજિંગ ક્ષેત્ર લગભગ બમણું થશે.  આ એક સિદ્ધિ નથી જોખમ બમણું થશે તેની ચેતવણી છે. હાલ ઓનલાઈન વેપારમાં પેકેજિંગ પાછળનો ખર્ચ વધ્યો છે. ભેટ - સોગાદની વસ્તુઓ માટે તો પેકેજિંગ પાછળ ખૂબ ખર્ચ કરવામાં આવે છે. દિવાળી ભેટોના આકર્ષક પેકિંગમાં મેટલ, કાચ, પેપર, કાર્ડ બોર્ડનો વ્યાપક ઉપયોગ થાય છે. આમાંની મોટાભાગની વસ્તુ કચરામાં જાય છે.

પેકીંગ ઈન્ડસ્ટ્રીઝના ભવિષ્ય માટે આપણી સમક્ષ પાંચ મોટા પડકારો છે :

૧. પેકેજિંગ મટિરિયલ કચરામાં જાય છે તેની જગ્યાએ તેનો ફરી ઉપયોગ કેમ કરી શકાય ?

૨. પેકેજિંગ મટિરિયલ ખાસ કરીને પ્લાસ્ટિક પ્રદુષણ નિવારવા શું પગલાં લેવા જોઈએ.

૩. પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝમાં પડતર કિંમત કેમ ઘટે અને ટકાઉ વસ્તુઓનો વપરાશ કેમ વધે ?

૪. પેકેજિંગ મટિરિયલ થકી સલામતીના અને ગ્રાહક સુરક્ષાના ધોરણોની કેમ સરળતાથી પૂર્તતા કરી શકાય ?

૫. પેકેજિંગ મટીરીયલ કેમ એકત્ર કરી તેનો પુર્નઉપયોગ થાય કે કાચા માલ તરીકે વાપરી શકાય ?

આપણે આશા શાખીએ કે ભવિષ્યે આ પડકારોને પહોંચી વળી આપણે પ્રદુષણ મુક્ત વિશ્વનું નિર્માણ કરી  શકીશું ?


Comments

Popular posts from this blog