ભારતીય મૂળના વિદેશી નાગરિકોની મુંઝવણ-૨

                             પ્રવીણ ક. લહેરી

૭. યુનાઈટેડ કિંગડમ્‌ : ( યુ.કે.)

ભારતીયના ૧૯ લાખ લોકોની વસ્તી સાથે યુ. કે. અભ્યાસ, રોજગારી અને નિવૃત્તિ માટે પણ અનેક ભારતીયોની પસંદગી રહ્યું છે. લંડનના પરાઓ લેસ્ટર, બર્મિંગહામ જેવા શહેરોમાં ભારતીય મૂળના લોકોની હાજરી તુરંત નજરે પડે છે. યુકેને ભારતીયો એક જમાનામાં શાંત અને સમૃદ્ધ દેશ તરીકે ઓળખતા હતા. આજે મુસ્લિમ જૂથો દ્વારા યુ.કે. ની શાંતિ હણાય છે. ઈસ્લામિક કટ્ટરવાદનો પ્રભાવ યુ.કે. માં ખૂબ વધતા ચિંતાનો માહોલ સર્જયો છે. યુ. કે. ના અર્થતંત્રમાં ભારતીય મૂળના લોકોનું પ્રદાન તમામ ક્ષેત્રે છે. યુ.કે. ના સૌથી ધનિક પરિવાર ‘હિંદુજા’ પરિવાર ભારતીય મૂળનું છે. ભવિષ્યે ધર્માંધતાના મુદ્દે યુ.કે. માં જે અશાંતિ ફેલાવાનો ભય છે તે વાસ્તવિક છે.

૮.  દક્ષિણ આફ્રિકા : 

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ શાસન દરમિયાન લઈ જવાયેલા ‘ગિરમિટિયા’ મજૂરો, વેપાર માટે ગયેલા લોકો અન્ય ક્ષેત્રમાં કામ કરતાં લોકો સાથે ૧૭ લાખ ભારતીય મૂળના લોકોનો દક્ષિણ આફ્રિકામાં લાંબો અને ભાતીગળ ઈતિહાસ છે. મહાત્મા ગાંધીની વકીલાત અને રંગભેદ સામેના સત્યાગ્રહ સાથે બે દેશો વચ્ચે આત્મીયતા રહી છે. જો કે ત્યાંની શાસન પ્રણાલીની ઉણપોના કારણે અર્થતંત્રમાં મંદી છે. શિસ્ત અને જવાબદારીના અભાવના કારણે કાયદો વ્યવસ્થા જળવાતા નથી.  અસલામતીની લાગણી સમાન્ય છે. આ કારણોસર ત્યાં હવે ભારતીયો જઈને સ્થાયી થવામાં સંકોચ અનુભવે છે. જે ભારતીય મૂળના લોકો છે તે દેશના તમામ ક્ષેત્રોમાં સક્રીય છે. રાજકીય, ન્યાયતંત્રના અનેક મહત્વના હોદ્દાઓ ભારતીય મૂળના લોકોએ શોભાવ્યા છે. અભ્યાસ કે રોજગારી માટે દક્ષિણ આફ્રિકાનું મહત્વ ઘટ્યું છે.

૯. શ્રીલંકા :

શ્રીલંકામાં ૧૬ લાખ લોકો ભારતીય મૂળના વસવાટ કરે છે. આમાં તામિલનાડુનાં લોકોની સંખ્યા નોંધપાત્ર છે. સિંહાલી અને તામીલ મૂળની પ્રજા વચ્ચેના સંઘર્ષ બાદ હાલ ત્યાં શાંતિ છે. શ્રીલંકાનું અર્થતંત્ર ડામાડોળ થતાં તેને સ્થિર કરવામાં ભારતે જંગી સહાય કરી છે. આ બુદ્ધિદેશમાં માનવસૂચાંક અને માથાદીઠ આવક ભારત કરતાં વધારે છે.  શ્રીલંકા અને ભારત વચ્ચે લોકોનું આદાનપ્રદાન થઈ શકવાની મોટી સંભાવના રહેલી છે. અહીં રહેતાં ભારતીય મૂળના લોકો એક દીર્ઘ સંઘર્ષ બાદ સંવાદિતા સાથે રહે છે. શ્રીલંકાનું  કુદરતી સૌંદર્ય અને રામાયણના પ્રસંગો સાથે જોડાયેલા સ્થાનો ભારતીય પ્રવાસીઓ માટે આકર્ષણની બાબતો છે.

૧૦. કુવૈત :

મધ્યપૂર્વના ઈરાકને અડીને આવેલું કુવૈત તેના ઓઈલ ભંડારોના કારણે અતિ સમૃદ્ધ છે. યુ.એ.ઈ. ની જેમ અહીં વસતા ૧૦ લાખ ભારતીય મૂળના લોકો માટે આદર છે. સલામતીભર્યા વાતાવરણમાં નિષ્ઠા અને કાર્યદક્ષતા કામ કરનાર ભારતીય સમુદાય માટે  રોજગારી માટે કુવૈતનું આગવું મહત્વ છે. યુ.એ.ઈ., સાઉદી અરેબિયા અને કુવૈતમાં શ્રમિકોથી શરૂ કરીને સોફ્ટવેરના તજજ્ઞો સૌની માંગ છે. અર્થતંત્રના તમામ રોજગારી ક્ષેત્રમાં ભારતીય મૂળના  લોકોની હાજરી છે.

આ દશ દેશોમાં વિદેશ વસતા ભારતીયોના ૮૦ ટકા જેટલા લોકો છે. આપણા દેશના અર્થતંત્રમાં એન. આર.આઈ. બીનનિવાસી ભારતીયો દ્વારા મોકલાયેલી વિદેશી મુદ્દાનું પ્રમાણ કુલ વેપાર ખાદ્યના ૪૭ ટકા બરાબર છે. વર્ષ ૨૦૧૪-૧૫ તેઓ દ્વારા રૂપિયા ૬ લાખ કરોડની વિદેશી મુદ્રા ભારત મોકલી હતી તે આંક આજે વર્ષ ૨૦૨૪-૨૫ માં વધીને રૂપિયા ૧૧.૬ લાખ કરોડ છે. આપણા અર્થતંત્ર માટે આ રકમ ખૂબ મહત્વની છે. ‘ડાયસ્પોરા’ ના લોકો એટલે મૂળસમેત ઉખડી ગયેલા લોકો એવી સરખામણી થાય છે. જો કે આજે સંદેશ અને વાહન વ્યવહારની સવલત અને ઝડપ જોતાં વિશ્વ સાચા અર્થમાં વિશ્વગ્રામ બન્યું છે. ભારત સૌથી વિશાળ વસ્તી (૧૪૬ કરોડ) ધરાવે છે.  આપણી ભાવિ પેઢી વિદેશમાં જે તકો ઉપલબ્ધ હોય તે ઝડપીને પોતાનો વિકાસ કરે તે જરૂરી છે. સાથે સાથે તેઓ ભારતના આર્થિક વિકાસમાં જે પ્રદાન કરે છે તે જળવાઈ રહે તે આવશ્યક છે.

‘ડાયસ્પોરા’ ના પ્રશ્નો ભાષાને લગતો, સંસ્કૃતિને લગતા અથવા તો જીવનમૂલ્યોને સબંધિત છે તેનો ઉકેલ સરળ નથી. ભારતીય  મૂળના લોકો અન્યની સરખામણીમાં પોતાની આગવી ઓળખ રાખવામાં સફળ થયા છે પરંતુ જેમ જેમ પેઢીઓ વીતતી જશે તેમ આ કાર્ય મુશ્કેલ બનશે. ભારતીય મૂળના લોકોના આગામી પેઢીઓ માટે બેવડી જવાબદારી છે. જે દેશમાં વસે છે ત્યાંના માહોલમાં ઓતપ્રોત થવું જરૂરી છે. સાથે સાથે ભારતીય સાંસ્કૃતિક વિરાસતની જાળવણી પણ  જરૂરી છે. આ દેખીતો વિરોધાભાસ સમન્વયમાં ફેરવી શકાય તેમ છે. વિદેશીઓ પણ ભારતના ધર્મ, પહેરવેશ, ઉત્સવો અને વ્યજંનો પ્રતિ આકર્ષાય છે. ભિન્ન ભિન્ન પરંપરા વચ્ચે સમન્વય સ્થાપવો અને રંગભેદ કે જાતિભેદ નિયંત્રણમાં રહે તેવું વાતાવરણ સર્જવા માટેનો પડકાર નાનોસુનો નથી.

દેશની ૧૪૬ કરોડની વસ્તી સામે ભારતીય મૂળના વિદેશ વસતા લોકોની સંખ્યા ૩.૨૧ કરોડ હોય તો તે માત્ર બે ટકાથી  સહેજ વિશેષ છે. આ લોકોએ જે આર્થિક પ્રગતિ કરી છે અને ભારતના અર્થતંત્રને મોટો ટેકો આપ્યો છે તે જોતાં આપણે વિશ્વમાં ભારતીયની હકારાત્મક ઓળખ ટકાવી રાખવાની છે. ભારતમાં જે રીતે અલ્પમાં અલ્પ લઘુમતિ હોવા છતાં પારસી કોમ દૂધમાં સાકર જેમ ભળી ગયા છે તેમાંથી ભારતીય મૂળના લોકોએ પ્રેરણા લેવાની છે. આપણા પૂર્વજોનું ‘‘વસુધૈવં કુટુંબકમ્‌’’ સાર્થક કરવામાં ભારતીય મૂળના લોકોની અહ્મ ભૂમિકા રહી છે.

સાંપ્રત સમયમાં ભારતીય મૂળના વિદેશ વસતાં લોકો માટે નવા નવા પડકારો ઊભા થઈ રહ્યાં છે તેનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર વિશ્વમાં અગાઉની જેવી આર્થિક પ્રગતિ નથી. અનેક દેશોનો આર્થિક વિકાસ બંધ પડ્યો છે ત્યારે બહારથી આવીને વસતાં લોકો પ્રત્યે સ્થાનિક લોકોનો અણગમો વધવાની સંભાવના નકારી શકાય નહીં. આ ઉપરાંત ભારતીય જૂથના લોકો પોતાની આગવી સંસ્કૃતિ, ધાર્મિક માન્યતાઓ, જ્ઞાતિવાદ જેવા કારણોસર પોતાનું આગવું વ્યક્તિત્વ જાળવી રાખવા માટે ખૂબ સભાન રહે છે. તહેવારોની ઉજવણી હોય કે પરંપરાગત પોષાક હોય - ભારતીય મૂળના લોકો જે તે દેશની જીવનશૈલી ઉપરાંત ભારત સાથેનો નાતો અતૂટ રાખવા ઈચ્છે છે. જો કે શરુઆતની બે-ત્રણ પેઢી માટે તે શક્ય હોય છે પરંતુ લાંબેગાળે તે કેટલું શક્ય રહેશે તે નક્કી નથી. સ્વામીનારાયણ સંપ્રદાય સહિત અનેક સંપ્રદાયોએ વિદેશમાં પોતપોતાના મંદિરો સ્થાપી તેમજ ધર્મગુરુઓના પ્રવાસો દ્વારા ઓળખ ઊભી કરવા માટે જે મથામણ કરી છે તેનાથી અલગ ઓળખ જળવાશે પરંતુ સ્થાનિક સ્થિતિમાં ફેરફાર થતાં આ અલગ ઓળખ મુસીબતોનું કારણ ન બને તેની આપણે સૌએ કાળજી રાખવી જરૂરી છે.                                                                 (પૂર્ણ)


Comments

Popular posts from this blog