ગુજરાતના કિસાનો ૫ર કુદરતનો કહેર 

                                                                            - પ્રવીણ ક. લહેરી

ગુજરાત રાજ્યની સ્થાપના ૧૯૬૦માં થઈ તેના પ્રથમ ૪૦ વર્ષના સમયગાળામાં ૧૯૬૦ થી ૨૦૦૦ના વર્ષોમાં ગુજરાતે ૨૦ થી ૨૫ મર્યાદિત કે વ્યાપક દુષ્કાળો જોયા છે. ક્યારેક તો બે વર્ષ, ત્રણ વર્ષ અને ૧૯૭૦ થી ૧૯૭૪ના વર્ષોમાં ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર્‌, કચ્છ અને ઉત્તર ગુજરાતના પ્રદેશે લાગલગાટ ચાર-ચાર દુષ્કાળોનો સામનો કર્યો છે. આ ઘટના જે આજે ૫૦ વર્ષ થયા જેથી પ્રજામાં, સમાચાર માધ્યમોમાં અને સરકારમાં પણ ત્યારની રાહત વ્યવસ્થાની માહિતી અલ્પ હોય તે સમજી શકાય. વર્ષ ૨૦૦૦ બાદના આ ૨૫ વર્ષમાં નર્મદા યોજના અને સારા ચોમાસાઓએ ગુજરાતને દુષ્કાળના શાપથી મુક્ત કર્યું છે.

વર્ષ ૨૦૨૫નું ચોમાસું નિયત સમય કરતાં થોડું વહેલું શરું થયું. એક લાંબા સમયના વિરામ બાદ વરસાદ તો વરસતો જ રહ્યો. વર્ષો સુધી પાણીની તીવ્ર તંગી ભોગવનારી ગુજરાતી પ્રજાને પાણી તો ખૂબ ગમે. ૧૯૯૦ના દશકમાં ગુજરાતમાં વોટરપાર્ક થયા ત્યારે લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા. તેઓની મોજ-મસ્તી જોઈ હોય તો આપણને ખાતરી થાય કે ગુજરાતીઓને પાણી કેટલું ગમે છે ? સામાન્ય રીતે ૩૦મી સપ્ટેમ્બરે વરસાદને વિદાય કહેતું હવામાન ખાતું આ વર્ષે તો શ્રી અંબાલાલ પટેલના સથવારે ભારે, અતિ ભારે વરસાદની આગામી સાથે ઓરેન્જ, યલો કે રેડ રંગમાં મૂકી દે છે. સદ્‌નસીબે (હવામાન વિભાગના) આ વખતે સરકારી આગાહીઓ સાચી પડે છે. આજે નવેમ્બરની પહેલી તારીખે આ લખું છું ત્યારે હજી ત્રણ દિવસ વરસાદ આવવાની સંભાવના વર્તાય છે.

ગુજરાતના કિસાનો માટે ૨૦૨૫નું વર્ષ વસમું નીવડ્યું છે. અગાઉ કદી ન જોયા હોય તેવા ઑકટોબર મહિનાના માવઠાંઓ - જે સીઝનના વરસાદને ભૂલવે તેવા ધોધમાર વરસ્યા કે ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે. ખેતરમાં તૈયાર મગફળી, કપાસ જેવા રોકડિયા પાકોનો વિનાશ થયો છે. તેના ખેતરોના દૃશ્યોએ આપણને કંપાવી દીધા છે. હજારો કે લાખો રૂપિયાનો દેવું લઈ, મોઘું બિયારણ, મહામહેનતે મળતું ખાતર, ખર્ચાળ જંતુનાશક દવાઓ અને મજૂરીની મોટી રકમ ચૂકવ્યા બાદ ખેડૂતો માટે આ માવઠાં ખૂબ માઠા પૂરવાર થયા છે. ગુજરાતનો ખેડૂત પાયમાલીના આરે ઊભો છે.

ગુજરાતના જાગૃત નાગરિકોએ આ મુદ્દે ચિંતા સેવવાની જરૂર છે. સમાચાર માધ્યમોએ તેનું કામ સુપુરે કર્યું છે. અગાઉ અછતના પ્રસંગે સપ્ટેમ્બર માસમાં આનાવારી કરી સમગ્ર ગામને મહેસૂલ માફી, પાણીની વ્યવસ્થા, ઘાસ અને રોજગારીની વ્યવસ્થા સરકારના રાહત મેન્યુઅલ (બીગ બ્લુ બુક) પ્રમાણે થઈ જતી હતી. સરકાર કલેકટરની જરૂરી ગ્રાન્ટ ફાળવીને લોકોની હાલાકી કેમ ઓછી થાય તે માટે ઑકટોબરથી આગલા વર્ષના મે માસ સુધી જરૂરી કાર્યવાહી કરતી રહેતી હતી. રાજ્યના રાહત મેન્યુઅલની ઘણી સારી જોગવાઈ છે પરંતુ આ પ્રકારની ખેતી અને ખેડૂતની પાયમાલી માટે નૂતન અભિગમ સાથે કાર્યવાહી કરવાની જરૂર છે.

સૌથી પ્રથમ તો દરેક ખેતર દીઠ ડિજીટલ કે એપ્લિકેશન દ્વારા સર્વે કરવા કરતાં ગામને યુનિટ (એકમ) ગણી આનાવારીના ઘોરણે ગણતરી કરે તો અનેક તાલુકાઓમાં સોળ આની (૧૦૦ ટકા) નુકશાની છે. આ નુકશાન એવું છે કે એકર દીઠ ખેડૂતે મોટી રકમ ખર્ચ કરી છે. દુષ્કાળમાં બિયારણ નાશ પામે છે પરંતુ આ વર્ષે તો તૈયાર પાકનું નિકંદન નીકળી ગયું છે ત્યારે વ્યક્તિગત સર્વે જરૂરી નથી. આપણા સૌનો અનુભવ છે કે વ્યક્તિગત સર્વેમાં વિલંબ અને ગેરરીતિઓ થવાની સંભાવના ઘણી વિશેષ છે. કિસાનનો આક્રોશ એ છે કે અમે જ્યારે રોકડ આવક આજે કે કાલે હાથમાં આવશે તેવી આશામાં હતાં ત્યાં જ ઈશ્વર રૂઠ્યો અને જે પાકો સાવ પલળી ગયા છે. તેના નિકાલ માટે અને પાણી ફરી વળેલાં ખેતરોને નવસાધ્ય કરવા માટે અમે ક્યાંથી ખર્ચ કરીએ ? ખરીફ પાક તો સમૂળગો નાશ પામ્યો પણ રવિ પાક માટે તો અમે આજથી તૈયારી ન કરીએ તો બાકીનો લાભ પણ હાથમાંથી સરી જશે. કિસાનોને જરૂર છે ખેેતરમાં વાવેતર કરવા માટે આવશ્યક ખર્ચ કરી પાણી પર્યાપ્ત હોવાથી સારામાં સારો રવિ પાક લેવા પુરુષાર્થ કરવો. આ બાબતમાં સહકારી બેંકો, જાહેરક્ષેત્રની બેંકોમાંથી જે ખેડૂતોએ ધીરાણ મેળવ્યું છે અને પરત ભરવાની સ્થિતિમાં નથી ત્યારે નીચે મુજબની રાહતોનું પૅકેજ તાત્કાલિક અસરથી આપી શકાય.

આ રાહત પૅકેજનો સૌથી મોટો લાભ રાજ્ય અને દેશને એ થશે કે કૃષિક્ષેત્ર જ ે વિકાસનું પાયાનું ક્ષેત્ર છે તે આજની અકલ્પ્ય મુસીબતમાંથી બહાર આવી આર્થિક વિકાસની ગતિ જાળવી રાખવામાં મદદરૂપ બનશે. રાજ્ય માટે આવી મોટી આપત્તિ માટે ખર્ચની રકમ કરતાં લોકોની સુખાકારી અને રાજ્યનો વિકાસ દર મહત્ત્વના છે.

ગુજરાતના અસરગ્રસ્ત ગામોના કિસાનોને નીચે મુજબની રાહતો એક સુગ્રંથિત પૅકેજ તરીકે આપવા માટે વિચારણા કરવી જોઈએ તેવો મારો નમ્ર પણ દૃઢ અભિપ્રાય છે. આ ચેષ્ટા કરવા પાછળનો મારો એકમાત્ર હેતુ ગુજરાત તેની વિકાસયાત્રા અવિરત ચાલુ રાખી શકે અને ભયંકર અણધારી આપત્તિનો ભોગ બનેલા કિસાનો તેમાંથી ફરી પગભર થઈ શકે.

ગુજરાતમાં કુલ ૫૪ લાખ ખેડૂત ખાતેદારો છે. જેમાંથી ૨૦ લાખ માર્જિનલ ફાર્મસ, ૧૬ લાખ સ્મોલ ફાર્મસ અને ૧૮ લાખ મોટા ખેડૂતો છે. રાજ્યના ૨/૩ ખેડૂતો સ્મોલ અને માર્જિનલ કેટેગરીમાં આવે છે ત્યારે કિસાનો પર આવેલી આ ખૂબ મોટી આપત્તિના સમયે સરકારે માનવતાભર્યો અભિગમ અપનાવવો અનિવાર્ય છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ વહીવટીતંત્રને ૩ દિવસમાં સર્વે કરવા આદેશ આપ્યો છે તેમજ પંચનામા પદ્ધતિથી સર્વે કરવાનો નિર્ણય પણ આવકાર્ય છે. ગુજરાતમાં ખેડૂતોને અપાયેલ ધીરાણની કુલ રકમ ૧૪ લાખ કરોડ છે. આ સામે કૃષિપેદાશોનું મૂલ્ય ૧૮ લાખ કરોડનું છે. અગાઉ ધીરાણનો અભાવ હતો તે નિવારી શકાયો છે પરંતુ ખેતી આજે ખેડૂતની બચત કે મૂડી પર નહીં પણ ધીરાણ પર અવલંબે છે તે હકીકત યાદ રાખવી જરૂરી છે. મારા અંદાજ પ્રમાણે લગભગ ૪૦ ટકા ખેડૂતોને આ આફતની ઘેરી અસર થઈ છે. આજના સંદર્ભમાં કિસાનો માટેના અતિવૃષ્ટિ રાહત પૅકેજમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે તો કિસાનોને યોગ્ય રાહત મળી ગણાશે.

(૧) દરેક અસરગ્રસ્ત કિસાનને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના પ્રમાણે નવેમ્બરમાં રૂા.૫,૦૦૦ અને ત્યારબાદ જાન્યુઆરીમાં રૂા.૫,૦૦૦ તેમના બેંક ખાતામાં જમા કરવાથી રવિપાક તૈયાર થવાના સમયગાળા માટે સૌને થોડી રાહત થશે.

(૨) જે ખેડૂતો પર ધીરાણછે તેમનું આ વર્ષનું બેંક વ્યાજ સરકારે સબસીડી તરીકે ચૂકવવું જોઈએ જેથી તેઓ ડિફોલ્ડર ન થાય.

(૩) આ ઉપરાંત જે ધીરાણની રકમ હોય તેની વસૂલાત મોકૂફ રાખીને બાકી ધીરાણની મુદ્દલ રકમ દર વર્ષે ૨૫ ટકા લેખે વસૂલ કરવી જોઈએ અને આ સમયગાળા માટે જે વ્યાજની રકમ ભરવાની આવે તે સરકારે વ્યાજ સબસીડી તરીકે ચૂકવવી જોઈએ.

ઉપરોક્ત રકમ આપવાથી થનારા ખર્ચની વિગતોનો અંદાજ આ પ્રમાણે માંડી શકાય.

(૧) રૂા.૧૦,૦૦૦ ૨૨,૫૦,૦૦૦ ખેડૂતો પ્રમાણે ગણતાં રૂા.૨૨૫૦૦ કરોડ.

(૨) રૂા.૧૪ લાખ કરોડ ધીરાણનું એક વર્ષનું (પ્રથમ) વ્યાજ રૂા.૧.૪ લાખ કરોડ જે બીજા વર્ષમાં પણ રૂા.૧.૪ લાખ કરોડ અને ત્યારબાદ ત્રીજા વર્ષમાં ૧.૦૫ લાખ કરોડ ત્રીજા વર્ષમાં ૦.૭૦ લાખ કરોડ અને ચોથા વર્ષમાં ૦.૩૫ લાખ કરોડ એમ કુલ રૂા.૩.૫ લાખ કરોડનો ખર્ચ ચાર વર્ષમાં થશે. આમ રૂા.૩.૫ લાખ કરોડ + રૂા.૨૨૫૦૦ કરોડ  = રૂા.૩,૭૨,૫૦૦ (ત્રણ લાખ બોત્તેર હજાર પાંચસો કરોડ) નો બોજો સરકાર પર ચાર વર્ષમાં વહેંચાય જશે.

દર વર્ષે ૯૩ હજાર કરોડનો ખર્ચ વધારે છે પરંતુ ભૂકંપ પછી જેમ ગુજરાતના અર્થતંત્ર અને સમાજજીવનને બેઠું કરવાનું કામ કર્યા વિના ગુજરાતના અર્થતંત્રને ગતિશીલ રાખવું મુશ્કેલ છે. આ માટે ભારત સરકાર, વિશ્વ બેંક અને એશિયન ડૅવલપમેન્ટ બેંક પાસેથી ધીરાણ-સહાય મેળવીને કિસાનો અને ગુજરાતના અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રને બચાવવા માટે દુરંદેશી સાથે નિર્ણય કરવો જરૂરી છે. કૃષિ એ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે તેને મજબૂત રાખવી ખૂબ જરૂરી છે. સરકારી ખર્ચમાં કરકસરનો કેટલો મોટો અવકાશ છે તે સૌ કોઈને સુવિદિત છે તેથી તેનાવિશે વધુ લખવું જરૂરી નથી.

‘જય જવાન - જય કિસાન’ના સૂત્રને સાર્થક કરવાનો પડકાર ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધાથી ઝીલી રહીએ. 

Comments

Popular posts from this blog