ભારતીય મૂળના વિદેશી નાગરિકોની મુંઝવણ

                               પ્રવીણ ક. લહેરી

ભૂતકાળમાં અનેક માનવ સમુદાયો વિવિધ કારણોસર વતનમાંથી હિજરત કરીને અન્ય પ્રદેશોમાં ગયા હતા. સ્થાનિક જગ્યાએ સર્જાયેલી મુશ્કેલીઓ અથવા વિદેશમાં સારા અભ્યાસ કે રોજગારી માટે જતાં ભારતીય મૂળના લોકો સમયાતંરે જે તે દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરી કાયમી ધોરણે ત્યાં વસવાટ કરે છે. પંદરમી સદીના અંત ભાગે ભારત આવનાર વાસ્કો ડી ગામાને દક્ષિણ આફ્રિકાથી આગળનો રસ્તો દર્શાવનાર કચ્છી કાનજી માલમ હતો. આ હકીકત દર્શાવે છે કે ભારતના લોકો વેપાર અર્થે સેંકડો વર્ષથી દરિયો ખેડતા આવ્યા છે. કોઈ વ્યક્તિ ટૂંકા સમય માટે વિદેશ જાય અને ત્યાં કાયમી વસવાટ કરે તેમાં ખૂબ મોટું અંતર છે. અંગ્રેજી શાસનકાળ દરમિયાન આફ્રિકા, દક્ષિણ અમેરિકા, વેસ્ટ ઈન્ડીઝ, મોરેશિયસ વગેરે સ્થળે ભારતીય શ્રમિકોને પરાણે લઈ જવાના કિસ્સાઓ બન્યા. અમુક જ્ઞાતિઓ સાગરયાત્રા કરનાર જ્ઞાતિજનને નાતબહાર મૂકવા લાગ્યા. આમ છતાં  અનેક લોકોએ સાગર પાર કરી અન્યદેશોમાં વસવાટ કરવાનું પસંદ કર્યું તે ઈતિહાસમાં નોંધાયેલી હકીકત છે.

આજે ભારતીય મૂળના ત્રણ કરોડથી વધારે લોકો વિદેશની નાગરિકતા મેળવી ત્યાં સ્થાયી થયા છે. અંગ્રેજીમાં તેને  ‘ઈન્ડીઅન ડાયસ્પોરા’ અથવા ‘નોન રેસિડન્ટ ઈન્ડિયન’ (એન.આર.આઈ.) તરીકે ઓળખવામાં આવે છે. એક અંદાજ મુજબ ૨૧૦ દેશોમાં વસતા ૩.૨૫ કરોડ ભારતીયો વિવિધ સમયે અલગ અલગ કારણોસર ત્યાં સ્થાયી થયા છે. વિશ્વના જે દશ દેશોમાં ભારતીયોની સૌથી વધારે સંખ્યા છે ત્યાંની રાજકીય/સામાજીક પરિસ્થિતિમાં આવેલ પરિવર્તનની ચર્ચા કરવાથી આપણને આ ડાયસ્પોરાની સ્થિતિ વિષે જાણકારી મળશે.

૧. યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા (યુ.એસ.એ) :

અંદાજીત પ૪ લાખની સંખ્યા સાથે ભારતીય મૂળના સૌથી વધુ લોકો યુ. એસ.એ. માં રહે છે. એક દેશમાંથી આવેલા લોકોના જૂથ તરીકે ભારતીય મૂળના લોકો અભ્યાસમાં આગળ છે. ડૉકટર, વૈજ્ઞાનિક, ઈજનેર જેવી લાયકાત સાથે તેઓ નોકરી-ધંધામાં પણ સારું પ્રભુત્વ ધરાવે છે. આર્થિક રીતે અન્ય તમામ દેશના લોકો કરતાં ભારતીયો ઊંચી આવક ધરાવે છે. હવે રાજકારણ,સાહિત્ય, સર્જનાત્મક કલાના ક્ષેત્રે ભારતીય મૂળના લોકોએ નામના પ્રાપ્ત  કરી છે. બાવન જેટલી બહુરાષ્ટ્રીય કંપનીના મુખ્ય સંચાલકો તરીકે ભારતીય મૂળના તજજ્ઞો છે. ભારતીયો તેની નિષ્ઠા,ધગશ, પરિશ્રમ અને પ્રમાણિકતા  માટે માન ધરાવે છે. મોટેલોના વ્યવસાયમાં તો ૪પ થી પ૦ ટકા મોટેલોના માલિક ભારતીય છે. અમેરિકાનું આકર્ષણ એટલું પ્રબળ છે કે લોકો વિઝા માટે વર્ષો સુધી પ્રતિક્ષા કરે છે. જીવનું જોખમ લઈને અને લાખો રૂપિયા ખર્ચીને તેઓ ગેરકાયદેસર ઘૂસણખોરી પણ કરે છે. અગાઉ અમેરિકા  રંગભેદ અને જાતિવાદ અંગે થોડા અપવાદો વિના ઉદાર હતું. ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પ્રમુખપદની ટર્મથી તેના અનુયાયીઓમાં રંગભેદ અને જાતિવાદ ઠાંસી ઠાંસીને ભર્યા છે. આના કારણે ભારતીયો પર વંશીય હૂમલાનું પ્રમાણ વધ્યું છે. અમેરિકામાં મંદી, ખૂબ મોટી વેપાર ખાદ્ય અને બેરોજગારીના લીધે ત્યાં અભ્યાસ કે રોજગારી માટે જવાનું આકર્ષણ ઘટતું જાય છે. આ વર્ષે અમેરિકા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૮૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

૨. યુનાઈટેડ  આરબ અમિરાન (યુ.એ.ઈ.) :

આ સાત રાજ્યોની સમૂહમાં ૩૬૦ લાખ ભારતીય લોકો છે. જે ત્યાંની વસ્તીના ત્રીજો ભાગ છે. બાંધકામના શ્રમિકો, વેપારીઓ, ચાર્ટડ એકાઉન્ટટન્ટ, પ્રોફેસર, ડૉકટર સહિત અનેક વ્યવસાયિક ક્ષેત્રમાં કામગીરી કરે છે. યુ.એ.ઈ.માં વિઝા સરળતાથી મળે છે, રોજગારી પણ ઝડપથી મળે છે. વિવિધ વિદેશી યુનિવર્સિટીના શૈક્ષણિક સંકુલો અને સ્માર્ટ સિટીના કારણે ડિજિટલ ક્ષેત્રે પણ રોજગારી ઉપલબ્ધ છે. સલામતી, કાયદો વ્યવસ્થા, ભારતથી પ્રમાણમાં નજીક હોવાથી અનેક ભારતીયો માટે યુ.એ.ઈ. સારી કમાણી કરવા માટે આકર્ષણ ધરાવે છે. યુ.એઈ. જેટલું વિઝામાં ઉદાર છે તેના કરતાં વિપરિત યુ.એ.ઈ.ની નાગરિકતા મેળવવી ખૂબ કઠીન છે. વિશ્વ માટે રોકાણ, પર્યટન, અભ્યાસ અને રોજગારી માટે ઉભરી આવેલું યુ.એ.ઈ.માં ભારતીયો તેના પુરુષાર્થ અને પ્રમાણિકતા માટે જાણીતા છે.

૩. મલેશિયા :

દૂર પૂર્વના આર્થિક રીતે હરણફાળ ભરી ‘પાંચ એશિયન ટાઈગર’ જૂથમાં મલેશિયાનું આગવું સ્થાન છે. ૨૯ લાખ ભારતીીય મૂળના લોકો સાથે ત્રીજા ક્રમાંકે આવેલું મલેશિયાનો ભારત સાથેનો વ્યાપાર ખૂબ નોંધપાત્ર છે. મલેશિયાની સરકાર ભારત સાથે વ્યાપક વ્યાપારી  સબંધો હોવા છતાં વિદેશ નિતીમાં પાકિસ્તાન તરફી છે. ભારતીય મૂળના લોકો પ્રત્યે થોડો અણગમો  જરૂરથી છે પરંતુ તેના કારણે  ત્યાંની શાંતિ ડહોળાય નથી. ભારતીયો માટે મલેશિયા પ્રવાસન અંગે પણ માનીતું છે. ત્યાંનુ અર્થતંત્ર ગતિશીલ છે. માથાદીઠ આવકનું પ્રમાણ ઊચું છે. ભારતીય મૂળના લોકોએ જહેમતથી આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. મલેશિયામાં અભ્યાસ માટે અહીંથી વિદ્યાર્થીઓ જતા નથી.

૪. કેનેડા :

૨૮ લાખની ભારતીય મૂળના લલોકોની વસ્તી સાથે ડાયસ્પોરાની યાદીમાં ચોથું સ્થાન ધરાવતું કેનેડા ત્રણેક વર્ષ પહેલાં અભ્યાસ, રોજગારી, કાયમી વસવાટ અને નાગરિકતા માટે યુવાન-યુવતીઓની પ્રથમ પસંદગી હતું. કોરોના કાળ બાદની મંદી, ખાલિસ્તાનીઓ દ્વારા આચરાતી હિંસા અને કેનેડાની સરકારનું ભારત વિરોધી વલણ જોતાં કેનેડાનું આકર્ષણ ઘટી રહ્યું છે. અતિશય ઠંડી, નિરસ વાતાવરણ અને મોંઘવારીના કારણે વડીલો ત્યાં જવામાં સંકોચ અનુભવે છે. અગાઉ ભણતાં  ભણતાં કમાણી કરવાની તકો હતી તેમાં નોંધપાત્ર ઘટાડા ઉપરાંત અભ્યાસ બાદ  ઉપલબ્ધ રોજગારી ખૂબ સીમિત થતાં કેનેડાનું વાતાવરણ ક્ષુબ્ધ બન્યું છે.

૫.  સાઉદી અરેબિયા :

વર્ષ ૨૦૨૩-૨૪ માં ૨ લાખ ભારતીયો રોજગારી માટે ત્યાં જતાં હાલ ૨૫ લાખ ભારતીય મૂળના લોકો ત્યાં નિવાસ કરે છે.  અગાઉના ધાર્મિક નિયંત્રણો, મહિલાઓ માટેની પાબંદીઓ વગેરે ઘટતાં આજે સાઉદી અરેબિયાના અનેક શહેરો દુબઈ જેમ સર્વાંગી રીતે વિકસી રહ્યા છે. ભારતના લોકો માટે આ દેશમાં દુશ્મનાવટનો ભાવ નથી પણ તેમાંની નાગરિકતા મેળવવી અશક્ય છે. સાઉદી અરેબિયા ખૂબ ધનવાન દેશ છે અને હાલમાં ત્યાં વિકાસલક્ષી અનેક પ્રોજેક્ટો શરૂ થયા છે. ભારતીયો માટે આગામી પાંચથી દશ વર્ષ સાઉદી અરેબિયા ખૂબ આકર્ષક તકો પૂરી પાડશે તેમાં શંકા નથી.

૬.  મ્યાનમાર (બર્મા) :

ભારતના આ પાડોશી દેશમાં ૨૦ લાખ ભારતીય મૂળના લોકો છે. અગાઉ બર્માનો વહીવટ  ભારતમાંથી થતો હતો ત્યારે અનેક લોકો સાગનું લાકડું, ચોખા જેવી વસ્તુઓના વેપારમાં રોકાયેલા છે. છેલ્લાં ૪૦ વર્ષથી મ્યાનમારમાં લશ્કરી સરમુખત્યારી ચાલતી હોય ભારતીયો માટે મુશ્કેલીઓ વધી છે. ચીન દ્વારા મ્યાનમારમાં ભારતીય હિતોને  નુકશાન કરવા  કાર્યવાહી થતી રહે છે. અમુક આંતકીઓ પણ મ્યાનમારમાં છાવણી નાખી પડ્યા છે. ભારત માટે  મ્યાનમાર સાથેના ઐતિહાસિક સબંધો બાદ પણ ભારતીય મૂળના લોકો માટે કસોટીનો સમય ચાલી રહ્યો છે.

(અપૂર્ણ)


Comments

Popular posts from this blog