બે શબ્દોનો જાદુ 

                                                                              - પ્રવીણ ક. લહેરી

‘વંદે માતરમ્‌’ ‘‘માતાને પ્રણામ’’ આ બે શબ્દોએ દેશના ૧૨૦ વર્ષના ઈતિહાસમાં ખૂબ મહત્વની ભુમિકા ભજવી છે. આ બે શબ્દોએ દેશમાં નીડરતા અને આત્મબલિદાનોનો અનોખો ઈતિહાસ રચ્યો છે. વંદે માતરમ્‌ એક સૂત્ર કે નારો નથી પરંતુ એ તો દેશ માટે દિલમાંથી ઊભરતું એક શક્તિશાળી  મોજું છે. સરદાર ભગતસિંહ, બટુકેશ્વર દત્ત, રાજગુરુ સહિત સેંકડો યુવાનોએ જે દૃઢતા અને ભક્તિથી ફાંસીનો ગાળીયો ગળે નાખતા સમયે પૂરી તાકાતથી કહ્યું હતું. ‘‘ વંદે માતરમ્‌’’ કહીને તેમણે પોલીસની ગોળી છાતી પર ઝીલી હતી. હિંદ છોડાના આંદોલન દરમિયાન અમદાવાદની ગુજરાત કોલેજના પરિસર છાતી સામે તકાયેલી બંદૂકની પરવા કર્યા વિના વીર  કિનારીવાળાએ નીચે પડતા રાષ્ટ્રધ્વજને પકડીને કશા ભય કે શંકા વિના જે મક્કમ ડગલા ભર્યા હતાં ‘વંદે માતરમ’. ૧૯૩૦ માં દાંડી કૂચ બાદ ધરાસણામાં  મીઠા સત્યાગ્રહ કરતાં સત્યાગ્રહીઓએ બેફામ લાઠીમારમાં પોતાના માથા ફાટી ગયાં, બેહોશ પડી ગયા અને મૃત્યુ પામ્યા ત્યારે સૌના માટે ‘વંદે માતરમ’ નો ઉચ્ચાર સંજીવનીથી ઓછો ન હતો. ખેડા સત્યાગ્રહ, નાગપુર સત્યાગ્રહમાં દેશભક્તિના અનેક ગીતો સાથે વંદેમાતરમનો ઉચ્ચાર કાને પડતાં જ સત્યાગ્રહીઓ સમક્ષ મા ભારતીની મુક્તિ માટે ફના થઈ જવાની લાગણીનો ધોધ વહેવા માંડતો હતો.

૧૮૫૭  ના સંગ્રામની નિષ્ફળતાએ દેશના અનેક લોકોને અંગ્રેજોની કપટનીતિ, અત્યાચારો અને ક્રુરતાએ એવો માહોલ રચ્યો હતો કે આપણે અંગ્રેજો સામે લડવામાં ઊણા ઊતરીશું. ૧૯૫૭ માં બંગાળના સાહિત્યકાર બંકિમચંદ્ર ચટોપાધ્યાએ ‘આનંદ મઠ’ નામની નવલકથા લખી. સંન્યાસીઓ દ્વારા સ્વતંત્રતા માટે વિદ્રોહની વાર્તા સાથે એક ગીતની રચના કરવામાં આવી. આ ગીતના  શરુઆતના શબ્દો : ‘વંદે માતરમ’ એ ઔપચારિક વંદન ન રહેતાં સંપુર્ણ સંકલ્પનો શબ્દ બની રહ્યો. ૧૯૦૫ માં તત્કાલિન વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા ત્યારે તે નિર્ણય સામે લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો. બંગભંગ સામેના આંદોલને દેશની પ્રજાને જાગૃત કરી ત્યારે તે લડતનો નારો હતો ‘‘વંદે માતરમ’’

આ વર્ષે ‘આનંદ મઠ’ પ્રસિદ્ધ થયાને ૧૩૫ વર્ષ થયા.  આપણે ‘વંદે માતરમ’ ગીતની રચનાની સાર્ધ શતાબ્દિ ઉજવીએ છીએ  તે ઘટના પણ આગવું મહત્ત્વ ધરાવે છે. ૧૯૦૫ થી ‘વંદે માતરમ્‌’ શબ્દો દ્વારા આપણે સામાવાળાનું અભિવાદન કરતાં હતાં. પત્રવ્યવહારનો યુગ હતો ત્યારે પત્રની શરુઆત કે અંતમાં આપણા નામ સાથે વંદે માતરમ્‌ લખી આપણે સૌ ભારતીના પરિવારના સભ્યો હોવાનું ગૌરવ અનુભવતા હતાં. 

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ઈ.સ. ૧૮૭૬માં ‘વંદે માતરમ્‌’ ગીત જે તેમની નવલકથા આનંદ મઠ’ (૧૮૮૦)માં પ્રકાશિત થયું હતું તે નીચે મુજબ છે. આ ગીત મૂળરૂપે સંસ્કૃત અને બંગાળી શબ્દોના મીશ્રણથી લખાયેલું છે.

વંદે માતરમ્‌ (સંસ્કૃત અને બંગાળી) ગુજરાતી રચના આ પ્રમાણે છે.

.........................

વંદે માતરમ્‌ (સંસ્કૃત અને બંગાળી) ગુજરાતી ભાવાર્થ (સમજણ માટે)

ર્ઘ્શ્વિં ૠક્રક્રભથ્ૠક્રૅ હે માતા, હું તને વંદન કરું છું.

સુજલાં સુફલાં સુંદર જળવાળી, સારં ફળવાળી

મલયજશીલતાં મલય પર્વત પરથી આવતા પવનથી શીતળ

શસ્યશ્યામલાં માતરમ્‌ લીલાછમ પાકથી શોભતી, હે માતા !

------------

શુભ્રજ્યોત્સના પુલકિતયામિનીમ્‌ સફેદ ચાંદનીથી ખીલેલી રાત્રિઓવાળી

કુલ્લકુસુમિત દ્રુમદલ શોભિનીમ્‌ ખીલેલાં ફૂલોવાળાં વૃક્ષો અને પાંદડાંથી શોભતી

સુહાસિની સુમધુર ભાષિણીમ્‌ મધુર હાસ્યાવળી, મીઠી વાણીવાળી,

સુખદાં વરદાં માતરમ્‌  સુખ આપનારી, વરદાન આપનાહરી હે માતા !વંદે માતરમ્‌  (૨) હું તને વંદન કરું છું.

------------


કોટિ કોટિ-કણ્ઠ-કલ-કલ-નિનાદ-કરાલે કરોડો લોકોના કલરવભર્યા ધ્વનિથી ગુંજતી

કોટિ-કોટિભુજૈર્ધૃત-ખરકરવાલે કરોડો હાથો વડે તીક્ષ્ણ તલવારો ધારણ કરેલી

અબલા કેન મા એત બલે તું આટલી બધી શક્તિશાળી હોવા છતાં, 

અમને નિર્બળ કેમ કહેવાય, હે માતા ?

બહુબલ ધારિણીં નમામિ તારિણીં મહાન શક્તિ ધારણ કરનારી, તારનારી

રિપુદલ વારિણીં માતરમ્‌ (૩) શત્રઓના સમૂહને હરાવનારી હે માતા !

-------------

તુમિ વિદ્યા, તુમિ ધર્મ તું જ વિદ્યા છે, તું જ ધર્મ છે

તુમિ હૃદિ, તુમિ મર્મ તું જ હૃદય છે, તું જ મર્મ (સાર) છે

ત્વમ્‌ હિ પ્રાણાઃ શરીરે તું જ ખરેખર શરીરમાં પ્રાણ છે

બાહુતે તુમિ મા શક્તિ હૃદયે તુમિ મા ભક્તિ, હાથોમાં 

તું જ શક્તિ છે, હૃદયમાં તું જ ભક્તિ છે,

તોમારઈ પ્રતિમા ગડી મન્દિરે-મન્દિરે (૪)

 તારી જ પ્રતિમાઓ અમે મંદિરે-મંદિરે બનાવીએ છીએ.

------------

ત્વમ્‌ હિ દુર્ગા દશપ્રહરણધારિણી તું જ દશ શસ્ત્રો ધારણ કરનારી દુર્ગા છે

કમલા કમલદલ વિહારિણી કમળના દળ પર વિરાજમાન કમલા (લક્ષ્મી) છે

વાણી વિદ્યાદાયિની વિદ્યા આપનારી વાણી (સરસ્વતી) છે

નમામિ ત્વામ્‌, નમામિ કમલામ્‌ હું તને પ્રણામ કરું છું, હું કમલાને પ્રણામ કરું છું.

અમલામ્‌ અતૂલામ્‌ નિર્મળ, અજોડ

સુજલામ્‌ સુફલામ્‌ માતરમ્‌ (૫) સુંદર જળવાળી, સારાં ફળવાળી હે માતા !

------------

શ્યામલામ્‌ સરલામ્‌ શ્યામલ, સરળ

સુસ્મિતામ્‌ ભૂષિતામ્‌ સુંદર હાસ્યવાળી, અલંકારોથી શોભતી

ધરણીં ભરણીં માતરમ્‌ (૬) ધારણ કરનાળી, પોષણ કરનારી હૈ માતા !

વંદે માતરમ્‌ હું તને વંદન કરું છું.

ભારતના આત્માને જાગૃત કરનાર, દેશભક્તિની ભાવના પ્રજ્જવલિત કરનાર અને શહિદોની શહાદતને એક અનોખી હૂંફ આપનાર આ ગીત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અતૂટ રીતે જોડાયેલું છે. ‘વંદે માતરમ્‌’ એ બે શબ્દો જ નથી પરંતુ આઝાદીની તમન્નાઓ પર્યાય છે. ભય, શંકા, સ્વાર્થ, અપેક્ષા વિગેરે છોડીને માભોમની આઝાદી માટે ફના થઈ જવાના સંકલ્પની અભિવ્યક્તિ છે. આ રાષ્ટ્ર્‌ પ્રેમભક્તિના અનુપમ ગીતનું ગાન આજે પણ આપણા રૂંવાડા ખડા કરી દે છે.

વીસમી સદીનો પૂર્વાધ એવો હતો કે જેમાં તમામ પ્રાદેશિક ભાષાઓમાં અનેક કવિઓએ લોકોની આઝાદી માટેની લાગણીઓને શબ્દસ્થ કરી હતી. ગુજરાતમાં કવિ હંસરાજ, કવિ ઝવેરચંદ મેઘાણી, કવિ ઉમાશંકર જોષી, કવિ સુંદરમ, કવિ કાગ સહિત ગાંધીયુગના કવિઓની કલમે આપણને  એક એવો  અમુલ્ય વારસો આપ્યો છે કે જે આપણે આગામી પેઢી સુધી પહોંચાડવો જ રહ્યો. વંદે માતરમ્‌ ગીતની રચનાને ૧પ૦ વર્ષ થયા તે પ્રસંગે તેનું  ગાન સર્વત્ર થઈ રહ્યું છે તે જાણી આપણી છાતી ગજગજ ફૂલે છે. આપણા પૂર્વજોએ જે બે શબ્દોને મહામંત્ર માનીને સર્વસ્વ હોડમાં મૂક્યું હતું. તે ગીત સામે આપણા જ દેશના નાગરિકોના એક જૂથે જે વાંધા વચકા કાઢીને આ ગીતનું વિચિત્ર અર્થઘટન કરીને જે વાતાવરણ પ્રદુષિત કર્યું છે તેનો ઈતિહાસ લાંબો છે. આ પ્રસંગે રાષ્ટ્રગીત તરીકે સંપૂર્ણ હક્કદાર એવા ગીતની ઉપેક્ષા કરી આપણા બંધારણ  હજારો શહિદોની  ભાવનાની કદર કરવામાં ઊણું ઉતર્યું છે. આ દેશનું રાષ્ટ્રગીત  વંદે માતરમનું સંપૂર્ણ ગીત જ હોય શકે. આ વંદે માતરમ શબ્દોનું ઋણ ચૂકવવાનું આપણા માટે શક્ય જ નથી. તેની બાબતમાં જે થયું છે તે નહોતું થવું જોઈતું. ભવિષ્યે અગાઉ થયેલી ભૂલ સુધારવા અંગે ગંભીર વિચારણા કરવી જરૂરી છે  

Comments

Popular posts from this blog