વિકસીત ગુજરાત સામેના પડકારો
- પ્રવીણ ક. લહેરી
તા.૧લી મે ૧૯૬૦ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનથી મહારાષ્ટ્ર્ અને ગુજરાતના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્યારે પોતા બે કરોડની વસ્તી ધરાવતા ગુજરાતની મુંબઈ વિના આર્થિક ક્ષમતા અંગે શંકાઓ વ્યક્ત કરી હતી. ગુજરાતની રચનાને ૬૫ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. વર્ષ ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાનો અમૃત મહોત્સવ ઉજવાશે. આ સમયે ગુજરાતનો વિકાસ સમગ્ર દેશ માટે આદર્શ અને પ્રેરણાસ્તોત્ર બની રહી તે માટે આપણે સહિયારો પુરુષાર્થ કરવાનો છે. આપણે એ વાતનું ગૌરવ લઈ શકીએ કે ગુજરાતે પોતાના અલગ અસ્તિત્વ બાદ આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ખાસ કરીને ૧૯૯૦ના વૈશ્વિકરણ અને ઉદારીકરણ બાદ ગુજરાતે લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગોની સ્થાપનામાં હરણફાળ ભરી છે. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતે સેવાક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ૨૦૦૦ના વર્ષ સુધીમાં અનેક દુષ્કાળો, પાણીની તંગી અને વિજળીનો અભાવ ગુજરાતના કૃષિ વિકાસને રૂંધતા હતા. ઉર્જાક્ષેત્રે ખાનગી પાવર પ્લાન્ટોની જંગી ક્ષમતા, જ્યોર્તિગ્રામ યોજના અને પવન-સૂર્ય ઉર્જાના વ્યાપક વપરાશે ગુજરાતમાં ખેતીને ખૂબ ફાયદો કરાવી આપ્યો છે.
અર્થતંત્રના ત્રણે સેકટરોમાં સારી પ્રગતિની વિગતોનું વિશ્લેષણ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આજે ગુજરાત ઔદ્યોગિક, કૃષિ અને સેવાક્ષેત્રે ક્યાં ઉભું છે ? આ ક્ષેત્રોને વધારે વિકસાવવા માટે શું કરવું જરૂરી છે ? આ પ્રશ્નોના સાચા ઉત્તરો જાણવા માટે આપણે ગુજરાતના અર્થતંત્રના વિવિક પાસાઓનું વિશ્લેષણ કરવું જરૂરી છે.
ગુજરાતના અર્થતંત્રનું સંક્ષિપ્તમાં વર્ણન કરવું હોય તો આપણે કહી શકીએ;
‘‘ગુજરાત એ દેશનું એક ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. દેશના પ્રથમ પાંચ ઉદ્યોગક્ષેત્રે અગ્રણી રાજ્યોમાનું એક છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતનું કુલ ઘરેલું ઉત્પાદન (ય્ડ્ઢઁ) જીડીપી ચાલુ ભાવે રૂા.૨૫.૩૮ ટ્રિ્લિયન હતું. અમેરિકી ડૉલરમાં ગણીએ તો ડૉલર ૩૦૯.૫૪ અબજનું હતું. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતનો વૃદ્ધિ દર ૧૩.૩ ટકા હતો. ભારતની જી.ડી.પી.માં ગુજરાતનો હિસ્સો ૮.૬ ટકાનો છે. ગુજરાતમાં ૧૩ મહત્ત્વના ઉદ્યોગો (ઉત્પાદન માટે) ૮૨.૧ ટકો કારખાનાંઓને આવરી લે છે. આ ૧૩ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ૯૫.૯ ટકાનું કૂલ મૂડી રોકાણ ૯૦.૧ ટકાની મૂલ્યવૃદ્ધિ થાય છે. આમ ૧૩ મુખ્ય ઉદ્યોગોનું પ્રાધાન્ય ગુજરાતની સુદૃઢ ઔદ્યોગિક સ્થિતિ દર્શાવે છે. ગુજરાતના ઉદ્યોગોમાં વિવિધતા છે. સાથે સાથે કેટલાક ઉદ્યોગોમાં ગુજરાતનો હિસ્સો નોંધપાત્ર છે. હિરા, કાપડ, સિરામિક, રસાયણ, પેટ્ર્ોલિયમ ઉત્પાદનો, દવા અને પ્રોસેસ્ડ ફુડમાં ગુજરાતનું પ્રદાન ખૂબ મહત્ત્વનું છે. ગુજરાતમાં ૮૦૦થી વધારે મોટા ઉદ્યોગો છે. ૪,૬૦,૦૦૦ જેટલા માઈક્રો, લઘુ અને મિડીયમ ઔદ્યોગિક એકમો છે. ગુજરાતમાંથી વિદેશમાં નિકાસ થતી વસ્તુઓનું મૂલ્ય રૂા.૧૦ લાખ કરોડ અમેરિકી ડોલર ૧૦૬ અબજનું છે.
ગુજરાતમાં પેટ્ર્ોલિયમ ક્ષેત્રે જાહેર અને ખાનગી ક્ષેત્રની રિફાઈનરીઓની ક્ષમતા ખૂબ મોટી છે. હિરા ઉદ્યોગમાં ગુજરાતનો વિશ્વકક્ષાનો હિસ્સો ૭૨ ટકા છે. ડેનિમ કાપડની ઉત્પાદન ક્ષમતા દુનિયાની ક્ષમતાના ૭૦ ટકા જેટલી છે. ગુજરાતમાં ૨૫૦ ઔદ્યોગિક વસાહતો, ૧૦૬ સ્પેસિફીક ઉત્પાદન માટેની સામૂહિક વસાહતો આવેલી છે. વર્ષ ૨૦૦૩માં ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત દ્વારા મૂડીરોકાણ આકર્ષવાની શરુઆત તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી ત્યારે ગુજરાતની જીડીપી ૧.૨૩ લાખ કરોડની હતી. જે ૨૧ વર્ષ બાદ ૨૦૨૪માં વધીને ૨૨ લાખ કરોડ થઈ. રાજ્યની માથાદીઠ આવક રૂા.૧૮,૩૯૨ હતી તે વધીને રૂા.૨,૭૩,૫૫૭ની થઈ. આ સમય દરમિયાન ગુજરાતમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૫ ગણો, સરવીસ ક્ષેત્રમાં ૧૩ ગણો અને મૂડીરોકાણમાં ૯ ગણો વધારો થયો છે. ભારતમાંથી નિકાસ થતાં માલસામાનમાં ૨૬ ટકા હિસ્સો ધરાવતું ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતની નિકાસના માલસામાનનું વર્ગીકરણ કરીએ તો નીચે દર્શાવેલ ક્ષેત્રો મુખ્ય છે :
૧. કેમિકલ અને પેટ્ર્ોલિયમ ક્ષેત્રમાં ગુજરાતની નિકાસ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. લગભગ ૮ બિલીયન યુ.એસ. ડોલરના મૂલ્યની નિકાસ કરતું આ ક્ષેત્ર ગુજરાત અને ભારતના અર્થતંત્ર માટે મહત્ત્વનું છે.
૨. પેટ્ર્ોલિયમ પ્રોડક્ટસ : જામનગરની રિલાયન્સની રિફાઈનરીના કારણે ગુજરાતમાંથી ૧૫ બિલીયન યુ.એસ.ડોલરની નિર્યાત થાય છે. ગુજરાતની નિકાસમાં જામનગર જિલ્લાનું પ્રભુત્વ છે.
૩. હિરા : સૂરતમાં વિશાળ પાયે હિરાને કાપી, પોલિશ કરી નિકાસ કરવાની કામગીરી મોટા પાયે થાય છે. હિરાની વાર્ષિક નિકાસનું મૂલ્ય ૨૨ બિલિયન યુ.એસ. ડોલરનું છે. આ ઉદ્યોગ દ્વારા લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. લેબગ્રોન હિરા અને અમેરિકાની ટેરિફના કારણે આ ક્ષેત્ર ખૂબ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. ભૂતકાળની જેમ આ ક્ષેત્ર આંતરરાષ્ટ્ર્ીય સ્થિતિમાં સુધારો થતાં ફરી તેનું પ્રભુત્વ સ્થાપી શકશે. વિશ્વના ૮૦ ટકા હિરા પ્રોસેસ કરવામાં ગુજરાત આગવું સ્થાન ધરાવે છે.
૪. કિંમતી અને અર્ધ મૂલ્યવાન પત્થરો : ગુજરાતમાં રાજસ્થાનની જેમ મૂલ્યવાન પત્થરોને ઘસીને તેમાંથી વિવિધ વસ્તુઓના નિર્માણની કામગીરી ખૂબ વધી છે. મુળ ખંભાતમાં અકીક પોલિશીંગની કામગીરીથી પ્રારંભ થયેલ આ ક્ષેત્ર પણ નિકાસ સાથે રોજગારી માટે મહત્ત્વનું છે. આ ક્ષેત્રની વાર્ષિક નિકાસનું મૂલ્ય ૧.૫ બિલીયન યુ.એસ. ડોલર છે.
૫. દવાઓ : ગુજરાતનો દવા ઉદ્યોગ ખૂબ વિકસીત થયો છે. દવાની નિકાસ વિકાસશીલ દેશો ઉપરાંત વિકસીત દેશોમાં થાય છે. ગુણવત્તા અને કિંમતની દૃષ્ટિએ ગુજરાતનો દવા ઉદ્યોગ વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક છે. આ ક્ષેત્રની વાર્ષિક નિકાસનું મૂલ્ય ૨.૫ બિલીયન ડોલર (યુ.એસ.)નું છે. દવા ઉદ્યોગ સામે ટ્ર્મ્પ દ્વારા લાદવામાં આવી રહેલ ૧૦૦ ટકા ટેરિફનો મુકાબલો કરવાનો પડકાર છે.
૬. પ્લાસ્ટિક : પેટ્ર્ો કેમિકલ ઉદ્યોગની શ્રૃંખલામાં પ્લાસ્ટિક ઉદ્યોગ મહત્ત્વનો છે. ગુજરાતમાં હજારો લઘુ અને મધ્યમ એકમો પ્લાસ્ટિકની વસ્તુઓ નિર્માણ કરે છે અને નિકાસ પણ કરે છે. આ ક્ષેત્રની વાર્ષિક નિકાસનું મૂલ્ય ૧.૮ બિલીયન યુ.એસ. ડોલર છે.
કાપડ : સુતરાઉ કાપડ અને સિન્થેટિક કાપડ તેમજ કપડાંની નિકાસ ભારત માટે મહત્ત્વની છે. કૃષિ ક્ષેત્ર બાદ દેશમાં વ્યાપક અને વિકેન્દ્રિત રોજગારી પૂરી પાડતા આ ક્ષેત્રમાં ગુજરાત સદાય અગ્રેસર રહ્યું છે. પ.૫ બિલીયન યુ.એસ. ડોલરની વાર્ષિક નિકાસ સાથે ગુજરાતનો માલસામાન વિશ્વના અનેક દેશોમાં જાય છે.
૭. તૈયાર કપડાં : કાપડની સાથે તૈયાર પોશાકની નિકાસમાં ગુજરાત ધીમે પણ મક્કમ ડગલે આગળ વધી રહ્યું છે. ૨ બિલીયન યુ.એસ. ડોલર કરતાં વધારે મૂલ્યની વાર્ષિક નિકાસ કરતાં ગુજરાત માટે આ ક્ષેત્ર મહત્ત્વનું છે. રોજગારી અને મૂલ્યવૃદ્ધિ બાબત આ ક્ષેત્ર ખૂબ ઉપયોગી છે.
૮. પૂંઠાના ખોખા : પેકેજિંગ ક્ષેત્રે પ્લાસ્ટિક અને પૂંઠાના બોક્સની માંગ વધતી જ જાય છે. ગુજરાતમાં હવે આ ઉદ્યોગે કાઠુ કાઢ્યું છે તેમ કહેવામાં અતિશ્યોકિત નથી. યુ.એસ. ડોલર ૯૦૦ મિલીયન જેટલા મૂલ્યની નિકાસ સાથે આ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે.
૯. ચર્મ ઉદ્યોગ : અગાઉ ગુજરાત આ ક્ષેત્રે પછાત હતું. આજે યુ.એસ. ડોલર ૫૦૦ મિલીયનની નિકાસ સાથે ચર્મ ઉદ્યોગ મહત્ત્વનો બન્યો છે.
૧૦. એપેરલ : આપણે જે વસ્તુઓ શરીર પર ધારણ કરીએ છીએ તે સઘળાં ‘એપેરલ’ની વ્યાખ્યામાં આવે છે. ગુજરાતમાંથી એપેરલ કક્ષામાં આવતી અનેક વસ્તુઓની વાર્ષિક નિકાસનું મૂલ્ય ૨ બિલીયન યુ.એસ. ડોલરથી વધારે છે.
ગુજરાતના અર્થતંત્ર સામેના પડકારોના વિશ્લેષણ પહેલાં આપણે ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિની સમીક્ષા કરીને આગળ વધીશું. (ક્રમશઃ)
Comments
Post a Comment