સોના ચાંદીમાં આગ ઝરતી તેજી  

                                                                           - પ્રવીણ ક. લહેરી   

તા.૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૫ - પ્રથમ નવરાત્રિના દિવસે એક આશ્ચર્યકારક ઘટના બની. એક જ દિવસમાં સોનાના દસ ગ્રામના ભાવમાં રૂા.૧,૭૦૦/-નો વધારો થઈ દસ ગ્રામ સોનાની કિંમત રૂા.૧,૧૬,૦૦૦ ને આંબી ગઈ છે. તે જ દિવસે ૧ કિલો ચાંદીના ભાવમાં રૂા.૩,૫૦૦/-નો વધારો થઈને ચાંદી (૧કિલો)ના ભાવ રૂા.૧,૩૬,૦૦૦/- નો નોંધાયો. છેલ્લાં એક વર્ષથી સોના-ચાંદીના ભાવોમાં જે ઝડપે ઉછાળા આવ્યા છે તેના કારણો અનેક છે. આજથી ૫૫ વર્ષ પહેલાં મારા લગ્ન થયા ત્યારે સોનાના દસ ગ્રામનો ભાવ રૂા.૧૭૦/- હતો અને આજે એક જ દિવસે ત્યારના સો ગ્રામ સોનાનો ભાવ રૂા.૧,૭૦૦/- નો વધારો થાય ત્યારે આપણા મુખમાંથી શબ્દો સરી પડે ‘તે હિનો દિવસો ગતા.’

ભારતમાં સોનાનો મહિમાન આગવો છે. સામાન્યમાં સામાન્ય પરિવાર પોતાની બચત સોના-ચાંદીમાં રોકે છે. સોના ચાંદીના ઘરેણાં એ ભારતીય મહિલા માટે સૌથી આકર્ષક વસ્તુ છે. લોકગીતમાં પણ ‘‘ઝટ જાઓ ચંદનહાર લાવો’’ કે ‘‘મને તો જોઈએ નવલખો હાર’’ જેવી પંક્તિઓ આપણા દેશની મહિલાની ઈચ્છાઓ સુપેરે વર્ણવે છે. સોનામાં કરેલું રોકાણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિશ્વના ૧૦ પ્રમુખ દેશો પાસે જે સોનું છે તેમાં સરકારો પાસેનો જથ્થો નીચે મુજબ છે.

૧. અમેરિકા ઃ ૮૧૩૨ ટન ૨. જર્મની ઃ ૩૩૫૨ ટન

૨. ઈટલી ઃ ૨૪૫૨ ટન ૪. ફ્રાંસ ઃ ૩૪૩૭ ટન

૫. રશિયા ઃ ૨૩૩૩ ટન ૬. ચીન ઃ ૨૧૯૨ ટન

૭. સ્વિટ્‌ઝરલેન્ડ ઃ ૧૦૪૦ ટન ૮. જાપાન ઃ ૮૪૬ ટન

૯. ભારત ઃ ૮૪૧ ટન ૧૦. નેધરલેન્ડ ઃ ૬૧૨ ટન

વર્ષ ૨૦૨૪ના આંકડા મુજબ આ ૧૦ દેશો પાસે સરકારી ખજાનામાં ૨૪૨૩૮ ટન સોનું હતું. ભારત અને ચીનની વસ્તી જ સૌથી વધુ નથી પણ આ બે દેશોની પ્રજા પાસે જેટલું સોનું છે તેના આંકડા જાણી અનેક લોકોની આંખો પહોળી થઈ જાય છે. ચીન અને ભારતના લોકો પાસે ખાનગી માલિકીનું સોનું છે તે ઉપરોક્ત ૧૦ દેશોની સરકારના સોનાથી વધારે છે. ભારત પાસે અંદાજે ૨૫૦૦૦ થી ૨૮૦૦૦ ટન સોનું છે. ભારતમાં મંદિરો પાસેનું સોનું ૫૦૦૦ ટન છે. ચીનમાંથી આધારભૂત માહિતી મેળવવી મુશ્કેલ લે પણ ચીનના લોકો પાસે અંદાજિત ૨૬૦૦૦ ટનથી ૩૧૦૦૦ ટન સોનું હોવાનો અંદાજ છે. આમ ભારત અને ચીનમાં કુલ સોનાનો જથ્થો અન્ય દેશોની સરખામણીમાં વધારે છે. સોનામાં રોકાણ એટલે કોઈ ચિંતા વિનાનું રોકાણ, હમેશાં વધતા ભાવોમાં ફાયદાવાળું રોકાણ.

ચીન અને ભારત દર વર્ષે ૬૦૦ થી ૮૦૦ ટન સોનું આયાત કરે છે. અનેક દેશો સોનાને જમીનમાં જ્યાં છે ત્યાં જ રહેવા દે છે. કૅનેડા પાસે જે ભુગર્ભમાં સોનું છે તે ખૂબ મોટા જથ્થામાં હોવાથી કૅનેડાની સરકાર કોઈ ગોલ્ડ રિઝર્વ રાખતી નથી. સોનું અને ચાંદી હજારો વર્ષથી કિંમતી ધાતુઓ ગણાય છે. તાજેતરમાં ચીન અને અમેરિકાની નજર એવી ધાતુઓ પણ છે કે જેની ઉપલબ્ધિ સીમિત છે. આવી ધાતુઓના ઉપયોગ વિના અનેક ચીજોનું ઉત્પાદન શક્ય નથી. આવી ધાતુઓનો જથ્થો એકત્ર કરવાની હોડ લાગી છે. અમેરિકાએ યુદ્ધમાં યુક્રેનને મદદ કરેલી તેના બદલામાં આવી દુર્લભ ધાતુઓ ખોદીને લઈ જવાના કરારો યુક્રેન પાસેથી લખાવી દીધા છે. રશિયા યુક્રેનના ઘણાં વિસ્તારો પર કબ્જો જમાવી રહ્યું છે ત્યારે આ દુર્લભ ધાતુઓનો મુદ્દો અમેરિકા અને રશિયા વચ્ચે તણાવતું નિમિત્ત બને તો નવાઈ નહીં.

ચાંદીનો વપરાશ પણ અનેક વસ્તુઓના ઉત્પાદનમાં થાય છે. ચાંદીના એક કિલોના ભાવ અને સોનાના એક તોલા (૧૧.૫ ગ્રામ) ના ભાવો લગભગ સરખા હતાં. આ વર્ષે ચાંદીમાં તેજી ખૂબ હોવાથી આ સરખામણીમાં ચાંદીની કિંમત ઝડપથી વધી રહી છે. ભારતમાં ગરીબ વર્ગના શ્રમિકોમાં પરંપરા રહી છે કે તે વર્ગની મહિલાઓ ચાંદીના જાડા કડા કે મોટી બંગડીઓ (બલોયા) પહેરે છે. આજે પણ ગરીબ વર્ગની મહિલા માટે ચાંદીના કડા-બલોયા એ આર્થિક બાબતનો સૌથી મહત્ત્વનો વિમો છે.

ભારત સરકારે એક યોજના હેઠળ મંદિરો, ટ્ર્‌સ્ટો, ખાનગી વ્યક્તિઓને સોનું લઈને તેની સામે ગોલ્ડ બોન્ડ આપ્યા છે. આ યોજનામાં થોડું વ્યાજ આપવામાં આવે છે પણ જમા કરાવેલા સોના સામે સોનું આપવામાં આવે છે. આજથી દસ વર્ષ પહેલાં ૩૦ થી ૩૨ હજારમાં ખરીદેલું સોનું આજે પરત મળે છે ત્યારે તેનું મૂલ્ય એક લાખ સોળ હજાર જેટલું થાય છે. આ ૧૦ વર્ષમાં ત્રણ ગણાથીવધારે વળતર અને થોડું વ્યાજ મેળવનાર લોકો માટે આ યોજના ખૂબ ફાયદામંદ રહી છે.

અનેક અર્થશાસ્ત્રીઓ માને છે કે દેશના લોકોએ સોનામાં કરેલું રોકાણ બિનઉત્પાદકીય છે. આ અર્થશાસ્ત્રીઓને લોકો પોથીપંડિત માને છે કારણ કે જમીનની લે-વેચના નફાના અપવાદ સિવાય સોનું લોકો માટે સારું વળતર અને પૂરી સલામતિ પૂરી પાડે છે. સરકારની લાખ કોશિષ બાદ લોકો માટે સોનું એટલે સોનું એ માન્યતા દૃઢ રહી છે. ભારત સરકારે સુવર્ણ નિયંત્રણ ધારો ઘડીને આપણા અર્થતંત્રના એક મહત્ત્વના ક્ષેત્રની બરબાદી નોતરી તેમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. ૩૦ થી ૪૦ વર્ષ દરમિયાન દાણચારી, ભ્રષ્ટાચાર અને ભેળસેળ પર અંકુશ ન મેળવી શકનાર સરકારે અંતે સુવર્ણધારો રદ કર્યો. આજે પણ સોનાના વેપાર પર કાળું નાણું રોકવાના નામે અંકુશો છે પણ તે અસરકારક નથી તે સૌ જાણે છે. હવે તો ભ્રષ્ટાચારના માધ્યમ તરીકે સોનાનો ઉપયોગ વ્યાપક બનતો જાય છે. લોકો કટાક્ષમાં અમુક અધિકારીઓને ‘સુવર્ણ પુરુષ’ કે ‘સુવર્ણ સન્નારી’ તરીકે ઓળખે છે. લાંચ રૂશ્વત વિરોધી ટીમ તરફથી ભ્રષ્ટ અધિકારીને ત્યાં દરોડા પડે છે ત્યારે રોકડ રકમ સાથે સોનાનો જથ્થો કિલો પ્રમાણે મળે છે. સરકાર સોનાને કાળા નાણાંનું સાધન માની તેના પર અંકુશો મૂકે છે પણ સામાન્ય લોકો માટે સોના પ્રતિના આકર્ષણમાં રતીભાર ઘટાડો થયો નથી. રામાયણમાં લંકા સોનાની નગરી હતી. તેમાં રાવણ પર વિજય મેળવીને લંકા જોતાં જોતાં લક્ષ્મણે કહ્યું કે; મોટાભાઈ આપણે અહીં જ રહી જઈએ તો કેવું સારું. આદિ કવિ વાલ્મિકી રામના મુખે જાણીતો શ્લોક બોલાવે છે; ‘જનની જન્મભૂમિ સ્વર્ગાત્‌ અપી ગરિયસી’ આજ રામ સીતાની સુવર્ણ મૃર્ગને પામવાની હઠ સામે ઝૂકી જતાં સીતાહરણનો પ્રસંગ બન્યો. આપણી કહેવત ‘જર જમીન ને જોરુ એ ત્રણેય કજીયાના છોરું’ ભૂતકાળમાં ઈજિપ્તના રાજાઓ (ફેરોએ) સુદાન બાજુથી સોનાની લૂંટ કરી ઈજિપ્તની પ્રાચીન સભ્યતા વિકસાવેલી. કેરોના મ્યુઝીયમમાં ટુટનખામના નામના યુવાન ફેરાના મમી પર ઓઢાડેલું સુવર્ણ કફન અને તેને રાખવા માટે બનાવેલી કોફિન પેટીનું સુવર્ણ કામ અદ્‌ભૂત છે. ટુટનખામનની કબર અકબંધ હતી અને તેમાંથી પાંચ જેટલું સોનું વિવિધ સ્વરુપે પ્રાપ્ત થયું હતું.

માનવજાતિ માટે સોનાનું આકર્ષણ અદમ્ય છે. આજે સોના કરતાં ઘણી મૂલ્યવાન વસ્તુઓ ધનિક લોકો વાપરે છે. ચશ્મા હોય કે ઘડિયાળ, પેન હોય કે પહોંચી, આભૂષણ હોય કે જરી, સોનાના ઉપયોગીતાની યાદી ખૂબ લાંબી છે. બપ્પી લહેરી જેમ અનેક વ્યક્તિઓ બે-ચાર કિલોના સોનાના દાગીના પહેરીને ધન્યતા અનુભવે છે.

રશિયન કહેવત છે; ‘‘સોનું કાંઈ સર્વસ્વ નથી પણ કોઈપણ વસ્તુ માટે સોનું જરૂરી છે.’’ એક ચિંતક તો માને છે; ‘‘જેના પાસે સોનું છે તે કાયદા ઘડે છે.’’ સોનું દરેક દેશમાં સ્વીકારાય છે. સોનું એ એક અલગ ભાષા છે જે સૌ કોઈ સમજે છે. મોલીઅરના કહેવા મુજબ; ‘‘સોનું કદરૂપાને પણ સુંદર બનાવે છે.’’ ઈટલીના લોકો માને છે; ‘‘જ્યારે સોનું બોલે છે ત્યારે દરેક જીભ શાંત પડી જાય છે.’’

આયુર્વેદમાં સ્વર્ણપ્રાશની વિધી બાળકોના સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. સુવર્ણયુક્ત ચ્યવનપ્રાશ સુવર્ણભસ્મવાળી દવાઓનું આગવું મહત્ત્વ છે. અગાઉ પડી ગયેલાં દાંતની જગ્યાએ સોનાનો દાંત બેસાડવાની પ્રથા હતી. હવે ઉચ્ચ ગુણવત્તાવાળા સિરામીકે દાંત માટે સોનું વાપરવાની પ્રથા બંધ કરાવી છે. આજનો જમાનો સુવર્ણ મુદ્રાના ચલણનો નથી પરંતુ અમેરિકાના જંગી દેવાની ચૂકવણી અને અન્ય ચલણોમાં વધતો જતો આંતરરાષ્ટ્ર્‌ીય વેપાર સોનાની આગઝરતી તેજીને ઘટવા દે તેવી સંભાવના નહીંવત્‌ છે.


Comments

Popular posts from this blog