કાયદાનું શાસન-૩
- પ્રવીણ ક. લહેરી
(૪) કાયદાઓની જટિલતા :
આજે કાયદાઓની સંખ્યામાં તો વિસ્ફોટ થયો છે. પેટા કાયદા, નિયમો, પેટા નિયમો, સ્પષ્ટતાઓ, પરિપત્રોનો રાફડો ફાટયો છે. ઈન્કમટેક્ષ, કસ્ટમ, એક્સાઈઝ, વેટ, સર્વીસ ટેક્ષના કાયદાઓ એટલા અટપટા છે કે તેમાં અનુભવી તજજ્ઞ પણ ગોથું ખાય જાય છે. કર નિવારણ અને વસૂલી માટે સરળ પદ્ધતિ હોય જ ન શકે તેવા ભાવ સાથે તંત્ર ગુંચવણો પેદા કરવામાં ઉદ્યમશીલ રહે છે. જે નાગરિકોને કાયદો પાળવો છે તે પણ શું કરવું અને શું ના કરવું તેની અવઢવમાં છે. કાયદાના ઘડતરમાં જે ચુસ્તતા અગાઉ હતી તે હવે લગભગ અદ્રશ્ય થઈ ગઈ છે. કાયદાના અમલ માટે તંત્ર પાસે ન તો જાણકારી હોય, ન તો સાધનો કે માણસો હોય, જે હોય તે કામ માટે સક્ષમ ન હોય તો તેવા કાયદાઓ કાગળ પર જ રહે છે. વાસ્તવિક પરિણામ શૂન્ય બરાબર હોય હોય છે.
(૫) લોકપ્રતિનિધિઓની ભૂમિકા :
ગ્રામપંચાયત, મ્યુનિસિપાલીટી/કોર્પોરેશનો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો હવે બંધારણીય વ્યવસ્થાનો ભાગ છે. આમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓની વૃત્તિ અને વલણ સમાજમાં ટીકાપાત્ર બન્યા છે. આ હોદ્દેદારોની અગ્રતા કંઇક અલગ જ હોય છે. સ્થાનિક પ્રશ્નોનો વાજબી ખર્ચે, યોગ્ય સમય મર્યાદામાં ઉકેલ ન થાય તો સમગ્ર વિકેન્દ્રીત વ્યવસ્થા માટે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. રાજય વિધાનસભા કે સંસદની સ્થિતિ તો એટલી દયાજનક છે કે તેઓ કદાપી શાંતિથી કોઈ કામ કરી શકતાં નથી. લોકપ્રતિનિધિઓ શાસન અને નાગરિકો વચ્ચે સેતુરૂપ બને તો દેશની અનેક સમસ્યાઓનું નિરાકરણ થાય. પશ્ચિમ બંગાળના ૩૪ વર્ષના દીર્ઘ સામ્યવાદી શાસનના અંત બાદ જે હકિકતો ઉજાગર થઈ રહી છે તે ફરી એક વખત સત્તા શાસકને ભ્રષ્ટ કરે છે અને ‘અમર્યાદિત સત્તા શાસકને અમર્યાદિત રીતે ભ્રષ્ટ કરે છે’ ની ઉકિતને યથાર્થ ઠેરવે છે. કાયદાના શાસન વિના દેશના વિકાસની દિશા બદલાશે અને ગાડી આડે પાટે ચાંદી જશે તેવું ભયસ્થાન છે.
(૬) અંધશ્રદ્ધા, વહેમ અને ધાર્મિક ઉન્માદ :
પંડિત નહેરુએ આઝાદીની મધ્યરાત્રિએ જે શબ્દો કહ્યા કે; “અમે નિયતી સાથે વાયદો કર્યો હતો” આ વાયદો ત્યારે જ પૂરો થાય જ્યારે દેશની અધિકાંશ પ્રજા વૈજ્ઞાનિક અને બુદ્ધિગમ્ય અભિગમ અપનાવે. આજે દેશમાં સર્વત્ર અંધશ્રદ્ધાના પૂર ઉમટ્યાં છે. વહેમના જાળામાં સામાન્ય માનવીનો વિવેક ફસાયો છે અને ધર્મના નામે ધતિંગ ચલાવતા ધૂતારાઓની આખી જમાત કાર્યરત છે. આ પરિબળો હકિકતમાં સ્થાપિત હિતોના હાથા બનીને લોકોને તેમની મુશ્કેલી કે દુર્દશા દૈવી છે તેવું સમજાવીને તેનું વિશેષ શોષણ કરે છે. યુવાન-યુવતીઓ પણ આવી કુરૂઢિઓથી મુક્ત છે તેમ માનવું ભૂલ ભરેલું લેખાશે. અનેક કહેવાતા ધર્મના આગેવાનો પોતાને કાયદાથી પર માનીને વર્તન કરે છે.
(૭) સંકુચિત મનોવૃત્તિઓ :
દેશની મહત્વની સમસ્યાઓ અંગે ચિંતન કરી પાયાની જરૂરીયાતો માટે રચનાત્મક અભિગમ અપનાવવાની જગ્યાએ ભાષા, ધર્મ, જાતિ, સંપ્રદાયના નામે અલગ અલગ ચોકઠાં રચીને વિતંડાવાદ કરી રાષ્ટ્રની એકતાને લૂણો લગાડવામાં આવે છે. અમુક સંકુચિત મનોવૃત્તિવાળી વ્યકિતઓએ જયારે કાયદાનો હેતુપૂર્વક છડેચોક ભંગ કર્યો હતો અને તેમના સામે ફોજદારી કાર્યવાહી આવશ્યક હતી ત્યારે વહીવટીતંત્રે અને ન્યાયતંત્રે તેમના તરફ નરમ વલણ અપનાવાના કિસ્સાઓ જાણીતા છે. વિરોધ માટે લોકશાહીમાં પૂરતી મોકળાશ હોવી જ જોઈએ, પણ બેજવાબદાર વર્તન સામે કોઈ કાર્યવાહી ન થાય ત્યારે કાયદાનું શાસન ઢીલું પડે છે. ભવિષ્યે દેશને એક મહાસત્તા તરીકે સ્થાપિત કરવો હોય તો રાષ્ટ્રીય એકતાને સુદ્રઢ કર્યા સિવાયનો કોઈ વિકલ્પ નથી.
(૮) જાહેર સેવકોની જવાબદારી :
જ્યાં સત્તા હોય ત્યાં જવાબદારી પણ હોવી જોઈએ. અધિકારનો ઉપયોગ કરનાર પોતાની ફરજથી અને કાયદાથી બંધાયેલા જ રહે છે. લોકપાલના કાયદાથી આ સિદ્ધાંતને સ્થાપિત કરવા પ્રયત્નો થઈ રહ્યાં છે. ભૂતકાળનો અનુભવ છે કે કોઈ ગોટાળા કે કૌભાંડમાં બોધરૂપ સજા થઈ નથી. બંધારણે સરકારી નોકરોને ખાસ રક્ષણ આપ્યું છે. આ રક્ષણની આડમાં લોકપ્રતિનિધિઓ અને લોકસેવકોએ તંત્ર સાથે સાંઠગાંઠ કરી છે તે તોડવાના પ્રયાસોમાં શ્રીમાન મોઇલીના અધ્યક્ષપદે રચાયેલ વહીવટી સુધારણા કમિશનની ભલામણોનો અમલ થાય તે જરૂરી છે. કાયદા નિયમો અને સ્વવિવેકમાં સ્વાર્થના ધોરણે નિર્ણયો કરનારનો દોષ દીવા જેવો સ્પષ્ટ હોય અને સજા ન થાય ત્યારે લોકોનો તંત્રમાંથી વિશ્વાસ ડગી જાય છે.
(૯) જનજાગૃતિ :
ઈજીપ્ત અને આરબ દેશોમાં થયેલ લોકઆંદોલન ફરી એક વાત સાબિત કરે છે કે જનશકિત હંમેશા અસરકારક રહે છે. જ્યાં જ્યાં નાગરિકો સજાગ છે, સારા-નરસાનો નિર્ણય વિવેકપૂર્ણ રીતે કરે છે અને અન્યાયનો મક્કમ પ્રતિકાર કરે છે ત્યાં દુઃશાસનોની ભૂજા થાકી જાય છે. ગાંધીજીનું સૌથી મહત્ત્વનું પ્રદાન એ જ રહ્યું છે કે જ્યારે લોકો નીડર બની શાસન વ્યવસ્થાને પડકારે છે ત્યારે સાચી ક્રાંતિ સર્જાય છે. કાયદાના શાસન માટે ભાવિ પેઢીએ ચિંતા સેવવાનો સમય છે. બંધારણના ૬૧ વર્ષમાં જે માળખું છે. પ્રક્રિયા છે, જોગવાઇઓ છે તેનું યથાર્થ મૂલ્યાંકન કરી “સર્વજન હિતાયએ સર્વજન સુખાય”ના ધોરણે ફેરફારો કરવા આવશ્યક છે.
તાજેતરમાં નેપાળમાં જે હિંસક આંદોલન થયું તેની પાછળનું મુખ્ય કારણ કાયદાના શાસનને બદલે પોતપોતાના ફાયદા માટે ચાલતું તંત્ર હોવાની ફરિયાદ વ્યાપક હતી. કોઈપણ દેશમાં કાયદાના શાસનનો અભાવ હોય ત્યાં પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી રહેવાની છે. સરકાર દ્વારા લોકોની લાગણીની ઉપેક્ષા કરવામાં આવે ત્યારે ગંભીર સ્થિતિનું સર્જન થાય છે. સાથે સાથે કોઈપણ દેશમાં વિકાસ અને સુવિધાનો અભાવ જોવા મળે ત્યાં વિકસીત દેશોના સ્થાપિત હિતો અસંમજ પેદા કરી વિકાસની યાત્રામાં અવરોધો પેદા કરે છે. ભારત માટે ૧૪૫ કરોડ લોકોને શાસન આપવામાં કાયદાનું શાસન ચુસ્ત રીતે ચાલે તે અનિવાર્ય છે. આપણે ત્યાં ન્યાયની ખૂબ જ ધીમી પ્રક્રિયાને કારણે પણ કાયદાના શાસનની અસરકારકતા ઓછી થાય છે. દેશના બંધારણ પ્રમાણે નાગરિકોની સુખાકારી અને સ્વતંત્રતાના મૂલ્યોને સુદૃઢ બનાવવા માટે જાગૃત નાગરિકોએ કાયદાનું શાસન સારી રીતે અમલમાં રહે તે બાબત જાગૃતિ અને તકેદારી રાખવી જરૂરી છે.
Comments
Post a Comment