કાયદાનું શાસન-૨   

                                                                      પ્રવીણ ક. લહેરી   

૩. ખર્ચાળ અને વિલંબિત ન્યાય :

ભારતના બંધારણના અનેક આગવા લક્ષણોમાં હક્કના ભંગ માટે પગલાં લેવાનો અધિકાર સામેલ છે. કલમ ૨૨૬ હેઠળ હાઇકોર્ટને વિશાળ સત્તાઓ પ્રાપ્ત છે. વકીલોની ફીની રકમમાં જે વધારો થયો છે તે પેટ્રોલની કિંમત કરતાં પણ અનેકગણો છે. સમગ્ર ન્યાયની પ્રક્રિયામાંથી તટસ્થતા અને વિશ્વસનિયતાનું ધોવાણ ચિંતાજનક હદે પહોંચ્યું છે. ન્યાયાધિશો પણ સમાજમાંથી જ આવે છે, કાયદાનું શિક્ષણ અધકચરૂ છે અને કામનો અસહ્ય ભરાવો છે તે હકિકતો સાચી છે પણ તેના ઉપાયો જ નથી ? સેંકડો પાનાંની એફિડેવીટો અને હજારો પાનાનાં કેસ પેપર્સમાં સાર ભાગ કેટલો ? અસીલોની મુશ્કેલીઓ સાંભળીને, સમજીને કોઈ લો કમિશને કદી સરળ પ્રક્રિયા માટે વિચારણા કરી છે ? કહેવાતા વહીવટી અને ન્યાયિક સુધારાઓ અસીલોની મુસીબતો અને ખર્ચમાં વધારો કરે છે. લોકઅદાલતના પ્રયોગે કયાંક સારા પરિણામો આપ્યા છે પણ ૧૦ વર્ષથી જૂના તમામ કેસોનો સમાજના ડાહ્યા અને અનુભવી, તટસ્થ અને વિશ્વસનીય માણસોની કોર્ટ રચીને નિકાલ ન થઈ શકે ? 

ન્યાયતંત્ર માટે કવિ દુષ્યંત કુમારણી ધર્મ માટે લખાયેલી પંક્તિઓ પ્રસ્તુત છે : 

“ગજબ હૈ સચ કો સચ કહેતે નહીં હૈ 

કુરાનો, ઉપનિષદો ખોળે બૈઠે હૈ” 

કાયદાઓની સંખ્યા ઘણી મોટી છે અને ન્યાય કાયદાની આંટીઘૂટીની ભૂલભૂલામણીમાં ખોવાયેલો રહે છે. કાયદાના શાસન માટે સ્વતંત્ર, તટસ્થ, ઝડપી અને અસરકારક તેમ જ સંવેદનશીલ ન્યાયતંત્ર અતિ આવશ્યક છે.

લોકશાહીનો પ્રાણ લોકશકિત છે. વિશાળ દેશ અને સવા અબજની વસ્તી ધરાવતા દેશમાં શાસનની ધૂરા લોકોએ પસંદ કરેલ પ્રતિનિધિઓ સંભાળે તે સ્વાભાવિક છે. ગાંધીવિચારમાં ગ્રામકક્ષાએ શાસનની મહત્ત્વની બાબતો પર અંકુશ હોય. સ્વાયત્તા હોય તે અપેક્ષિત હતું. નહેરુ યુગમાં રશિયન પદ્ધતિનું કેન્દ્રીય આયોજન અપનાવવામાં આવ્યું. આના પરિણામ સ્વરૂપ વિકાસ કે કલ્યાણના તમામ કાર્યોની જવાબદારી કેન્દ્ર/રાજય સરકારે સ્વીકારી. ૧૯૫૦ થી ૧૯૯૦ ના ચાર દાયકામાં સંસાધનોની અછત વચ્ચે સરકારે ખૂબ ઊંચા લક્ષ્યાંકો નક્કી કર્યાં. પાયાની ઔદ્યોગિક સવલતો, જાહેરક્ષેત્ર મારફત મોટા ઉધોગો અને કૃષિક્ષેત્રે સ્વાવલંબનની આર્થિક વિકાસની મજબૂત બુનિયાદ રચી શકાય. વસ્તી વધારો, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર, વિખવાદો અને અનેક પ્રકારના વ્યાયામના કારણે વિકાસની ગતિ મંદ રહી. ૧૯૯૦ના આર્થિક સુધારા બાદ વિકાસનો દર વધ્યો. સંપત્તિ નિર્માણની પ્રક્રિયા ઝડપી બની. નિકાસક્ષેત્રે પણ નોંધપાત્ર સફળતા હાંસલ થઈ. 

સામાન્યજન માટે મોંઘવારી, અસલામતી, બેરોજગારી અને ગરીબીના પ્રશ્નો વણઉકેલ રહેવાથી વિષમ સ્થિતિનું નિર્માણ થાય છે. આ વાતાવરણ કાયદાના શાસનને સ્થિર કરવામાં ભારે અંતરાયરૂપ છે. આ અંતરાયો દૂર કરવા માટે સજાગપણે સંવેદનશીલતાથી અને ગંભીરતાથી પ્રયત્નો કર્યા વિના રાષ્ટ્ર સ્થિરતા કે સમૃદ્ધિ ટકાવી શકશે નહીં તેવી દહેશત વાસ્તવિક છે. 

(૧) શિક્ષણ :

આજના વાતાવરણમાં શિક્ષણ દ્વારા તમામ યુવાન-યુવતીઓ પોતાની ક્ષમતાનો પૂર્ણ વિકાસ કરી શકે તેવી સવલતો અનિવાર્ય છે. વિકાસની સાથે જે વિપુલ તકો ઉપલબ્ધ થઈ છે તેનો લાભ આમ આદમી લઈ શકે તે માટે યોગ્ય શિક્ષણ, તાલીમ, કૌશલ્ય નિર્માણ દ્વારા ભાવિ પેઢીને સક્ષમ બનાવવાની છે. આ વિશ્વના સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવાની જ નહીં પણ સૌથી આગળ પહોંચવાની ત્રેવડ યુવાનપેઢીમાં છે. શાસનની જવાબદારી છે કે યુવાનો-યુવતીઓ માટે પર્યાપ્ત જોગવાઈ કરે. આજે સ્વનિર્ભર શિક્ષણ શોષણનું સાધન બની રહ્યું છે. તેજસ્વી વિદ્યાર્થીઓનો વિકાસ રૂંધાય રહ્યો છે. શિક્ષકોની સજ્જતા અપૂરતી છે. વિશ્વવિદ્યાલયો ઢાંચા અને ઘરેડમાંથી બહાર નીકળી શકતાં નથી. શિક્ષણના માળખામાં વારંવાર ફેરફારો થયા કરે છે. સુગ્રંથિત વલણના અભાવે અર્થકારણની માનવશક્તિની જરૂરિયાતો પૂરી પાડવામાં શિક્ષણ પ્રથા ઊણી ઉતરે છે. સમાન તકનો અભાવ દૂર થાય તો જ કાયદા સમક્ષ સૌને સમાનતા તક પ્રાપ્ત થાય. 

(૨) રોજગારી :

આપણે અવારનવાર છાપામાં વાંચીએ છીએ કે બેરોજગારીના કારણે દારુણ ગરીબીથી ત્રાસીને સમગ્ર પરિવારે આત્મહત્યા કરી. આ કરુણ પ્રસંગો પાછળ આર્થિક-સામાજિક માળખામાં જે વિકૃતિઓ રહેલી છે તે જવાબદાર છે. બેરોજગારી યુવાનોનું હીર ચૂસી લે છે. તેમને દિશાશૂન્ય કરી લે છે. સરકારે નેશનલ સ્કીલ ડૅવલોપમેન્ટ કોર્પોરેશનની રચના કરી રૂપિયા ૫૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. આ યોજનામાં અમલ કરનાર સંસ્થાએ લોન લેવાની છે. બેરોજગાર યુવાન-યુવતીને કૌશલ્ય અને સક્ષમતા બક્ષવામાં ધીરધારનો શાહુકારી અભિગમ કેટલો વાજબી છે ? જેમને રોજગારી મળવાની છે તે વ્યકિત કામ કરીને રાષ્ટ્રનિર્માણમાં પ્રદાન કરવાની છે. આજે તેની આર્થિક સ્થિતિ સારી નથી તો તેમણે તાલીમથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ દુઃખદાયક છે. યોગ્ય અગ્રતાક્રમ નકકી કરવામાં સરકારની નિષ્ફળતા છે. 

(૩) સામાજિક સલામતિ :

જીવનમાં મુશ્કેલીઓ આવે છે, અકસ્માતો સર્જાય છે. આજે સુખરૂપ ચાલતી જીવનની નૈયા તોફાનમાં સપડાય જાય છે. વ્યકિત માથે દુઃખનો પહાડ તૂટી પડે છે. આવા સંજોગોમાં મુકાયેલ વ્યકિત/પરિવારની વહારે ચડવાની સમાજ અને સરકારની ફરજ છે. અનેક નાની નાની યોજનાઓ છે પણ તે હેઠળ પાત્ર લાભાર્થીઓમાંથી ભાગ્યે જ ૨૦ થી ૩૦ ટકા સુધી સહાય પહોંચે છે. અજ્ઞાન, યોજનાની આંટીઘૂંટી તંત્રની ઉદાસીનતા અથવા ખોટી અપેક્ષાઓને કારણે લાભાર્થીઓ વંચિત રહે છે. વિકસીત રાષ્ટ્રોની સામાજિક સલામતીની યોજનાઓ આર્થિક મંદીના બહાના હેઠળ ભાંગી પડી છે અથવા તો લંગડાતી ચાલે છે. પરિવારના સભ્યો વચ્ચેના સબંધોમાં પણ લાગણીનું સ્થાન પૈસાએ લીધું છે. વૃદ્ધો, વિધવાઓ, વિકલાંગો માટે કપરો સમય આવ્યો છે. આ સંજોગોમાં સુવ્યવસ્થિત અને સર્વગ્રાહી સામાજિક સુરક્ષા કવચ નકકી થાય તેમજ તેનો લાભ પાત્ર વ્યકિતને સમયસર મળે તો દેશમાં જે તનાવપૂર્ણ સ્થિતિ છે તેમાં ચોકકસ સુધારો થાય.


Comments

Popular posts from this blog