કાયદાનું શાસન-૧
- પ્રવીણ ક. લહેરી
લોકશાહીના પાયાના મૂલ્યોમાં સ્વતંત્ર્તા, સમાનતા અને ન્યાયની વિભાવના રહેલી છે. તમામ વ્યકિતઓ જન્મથી સ્વતંત્ર અને સમાન છે. સૌને સમાન હક્કો સુખપૂર્વક ભોગવવાની વ્યવસ્થા કરવી તે શાસનનું કર્તવ્ય છે. ભારતીય સમાજ સેંકડો વર્ષો સુધી અનેક વાડાઓમાં વિભાજિત થયેલો રહ્યો એટલું જ નહીં પણ અસ્પૃશ્યતા, ઊંચનીચના ભેદ, સામાજિક અને આર્થિક શોષણ, જડ જ્ઞાતિ-વ્યવસ્થા અને તેના બંધનો, કુરૂઢિઓ અને વહેમોના કારણે આપણા દેશના અગણિત નાગરિકો, સ્ત્રીઓ, આદિવાસીઓ, દલિતો, અન્ય પછાત જૂથો, વિચરતી કોમના લોકો અધિકાર વિહોણા રહ્યાં છે તે એક હકીકત છે. દેશની સાંપ્રત સમસ્યાઓમાં સૌથી મહત્ત્વની સમસ્યા સમાનતા અને સામાજિક ન્યાયની છે. વસ્તી વધારો, મોંઘવારી, ભ્રષ્ટાચારના કારણે આપણી ગતિ વિરુદ્ધ દિશામાં થઈ રહી છે. મર્યાદિત સાધનો પર આધિપત્ય મેળવવાની હોડ લાગી છે. સૌની ઈચ્છા ધનવાન થવાની જ નથી પણ સૌથી વધારે ધનવાન થઈ વિશ્વના ધનિકોમાં ટોચનું સ્થાન મળે તેવી છે. આ મહેચ્છા પૂરી કરવાના પ્રયત્નમાં જે કરીએ તે યોગ્ય જ છે તેવી ધારણા હવે તો આસ્થા તરીકે સ્થાપિત થઈ છે. વૈરાગ્ય, ભકિત, સેવા અને મોક્ષનો ઉપદેશ આપનારાઓ પણ પોતાનું “નેટવર્થ” સાચું મૂલ્ય કરોડો અને અબજોમાં ગણાય ત્યારે હર્ષિત થઈ જાય છે.
કાયદાના શાસનનો ઉપાલંભ કરતી ઉકિત છે “ગરીબો પર કાયદાનું શાસન ચાલે છે અને કાયદા પર શ્રીમંતોનું” મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જે મર્યાદાઓ છે તેમાં સંપત્તિ પર થોડા લોકોની પકડ અને બહુજન સમાજ માટે પાયાની જરૂરિયાતોની ઉણપ એ ગંભીર ક્ષતિ છે. આપણા દેશમાં હાલ આ સ્થિતિ વ્યાપક રીતે દ્રષ્ટિગોચર થઈ રહી છે. દેશના પ્રશ્નો અંગે મૌલિક ચિંતન કરી વ્યવહારિક સલાહ આપનાર શ્રી સી. રાજગોપાલાચારી (રાજાજી) નું કહેવું હતું કે “કઠોર પરિશ્રમ કરો, ધીરજ ધરો, જૂઠું ન બોલશો, એકબીજાને છેતરશો નહી. પૈસાનો મોહ ન રાખશો, નહીંતર આફત પેદા થશે. પ્રજાનું ચારિત્ર્ય દૂષિત થશે તો લોકશાહીનો મૃત્યુઘંટ વાગશે.”
સ્વરાજ અંગે અગમવાણી ઉચ્ચારતાં ગાંધીજીના શબ્દો પણ કેટલા પ્રસ્તુત છે ! તેઓએ કહ્યું હતું કે; “સ્વરાજ આજે કે લાંબા વખત સુધી અંગ્રેજી રાજ્ય કરતાં બહુ સારું હોવાનું નથી. સ્વરાજ મળ્યું એટલે એકદમ સુખી થઈ જવાના નથી. સ્વતંત્ર થઈશું તેની સાથે જ ચૂંટણીમાં રહેલાં સઘળાં દોષો, અન્યાયો, શ્રીમંતોની સત્તા અને જુલમ તેમ જ વહીવટી બિનઆવડત આ બધું આપણી પર ચઢી બેસવાનું. આ જંજાળ ક્યાંથી આવી પડી એમ લાગવાનું. લોકો અફસોસ સાથે ગયા દિવસો યાદ કરશે કે આ કરતાં તો પહેલાં વધારે ન્યાય હતો, શાંતિ હતી. લાભ એટલો જ હશે કે આપણે એક જાતિ તરીકે આપણા માથેથી અપમાન અને ગુલામીનું કલંક ઉતરશે. સ્વરાજ સુખ આપનારું ત્યારે જ થશે જ્યારે બચપણથી જ શુદ્ધ આચરણ, ઈશ્વરનો ડર અને પ્રેમભાવના ખીલશે, નહીંતર સ્વરાજ એ ધન-સત્તાના ઘોર અન્યાયો અને જુલમનો ભરેલો ઘોર નરક આવાસ જ રહેશે”. સ્વરાજ પછીના આજના વાતાવરણમાં ગાંધીજીના નિરીક્ષણની સચ્ચાઈ સામે આવીને ઊભી છે. દેશમાં કાયદાનું શાસન મજબૂત બને તેમાં અનેક અંતરાયો છે. કાયદાના શાસનના લાભો છેવાડેના માનવી સુધી પહોંચાડવા માટે આ વિઘ્નો સત્વરે, સમજણપૂર્વક અને સાચી દાનતથી દૂર કરીએ તો દેશમાં સ્થિરતા, સલામતી અને સુખાકારીનું પ્રમાણ અવશ્ય વધશે.
૧. વ્યકિતગત સંવેદનાનો અભાવ :
સમાજને ટકાવી રાખવા માટે તેમાં રહેતી વ્યકિતઓ વચ્ચે સંવેદનાનો સબંધ અનિવાર્ય છે. આપણે આપણા દેશ કે સાથી નાગરિકોની સમસ્યા પ્રતિ ઉપેક્ષા જ સેવીશું તો સામાજિક તાણાવાણા ઢીલા પડશે. ગ્રામીણ સંસ્કૃતિમાં સબંધોમાં અસમાનતા અને શોષણ હતા પણ સાથે સાથે એક ગામના હોવું તે વ્યકિત માટે અનેકવિધ જવાબદારીનું મૂળ હતું. આજે આપણે પાડોશીને ઓળખતા નથી, પારિવારિક સબંધો છીછરાં બન્યા છે. દરેક વ્યકિત “મારે શું - મારું શું”ના ધોરણે જ વિચારે તો વ્યકિતગત સમસ્યાઓ સતત વધતી રહે. આપણે તેનો અનુભવ દરરોજ કરીએ છીએ પણ તેના ઉકેલ માટે કોઈ ઠોસ કામગીરી કરતાં નથી. સ્વાર્થ અને લાલચ ભ્રષ્ટાચારના મૂળીયાં છે તે નિર્મૂળ કેમ કરવા તે પ્રશ્ન છે.
સંવેદનાના અભાવે જ્યારે કોમી હુલ્લડો પિશાચી સ્વરૂપ ધારણ કરે છે ત્યારે શાયર અકબરના આ શેર યાદ આવે છે.
“પંડિત કો ભી સલામ, ઔર મૌલવી કો ભી
મજહબ નહીં ચાહીએ, મુજે ઈમાન ચાહીએ”
૨. જરીપુરાણી શાસન વ્યવસ્થા :
આપણા બંધારણે ૧૯૩૫માં બ્રિટીશરોએ બનાવેલા કાયદાનો વહીવટી-ધારાકીય અને ન્યાયતંત્રનો ઢાંચો અપનાવ્યો. આ નિર્ણય સભાનપણે દેશની એક્તા સુદ્રઢ કરવા લેવામાં આવ્યો હતો. ચૂંટણી દ્વારા લોકપ્રતિનિધિઓ વિધાનસભા સંસદમાં આવે પછી તેમની અંગત જવાબદારીઓ શું ? ફરજો શું ? તેઓ માટે યોગ્ય શું ? અયોગ્ય શું ? તેની સ્પષ્ટતાનો અભાવ આપણને નવા નવા કાયદાઓ, નિયમો અને અર્થઘટનો કરવા પ્રેરે છે, પરંતુ વિધાનગૃહો તેની ભૂમિકા સારી રીતે અદા કરી શકે તેવો માહોલ નથી. કારોબારી સત્તા પર વિધાનસભાનો અંકુશ હોય તે સંસદીય લોકશાહીમાં જરૂરી છે પરંતુ પાર્ટીઓના હાઈકમાન્ડ ઈચ્છે તેમ સભ્યોએ કઠપૂતળીઓને ખેલ ભજવવાનો હોય તેવી સ્થિતિએ વિશાળ સત્તા ધરાવતી સંસદ-વિધાનસભાઓને પાંગળી બનાવી છે. ગૃહની કાર્યવાહીમાં શોરબકોર, હીન ભાષાનો ઉપયોગ, મારામારી અને ગૃહ મોકૂફીના જેટલા પ્રસંગો બને છે તેની કલ્પના બંધારણના ઘડવૈયાઓને નિઃશંક રીતે ન હતી. કોઈપણ કાયદો ઊંડાણપૂર્વક ચર્ચામાં લીધા વિના જ પસાર થાય. સમિતિઓના અહેવાલોની ભલામણો ઠંડા બસ્તામાં મૂકી દેવાય અને વાર્ષિક બજેટ પણ થોડી મિનીટોની ઔપચારિકતા સાથે મંજૂર કરી દેવાય તેમાં સાંસદનો કારોબારી પર કોઈ અંકુશ જણાતો નથી.
કારોબારીના બે અંગો - રાજકીય નેતાગીરી અને સચિવો-કર્મચારીઓની કાયમી ફોજ. આઝાદીના શરૂઆતના વર્ષોમાં ક્યાંક સહયોગ તો ક્યાંક સંઘર્ષ સામાન્ય હતા પરંતુ ઉભય પક્ષે એવો આગ્રહ હતો કે નિર્ણય યોગ્ય હોવો જોઈએ. આજે માહોલ જુદો છે. બંને પક્ષે સગવડિયું સમાધાન સ્વીકાર્યું છે. એટર્ની-જનરલ કે એડવોકેટ જનરલની સલાહ/અભિપ્રાય પણ શંકાના દાયરામાં છે. ઓડિટર-જનરલ કે જાહેર હિસાબ સમિત્તિના અહેવાલોના થોકબંધ પાનાં પીળા પડી જાય ત્યાં સુધી તેના પર કાર્યવાહી થતી નથી. તકેદારી પંચો- માહિતી કમિશનરો કે લોકાયુકતો કોઈ નોંધપાત્ર ફરક પાડી શકયા હોવાનો પૂરાવો ઉપલબ્ધ નથી. કારોબારીના ઉચ્ચ સત્તાધિશો કાયદાના ભંગ માટે આરોપીના પાંજરામાં ખડા થઈ રહ્યાં છે ત્યારે સામાન્ય જનની નવાઈ એ વાતની છે કે સૌ જાણતા હતાં તો પણ આંખ આડા કાન કેમ કરતાં હતા ? સૌએ ગાંધારી જેમ આંખે પાટા બાંધીને જાતે જ વાસ્તવિકતા ન જોવાના શપથ લીધા છે કે શું ?
સતત જાગૃતિ એ સ્વતંત્રતા અને સમાનતા માટેની પૂર્વ શરતો છે.
Comments
Post a Comment