પ્રદુષણ વિનાની ઉર્જા
પ્રવીણ ક. લહેરી
આદિ માનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર બે બાબતો હતી. એક તો આગનો ઉપયોગ અને પૈડાની શોધ. આજે પણ આ બે વસ્તુઓ આપણા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હજારો વર્ષ સુધી માનવજીવનના વિકાસમાં ધીમી ગતિ હતી. વરાળ યંત્ર (સ્ટીમ મશીન) બોઈલરની શોધના કારણે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. અનેક વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી ઉર્જા વરાળ આધારિત (થર્મલ) હતી. પરિવહનમાં પણ સ્ટીમ એન્જીન અને રેલ્વે લાઈન થકી લોકો અને માલસામાનની હેરફેર ઝડપી બની હતી. વિજળી, વિજળીનો બલ્બ, ટ્યૂબ, પંખા, મોટરગાડી, ફિલ્મ, વિમાન જેવી શોધના કારણે વિશ્વનું સ્વરૂપ જ બદલાઈ ગયું.
શરૂઆતમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોલસો હતો. ત્યારબાદ હાઈડ્રોકાર્બન થકી પેટ્રોલ, ડિઝલ વગેરેના ઉપયોગથી ઉર્જા પેદા કરી તેનો ઉપયોગ નિરંતર વધતો જ રહ્યો છે. કોલસો, પેટ્રોલ, કે ડિઝલના વપરાશના કારણે હવામાં કાર્બન ડાયોકસાઈડ, કાર્બન મોનોકસાઈડ, લેડ જેવા ઝેરી તત્ત્વોનું પ્રમાણ હવામાં વધતું હોવાથી પ્રદૂષણની ગંભીર સમસ્યા પેદા થઈ. અનેક શહેરોમાં તો પ્રદુષણ એટલું હાનિકારક બન્યું કે ત્યાંના રહેવાસીઓ માટે બિમારીઓ વધી.
વર્ષ ૧૯૭૨માં સ્ટોકહોમમાં મળેલી ‘‘કોન્ફરન્સ ઓન પોલ્યુશન ર્ઝ્રંઁ’’ દ્વારા વિશ્વના દેશોએ સંકલ્પ પત્ર થકી આપણી ભાવિ પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રદૂષણ ઘટાડવા અને પ્રદૂષણ વિનાનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. વિશ્વ માટે ચિંતાનો વિષય એ છે કે દર વર્ષે સરેરાશ તાપમાન ઊંચું જઈ રહ્યું છે. આના કારણે ધ્રુવ પ્રદેશોની બરફની ખૂબ જાડી, લાંબી અને પહોળી ચાદરમાં કાણાં પડવા લાગ્યા છે. હિમપ્રપાત સાથે અને પીગળતા બરફના વિશાળ જથ્થાના કારણે સમુદ્રની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. અનેક ટાપુઓ અને સાગરકાંઠાના શહેરોના અસ્તિત્વ પર ખતરો પેદા થયો છે. ર્ઝ્રંઁ ની પેરિસમાં મળેલી કોન્ફરન્સે થર્મલ પાવર પ્લાન્ટ પર પ્રતિબંધ મૂકતા ઉર્જાની જરૂરિયાત માટે વૈકલ્પિક/બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો શોધી તેનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વિકસીત દેશોમાં ઉર્જાનો વપરાશ અને વાહનોની સંખ્યા વિશેષ હોવાથી તેઓ વૈશ્વિક પ્રદૂષણ માટે જવાબદાર છે. તેમના તરફથી પ્રાયશ્ચિત રુપે જે વિકાસશીલ દેશો કાર્બનનો વપરાશ ઘટાડે અને વૈકલ્પિક અને સ્વચ્છ સ્ત્રોત દ્વારા ઉર્જા પેદા કરે તેને કાર્બન ક્રેડિટ થકી વળતર આપવું. થર્મલ ઉર્જા સિવાય એટોમિક ઉર્જા, હાઈડ્રો (જળ) ઉર્જા આપણને ખૂબ મોટો વીજ પુરવઠો આપી શકે પણ એટોમિક પાવર સ્ટેશનમાં પેદા થતો કચરો રેડિયો એકટીવ હોય તેના સલામત નિકાલની સમસ્યા ખૂબ જટિલ છે. હાઈડ્રો ઉર્જા માટે મોટા બંધો અને જમીન દબાણના કારણે પ્રશ્નો પેદા થાય છે. ખાસ કરીને હિમાલય જેવા પહાડોની નદીઓને નાથવાથી અકસ્માતે મોટું નુકશાન થવાની શક્યતા રહે છે.
વૈકલ્પિક/બિનપરંપરાગત ઉર્જા માટે પવન-ઉર્જા અને સૂર્યઉર્જા શ્રેષ્ઠ છે. મધ્યયુગમાં પવનચક્કી દ્વારા કૂવાઓમાંથી પાણી કાઢવા માટે, અનાજ દળવાની ઘંટી ચલાવવા માટેની વ્યવસ્થા હતી. હવે પવનચક્કી સાથે ડાયનામા દ્વારા વીજ ઉત્પન્ન કરવાની ટેકનોલોજી ખૂબ સારી રીતે વિકસી છે. શરૂઆતમાં ૧૦૦ કિલોવોટથી શરૂ થયેલી પવનચક્કીની ક્ષમતામાં જબરજસ્ત વધારો થઈને ૨.૪ મેગાવોટની ક્ષમતા ઉપલબ્ધ છે. પવનચક્કી જે જગ્યાએ હવાની અવરજવર તીવ્ર હોય અને વર્ષ દરમિયાન ૨૦૦ થી૨પ૦ દિવસ પવનચક્કી સારી રીતે કામ કરી શકે તેમ હોય તો જ તેમાં કરેલા મૂડીરોકાણનું વળતર મળે છે. પવન ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે મૂડીરોકાણ કરનાર વ્યક્તિ કે કંપનીને પ્રથમ વર્ષે જ ૧૦૦ ટકા ઘસારો (ડેપ્રિશિયેશન) મેળવી આવકવેરામાં મોટી બચત થાય તેવી જોગવાઈ કરી હતી.
આપણા ભારત દેશમાં સૂર્યને ઉર્જાના મૂળ સ્ત્રોત તરીકે પૂજવાની પરંપરા ખૂબ પ્રાચીન છે. વર્ષમાં ૯ થી ૧૦ માસ મોટાભાગના વિસ્તારોમાં સૂર્ય પ્રકાશ સારો હોવાથી આપણા પૂર્વજો અનાજ, કઠોળ વગેરે સૂકવવા માટે સૂર્ય તાપનો ઉપયોગ કરતા હતા. મહિલાઓ અથાણા-પાપડ, વડી બનાવવા માટે પણ સૂર્યના તાપનો ઉપયોગ કરતાં હતાં. રાંધતા પહેલાં અનેક વસ્તુઓને પલાળીને તાપમાં મૂકી રાખવાની પરંપરા હતી. સૂર્યપ્રકાશને ઉર્જામાં પરિવર્તન કરવા માટે જે સિલિકોન ચીપ્સ જરૂરી છે. તેની ટેકનોલોજી અને ઉત્પાદન પર પાશ્ચાત અને વિકસીત રાષ્ટ્રોને અંકુશ હતો. સૂર્ય ઉર્જાની ૧ મેગાવોટ ક્ષમતા સ્થાપિત કરવા માટે રૂા. ૮ થી ૧૦ કરોડનો ખર્ચ હતો અને દરેક વિજયુનિટની કિંમત ૧૦ થી વધારે હોવાથી તે પરવડે તેમ ન હતું. છેલ્લાં થોડાં વર્ષોમાં ચીન અને ભારત સહિત અનેક દેશોમાં સોલાર ઉર્જાની પેનલનું ઉત્પાદન શરૂ થયું અને સૂર્યઉર્જામાં કરેલું મૂડીરોકાણ ૪ થી પાંચ વર્ષમાં પરત મળે તેટલું વળતર મળતાં સૂર્ય ઉર્જાનો વિકાસ ઝડપી બન્યો છે. પવનઉર્જામાં જે સ્થળની પસંદગીમાં મર્યાદા છે તેના પ્રમાણમાં સૂર્યઉર્જા લગભગ તમામ સ્થળે ઉત્પન્ન કરી શકાય તેમ છે. હાલ તો દરેક ઘરના ધાબે પાણી ગરમ કરવા અથવા વીજ પેદા કરવા માટે સોલાર પેનલો લાગેલી આપણે જોઈ શકીએ છીએ.
ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબદ્ધતા વ્યકત કરતાં સંકલ્પ કરેલો કે અમારા દેશમાં જે પરંપરાગત(પ્રદુષણ કરતી) વીજની સ્થાપિત ક્ષમતા છે તેની પ૦ ટકા જેટલી ક્ષમતા અમે વર્ષ ૨૦૩૦ સુધીમાં સ્થાપીશું. અનેક લોકોને આ સંકલ્પ અતિશયોક્તિ ભરેલ લાગેલો પણ વર્ષ ૨૦૨પ માં જ આ સંકલ્પ સિદ્ધ કરીને ભારતે મુદતના પાંચ વર્ષ પહેલાં પોતાનું વચન પાળ્યું છે. પ્રદૂષણ નિવારણ અંગે મોદી સરકારની પ્રતિબદ્ધતાની સૌને ખાતરી થઈ છે. આગામી પાંચ વર્ષમાં પરંપરાગત અને વૈકલ્પિક સ્ત્રોતોમાંથી મળતી ઉર્જાની સ્થાપિત શક્તિ વધારે થાય તો તેમાં નવાઈ ન ગણવી. પવન અને સૂર્યઉર્જાની સ્થાપિત ક્ષમતા સામે ૧૫ થી ૨૦ ટકા વીજ ઉત્પાદન થાય છે તે મર્યાદા ધ્યાને રાખી આપણે પ્રદૂષણ વિનાની ઉર્જાની ક્ષમતા સતત વધારતા રહીએ તે આપણા અને સમગ્ર વિશ્વના હિતમાં છે.
જુલાઈ ૨૦૨૫ માં ભારતમાં ઉર્જાની ક્ષમતા ૪૯૦ ગીગા વોટ એટલે કે ૪,૯૦,૦૦૦ મેગાવોટની છે. તેમાં બિનપરંપરાગત સાધનોની સ્થાપિત ક્ષમતા ૨૩૬ ગીગાવોટ ૨,૩૬,૦૦૦ મેગાવોટની છે. જેનું પ્રમાણ ૪૯ % છે. બિનપરંપરાગત ઉર્જાની સ્થાપિત ક્ષમતા ખૂબ ઝડપથી વધી રહી છે. સૂર્યઉર્જા માટે કૅનાલો પર, રેલ્વે ટ્રેક પર, રણમાં અને મકાનો ઉપર સતત સૂર્યઉર્જાની પેનલ ગોઠવાઈ રહી છે. આપણા દેશની ૪૯૦ ગીગાવોટનું વિશ્લેષણ કરતાં જુદા જુદા સ્ત્રોતો દ્વારા જે ક્ષમતા છે તેની ટકાવારી નીચે મુજબ છે.
૧. થર્મલ ૪૫.૬ %
૨. હાઈડ્રો ૧૦.૧૯ %
૩. ન્યુકિલર ૧.૮૧ %
૪. ઓઈલ અને ગેસ ૪.૨૭ %
૫. સોલાર ૨૩.૯૮ %
૬. પવન ૧૦.૬૬ %
આજે જે વૈકલ્પિક ઉર્જાની ક્ષમતા ૨૩૬ ગીગાવોટ છે તે વધારીને ૨૦૩૦ માં પ૦૦ ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક છે.
આપણા દેશમાં વર્ષ ૨૦૩૧ માં ૩૬૬ ગીગાવોટ પાવરનો વપરાશ હશે તેવું તારણ સર્વે બાદ નક્કી થયું છે. ખાસ કરીને પરિવહનક્ષેત્રે ઈલેકટી્રક કારનો વપરાશ અનેક ગણો વધશે તેમાં શંકા નથી. થોડા દિવસ પહેલાં આપણા લોકપ્રિય પ્રધાનમંત્રીએ મારુતિ સુઝુકીના ગુજરાતના પ્લાન્ટમાં ઈલેકટ્રિક કાર લોન્ચ કરી. આ કારનો વપરાશ ભારતમાં થશે જ પણ તેને ૧૦૦ જેટલાં દેશોમાં નિકાસ કરવાનું લક્ષ્ય છે. બિનપરંપરાગત ઉર્જાક્ષેત્રે ભારતમાં બનતી ઈલેકટ્ર્ીક કારોનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં પડશે. જો કે ચીને ઈલેકટ્રીક કારના ક્ષેત્રે હરણફાળ ભરી છે. ચીનની ઈલેકટ્રિક કારની રેન્જ ૮૦૦ કિ. મી. ની છે અને તેની બેટરી પૂરી ચાર્જ કરવામાં માત્ર ૧૦ મિનિટ જ થાય છે. અમેરિકાની ટેસ્લા કારને વિશ્વ બજારમાં પડકાર આપે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ભારતે વૈકલ્પિક ઉર્જા અને તેના ઉપયોગો માટે સંશોધન ક્ષેત્રે યોગ્ય મૂડી રોકાણ કરવું અનિવાર્ય છે. અનેક સ્ટાર્ટઅપ પણ આ કામગીરી સફળતાપૂર્વક કરી યુનિકોર્ન બની શકે તેવી સંભાવના છે.
ભવિષ્યની પેઢીઓને સુરક્ષિત વિશ્વ આપવા માટે આપણા પ્રદૂષણ વિનાની ઉર્જા જ વાપરવી જરૂરી છે. કમનસીબે હજી દરેક દેશ આ બાબતમાં ગંભીર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ટ્રમ્પ પેરિસ કન્વેન્શનને માત્ર બકવાસ છે તેમ કહી અમેરિકાને પ્રદૂષણ અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થામાં બહાર કાઢી લે છે.
Comments
Post a Comment