રખડતાં કૂતરાંઓનો ત્રાસ
- પ્રવીણ ક. લહેરી
તાજેતરમાં સ્ાુપ્રિમ કોર્ટના એક ચુકાદાએ શેરીઓમાં રખડતાં કૂતરાંઓના ત્રાસ અંગે ખૂબ રસપ્રદ અને ઉગ્રવિવાદ છેડાયો છે. માણસના સૌથી વફાદાર મિત્રની ઉપમા મેળવનારા શ્વાન માટેનો પ્રેમ તો મહાભારત જેવા મહાકાવ્યમાં પણ નોંધાયેલો છે. જ્યારે પાંડવો હિમાળે હાડ ગાળીને સ્વર્ગારોહણ કરી રહ્યાં હતાં ત્યારે તેમની સાથે એક શ્વાન હતો. યુધિષ્ઠરે એવ આગ્રહ સેવ્યો હતો કે શ્વાનને સ્વર્ગમાં પ્રવેશ મળે. યમરાજાએ તે માન્યું. આપણી ગ્રામીણ સંસ્કૃતિમાં પાળેલા પશુઓ પરિવાર સાથે જ રહે તેવી પ્રથા સામાન્ય હોય. ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરા, ઊંટ વગેરે તેના માલિક સાથે મકાન પાસેના ફળીયા કે વાડામાં જ રહેતા. ઘેટાં-બકરા સાથે માલધારીઓ ખુલ્લા આકાશ નીચે સીમ કે ગૌચરમાં રહેતાં. સાથે રહેતાં પશુઓ અને માનવી વચ્ચે અકલ્પ્ય આત્મિયતા રહેતી હતી. મેં નાનપણમાં જોયેલું અમારી એક ગીર ગાય ચરીને પાછી આવે ત્યારે મારા માતુશ્રી તેને રોટલી-રોટલા ખાતા સમયે ગાય મારા માતુશ્રી સાથે માથું ઘસી તેનો પ્રેમ વ્યકત કરતી રહે. આજે પણ ગામડામાં અનેક મારકણાં પશુઓ પરિવારના ચોક્કસ સભ્યને જ દૂધ દોહવા દે.
દિલ્હીમાંથી શેરીમાં રખડતાં તમામ કૂતરાઓને પકડીને આશ્રય સ્થાનમાં રાખવાની વ્યવસ્થા કરો અને આ હૂકમના અમલ સામેના વિરોધને ગણકારવો નહીં તેવા બે ન્યાયમૂર્તિની બેંચના આદેશોથી થયેલી નારાજગીના કારણે આ આદેશની સમીક્ષા માટે ત્રણ ન્યાયમૂર્તિની બેન્ચે સુનાવણી કરી આખરી આદેશ અનામત રાખ્યો છે. સંભવ છે કે આ લેખ પ્રકાશિત થાય ત્યાં સુધીમાં આ અંગે નિર્ણય આવી જશે. આજ તો આ ચર્ચામાં અનેક અવનવી બાબતો ઉજાગર થઈ છે. આ હકીકતો એટલી ગંભીર છે કે આપણે જીવદયાના નામે કે શ્વાન પ્રેમમાં પ્રશ્નની ગંભીરતાની અવગણા કરી શકીએ નહીં.
સૌથી પ્રથમ બાબત એ છે કે ભારતમાં ૩૬ કરોડ પરિવાર વચ્ચે શેરી કૂતરાની સંખ્યા ૬ કરોડની છે. અનેક દેશોની માનવ વસ્તી કરતાં આપણા દેશમાં કૂતરાની જે સંખ્યા છે તે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રકોર્ડમાં નોંધણી કરાવી શકાય છે. ભારતના દર છ પરિવારમાંથી ૧ પરિવાર ૧ શેરી કૂતરાને દત્તક લઈને તેને પાળેલા શ્વાનનો દરજ્જો આપે તો ચપટી વગાડતાં સુધીમાં આ પ્રશ્ન ઉકલી જાય.
૨. રખડતાં શેરી કૂતરાંઓ, કૂપોષણ, સ્વચ્છતાના અભાવ અનિયંત્રિત વસ્તી વધારા અને અકસ્માતે ઈજા કે મૃત્યુ જેવી બાબતોથી પીડિત છે. જીવદયાના સમર્થકોનો પશુઓ માટે તો અંધપ્રેમ હોય તે તેની અંગત માન્યતા છે. જ્યાં સુધી પશુ પ્રત્યેની જીવદયા અન્ય નાગરિકો માટે ખતરારૂપ ન બને ત્યાં સુધી વ્યક્તિગત માન્યતા/આગ્રહો અંગે આપણે કશું ન કહીએ, પરંતુ જ્યારે પાળેલાં પશુઓ કે શેરીમાં રખડતાં પશુઓની વર્તણૂક જોખમી બને ત્યારે તેને ગંભીર સમસ્યા ગણવી જ પડે.
૩. આજે શહેરો હોય કે ગામડાંઓ માણસોની વસ્તીની ગીચતા ઊંચી છે. રસ્તાઓ વાહનવ્યવહાર કે ચાલવા માટે સાંકડા પડે છે. ત્યારે રસ્તે રખડતાં કૂતરાંઓ કે બેસેલી કે ફરતી ગાયો અને શેરી વચ્ચે લડતાં આખલાઓ નાગરિકો માટે જાન લેવા સાબિત થઈ રહ્યાં છે.
૪. જે પરિવારો કૂતરાં પાળે છે તે તેને ખૂબ લાડ લડાવે છે. કૂતરાંઓ પણ ઘરના દરેકનો સ્વભાવ ઓળખી તેમની સાથે સાનુકૂળ વર્તન કરે છે. કૂતરાંઓના આહાર, તાલીમ શિક્ષકો સારવાર માટેના દવાખાના અને માલિક વતી શ્વાન સાચવવાની પ્રવૃત્તિઓ શહેરમાં અર્થતંત્રમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. મેં થોડો અભ્યાસ કર્યો તો આશ્ચર્યજનક વાત એ જાણવા મળી કે ચાણક્યએ શ્વાનની આઠ ખાસિયતો વર્ણવી છે.
૧. જિજ્ઞાસા, કૂતરાંઓ ગંધથી વસ્તુ પારખીને તેનું સ્મરણ રાખે છે. કોઈ નવી વસ્તુ કે વ્યક્તિને સૂંઘવા તે ખૂબ તત્પર રહે છે.
૨. વફાદારી, કૂતરાંઓ માલિક સાથે મૈત્રીભાવ સાથે સાથે ખૂબ વફાદારી દર્શાવે છે. માલિક પરિવારની રક્ષા માટે જાન આપવામાં પાછી પાની ન કરનારા કૂતરાંઓના કારણે આપણે શ્વાનને વફાદાર મિત્ર તરીકે ઓળખીએ છીએ.
૩. નવીનતા પ્રત્યે આકર્ષણ :
શ્વાન કોઈ નવી વ્યક્તિ કે વસ્તુને જુએ છે તેની જિજ્ઞાસા સાથે તે જોઈને ખૂબ ખુશી અનુભવે છે. મરી, વિનેગર, કિલનીંગ મર્ટિરીયલ અને અમુક ગંધથી કૂતરાંઓ પરેશાન થઈ જાય છે. આ વર્તુઓનો ઉપયોગ કૂતરાંઓને દૂર રાખવામાં થાય છે.
૪. હિંમત અને નિડરતા :
કૂતરામાં આક્રમક વૃત્તિ રહેલી છે. મૂળ વરુના કૂળમાંથી આવેલ પ્રાણી તેની જાત પ્રમાણે ઓછા વત્તે અંશે ભલે ખતરનાક હોય પણ માલિકની રક્ષા માટે કૂતરો સદાય તૈયાર રહે છે. જીવના જોખમે માણસને બચાવનાર શ્વાન પરિવારને ખુશી અને સલામતી પૂરા પાડે છે.
પ. સર્તકતા :
કૂતરો હમેંશાં સતર્ક રહે છે. વિદ્યાર્થીઓના ગુણોની યાદીમાં શ્વાન નિંદ્રા એ પ્રથમ લક્ષણ છે. કૂતરો સહેજ હલચલ કે અવાજથી નિંદરમાંથી ઊઠી જાય છે. ઘર અને સોસાયટીમાં અજાણ્યા માણસના પ્રવેશને રોકવાની ફરજ તે બજાવી શકે છે.
૬. સંયમ :
અન્ય પ્રાણીઓ જેમ કૂતરો ચંચળ નથી પણ મોટા ભાગે કોઈ બિનજરૂરી ખાદ્ય પદાર્થ તરફ તે ભૂખ સિવાય જોતો નથી. થોડી તાલીમ પામેલા શ્વાનની વર્તણૂક શિસ્તબદ્ધ કરી શકાય છે.
૭ . પ્રવૃત્તિમય :
પોતાના આરોગ્ય માટે કૂતરાને ચાલવું, દોડવું, રમવું ખૂબ ગમે છે. સંયમ અને જિજ્ઞાસાના સંતુલન ઉપરાંત દોડભાગ કરવામાં તેને આનંદ આવે છે. માલિકે દૂર ફેંકેલી વસ્તુ મોમાં રાખી પાછી આપવાનું તેને ગમે છે.
૮. સંવેદનશીલતા :
કૂતરો ખૂબ સંવેદનશીલ પ્રાણી છે. માલિકની નારાજગી કે ક્રોધથી તે વિહ્વળ થઈ જાય છે. ગંધ પારખવાની તીવ્ર શક્તિના કારણે તે ભૂકંપ સહિત અનેક પ્રસંગે આગવું વર્તન કરી આવી રહેલી આફત અંગે આપણને સાવધાન કરવા પ્રયાસ કરે છે.
દરેક ભાષામાં કૂતરાઓ અંગે વિવિધ કહેવતો છે. જોગાનુજોગ આ કહેવતો અમુક પ્રકૃતિ ધરાવતા માણસોને આબેહૂબ લાગુ પડે છે. કવિ નરસિંહે ગાયા મુજબ, ‘‘શકટનો ભાર જયમ શ્વાન તાણે’’ - ગાડા નીચે ચાલતો કૂતરો માને છે કે ગાડાનો ભાર તેના પર છે. અમુક માણસો બીજાના કામનો જશ પોતાના ખાતામાં જમા થાય તે માટે સતત કાળજી કરે છે. બીજી કહેવત છે કે ‘‘ભસતા કૂતરાં કરડે નહીં’’ આ કહેવત પર ટિપ્પણી કરતાં કોઈકે ધ્યાન દોર્યું છે કે કૂતરો ક્યારે ભસવાનું બંધ કરી કરડવાનું શરુ કરે તે નક્કી નથી. એ જ રીતે આજે તો વાદળો ગાજે છે અને એકી સાથે ફાટીને જળબંબાકાર કરી દે છે. ત્રીજી કહેવત છે. ‘‘શેવાનું બે ય વાતે દુઃખ , ખીજે કરડે અને રીઝે ચાટે’’ આપણને અમુક માણસોને તેમના વલણ માટે ચમચા કે ચીપકુની ઉપમા મળે છે. તેઓ વિના કારણ ખુશામત કરી શકે છે અને પોતાનો મકસદ પાર ન પડે ત્યાં સુધી ચીપકી રહે છે. ચોથી કહેવત છે ‘‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી’’ આ કહેવત કૂતરાંની શારીરિક રચના સાથે જડ પ્રકૃતિ ધરાવતા માણસોને પણ લાગુ પડે છે. ગમે તેટલું સમજાવો પણ તે પોતાની વાત છોડતા નથી.
આપણા દેશમાં દરરોજ કૂતરાં કરડવાના અનેક બનાવો બને છે. હડકવા વિરૂદ્ધ રસી મોટા પાયે બનાવવી પડે છે. કૂતરાંના કરડવાથી અને લોકો ભારે મુશ્કેલીમાં મૂકાય છે. એક લઘુકથા સાથે આપણે શ્વાન પુરાણનો અધ્યાય સમાપ્ત કરીએ. એક ડોશીમાને કૂતરો કરડ્યો. હડકવા થવાની સંભાવના હતી. ડોશીએ પૌત્રને બોલાવી થોડા લોકોના નામની યાદી તૈયાર કરી. ઘરના સભ્યોએ પૂછ્યું કે આ યાદી શું કામ લખાવો છો તો ડોશીમાએ જવાબ આપ્યો કે, ‘મને હડકવા થાય તો મારે કોને કરડવું તેની યાદી છે !’
Comments
Post a Comment