ભારતની આકરી કસોટી-૨

                                                                                 - પ્રવીણ ક. લહેરી

શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના શાસનના દ્વિતીય મુદતમાં તેમણે જે ઝડપથી અને તીવ્રતાથી નિર્ણયો કર્યા છે તેથી તેમની સરખામણી મહંમદ તઘલખ  સાથે કરવામાં આવે છે. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના દાદા કોઈ કાયદાકીય જવાબદારીમાં છટકવા જર્મનીથી નાસીને અમેરિકા આવ્યા હતાં. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તે રીતે બીજી પેઢીના હિજરતી ગણાય. આમ છતાં વિદેશીઓ અમેરિકામાં આવીને સ્થાયી થાય તેની સામે તેમને સખ્ત વાંધો છે. અમેરિકાની તમામ સમસ્યાઓ માટે વિદેશથી આવેલા લોકો જ જવાબદાર છે તેવી માન્યતા (વહેમ)તેઓ ધરાવે છે.  ભારતીય મૂળના કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા અને ત્યાંના નાગરિક બનેલા ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજે ૫૫ લાખની છે. આ ઉપરાંત ૩ લાખ થી ૭.૫ લાખ ભારતીય મૂળના લોકો અમેરિકામાં ગેરકાયદેસર નિવાસ કરે છે. શ્રી ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે ગેરકાયદે રહેતા વસાહતીઓને પકડીને તેમને જંજીરોમાં બાંધી, માથે ટકો કરીને ખૂબ અમાનવીય અને અમાનુષી રીતે દેશ નિકાલ કર્યા છે. ભારતીય મૂળના લોકો પ્રત્યે પણ કોઈ માનવીય અભિગમ દર્શાવ્યો નથી. ટ્રમ્પ અને તેમના ટેકેદારો મૂળભુત રીતે શ્વેત લોકો જ શ્રેષ્ઠ છે તેવી માનસિકતા ધરાવે છે.

અમેરિકામાં રહેલાં ભારતીયોએ  અવકાશ, વિજ્ઞાન, ડિજીટલ ટેકનોલોજી, મેડીસીન એન્જીનિયરીંગ અને શૈક્ષણિક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. અમેરિકાની ૫૦ જેટલી બહુરાષ્ટ્રીય  કંપનીઓના વડા સંચાલકો તરીકે ભારતીય મૂળમાં લોકો  (જે ૨૫-૩૦ વર્ષ પહેલાં અમેરિકા આવ્યા છે) તેનાથી અમેરિકામાં ભારતની ક્ષમતા જોઈને ડરની લાગણી પેદા થઈ છે. હમાસ અને ઈઝરાયલ યુદ્ધમાં ઈઝરાયલને ભારતે શરુઆતમાં સમર્થન આપી હમાસના આતંકવાદને રોકવાની ઈઝરાયલને છૂટ છે તેવું કહ્યું. ત્યારબાદ  અમેરિકાની ઈચ્છા પ્રમાણે ઈઝરાયલે અને ખુદ અમેરિકાએ ઈરાન પર હુમલા કર્યા. તેના કારણે મારે ઈરાનને અણુબોંબ બનાવતાં રોકવાનું છે તેમ કહ્યું. સૌના આશ્ચર્ય વચ્ચે ઈરાને અમેરિકાના બે લશ્કરી થાણાંઓ પર મિસાઈલ હૂમલો કર્યો. ઈઝરાયલ પર તો હજારો મિસાઈલો દાગીને તેની સૈન્યશક્તિનો મોટે પાયે વિનાશ વેર્યો. આ માટે ચીન-રશિયાનું છૂપું સમર્થન અને મદદ કારણભૂત છે. ભારતે ઈરાન સાથે દોસ્તી ધ્યાને લેતાં આ સંઘર્ષ પર કોઈ ટીકા-ટિપ્પણી ન કરી. અગાઉ અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લાદ્યા હતા ત્યારે પણ ભારતે તે પ્રતિબંધો માન્ય રાખ્યા ન હતાં. ભારતે ૧૯૯૮ માં બીજી વખત અણુપરીક્ષણ કર્યું ત્યારે પણ અમેરિકાએ ભારત પર પ્રતિબંધો મૂક્યા હતાં જે અસરકારક રહ્યા ન હતાં.

ત્યારબાદ  પાકિસ્તાન પ્રેરિત આતંકી હૂમલામાં કાશ્મિરના પહેલગામમાં ૨૬ હિંદુઓની હત્યા કરવામાં આવતાં ભારતે ૯ આતંકી  કેમ્પો પર હૂમલો કરી તેને નેસ્તનાબૂદ કરવાની કામગીરી કરી હતી. આનાથી છંછેડાયેલા પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલોથી ભારત પર  હૂમલો કર્યો. ભારતની એસ ૪૦૦ અને અન્ય સંરક્ષણ  પ્રણાલીઓને કારણે  પાકિસ્તાનના ડ્રોન-મિસાઈલો નિષ્ફળ રહ્યા. ભારતે પાકિસ્તાનના ૧૧ હવાઈમથકો પર એકી સાથે મિસાઈલોથી હૂમલો કરતાં પાકિસ્તાનની લડવાની શક્તિમાં મોટો ઘટાડો થયો. આ ૪ દિવસના યુદ્ધમાં એક રસપ્રદ બાબતે જે માન્યતા હતી કે પાકિસ્તાન અણુ રાષ્ટ્ર છે, એકસો કરતાં વધારે પરમાણુ  બોમ્બ ધરાવે છે તે ખોટી સાબિત થઈ. હકીકતમાં પાકિસ્તાન તો અણુ સંશોધન અને પરમાણુ બોંબ માટે અમેરિકાનું મહોરું માત્ર હતું. સમગ્ર અણુશક્તિનું માલિક અમેરિકા છે તેવું સ્થાપિત થયું. ઈસ્લામાબાદ નજીકના નૂરખાન હવાઈ મથક પર ભારતના બ્રહ્માસ્ત્ર મિસાઈલના સટીક પ્રહારથી અમેરિકા ચિંતામાં ડૂબ્યું. નૂરખાન બેઝનું સંચાલન અમેરિકા હસ્તક હતું અને તેના અણુશસ્ત્રો નજીકની પહાડીમાં ભૂગર્ભમાં સંઘરવામાં આવ્યા છે. ભારત બીજો હૂમલો કરે અને આ અણુશસ્ત્રોને હાનિ થાવ તો અતિ ગંભીર સ્થિતિ પેદા થાય. આ ઘટના અમેરિકાએ તેના ઉપપ્રમુખ વાન્સ દ્વારા જાહેર કર્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં તેને કાંઈ લેવા- દેવા નથી. પરંતુ ભારતના મિસાઈલ હૂમલાની સફળતા બાદ અમેરિકાએ  ભારત યુદ્ધ બંધ કરે  તેવી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાનને સમજાવી ભારત પાસે યુદ્ધબંધીની માંગણી કરાવી જે અચાનક યુદ્ધવિરામ થયો તેનો વિવાદ હજુ શમ્યો નથી. આ વિવાદ એટલે નિરર્થક છે કે અમેરિકાના હિતો પર સીધું જોખમ ઊભું થાય ત્યારે તે ટાળવા માટે તે પોતાની તમામ તાકાત કામે લગાડે તે સ્વાભાવિક ઉપક્રમ છે.

ઓપરેશન સિંદૂરનું યુદ્ધ સંપૂર્ણપણે ટેકનોલોજીની ક્ષમતાના આધારે લડાયું હતું. ચીનના મિસાઈલ અને તુર્કિયેના ડ્રોનનો જે રીતે હવામાં જ વિનાશ થયો તે જોઈને વિશ્વ ચોંકી ઊઠ્યું. શું ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા એટલી વિકસી છે કે તે સેંકડો ડ્રોનને એકી સાથે તોડી પાડે છે ? શું ભારત મિસાઈલ હૂમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી શકે છે ? શું ભારતે જાતે નિર્માણ કરેલાં મિસાઈલો તેના લક્ષ્યોને આટલી ચોકસાઈથી વિંધી શકે છે ? ભારત હવે સ્વતંત્ર રીતે સંરક્ષણ ક્ષેત્રે એક આગવી તાકાત ધરાવતો દેશ છે તેમ જણાતાં અમેરિકાના પેટમાં ગરમ તેલ રેડાયું છે. ભારતના આર્થિક અને ટેકનોલોજીના વિકાસને રૂંધવા માટે શ્રી ટ્રમ્પ અનેક બહાનાઓ કાઢીને ભારતને નુકસાન કરવા સક્રિય થયા છે. ભારત માટે આ આકરી કસોટી છે.

વિશ્વના સૌથી શક્તિશાળી દેશે હવે ભારતને મિત્ર ન માનતાં, સાથી લોકશાહી રાષ્ટ્ર ન ગણતાં દુશ્મન ગણીને બદલો લેવાના હેતુથી અનેક ઉપદ્રવો ચાલુ કર્યા છે. આપણા સૌ માટે આ કસોેટીનો કપરો કાળ છે. અત્યારે આપણે એ વાત યાદ રાખવાની છે કે અમેરિકા અતિ સ્વાર્થી, સ્વકેન્દ્રિત અને ગુરુતાગ્રંથી પીડાતો દેશ છે. ભારતીય તજજ્ઞોની જરૂર હોય ત્યારે તેમને એચ વન બી વીઝા આપવામાં ગ્રીનકાર્ડ અને નાગરિકતા આપવામાં તેણે સંકોચ રાખ્યો નથી. તેની યુનિવર્સિટીઓમાં તગડી ફી ભરી કરોડો ડૉલર્સની તેના અર્થતંત્રને કમાણી કરી આપે ત્યારે વિદ્યાર્થીઓને આકર્ષવા માટે તેના દૂતાવાસ સક્રિય રહે છે. હવે અમેરિકાને ચિંતા પેઠી છે કે ભારત આર્થિક અને લશ્કરી મહાસત્તા બને તો અમારા વૈશ્વિક આધિપત્યનું શું થશે ? બીજા વિશ્વયુદ્ધ બાદ અનેક દેશોએ આઝાદી પ્રાપ્ત કરી પણ તેમના આર્થિક વિકાસમાં અંતરાયો નાખવામાં શ્વેતપ્રજાએ અનેક કાવતરાંઓ કર્યા છે.

આવી વિષમ સ્થિતિમાંથી ચીન તો વર્ષો પહેલાં બહાર આવી ગયું. અમેરિકાએ ચીનને વિકસવામાં ખૂબ મોટી મદદ કરી પણ હવે તેનો પસ્તાવો કર્યે શું વળે ? 

ભારત રશિયાની મિત્રતાએ અવકાશક્ષેત્રે રોકેટ, મિસાઈલ, યુદ્ધ જહાજોના નિર્માણ અને અણુશક્તિના વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા નિભાવી છે. જો રશિયા, ચીન અને ભારત સંયુક્ત મોરચો રચે તો એશિયામાં અમેરિકી પ્રભાવના વળતાં પાણી થાય તેમાં કોઈ શંકા નથી.  પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોને પડખે રાખીને અમેરિકાના હિતો જળવાય નહીં તેની  ખાતરી થતાં તે હવે રઘવાયું થયું છે. આપણે અમેરિકા સાથેની દોસ્તી કદી લાભપ્રદ થશે તેવો વહેમ છોડીને અમેરિકા સાથેના સબંધો ખૂબ સાવચેતીથી સાચવવા પડશે. ન તો તેની ધાકધમકીને વશ થવાનું કે ન તો તેની પાસે કોઈ અપેક્ષા રાખવાની. દેશહિતની રક્ષા માટે વ્યવહારિક અભિગમ અપનાવીને આપણે આપણો આર્થિક વિકાસ જાળવી રાખી, સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી થકી શક્તિશાળી બનવા માટે તનતોડ મહેનત કરવાનો આ અવસર છે.

શ્રી શરદ પવારે સાચું કહ્યું છે કે; ‘‘તમામ આંતરિક મતભેદો દફનાવી આપણે રાષ્ટ્રીય હિતો માટે એકતા સ્થાપીશું તો અમેરિકાને ભારતની ક્ષમતા સાથે દૃઢતાનો પરિચય કરાવી શકીશું.’’ યુદ્ધમાં શું નુકશાન થયું  ?  શા માટે યુદ્ધ વિરામ કર્યો  ? જેવા પ્રશ્નો અત્યારે અસ્થાને છે. આપણી સામૂહિક ચિંતા એક જ હોવી જોઈએ કે અમેરિકી અને પશ્ચિમી દેશોના કાવતરાંને કેમ નિષ્ફળ કરવા. આ માટે સર્વસંમત અભિગમ અને પુખ્ત વિચારણા કરતા રહેવાની તાતી જરૂરિયાત છે. ૫૧ ટકા ટેરિફથી ભારતનો આર્થિક વિકાસ થોડો અટકશે પણ આપણે યાદ રાખવું જોઈશે કે કુલ નિકાસની ૧૮ ટકા નિકાસ જ અમેરિકા થાય છે. ૮૨ ટકા માટે આપણે અમેરિકા પર નિર્ભર નથી. અમેરિકી કંપનીઓના ઉત્પાદિત માલ સામાનનો ચૂપચાપ બહિષ્કાર, અમેરિકાના પ્રવાસોમાં ઘટાડો, અમેરિકી કંપનીઓ પર કર નાંખીને આપણે સ્વાર્થી અમેરિકાને સમજાવી શકીશું કે ભારત સાથે ઉચિત વ્વહાર કર્યા સિવાય કોઈ વિકલ્પ તેની પાસે નથી. કસોટી ભલે આકરી લાગે પણ આમાં અવસર છૂપાયેલો છે. સ્વદેશીનેા વપરાશ અને ટેકનોલોજીમાં વિકાસ થશે તો આપણું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત થશે.


Comments

Popular posts from this blog