ભારતની આકરી કસોટી્
- પ્રવીણ ક. લહેરી
કોરોના કાળ દરમિયાન અનેક દેશોએ આ મહામારીના માઠાં પરિણામો ભોગવ્યાં હતા. ભારત તેમાં અપવાદરૂપ ન હતું. અમેરિકા અને પશ્ચિમના ઘણાં વિકસિત દેશો કરતાં ભારતે મહામારીનો સામનો જે ધીરજ અને દૃઢતાથી કર્યો તેની વિશ્વમાં નોંધ લેવામાં આવી હતી. સૌથી વિશેષ તો ૧૪૫ કરોડ નાગરિકોને કોરોના સામે રક્ષણ આપતી રસી નિઃશુલ્ક અને જે ઝડપ અને ચોકસાઈથી મૂકવામાં આવી તે જોઈને સૌ આશ્ચર્યચકિત થયા. એક વિકાસશીલ દેશ માટે આ મોટી ઉપલબ્ધિ તો હતી. આ ઉપરાંત ભારતે ૧૦૦ થી અધિક નાના અને અવિકસીત દેશોને આ રસી સમયસર અને મફતમાં આપી ત્યારે અનેક દેશોની સરકાર અને પ્રજા આભારવશ થઈ હતી. જે કામ સુપરપાવર કે અન્ય વિકસીત દેશો કરવાનું વિચારે પણ નહીં તેવી સાચી સહાય અનેક દેશોને કશી અપેક્ષા વિના રસી પૂરી પાડીને ભારતની મોદી સરકારે એક નવો ચીલો પાડ્યો તે ઘટના અજોડ છે.
કોરોનાનો કહેર સમાપ્ત થયા બાદ ટૂંક સમયમાં યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તેમાં રશિયાએ યુક્રેન પર શા માટે હુમલો કર્યો ? આ પ્રશ્નના જવાબમાં અમેરિકા અને તેના નાટોના સભ્યદેશોએ રશિયા સાથે મિન્સક કરારનો ઊઘાડે છોગે ભંગ કરીને મધ્ય અને પૂર્વ યુરોપના દેશોને નાટોમાં ભેળવીને રશિયાની સરહદ સુધી નાટોની આણ પ્રવર્તે તેવું કર્યું. રશિયાએ ચેતવણી આપી કે એક સમયે યુક્રેન, યુ.એસ.એસ.આર.નો ભાગ હતો. તેને તમે નાટોમાં સભ્ય બનાવી અમારી સરહદ પર અસલામતિ ઉભી નહીં કરી શકો. યુક્રેનના સ્ટેન્ડ અપ કોમેડીયનમાંથી ઝેલેનેસ્કીએ સ્વાયત્તાના નામે અમેરિકાની ચડામણીથી નાટોમાં દાખલ થવાનો નિર્ણય કર્યો. પોતાની સરહદોની લાંબાગાળાની સલામતી માટે રશિયાએ ત્રણ વર્ષ પહેલાં યુદ્ધ છોડ્યું ત્યારે સૌની ધારણા હતી કે રશિયા ચાર-પાંચ દિવસમાં જ યુક્રેન પર કબ્જો કરી લેશે. શીતયુદ્ધના સમયમાં બળવો કરનારા હંગેરી અને ઝેકોસ્લોવેકિયા પર ગણતરીના કલાકોમાં રશિયાએ કબ્જો કરી લીધો હતો.
યુક્રેન સાથેના યુદ્ધમાં અમેરિકા અને નાટો દેશોએ આડકતરી રીતે ઝંપલાવીને અબજો ડૉલરના શસ્ત્રો યુક્રેનને આપીને રશિયાના આક્રમણને રોક્યું તેટલું જ નહીં પણ રશિયા હૂમલા દ્વારા યુક્રેન મારફત ખૂબ મોટા પાયે જાન-માલ અને શસ્ત્રોનું નુકશાન કર્યું. સામા પક્ષે રશિયાના સર્વેસર્વા પૂતિને પણ દૃઢતાથી આક્રમણ ચાલુ રાખ્યું. યુક્રેન-રશિયાના યુદ્ધને જીવંત રાખવામાં અમેરિકા અને નાટો રાષ્ટ્રોએ ખૂબ ભૂંડી ભૂમિકા ભજવી છે. પોતાના સ્વાર્થી હેતુ માટે યુક્રેનને એક પ્યાદું બનાવી, તેને તારાજ કરાવી અને લાખો લોકોને પોતાનું વતન છોડી જવું પડે તેવા માહોલ પેદા કરી રાખ્યો છે.
આવા મહત્ત્વના આંતરરાષ્ટ્રીય બનાવ સમયે રશિયાને આર્થિક રીતે નબળું પાડવા માટે અમેરિકાએ વિશ્વના તમામ દેશોને ફરમાન કર્યું કે તમારામાંથી કોઈએ રશિયા સાથે વ્યવહાર કરવાનો નથી. ભારતના વડાપ્રધાને રશિયાના આક્રમણને વખોડવા કરતાં ‘‘યુદ્ધ કોઈ પ્રશ્નનું નિરાકરણ કરશે નહીં’’ તેવું કહી પોતાની તટસ્થતા દર્શાવી. સાથે સાથે નરેન્દ્ર મોદી સરકારે સ્પષ્ટ કર્યું કે તેઓ અમેરિકી પ્રતિબંધો પાળવા બંધાયેલા નથી. રશિયા સાત દાયકાથી વધારે સમયથી ભારતનું વિશ્વસનીય મિત્ર રહ્યું છે. ભારત રશિયા પાસેથી ૭૦ ટકા જેટલા શસ્ત્રો ખરીદે છે તે ચાલુ રહેશે. રશિયા ભારતને ફ્રુડ ઓઈલ સસ્તા દરે અને રૂપિયાના માધ્યમથી આપે છે. તેથી ભારતની પ્રજાની ઉર્જાની જરૂરિયાતો પૂરી પાડવા માટે રશિયાથી ક્રુડ ઓઈલ આયાત કરશે. ભારતના આ નિર્ણયથી અમેરિકા ખૂબ નારાજ થયું પણ ભારત કોઈપણ સંજોગોમાં અમેરિકાના કહેવાથી રશિયા સાથેની મિત્રતા તોડવા માટે સહમત ન થયું.
આખા જગત પર જમાદારી કરતાં અને એકસોથી અધિક દેશોમાં ૮૦૦ લશ્કરી અડ્ડા જમાવી બેઠેલા અમેરિકા માટે ભારતની સ્વતંત્ર વિદેશનીતિ કારમા ઘા સમાન સાબિત થઈ. તત્કાલિન પ્રમુખ જો બાયડન તો ઉંમરગ્રસ્ત માનસિક મર્યાદાઓ અનુભવતાં હતાં. તેમના વહીવટીતંત્રે ભારત સાથે સાથી કે મિત્ર તરીકે વર્તવાને બદલે ભારતને ધાક-ધમકીથી વશમાં કરવા પ્રયત્નો કર્યા. ભારતની સ્પષ્ટ વાત કે અમે અમારા નિર્ણયો અમારી પ્રજાના હિતમાં જ કરીશું અને તેમાં બાહ્ય દબાણને વશ થવાનો પ્રશ્ન જ નથી. આનાથી અમેરિકાની નારાજગી ક્રોધમાં પરિવર્તન પામી રહી હતી.
જાન્યુઆરી-ર૦૨૫ માં નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર્જ સંભાળતા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દોસ્તી પરિસ્થિતિમાં ગુણાત્મક પરિવર્તન લાવશે તેવી આશા હતી. કમનસીબે ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ની ઉક્તિ જેવો અનુભવ થયો. પોતાની સોગંદવિધીમાં ભારતને ઉચ્ચસ્તરે ભાગ લેવા આમંત્રણ ન આપ્યું. ત્યારબાદ ટૂંક સમયમાં પ્રધાનમંત્રી મોદીએ વોશિંગ્ટનમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી. આ બેઠકના પરિણામે ભારતે અમેરિકા પાસેથી ઉર્જા અને સંરક્ષણના સાધનો મોટાપાયે ખરીદવા માટે કરાર થયા. આ કરારમાં જે એકપક્ષીય ધોરણ હતું તેનાથી સૌ ચોંકી ઊઠ્યા. અમેરિકા માટે મૈત્રી કે દુશ્મનીનો વિચાર જ કરવાનો હોતો નથી. તેમના માટે પોતાનો સ્વાર્થ અને સામાની શરણાગતી જ મહત્ત્વના છે. ભારતે ક્રમશઃ આ ખરીદી બાબત જરૂરી ગેરેન્ટી અને વ્યાજબી કિંમતની વાત કરતાં ફરી અમેરિકા નારાજ થયું. ‘‘મોદી મારા સારા મિત્ર છે પણ તેમનો દેશ-વિદેશ વ્યાપારમાં અમેરિકી હિતાને નુકશાન કરે છે તે હું હવે ચલાવી લઈશ નહીં.’’ અમેરિકાને ફરી મહાન બનાવવાના દિવા-સ્વપ્નો જોતાં જોતાં તેમણે કૅનેડા, બ્રાઝિલ, ચીન, ભારત, વિયેટનામ સહિત સંખ્યાબંધ દેશો અમેરિકાને અન્યાય કરે છે તેવું જણાવી અમેરીકામાં આ દેશોમાંથી આયાત થતાં સામાન પર ડ્યુટી નાખવાની ટ્રમ્પે ધમકીઓ આપી. આનો અમલ મુલત્વી રાખ્યો અને આયાત ડ્યૂટીમાં મનસ્વી આંકડા જાહેર કરી તેમાં ફેરફાર કરતા રહ્યા. સ્વતંત્ર વ્યાપરની વાત કરતું અમેરિકા પોતાની શરતોએ અન્ય દેશો વેપાર કરે તેવો દુરાગ્રહ રાખ્યો છે.
અમેરિકાએ ભારત સાથે વેપાર કરાર કરવા મંત્રણાઓ શરુ કરી પણ તેનો હેતુ મોન્ટેસેટો જેવી કંપની મારફત જેનીટીકલી, મોડીફાઈડ બિયારણ ભારતમાં પેસાડી સમગ્ર કૃષિષેત્રને એ કંપનીનું પરાવલંબી ક્ષેત્ર બનાવવાનો હતો. ત્યાંના દૂધ ઉત્પાદકોને ખૂબ સરકારી સહાય આપ્યા બાદ જે દૂધ અને તેના ઉત્પાદનો ભારતમાં ઠાલવી પશુપાલકોના હિત જોખમમાં મૂકવાનો છે. આપણા વ્યાપાર મંત્રીશ્રી પીયૂષ ગોયલે ખૂબ ધીરજ અને દક્ષતાથી અમેરિકાની આ ગેરવ્યાજબી માંગણીઓને સ્પષ્ટ ઈન્કાર કર્યો. ભારત સાથે ટ્રેડ ડીલ કરવામાં નિષ્ફળતા બાદ પ્રમુખ ટ્રમ્પે ભારતથી આયાત થતાં માલસામાન ઉપર ૨૫ ટકા ટેરિફ નાખી ત્યારબાદ ભારત રશિયા સાથે વેપાર કરે છે તેથી યુક્રેન યુદ્ધ લાંબુ ચાલે છે તેવી સાવ વાહિયાત વાતો કરીને બીજા ૨૫ ટકા એમ ૫૦ ટકા ટેરિફની જાહેરાત કરી. રશિયા પાસેથી ફ્રુડ ઓઈલ ન ખરીદવાના અમેરિકાની હૂકમની અવગણના કરવા માટે ૧ ટકો દંડ એમ અમેરિકા થતી નિકાસ પર ૫૧ ટકા જેટલો જંગી બોજ નાખીને ટ્રમ્પે તેની ભારત વિરુદ્ધની માનસિકતા પ્રકાશી છે.
ભારત માટે હવે નિર્ણાયક ઘડી આવી છે. અમેરિકાની ખુલ્લી દાદાગીરીને તાબે થવું કે એક સ્વતંત્ર, સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે પોતાના નિર્ણયોને દૃઢપણે વળગી રહેવું, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, ‘‘અમારા માટે કિસાનો, પશુપાલકો અને સાગર ખેડૂતોનું હિત સર્વોપરી છે અને ગમે તેવા દબાણની પરવા કર્યા વિના તે હિતોની રક્ષા કરીશું.’’ ભારતે આ રીતે અમેરિકાની જોહૂકમી સામે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. અમેરિકા ‘સુપરપાવર’ હોવાથી વિશ્વમાં સૌ એમની આજ્ઞા પાળવી તેવા ખ્યાલથી જે નિર્ણયો કર્યા છે તે અન્યાયી, સમજણ વિનાના અને જીદ્દી નિર્ણયો છે. ભારતે અમેરિકાને તેની સર્વશક્તિમાન હોવાની ભાવનાને પડકારી છે. ભવિષ્યે ક્યાં શું ઘર્ષણ થશે તે આપણે જાણતા નથી. એક વાત નક્કી છે કે ભારતે આ આકરી કસોટીમાંથી પાર ઉતરવાનું છે. આપણે શું કરવું જોઈએ તેની ચર્ચા હવે પછી કરીશું.
Comments
Post a Comment