નાગરિકોની ફરિયાદનું નિવારણ

                                                                                   - પ્રવીણ ક. લહેરી                                         કહેવા ખાતર તો લોકશાહીમાં પ્રજા એ જ રાજા છે. વાસ્તવમાં શાસનમાં એવો વિચિત્ર માહોલ નિર્માણ થયો છે કે પ્રજા પોતાની માંગણી કે અધિકારી માટે તંત્ર પાસે સાવ લાચાર સ્થિતિમાં છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દર મહિનાના એક ગુરૂવારે ‘સ્વાગત’ ઓન લાઈન કાર્યક્રમ હેઠળ લોકોની ફરીયાદો સાંભળી  તેનું નિરાકરણ કરે છે. એક ‘ સ્વાગત’ કાર્યક્રમમાં  પ્રશ્નની રજુઆત સાંભળીને મુખ્યમંત્રીશ્રીએ ઠપકાના સ્વરમાં અધિકારોને પૂછ્યું, ‘‘આ પ્રશ્નનો ઉકેલ તમારા હાથમાં હતો તો તેનું નિરાકરણ કેમ ન કર્યું ? હકીકતમાં આજે નાગરિકોના મનમાં આ જ પ્રશ્ન પેદા થાય છે કે કેમ વહીવટીતંત્ર સંવેદના ગુમાવી બેઠું છે ? શા માટે ચીલાચાલુ કામમાં વિલંબ થાય છે ? અરજદાર નાગરિક ધક્કાઓ ખાયને થાકી જાય કે ધીરજ ગુમાવી બેસે ત્યારે તંત્ર અને નાગરિક વચ્ચે ઘર્ષણના પ્રસંગો પણ ચિંતાજનક રીતે વધતાં  જાય છે. સરકારના નિયમો અને કાર્યપદ્ધતિ પ્રમાણે તંત્રમાં બેઠેલા માણસો કેમ કામનો ઉકેલ કરતાં નથી ? તંત્રની  લાપરવાહી, જડ વલણ અને આંટીઘૂંટીના કારણે હાઈકોર્ટમાં દર વર્ષે ૨૦ હજાર ઉપર રિટ પિટીશનો દાખલ થાય છે. આ સંખ્યા વર્ષોવર્ષ વધતી જાય છે. આ સ્પેશ્યિલ સિવિલ અરજીઓની સુનાવણી બાદ ૭૦ ટકા કેસોમાં અરજદારની તરફેણમાં હૂકમ આવે છે. જો કે આવા હુકમો થતાં સાતથી આઠ વર્ષનો સમય લાગે છે.

તાજેતરમાં રાજ્ય સરકારના કાયદા વિભાગે એક હુકમ કરીને રાજ્યના ચેરિટી કમિશ્નરની તમામ સત્તાઓ આંચકી લીધી. તેમણે કરેલા નિર્ણયો રદ કરી ફરી સુનાવણી માટે પણ આદેશ કરવો પડ્યો છે. આ શું દર્શાવે છે ? એક અધિકારીની બિનકાર્યક્ષમતા કે મેળાપીપણાના કેસો સાબિતી સાથે આપ્યા બાદ તે અધિકારી હોદ્દો-પગાર ભોગવે પણ તેને કોઈ કામ નહીં કે સત્તા નહીં - જવાબદારી તો નહીં જ. આવી અસામાન્ય સ્થિતિ નિવારવા માટે સરકારે વહીવટી સુધારણા સાથે મોટા પાયે સાફસૂફી કરવાનો સમય પાકી ગયો છે. જે જે કિસ્સામાં અધિકારીએ  વિલંબ કર્યો હોય, મિલીભગત કરી હોય અને ગેરકાયદે  ફાયદો ઉઠાવ્યોે હોય ત્યાં શિક્ષાત્મક કાર્યવાહી ત્વરીત અને અસરકારક રીતે થતી નથી તેથી પરિસ્થિતિ દિનપ્રતિદિન વણસતી જાય છે. લોકોમાં એક માન્યતા એવી છે કે તંત્રમાં નીચેથી ઉપર સુધી  એક ‘નેટવર્ક’ એટલું મજબૂત  છે કે તેમાં સામેલ થનારનો કોઈ વાળ વાંકો ન કરે તેવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પ્રજાને પોતાના હક્કો મેળવવામાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે તે હકીકતનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથીી. આના પાયામાં જે બાબતો છે તેનો સર્વાંગી ઉકેલ કર્યા વિના પ્રજાને સુશાસનનો અહેસાસ કરાવવો અશકય છે. શાસનમાં જે જે દૂષણો છે તેનાથી સૌ વાકેફ છે.  કમનસીબી એ છે કે આપણે વહીવટી સુધારણામાં ગંભીર નથી.

૧. વિલંબ :

વહીવટીતંત્રની સરખામણી કોઈ ગોકળગાય સાથે કરે છે ત્યારે  એવી ટીકા કરે છે કે ગોકળગાયને બિચારીને  શું કામ વગોવો છે. તે ધીમે ધીમે પણ ચાલે છે. તંત્ર ક્યારેક તો કુંભકર્ણ નિદ્રામાં સરી જાય છે. કચેરી કાર્યપદ્ધતિમાં રજૂ થતાં કાગળોનો કેમ અને કેટલા સમયમાં નિકાલ કરવો તે અંગેની સ્પષ્ટ જોગવાઈઓ છે. મુશ્કેલી એ છે કે સરકારમાં ‘ટેબલ ઈન્સ્પેકશન’ ની પદ્ધતિ સાવ મૂર્છિત અવસ્થામાં છે. વરિષ્ઠ અધિકારી આ મહત્વના કામમાં રુચિ ધરાવતા નથી. કોર્ટના આદેશોનો અમલ હોય કે મંત્રીશ્રીની સૂચના હોય પણ સબંધિત કર્મચારી તેને પણ કોરણે મૂકીને બેફિકરાઈથી સમય વ્યતિત કરે છે. વિલંબ આળસને કારણે છે કે લાલચના કારણે તે નક્કી કરવું મુશ્કેલ છે. વિલંબ નિવારવા માટે  સતત નિરીક્ષણ અને મોનીટરીંગ કરવું અનિવાર્ય છે. 

૨. લાંચ રુશવત  : 

આપણા જાણીતા કવિ મકરંદ દવેની પંક્તિ છે, ‘‘વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે રે !’’ સરકારી તંત્રમાં અરજીના કાગળો વજન વિના ઉડી જાય છે તેથી ‘‘ વજન મૂકે તે જીતે રે ભઈલા, ફેરા માર્યે કંઈ નવ વળે રે ’’ જેવો સુધારો પંક્તિમાં કરે છે. આજે તો સ્થિતિ એવી છે કે રેસ્ટોરન્ટના મેન્યુ જેમ દરેક વસ્તુના ભાવોનું મેન્યુ કાર્ડ છે. જો તમારે તમારી જમીન બિનખેતી કરાવવી છે તો ચોરસ મીટર દીઠ એટલા રૂપિયા આપવા જ પડે. તમારે બદલી કરાવવી છે તો ક્યા જીલ્લામાં કઈ પોસ્ટ મેળવવા શું ખર્ચ થાય તેની વિગતોથી તમામ  અધિકારી-કર્મચારી વાકેફ હોય છે. પોલીસ સ્ટેશન કે ચેક પોસ્ટ માટે તો હરાજી જેમ બોલી લાગતી રહે છે. અમુક જગ્યાએ બે-ત્રણ વર્ષ કામ કરનારાની સિદ્ધિ તો વૈષ્ણવજન જેવી  હોય છે. તેમના તો કૂળ એકોતેર તરી જાય છે. ભ્રષ્ટાચાર બાબત સમાજની સંવેદના પણ થીજી ગઈ છે. આવું તો હોય. આપણે તો શું કરી શકીએ. જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવો. 

૩. રાજકીય હસ્તક્ષેપ :  

ચક્રવતી ‘રાજગોપાચારી’  મદ્રાસ પ્રેસિડન્સીના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ધારાસભ્યોને તાકીદ કરી હતી કે તમે અધિકારીને નિયમોમાં બાંધછોડ કરવા દબાણ નહીં કરતાં. આપણા હાલના વડાપ્રધાનશ્રીએ પણ પ્રજાના પ્રતિનિધિઓને સ્વાર્થી કામગીરીથી દૂર રહેવા તાકીદ કરી હતી. કમનસીબે વહીવટના તમામ સ્તરે રાજકીય હસ્તક્ષેપ તો વધ્યો જ છે. પણ અમુક કિસ્સામાં ગુનેગારોનો તંત્ર પર અંકુશ આવી જાય છે. અમુક વિસ્તારોમાં દારૂઓના અડ્ડા, જુગારની કલબો, ટ્રકોની આવન જાવન, ખનીજનું ખોદકામ, સંપૂર્ણપણે તંત્રના નહીં પણ માફીયાઓના હાથમાં છે. આઝાદી બાદ સુશાસન આવશે તેવી અપેક્ષા આજે તો નિષ્ફળ ગઈ છે.

૪. ન્યાયતંત્રનો વિલંબ અને ખર્ચ :  

ન્યાયતંત્ર એ કારોબારીની ભૂલોને  સુધારવા માટેનું અસરકારક બંધારણીય માળખું છે.  આપણે  દરરોજ  કોર્ટ દ્વારા વહીવટી સૂચનાઓ અપાતા જોઈએ છીએ. વ્યક્તિગત કેસોમાં અરજીના સ્વીકાર બાદ સાત- આઠ વર્ષે નિર્ણય આવે છે તેના બદલે ત્રણથી છ માસમાં નિર્ણય આવે તો વહીવટીતંત્ર ગતિશીલ બની શકે. ન્યાય મેળવવાની પ્રક્રિયા ખૂબ જટિલ અને ખર્ચાળ છે. જેથી લાખો નાગરિકો ન્યાય મેળવવાથી વંચિત રહી જાય છે. ન્યાયતંત્રની કાર્યપદ્ધતિમાં જો ધરમૂળથી ફેરફાર શીઘ્ર નહીં કરવામાં આવે તો તેની ભૂમિકા તે ભજવી નહીં શકે. સરકાર સામેના લાખો કેસોનો ખાસ લોકઅદાલતો યોજીને ઝડપી નિકાલ કરી શકાય તેમ છે. આજે તો વ્યક્તિગત કેસના ચુકાદાના સિદ્ધાંતો સ્પષ્ટ હોવા છતાં અન્ય પડતર કેસોમાં તેનો અમલ કરવાની નાણાં વિભાગની અનિચ્છા કોર્ટોમાં કેસોની  સંખ્યામાં ઉમેરો કરે છે.

૫.  નાગરિકોને સાંભળીએ :

આજે  નાગરિક જ નહીં ધારાસભ્યો/સાંસદો ફરીયાદ કરે છે કે અધિકારીઓને  રજુઆત માટે મળવું મુશ્કેલ બન્યું છે. નાગરિકને શાંતિ અને સહાનુભૂતિથી સાંભળવા તે લોકશાહી પદ્ધતિમાં મંત્રી/અધિકારી માટે પ્રાથમિક ફરજ છે તેવો મારો નમ્ર પણ દૃઢ અભિપ્રાય છે. નાગરિકોની રજુઆત શાંતિથી તપાસી નિયમાનુસાર કાર્યવાહી કરે તો લોક ફરીયાદદનો અવકાશ જ ન રહે. પ્રજા અને શાસન વચ્ચે સંવાદનું વાતાવરણ નિર્માણ  કરીએ.  શાસન પ્રજા-કલ્યાણ અને વિકાસનું સબળ સાધન બને તેવી અભ્યર્થના.


Comments

Popular posts from this blog