શિક્ષણનું વ્યાપારીકરણ

                                                                             - પ્રવીણ ક. લહેરી

         નવું શૈક્ષણિક વર્ષ શરુ થયું અને રાજ્ય સરકારે ફી નક્કી કરનારી સમિતિની ભલામણો ધ્યાને લઈને મેડીકલ, એન્જિનિયર સહિત અનેક ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે ફી ની રકમ જાહેર કરી. આ રકમ એટલી જંગી જણાય છે કે ગરીબ અને નીચલા મધ્યમવર્ગને તે આંકડાઓ વાંચતા જ તમ્મર આવી જાય તો નવાઈ નહીં.

૧૯૮૦ ના દસકામાં અમેરિકામાં રોનાલ્ડ રેગન અને યુનાઈટેડ કિંગડમ્‌માં માર્ગરેટ થેચરના વડપણ હેઠળ મૂડીવાદનું વર્તમાન સ્વરુપ ઘડવાની શરુઆત થઈ. થેચર અને રેગનના અર્થશાસ્ત્રમાં નોંધપાત્ર માન્યતાઓ આ પ્રમાણે હતી. 

(૧)  સરકારની ફરજ કાયદો વ્યવસ્થા જાળવવાની અને લોકકલ્યાણ માટે માહોલ ઉભો કરવાની છે. (૨)  સરકારીતંત્રની જવાબદારી નથી કે તે વિકાસ કે લોકોની જરૂરિયાતની સીધી જવાબદારી લે.(૩) જ્યાં જ્યાં સરકારે લોકોના કલ્યાણ અર્થે સમાજવાદી સમાજ રચનાના આદર્શ સાથે જવાબદારી લીધી છે ત્યાં આર્થિક સંસાધનોનો વેડફાટ જ થાય છે. (૪) સામાન્ય રીતે માલના પુરવઠા અને માંગના પ્રમાણમાં કિંમત નક્કી થાય છે તેમાં સરકારી હસ્તક્ષેપ અનેક વિકૃતિઓનું સર્જન કરે છે. (૫) સંશોધન, વિસ્તરણ અને લોકકલ્યાણ માટે સરકારો ખૂબ મોટા આવર્તક ખર્ચ સાથે જે વ્યવસ્થા ગોઠવી છે તે સરકારી બજેટની ખાદ્ય માટે જવાબદાર છે. (૬) આવી સંસ્થાઓની કામગીરી ખર્ચના પ્રમાણમાં સાવ અલ્પ હોય છે. તેની જવાબદારીઓ પણ મર્યાદિત રહેતાં આવી સંસ્થાઓ દ્વારા સરકારી નાણાંનો બેફામ વ્યય થાય છે.(૭) શિક્ષણ એ વ્યક્તિ  માટે ભવિષ્યે નોંધપાત્ર વળતર આપે છે તે હકીકત ધ્યાને લેતાં ભણતર એટલે એક પ્રકારનું મૂડી રોકાણ છે. ઉચ્ચ શિક્ષણનો લાભ લઈ ભવિષ્યે સારી કમાણીની સંભાવના ધરાવતા અભ્યાસક્રમો માટે શૈક્ષણિક સંસ્થાએ સરકાર પર કશો આધાર ન રાખતાં તેમણે માંગના પ્રમાણમાં અને ભવિષ્યના વળતરને ધ્યાનમાં લઈ ફી નક્કી કરવી. (૮) આ માન્યતા સાથે સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓ  ખ્યાલ અમલમાં આવ્યો. આજે તો ગુજરાતમાં જ લાખો લોકો  ખૂબ મોટી ફી ની રકમ ચૂકવી પ્રાથમિક  અને માધ્યમિક શિક્ષણ ખાનગી શાળાઓમાં  લે છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં સ્થપાયેલ યુનિવર્સિટીઓ તેમજ કોલેજોને સ્વનિર્ભર જાહેર કરી તગડો નફો રળી શકે  તેવી જોગવાઈઓ કરી છે. મંજૂરીઓ આપી છે. (૯) ૫ોતાના સંતાનોના ઉછેર, શિક્ષણ, આરોગ્ય  વગેરે બાબતોની જવાબદારી પરિવારની છે. નાગરિકે સરકારને માબાપ માની અનેક બાબતે રાહત સહાયની અપેક્ષા છે તે દુઃખનું મૂળ છે. હકીકતમાં લોકશાહીમાં ચૂંટણી પ્રસંગે  રાજકીય પ્રશ્નો અને આગેવાનો લોકરંજક પગલાં લેવાની હોડમાં ઉતરે છે કે જેના કારણે સરકારી ખર્ચ સતત વધતો રહે છે. (૧૦) દરેક સરકારે તેનેા ખર્ચ ઘટાડવા માટે ગંભીર થઈને કડક પગલાં લેવા જોઈએ. મત બેન્કોને રાજી રાખવા બીનજરૂરી લાલચો આપતા રાજકીય પક્ષો આપણું ભવિષ્ય ધૂંધળું બનાવે છે.

આવી મૂડીવાદી ધારણાઓ સામે  વાસ્તવિકતા એ છે કે આપણા દેશમાં આવકની અસમાનતા એટલી મોટી છે કે વસ્તીના ૬૦ ટકા લોકો માટે ઉચ્ચ શિક્ષણની ફી ની રકમનો આંકડો તેમની ૩-૪ વર્ષની આવક કરતાં વધારે હોય છે. જે તેજસ્વી વિદ્યાર્થી ગરીબ છે તે ઉચ્ચ શિક્ષણથી વંચિત રહે અથવા ‘ઓપન યુનિવર્સિટી’ જેવી સંસ્થાઓમાંથી ડિગ્રીઓ મેળવે. જો કે ઈજનેર, ડૉકટર, સ્થપતિ, ચાર્ટડ એકાઉન્ટન્ટ જેવા અભ્યાસક્રમોમાં ઓનલાઈન ભણવું શક્ય નથી. વ્યક્તિની તેજસ્વિતા કે કાર્યકુશળતા નથી તો જન્મ આધારિત કે નથી પૈસાની મોહતાજ. આમ છતાં નાણાંના અભાવે અને પ્રતિભાશાળી યુવાનોના સ્વપ્નો રાળાઈ જાય છે અને તેની પ્રગતિમાં સ્વનિર્ભર શિક્ષણનાનામે ચાલતી લૂંટ સૌથી મોટો અવરોધ બની ગયો છે. શાળા કક્ષાએ  ‘શિક્ષણનો હક્ક’ એ કાયદા હેઠળ લાખો બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નિઃશુલ્ક પૂરું પાડવાની સવલત ઉપલબ્ધ કરાવી છે. શું ઉચ્ચ શિક્ષણ માટે પણ આવી જોગવાઈ ન થઈ શકે ? દરેક વિદ્યાર્થી પાસેથી લાખો રૂપિયા ઉઘરાવતી સ્વનિર્ભર  કોલેજ કે યુનિવર્સિટી અમુક ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને ગુણવત્તાના ધોરણે ફીમાં માફી કે રાહત ન આપી શકે ? આ અંગે સરકરે વિચારણા કરવી જરૂરી છે. 

ભારત સરકારે કાયદા દ્વારા આર્થિક રીતે ૫છાત એવા પરિવારના સંતાનો માટે ૧૦ ટકા અનામતનો લાભ આપ્યો છે. આ ઉપરાંત અનેક રાજ્ય સરકારોએ (ગુજરાત સહિત) વિભાગો કે મંડળોની રચના કરી  આર્થિક કરીતે પછાત વિદ્યાર્થીઓ માટે લોન અને સહાય આપવા માટે સારી વ્યવસ્થા ગોઠવી છે. આનાથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતાં ખૂબ મોટો લાભ થાય છે. આવી જોગવાઈઓ સમસ્યાના પ્રમાણમાં અલ્પ જણાય છે. ભારતના બંધારણની પાયાની વિભાવના સમાનતા છે ત્યારે ભારત દેશના સામાન્ય નાગરિક તરીકે આપણે એટલી અપેક્ષા જરૂરથી રાખી શકીએ  કે સૌને શિક્ષણ ખાસ કરીને કારકિર્દી માટે જરૂરી એ ઉચ્ચ વ્યવસાયિક શિક્ષણ માટે સમાન તક મળવી જોઈએ. કમનસીબે આજે આપણે આવી સ્થિતિથી ખૂબ દૂર છીએ. મધ્યમવર્ગના  અનેક પરિવારો ખૂબ મોટું દેવુું કરીને સંતાનોને ભણાવે છે. ખાનગી ધિરાણકર્તાઓ દ્વારા વસૂલાતા પઠાણી વ્યાજ અને જોહૂકમીના કારણે વ્યક્તિ કે પરિવારની આત્મહત્યાના કેસો આપણે દરરોજ વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ.

સ્વનિર્ભર શિક્ષણ અંગેની મૂડીવાદી ધારણાઓમાં  આંશિક સત્ય છે પરંતુ તેના થકી થતા અન્યાય અને અસમાનતા નિવારવા માટે ધ્યાન આપવું જરૂરી છે.  સ્વનિર્ભર શિક્ષણમાં ઊંચી ફી ભર્યા બાદ તૈયાર થતાં ડૉકટરો, ઈજનેરો, સ્થપતિઓ, વકીલો,ચાર્ટડ એકાઉન્ટન્ટ વગેરેનું ધ્યાન યેનકેન પ્રકારે તગડી ફી વસૂલીને કામ કરતાં કમાણી પર વધારે લક્ષ આપવામાં આવે છે. સમાજને જેમની સેવાની ખૂબ જરૂર છે તેવા વ્યાવસાયિકોએ પણ તેમના દર્દીઓ/અસીલો, વગેરેમાંથી જે ગરીબ છે તેના પ્રત્યે હમદર્દી રાખી તેમને નિઃશુલ્ક કે રાહત દરે સેવા મળે તે માટેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારવી જોઈએ. કમનસીબે સ્વનિર્ભર શિક્ષણના વ્યાપ બાદ સમાજમાં પૈસાની લાલચ બેસુમાર વધી છે તેમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. હકીકતમાં પૈસાની ભૂખ સર્વત્ર જોવા મળે છે અને તેના માઠાં પરિણામો પણ આપણે ભોગવીએ છીએ. સ્વનિર્ભર શિક્ષણના કારણે ધંધાદારી  લોકોએ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી, ભૌતિક સુવિધાઓનું નિર્માણ કરીને અબજો રૂપિયાનું મૂડી રોકાણ કર્યું છે. અમુક જાણકારોનું કહેવું છે કે શિક્ષણ એ આજે વ્યક્તિના ઘડતરની પ્રક્રિયા નથી પણ  એક ઉદ્યોગ છે. આમાં જે આર્થિક ફાયદો છે  તેવો અન્ય કોઈ ક્ષેત્રમાં નથી. સ્વનિર્ભર કોલેજ કે યુનિવર્સિટી એટલે ટંકશાળ. ધારો તેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપો, તગડી ફી વસૂલો અને જંગી નફો મેળવો. ફી નિર્ધારણ સમિતિએ પણ ફી નક્કી કરતાં પહેલાં જાહેર સુનાવણી કરી વાલીઓના પ્રતિનિધિઓને રજુઆતની તક આપવી જોઈએ. આજે તો ફી નિર્ધારણ એટલે ‘કુલડીમાં ગોળ ભાંગવાની’ કહેવત સાર્થક કરે છે.

નવી શિક્ષણ નીતિ અનેક આદર્શો સાકાર કરવાની ભાવના રાખે છે પરંતુ શિક્ષણક્ષેત્રે  જ્યાં સુધી સૌને સમાન તક  નહીં મળે ત્યાં સુધી બંધારણના ન્યાય અને સમાનતા આદર્શો મૂર્તિમંત થઈ શકશે નહીં. સ્વનિર્ભર સંસ્થાઓનું મુલ્યાંકન થાય છે. અનેક  કોલેજો અને યુનિવર્સિટીઓ શિક્ષણની ગુણવત્તા માટે જાગૃત છે. સાથે સાથે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તે આર્થિક કારણોસર ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી સરકારની અને સમાજની છે. બેન્કો  દ્વારા શિક્ષણ માટે લોન આપવામાં આવે છે. સદ્‌વિચાર ૫રિવાર અમદાવાદ પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અને લોન આપી સહાયભૂત થાય છે. અનેક ટ્રસ્ટોની આવી પ્રવૃત્તિના કારણે હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડાય રહી છે. આપણે આશા કરીએ કે આપણે ત્યાં શિક્ષણના વ્યાપારીકરણને કારણે જે દૂષણો વધ્યા છે તે દૂર કરીને એક સંતુલિત અને સૌને માટે શિક્ષણ ઉપલબ્ધ થાય તેવા વાતાવરણનું નિર્માણ થશે.

Comments

Popular posts from this blog