ભારત-પાકિસ્તાન યુદ્ધ
- પ્રવીણ ક. લહેરી
કાશ્મિરના પ્રવાસન સ્થળ પહેલગામમાં તારીખ ૨૨ એપ્રિલે એક આંતકવાદી હૂમલો થયો. પ્રવાસીઓનો ધર્મ પૂછી ૨૭ જેટલાં હિન્દુુ પુરુષોને તેમના સ્વજનોની હાજરીમાં મારી નાખીને આંતકવાદે ઘણાં સમય બાદ કાશ્મિરમાં અરાજકતા સર્જવાનો પ્રયત્ન કર્યો છે. સમગ્ર દેશની પ્રજામાં તીવ્ર આક્રોશની લાગણી જન્મી કે આવું ક્યાં સુધી સહન કરવાનું ? પાડોશી દેશ પાકિસ્તાનના એક જ એજન્ડા છે ‘‘આંતકવાદ’’ ભારતના વિકાસથી ઈર્ષાની આગમાં શેકાતા પાકિસ્તાની શાસકો આપણી પ્રગતિ અવરોધવામાં વ્યસ્ત છે. પાકિસ્તાન પોતે દેવાદાર દેશ છે. વધારે ઉછીના નાણાં લઈને પોતાનું ગાડુ ગબડાવે છે. ધર્મ અને કટ્ટરતાવાદના આશ્રયે પ્રજાને કોમવાદનું અફીણ પાઈને મૂર્છિત કરી નાખી છે. તેમની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. એટલે ત્રાસવાદનો જીવતો જાગતો પૂરાવો. અગાઉ ભારતે એક વખત સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા થોડા આતંકીથાણાઓ ધ્વસ્ત કર્યા હતા પણ કૂતરાની પૂંછડી વાંકી જ ના ન્યાયે ફરી આતંકીઓને તાલીમ અને હથિયાર આપવાનો ઉપક્રમ ચાલુ જ રહ્યો છે.
ભારતે ૭ મી મે ૨૦૨૫ના રોજ મિસાઈલના મારાથી પાકિસ્તાન સ્થિત ૯ આંતકી થાણાઓનો વિનાશ કર્યો. તેની સામે પાકિસ્તાને તેમણે તુર્કીથી મેળવેલા ડ્રોન અને ચીનથી પ્રાપ્ત કરેલા મિસાઈલનો મારો ભારતના ૩૦ સ્થળો પર કર્યો. ભારતની હવાઈ હૂમલા સામેની બહુસ્તરીય સંરક્ષણ વ્યવસ્થા જેમાં રશિયાથી ખરીદેલી એસ. ૪૦૦ આપણા ડિફેન્સ રિર્સચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડી.આર.ડી.ઓ) એ વિકસાવેલી આકાશ વિગેરેને કારણે પાકિસ્તાનનો ડ્રોન-મિસાઈલનો હૂમલો મહ્દઅંશે નાકામયાબ રહ્યો. પાકિસ્તાનને ભારતની ક્ષમતાનો સાચો અંદાજ ન હતો. પાકિસ્તાને જ્યારે પોતાના હવાઈ હૂમલાની નિષ્ફળતા જોઈ ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઈન ઓફ કંટ્રોલ (અંકુશ રેખા) પર બેફામ ગોળીબારી કરી ભારતના સરહદી ગામો નગરોને હાનિ કરવા માટે હૂમલા ચાલુ રાખ્યા.
ભારતે શરૂઆતમાં જ ૯ જેટલાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી અડ્ડાઓ પર સટીક મિસાઈલ હૂમલો કર્યો. આ હૂમલામાં જૈશ-એ-મોહમદ અને લશ્કરે એ તોયબાના મુખ્ય મથકો પણ નાશ પામ્યા. ૧૦૦ જેટલાં આંતકીઓના મોત થયાં હતાં. આ મૃતકોની અંતિમક્રિયામાં પાકિસ્તાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ હાજરી આપી ત્રાસવાદીઓ અને પાકિસ્તાની લશ્કર અંદરખાને એક જ સિકકાની બે બાજુ છે તેની સાબિતી વિશ્વને આપી દીધી. તારીખ ૯ અને ૧૦ મી ના દિવસ-રાત્રે ભારત પાકિસ્તાનના વિમાની મથકો, હવાઈ હૂમલાની સંરક્ષણ વ્યવસ્થા અને લશ્કરી વિમાનો પર મિસાઈલો છોડીને જે વિનાશ વેર્યો તેનાથી પાકિસ્તાન હતપ્રભ થયું. ખાસ કરીને તેના સૌથી મહત્વના એરબેઝ સરગોધા પર મિસાઈલ પડતાં જે હાનિ થઈ તેનાથી પાકિસ્તાનને આપણા રક્ષામંત્રીના શબ્દોમાં ‘‘ધોળા દિવસે તારા દેખાયા’’ એટલું જ નહીં સરગોધા હવાઈ મથકની નજીક કિરાણા હિલ્સમાં છૂપાવેલી અણુ સામગ્રીના બંકરોમાં તિરાડ પડી. એક જાણકારી મુજબ ત્યાંથી રેડિએશન લીક થતાં જ વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. અમેરિકાએ પોતાની તમામ તાકાત કામે લગાડીને બન્ને દેશો વચ્ચે તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ જાહેર થાય તે માટે જહેમત કરી. આ યુદ્ધમાં પાકિસ્તાનની મુરાદ અણુશસ્ત્રો વાપરવાની હતી તેવા અહેવાલો વચ્ચે અણુશક્તિ ધરાવતા દેશો વચ્ચે અણુયુદ્ધ થાય તો આ વિશ્વ પરનું જીવન નેસ્તનાબુદ થઈ જાય તેવી સંભાવના છે. અમેરિકાએ યુદ્ધનો તાત્કાલિક અંત લાવવા ભારત અને પાકિસ્તાનને સમજાવ્યા. આપણે કેવા જોખમી જ્વાળામુખીની ટોચ પર બેઠા છીએ તેનો માનવજાતને અંદાજ આવ્યો. ખરેખર આજના ટેકનોલોજી આધારિત શસ્ત્રોની ઉપલબ્ધિના કારણે યુદ્ધનો સમગ્ર સંદર્ભ જ બદલાયો છે. આપણે યુદ્ધ ટાળી શકીએ તેમાં જ ડહાપણ છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધી થતાં ૫ાકિસ્તાનની સરકારે પ્રજા પાસે ભારત પર ‘વિજય’ મેળવ્યાનો દાવો કરી ઊજવણી કરાતા પાકિસ્તાનના દંભની સીમા નથી. એક બાજુ તેની સંસદમાં સભ્યો નુકશાનની વિગત આપી કહે છે કે આપણે મરેલા છીએ. આપણે બીજાને મારવાની શી જરૂર છે. પાકિસ્તાનના નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ પણ ભારતની હવાઈ હૂમલા સામેની સંરક્ષણ વ્યવસ્થા અને હવાઈ આક્રમણની ક્ષમતાના વખાણ કર્યા છે. આમ છતાં નીતિવિષયક સ્તરે પાકિસ્તાન વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી.
ભારતમાં યુદ્ધબંધીથી એક વર્ગને એવું લાગ્યું કે દર વખતે પાકિસ્તાનને આપણે અધૂરી સજા કરીને છોડી દઈએ છીએ. આ મુદ્દે દેશના લોકપ્રિય વડાપ્રધાને બુદ્ધ પૂર્ણિમાના દિવસે રાષ્ટ્રજોગ પ્રવચન આપી ખૂબ દૃઢતા અને સ્પષ્ટતા સાથે કહ્યું : (૧) ભારત હવે પાકિસ્તાનના કોઈપણ આતંકી હૂમલાને યુદ્ધ ગણીને તેનો જડબાતોડ જવાબ આપશે. (૨) ભારત આતંકી નેતાઓ કે ૫ાકિસ્તાનની સરકાર એક જ છે એવું માને છે. હવે તો વિશ્વને સાબિતી મળી છે કે પાકિસ્તાન સરકાર જ આતંકનું જનક અને પાલક છે. (૩) ૫રમાણુ યુદ્ધનો ડર ભારતને નથી અને તેના ઓઠા હેઠળ આતંકવાદ ચલાવી લેવામાં આવશે નહીં. (૪) સિંધુ જળ કરાર એટલે રદ કર્યો છે કે પાણી અને લોહી સાથે વહી નહીં શકે. અમે પાણી અંગે ઉદારતા દાખવીએ અને સામો પક્ષ અમારી ભૂમિ પર આતંકી કૃત્યો કરતો રહે તે હવે સ્વીકાર્ય નથી (૫) ભારત ૫ાકિસ્તાન પ્રશ્નોનો દ્વિપક્ષી મંત્રણાથી કરશે. ભારતને અન્ય કોઈ દેશની મધ્યસ્થી મંજુર નથી. (૬) ૫ાકિસ્તાન સાથે મંત્રણા શરૂ કરવી હોય તો પ્રથમ બે બાબતોની જ ચર્ચા કરીશું. પાકિસ્તાને પચાવેલી પાડેલું કાશ્મિર સંપૂર્ણપણે ભારતને સોંપવું અને આતંકનું પ્રોત્સાહન બિનશરતી રીતે બંધ કરવું (૭) ભારતની નવી નીતિ એ રહેશે કે આતંકને સ્હેજ ૫ણ સહન કરવામાં આવશે નહીં.
વડાપ્રધાનનો આ જોરદાર સંદેશો માત્ર ૫ાકિસ્તાન માટે જ નહીં પણ વિશ્વના તમામ દેશો માટે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેના સંદેશામાં ત્રીજા દેશમાં ભારત-પાકિસ્તાનનો સંવાદ ગોઠવીને પોતે મધ્યસ્થીની ભૂમિકા માટે તૈયાર છે. તેવું કહેલું તેનો સ્પષ્ટ ઉત્તર વડાપ્રધાનના વક્તવ્યમાં છે. અમેરિકા ૧૯૫૦ થી પાકિસ્તાનને થાબડ-ભાણા કરતું આવ્યું છે. ભારત આર્થિક કે લશ્કરી રીતે મજબૂત બને તેનાથી અમેરિકાના પેટમાં અચૂક ચૂંક આવે છે. ૧૯૬૫નું યુદ્ધ હોય કે ૧૯૭૧ની લડાઈ અમેરિકાનો ઝૂકાવ પાકિસ્તાન તરફી રહ્યો છે.
અમેરિકાની ભારત સાથે કહેવાતી દોસ્તી કે કવાડ જેવી સંધિ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ આધારિત છે.
ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં મોટાભાગના મુસ્લિમ દેશો તટસ્થ રહ્યા. તેઓએ આંતકી કૃત્યને વખોડ્યું. માત્ર તૂર્કી અને ઐઝરબૈઝાન પાકિસ્તાનનો ખુલ્લી રીતે પક્ષ લઈને ભારત વિરૂદ્ધ નિવેદનો કર્યાં. ચીને પણ પોતે પોતાની મિત્રતા પાકિસ્તાન સાથે છે તેમ કહ્યું. ચીન અને તૂર્કીએ તો પાકિસ્તાનને અઢળક શસ્ત્રો આપ્યા. મિસાઈલ્સ અને ડ્રોન થકી પાકિસ્તાને જે મોટા હૂમલા કર્યા તેના ઉત્પાદકો તૂર્કી અને ચીન હતાં. જો કે ભારતની સંરક્ષણ વ્યવસ્થાએ સેંકડો ડ્રોન અને મિસાઈલ્સનો હવામાં જ ખાત્મો બોલાવ્યો. તેનાથી તૂર્કી અને ચીનમાં ચિંતા પેઠી છે. તૂર્કી અને ઐઝરબૈજાન સામે ભારતે આર્થિક બહિષ્કારની શરુઆત કરી છે. આ પ્રતિબંધો બન્ને દેશોના અર્થતંત્રને નુકશાન કરશે. ભારત માટે આ યુદ્ધમિત્ર કોણ અને શત્રુ કોણ તે નક્કી કરવાનો અનેરો અવસર સાબિત થયો છે. આપણી કૂટનીતિની કસોટી છે. એક બાજુ આપણી લશ્કરી તાકાત અનેક નાના મોટા દેશમાં આપણી ઈજ્જત વધારશે તેમ અનેક દેશોમાં અસલામતિની ભાવના જન્મશે. ચીનની દરેક ચાલ પર આપણે બારીક નજર રાખવી પડશે. ૫ાકિસ્તાન-ચીન અને તુર્કિર્યેની ત્રિપુટીનો મુકાબલો કરવા માટે આપણે હાઈટેક શસ્ત્રોનું મોટાપાયે નિર્માણ કરવું જરૂરી છે.
Comments
Post a Comment