જીવન જીવવાની કળા

                                                                     - પ્રવીણ ક. લહેરી

                             (નોંધ : સૂરતના ‘વિચારોના વાવેતર’ સંસ્થામાં આ૫ેલ પ્રવચનનો સાર) 

આજે મારે આ૫ની સમક્ષ વિચારોનું વાવેતર કરવાનું છે. હું બીજ વાવીશ પણ છોડને ‘રણછોડ’ બનાવવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. અમે અમદાવાદમાં ‘‘આપણું વિચાર વલોણું’’ નામનું માસિક ચલાવીએ છીએ. છેલ્લા ત્રીસ વર્ષોથી સાંપ્રત સમસ્યા અંગે ચિંતન મનન થકી પ્રબુદ્ધ નાગરિકો સુધી વિચારો વલોવીને મેળવેલું નવનીત પીરસીએ છીએ.

મારો આજનો વિષય છે - ‘જીવનનું વ્યવસ્થાપન’  અમૃત ઘાયલે આ અંગે કહ્યું છે;

ફરક તારા અને મારા વચ્ચે એટલો જાહિદ

વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું,

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ઘાયલનું,

છતાં હિંમત જૂઓ કે નામ અમૃતલાલ રાખે છે.

આમ જૂઓ તો મારું પણ કાંઈક એવું જ છે. ’’

ગુજરાતમાં દારુબંધી છે અને સૌ મને પી. કે. લહેરી તરીકે ઓળખે છે.સૂરતમાં વાત કરતા હોઈએ તો ગની દહીંવાલાને યાદ કરવા               જોઈએ ને ?

‘‘જિંદગીનો એ જ સાચો પડઘો છે ગની,

હોય ના વ્યક્તિને નામ એનું બોલાયા કરે.’’

જિંદગીની ખાસીયતો - વિશેષતાઓ તો અગણિત છે. બહુ મહત્ત્વની વાત તો એ છે કે જીવન ક્ષણભંગુર છે. સમયની શક્તિ અમાપ છે. કબીરજીએ સાચું કહ્યું છે;

‘‘પાણી કેરા બુદબુદા, અસ મનુસ કી જાત,

દેખત હી ધૂપ જાયેગા, જ્યોં તારા પરભાત’’

‘‘જીવન ક્ષણભંગુર છે,

 તેટલું જ અનિશ્ચિત છે.’’

‘‘થવાનું ના થવાનું કહે, નજૂમી કોણ એવો છે,

શું થશે ? ક્યારે થશે ? તે અંગે આપણે

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે,

થવાનું તે થવા દેજે, ભલે મન મસ્ત થઈ રહેજે.’’

જિંદગીનું બીજું પાસુ છે કસોટી. જીવનમાં પળે પળે પડકારો આવે છે. જીવનની ખરી કસોટી તો એ છે કે એક સાંધતા તેર તુટે જેવો ઘાટ થયા કરે છે. આવા જીવન અંગે આપણા કવિ ઉમાશંકર જોશીએ કહ્યું છે; 

‘‘સપનાનો વાણો અને સ્નેહનો તાણો,

બેનું ગુંથેલું જીવન જાણો.. અને માણો.

આ મળ્યું છે જીવન જેવું જીવી જાણો.’’

જીવનમાં બનતી ઘટનાઓ અંગે મનોજ ખંડેરીયાના શબ્દોમાં કહીએ તો;

‘‘જે શોધવામાં જિંદગી આખી પસાર થાય,

ને  એ જ હોય પગની તળે એમ પણ બને.’’

સમાજમાં મોટાભાગની દોડધામ કસ્તૂરી શોધતા મૃગલાની ભાગદોડ સમાન છે. કવિ મુકુલ ચોકસીનો અંદાજ જોઈએ તો; 

‘‘હાથમાં રાખ્યા જીવનભર પેન અને પોથી સજનવા,

પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા’’

જીવનનું ત્રીજું પાસુ છે તે સુખ અને દુઃખની કડીઓથી બનેલી સાંકળ. ક્ષણે ક્ષણે આપણું મન રાજી તો બીજી ક્ષણે પરેશાન. કવિ નરસિંહ મહેતાની સલાહ છે;

‘‘સુખ દુઃખ મનમાં ન આણીએ,

એ તો ઘટ સાથે રે ઘડિયાં,

ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથનાં જડિયાં’’

સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવતાં કહે છે;

‘‘ય : સર્વત્રાનભિસ્નેહસ્તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્‌

નાભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા’’

જીવનમાં ક્યારેક સુખની વર્ષા થતી જોવાય છે તો ક્યારેક દુઃખના વાદળોનો ઘેરો અંધકાર છવાય જાય છે. શૂન્ય પાલણપુરીની જેમ આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ; ‘‘મને જ્યારે સુખ દે ત્યારે બીજાનો વિચાર પણ દેજે’’ 

સુખ કોને કહેવાય ? આ પ્રશ્નના ઉત્તરો અનેક છે પણ કોઈકે ખૂબ સુંદર ઉપમા સાથે સમજાવ્યું છે કે જીવન તમને રંગબેરંગી ફૂલો આપેછે. આ ફૂલોને નયનરમ્ય રીતે ગોઠવી ફૂલદાની સજાવવાની કળા એ જ સુખ. સુખ દુઃખની ઘટમાળ માટે કબીરજી કહે છે; ‘‘દુઃખમેં સુમરિન સબ કરે, સુખમેં કરે ન કોય, સુખમેં જો સુમરિત કરે તો દુઃખ કાહે કો હોય.’’ સુખમાં છકી ન જવું અને દુઃખમાં મુંઝાય ન જવું. સ્થિર મન જ સમસ્યાઓનો સાચો ઉકેલ કરી શકે છે.

જીવનનું ચોથું લક્ષણ છે આપણી ત્રિગુણ પ્રકૃતિ : સત્વ, રજસ અને તમસ્‌.

આ પ્રવૃત્તિને ચલાવવા માટે ઈશ્વરે આપણને ૬ આવેગો આપ્યા છે, મદ, મોહ, કામ, ક્રોધ, લોભ અને ઈર્ષ્યા. માનવીની જિંદગી વિશે કવિ અવિનાશ વ્યાસનું ભજન કેટલું સુંદર છે.

‘‘રામના રમકડાં ને મારા રામે રમતાં રાખ્યા રે,

મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે.

કાચી માટીની કાયા માથે,

માયા કેરા રંગ લગાયા, રંગ લગાયા..’’

આ માયાની જાળમાં આપણે સૌ ફસાયેલા છીએ.

નરસિંહ મહેતા વૈષ્ણવજન કાવ્યમાં કહે છે;

‘‘મોહ માયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય

જેના મનમાં રે રામનામ શું તાળી રે લાગી,

સકળ તીરથ તેના તનમાં રે.’’

માયાનું વળગણ ભારે છે, તેના પ્રભાવમાંથી છૂટવું અશક્ય નહીં પણ મુશ્કેલ જરૂર છે. તેથી જ સ્વામી નિષ્કૂળાનંદજી  કહે છે; 

‘‘ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના કરીએ કોટિ ઉપાય જી,

અંતર ઊંડી ઈચ્છા રહે તે કેમ કરી તજાય જી,

કામ ક્રોધ લોભનું જ્યાં લગી મૂળ ન જાય જી,

સંગ પ્રસંગે પાંગરે જોગ ભોગનો થાય જી.’’

જીવનમાં પાંચમી મહત્ત્વની બાબત છે પ્રારબ્ધ કે પુરુષાર્થ. પ્રારબ્ધનો મહિમા વર્ણવતાં કહ્યું છે; ‘‘અજગર કરે ના ચાકરી પંછી કરે ના કામ, દાસ મલુકા કહ ગયે સબકા દાતા રામ.’’ પ્રારબ્ધને ભરોસે બેસી રહેનારાની સંખ્યા નાની સૂની નથી જ. બાલાશંકર કંથારીયા નામના કવિ આપણને ચેતવે છે;

‘‘અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે માંગે દૂર એ તો,

ન માંગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.’’

પુરુષાર્થ અને પ્રારબ્ધ અંગે કવિ દુલા કાગે ભગત બાપુએ દૂહામાં લઘુકથા કહી છે.

એક મદારી હતો. આખો દિવસ જંગલમાં ભટક્યો પણ કોઈ સાપ ન દેખાયો. સાવ સમી સાંજે સાપ પકડાયો. થાકેલા મદારીએ તેને કરંડિયામાં પૂરીને નિંદર કરી. કરંડિયામાં થોડા સુકા રોટલાના ટૂકડા હતા. સાપને માટે તેનો કોઈ ખપ ન હતો. રાત્રે ઉંદરને રોટલાની ગંધ આવી. તેણે કરંડિયામાં કાણું કર્યું. સાપને ઉંદરનું ભોજન મળ્યું અને ઉંદરે કરેલા કાણામાંથી સાપ નાસી છૂટ્યો. કરે ઉંદર અને ભોગવે ભોરીંગની આ વાત અંગે વિચારજો. આપણી કહેવત ‘‘કરે ઉંદર અને ભોગવે ભોરીંગ’ ને સાર્થક આ લઘુકથામાં ઉંદરનું કર્મ તેના અંતનું નિમિત્ત બને છે, જ્યારે સાપનું પ્રારબ્ધ તેને નવજીવન બક્ષે છે.

જીવનના વ્યવસ્થાપન અંગે વિશેષ વાત કરું તે પહેલાં જીવનનું સત્ય શું છે ? તે પ્રશ્ન અંગે વિચારીએ.

(ક્રમશઃ)

Comments

Popular posts from this blog