ગુલાબી નગરી જયપુર
- પ્રવીણ ક. લહેરી
રાજસ્થાન રાજ્યના ૫ાટનગર જયપુર માટે કહેવાતું હતું; ‘‘જો તમે જયપુર નથી જોયું તો તમારો જન્મ વ્યર્થ ગયો છે તેમ સમજવું.’’ ઈ.સ. ૧૭૨૭ માં સવાઈ જયસિંહ બીજા દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ટૂંક સમયમાં ૩૦૦ વર્ષ પૂરા કરનાર આ શહેરનો ઈતિહાસ ખરેખર ભાતીગળ છે. છેલ્લા શક્તિશાળી મોગલ સમ્રાટ ઔરંગઝેબના ૧૭૦૭ માં થયેલા મૃત્યુ બાદ ૨૦ વર્ષ આ શહેરની રચના થઈ. હકીકતમાં ભારતના શહેરોમાં આયોજીત તરીતે જેને વિકસાવવામાં આવ્યા છે તેવા શહેરોમાં જયપુરનું સ્થાન વિશિષ્ટ છે. વિદ્યાધર ભટ્ટાચાર્ય નામના ભારતીય સ્થપતિ દ્વારા જેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે જયપુરની ગુલાબી રંગની જ ઈમારતોના કારણે તેને આગવી ઓળખ મળી છે. રણપ્રદેશના વિષમ હવામાનને અનુરૂપ નગરરચના કરવાનો પડકાર નાનો સુનો તો નથી જ. સ્થપતિ વિદ્યાધર ભટ્ટાચાર્યે ગુલાબી રંગના જ મકાનોની હારમાળા સર્જીને એક અનેરી ઠંડકની અનુભૂતિ કરાવી છે. આપણે લ્યુટનની દિલ્હી કહીને અંગ્રેજી સ્થપતિને યાદ કરીએ છીએ પણ વિદ્યાધર ભટ્ટાચાર્ય જેવા સર્જનાત્મ અને પ્રતિભાવંત ભારતીય સ્થપતિને વિસરી જઈએ છીએ. જયપુર તો પ્રવાસનના અનેક આકર્ષણો ધરાવે છે. આપણામાંથી કેટલાને અને જયપુર વાસીઓમાંથી પણ કેટલાને આ સ્થપતિનું નામ યાદ હશે ? છેક ૧૯૮૮ માં કોઈકને યાદ આવ્યું અને સિસોદીયા બાગ પાસે અગાઉ દ્રાક્ષની એક વાડીમાં બગીચો બનાવ્યો અને તેને નામ આપ્યું. ‘વિદ્યાધર ગાર્ડન’ આપણે એમની સ્મૃતિને વધારે લોકોની જાણકારી મળે તે માટે કશું ન કરી શકીએ ? ભારત સરકાર કે રાજસ્થાન સરકાર સ્થાપત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્થપતિની દેશમાંથી જ નહીં પણ દુનિયામાંથી પસંદગી કરી. વિદ્યાધર સ્થપતિ આંતરરાષ્ટ્રીય એવોર્ડ ન આપી શકાય ? તેમની સ્મૃતિમાં બનેલા બાગનો હજી પ્રવાસનના અગત્યના સ્થળોમાં સમાવેશ થયો નથી. ત્યાં અગાઉ પાર્ટીઓ યોજી શકાતી હતી પણ આપણી અશિસ્ત અને ગંદકી કરવાની ટેવના કારણે કદાચ રાજસ્થાન સરકારને ત્યાં પાર્ટીઓ યોજવા પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. આ બગીચાના વિશાળ પેવેલિયનો, સરોવરો ફૂલોના ક્યારાઓ ઊંચાઈ પરથી જયપુરનું દર્શન અને ભગવાન કૃષ્ણના ચિત્રો, ભીંતપરના મ્યુરલ્સ, ફુવારાઓ અને હિંદુ અને મુગલ સ્થાપત્યના ઉત્તમો અંશોનું સંયોજન ધરાવતો આ બાગ જયપુર જાઓ તો જરૂરથી જોશો અને આનંદની અનુભૂતિ લઈને પરત આવશો તે નક્કી છે.
આપણા સુંદર શહેરોનું કમનસીબ એ છે કે તેમાં અસહ્ય વસ્તી વધારો થતો રહે છે. મૂળ શહેરનો વિસ્તાર એટલો વધે છે કે તેની ઓળખ જળવાતી નથી. એ જ બહુમાળી મકાનો, દુકાનો, રેસ્ટોરન્ટો, કચેરીઓ, કોચિંગ ક્લાસો અને ધાબાઓ- કિટલીઓ સાથે દરેક શહેરોનું કદરૂપું સ્વરૂપ આપણે જોવા ટેવાઈ ગયા છીએ. શહેર વધે એટલે આવું જ હોય ને ? મોંઘીદાટ જમીનનો ઈંચ ઈંચનો ઉપયોગ કરવાની આપણી બેફામ લોભવૃત્તિના દર્શન આપણા ‘‘આધુનિક’’ શહેરોમાં થાય છે. જયપુરની વિસ્તારે વાત કરીએ તો વર્ષ ૧૯૦૦ માં ૧ લાખ ૬૦ હજારની વસ્તી ધરાવતું આ શહેર એક સૈકામાં તો વસ્તી દૃષ્ટિએ એટલું વિકસ્યું કે વર્ષ ૨૦૦૧ માં તેની વસ્તસ ૨૩ લાખની થઈ. ૨૦૧૧ માં તે વધીને ૩૧ લાખ થાય અને ૨૦૨૫ માં જયપુરની વસ્તી લગભગ ૪૫ લાખ હોવાનો અંદાજ છે.
ગુલાબી નગરી જયપુર મેં ૧૯૬૮ માં પ્રથમવાર જોયું હતું. રેલ્વે સ્ટેશનથી ઘોડાગાડીમાં દોઢેક કલાકમાં ફરી શકાય તેવું શહેર. ગુલાબી રંગની દુકાનોથી શોભતી બજારમાં હાથશાળો, હસ્તકળા, મુલ્યવાન પત્થરો, હિરા, મોતી, રત્નોની વસ્તુઓ અને જયપુરની ઘેવર, માવા અને ચણાના લોટની અગણિત મિઠાઈઓ, તલસાંકળી જેવો ગજબ તાવડામાં ઉકળીને કઢાતું દૂધ અને તેમાં ઉપરથી ઉમેરાતી મલાઈ, ફૂટપાથ પર આરામથી ચાલતા ચાલતા આ સઘળું જોઈ શકાતું હતું. માણી શકાતું હતું. રાજુલા જેવા નાનકડા નગરના અનુભવો અથવા તો મોહમયી મુંબઈની પંચરંગી પ્રજા વચ્ચે રહેવા કરતાં આ ગુલાબી નગરી ખરેખર સ્વર્ગ સમાન ભાસતી હતી. તાજેતરમાં લગ્નપ્રસંગે વર્ષો બાદ જયપુર જવાનું થયું. અગાઉ દસેક વર્ષ પહેલાં પ્રભાસપાટણના રામમંદિરની મૂર્તિઓ પસંદ કરવા જયપુર ગયો ત્યારે જયપુરની મૂર્તિકળા, તેની નવી ટેકનોલોજી, પુરાણી કળા અને અદ્દભૂત કહી શકાય તેવી પ્રતિમાઓના ઘડતરને નિહાળવાનો લ્હાવો મળ્યો હતો.
જયપુરમાં રાજસ્થાન સરકારના કલા શિક્ષણ કેન્દ્રનું સંચાલન જે ટ્રસ્ટ કરે છે તેના ટ્રસ્ટી તરીકે ૨૦૦૫ થી ૨૦૧૦ વચ્ચે જયપુર વારંવાર જવાનું થતું હતું. આ વખતની મુલાકાતમાં એ ખાસ જોયું કે એક જ વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓ માટે કોચિંગ આપતી ડઝનબંધ સંસ્થાઓ નજીક નજીકમાં. આજના શહેરોમાં ખાવા પીવા માટેના રેસ્ટોરન્ટ અને તાલિમ માટેની સંસ્થાઓ સંભવત સૌથી નફાકારક વ્યવસાય તરીક ઉભર્યા છે.
વર્ષ ૨૦૧૯ માં યુનેસ્કો દ્વારા ‘જય૫ુર’ ને વર્લ્ડ હેરિટેજ સિટી- વિશ્વ વિરાસત શહેરની સુચિમાં સામેલ કરવામાં આવ્યું છે. એક સર્વે પણ નીચેના ૧૦ શહેરો મહિલા પ્રવાસીઓ (ભલે ને એકલી હોય) માટે સલામત છે. ૧. કલકત્તા ૨. ચેન્નાઈ ૩. કોઈમ્બતુર, ૪. સૂરત પ. પૂણે ૬. હૈદ્રાબાદ ૭. બેંગ્લોર ૮. અમદાવાદ ૯. મુંબઈ અને ૧૦. કોચી. જો કે અનેક પ્રવાસીઓના અનુભવ આધારે જયપુર એ તમામ પ્રવાસીઓ માટે સલામત શહેર છે.
વિદેશી યાત્રકો માટે ભારતનો સુવર્ણ ત્રિકોણ દિલ્હી-આગ્રા અને જયપુર દેશની ઉત્તમ વિરાસતો દર્શાવે છે. જો કે છેલ્લા થોડાં વર્ષોથી અનેક પ્રાચીન મંદિરો, ગુફાઓ, દરિયાકાંઠા અને સ્થાપત્યની દૃષ્ટિએ આ ત્રણ શહેરો કરતાં બીજા અનેક શહેરો પોતાના આકર્ષણો ઉજાગર કરી પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. જો કે દિલ્હી-આગ્રા-જયપુર પાંચેક દિવસમાં જોઈ સમગ્ર ભારત જોયાનો સંતોષ માણી વતન પરત જતાં પ્રવાસીઓને આપણે એટલું જ કહી શકીએ કે તેમણે માત્ર હિમશીલાની ટોચ જ જોઈ છે. જયપુર શહેર રાજસ્થાનની આગવી સંસ્કૃતિનું પ્રતિક છે. ભોજનમાં દાલ બાટી અને ચૂરમું હોય, ઘેવર હોય કે રબડી, પ્યાજની કચોરી હોય કે ચૂરમાંના લાડુ, લાલમાંસ હોય કે ચિકનની વાનગીઓ દેશ-વિદેશના પ્રવાસીઓને સ્રસપ્રદ ભોજનનો આનંદ અવશ્ય મળી રહે છે.
થોડા સમયથી જયપૂર ‘ડેસ્ટીનેશન વેડિંગ’ સ્થળ તરીકે લોકપ્રિય થયું છે. આ વખતની જયપુરની મુલાકાત મિત્રના ઘરે લગ્ન માટે હતી. જયપુરમાં જે રીતે પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ વિકસ્યા છે તે જોઈએ ત્યારે અમદાવાદ તેના પ્રમાણમાં ઝાંખું લાગે. જયપુરના કારીગરો દરેક સ્થળને તેની કૃતિઓ થકી નિખારે તો છે પરંતુ સાથે સાથે આજની રોશનીના સાધનો, ફૂલો અને અન્ય સુશોભન સાથે જયપુરની વ્યવસ્થા કાબિલે-દાદ છે. પૂરાણા શહેર બહાર જે વિકાસ થયો છે અને થઈ રહ્યો છે તેને જોતાં કહી શકાય કે જયપુર પણ અમદાવાદ જેમ ફેલાતું જાય છે. વિશાળ રસ્તાઓ, ફ્લાય ઓવર સાથે બજારના સાંકડા રસ્તા અને રહેઠાણનાં તેથી પણ સાંકડા રસ્તા જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે શહેરો વસ્તીના ગીચતાના કારણે પર્યાવરણની હાનિ ઉપરાંત કુદરતી સંસાધનોને અને પ્રકૃતિને એટલું નુકશાન પહોંચાડશે કે શહેરો આપણા માટે શાપરૂપ બની જશે. સરકાર ભલે અબજો રૂપિયા ખર્ચીને શહેરોની આંતરમાળખાકીય સુવિધા વધારવા માટે મહેનત કરે પણ શહેરોનો વિકાસ અનેક મર્યાદાઓના કારણે સાચો વિકાસ નહીં પણ આપણા અસ્તિત્વમાં બોજારૂપ બની રહ્યો છે.
પ્રવાસીઓ માટે જયપુરમાં અનેક આકર્ષણો છે. અનેક આનંદની અનુભૂતિના અવસરો છે અને જયપુર માણ્યા બાદ જીવનપર્યંત તેની સ્મૃતિઓ ખુશીની લહેર દોડાવશે તેમાં શંકા નથી. (ક્રમશઃ)
Comments
Post a Comment