અમેરિકા - ચીન વચ્ચે વ્યા૫ાર યુદ્ધ
- પ્રવીણ ક. લહેરી
શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પની બીજી મુદતમાં તેમણે કરેલા નિર્ણયોથી સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ તરખાટ મચી ગયો છે. અમેરિકાને મહાન બનાવવા માટે તેમના પ્રમુખ ટ્રમ્પની દૃઢ માન્યતા છે કે છેલ્લા પ૦ વર્ષમાં વિશ્વના દેશોએ અમેરિકાનું શોષણ કર્યું છે. અમેરિકામાં સસ્તો માલ અને ઓછા પગારે નોકરી કરે તેવા લોકોને ઘૂસાડીને આંતરરાષ્ટ્રીય વેપારમાં મોટી ખાદ્ય અને સ્થાનિક લોકોમાં બેરોજગારી સર્જી છે. અમેરિકામાં નવા ઉદ્યોગો સ્થપાય, રોજગારી વધે તે માટે અંદાજે રૂપિયા પાંચ કરોડ જેટલા મૂલ્યની મૂડી સાથે અમેરિકા આવવા ઈચ્છતા ધનવાનો માટે અમેરિકાએ લાલ જાજમ બિછાવીને તેમને સામે ચાલીને ગોલ્ડ કાર્ડ સાથે નાગરિકતા આપવાનો નિર્ણય અમલી કર્યો છે. ઉચ્ચ શિક્ષણ માટે આવેલા વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ રોજગારી નહીં જ મળે તેમ સ્પષ્ટ જણાવ્યું છે. અમેરિકાની કોઈપણ નીતિનો વિરોધ કરતાં વિદ્યાર્થીઓને વીણી વીણીને દેશનિકલ કરવામાં આવી રહ્યા છે. ટુરિસ્ટ તરીકે, સગાં-સબંધીને મળવા આવતાં કે ગ્રીનકાર્ડ ધરાવનારાઓને અમેરિકા પ્રવેશ આપે કે નહીં તે ત્યાંની સરકારની મુનસુફી પર રહેશે. અમુક સિનિયર સિટીઝનને તો વિઝા હોવા છતાં એરપોર્ટથી તેમના દેશમાં પરત રવાના કર્યા છે. જે લોકોએ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કર્યો છે કે વિઝાની મુદત બાદ ત્યાં રહે છે તે સૌની હાલત તો ખૂબ કફોડી કરી છે. તેઓ પરગ્રહમાંથી આવેલા અપરાધીઓ હોય તેમ માથે મુંડન, હાથપગમાં બેડીઓ અને કમરેથી વાંકા વળીને લશ્કરી હવાઈ જહાજોમાં બેસાડી સ્વદેશ મોકલવામાં આવી રહ્યા છે.
ટ્રમ્પના આ સ૫ાટા સાથે વિદેશથી આયાત થતા તમામ માલ પર ૧૦ થી ૨૫ ટકા ડ્યુટી દરેક દેશ માટે લાગુ કરી છે. ચીન સાથે ૪૦ ટકા ટેરિફથી શરુ કરી બન્ને દેશોએ અરસપરસની આયાત પર જંગી ટેરિફ નાખી છે. ચીનથી આયાત થતાં માલ પર વિક્રમજનક ૨૪૫ ટકા ટેરિફ નાખી છે. ચીન સાથેના વેપારમાં ખાદ્ય રહે છે. ચીનને સૌથી પસંદગીના દેશનો હોદ્દો પ્રદાન કરી ચીનને અમેરિકાના વિશાળ બજારમાં અબજો ડોલરનો માલ પ્રમાણમાં સસ્તો મોકલી ચીને અનેક ક્ષેત્રમાં માલના વેચાણ પર એકાધિકાર જમાવ્યો છે. હવે અમેરિકા જાગ્યું છે. રાષ્ટ્રપતિ શ્રી ટ્રમ્પ આકરા પગલાંઓ લઈને ચીન સાથેની વ્યાપાર ખાદ્ય ઘટાડવા કૃતનિશ્ચયી છે. છેલ્લા પાંચ વર્ષની ચીન સાથેની અમેરિકાની વ્યાપાર ખાદ્ય જોઈએ તો નીચે પ્રમાણેનું ચિત્ર આપણી સમક્ષ આવે છે.
વર્ષ ખાદ્ય
(અબજ ડૉલરમાં)
૨૦૨૦ ૩૦૮
૨૦૨૧ ૩૫૩
૨૦૨૨ ૩૮૨
૨૦૨૩ ૨૭૯
૨૦૨૪ ૨૯૬
કુલ ૧૬૧૭
આમ પાંચ વર્ષમાં જ ચીને અમેરિકાની પાસેથી ૧૬૧૭ બિલીયન ડોલર એટલે ૧.૬૮૭ ટ્રિલિયન ડોલર રળી લીધા. આ ખાદ્યનો અર્થ છે કે અમેરિકાએ ૫ોતાના નાગરિકોની આવકમાંથી આટલી મોટી રકમ ગુમાવી, આયાત થયેલા માલ સામાનના ઉત્પાદનમાંથી મુલ્યવૃદ્ધિની ખોટ ખાધી, આના માટે ઉપલબ્ધ થનાર સંભવિત રોજગારી ગુમાવી. ચીન સાથેનો વેપાર અમેરિકી અર્થતંત્રને ભારે પડી રહ્યો છે. અમેરિકાનું શોષણ થાય છે તે ટ્રમ્પની વાત સોળ આના સાચી છે. સાથે સાથે ચીન પરનું અવલંબધન ઘટાડવા માટે અમેરિકા પાસે અસરકારક વિકલ્પો નથી. ચીન સિવાય કોઈ પણ અન્ય દેશમાંથી તે માલસામાન મંગાવે તો તે મોંઘો પડે અને સ્થાનિક અર્થતંત્રનું શોષણ વધે. અમેરિકામાં નવેસરથી ઉત્પાદન એકમો સ્થાપવામાં અર્થતંત્રમાં ઊંચી આવકના કારણે જમીન-બાંધકામમાં ખૂબ જંગી મૂડી રોકાણ કરવું પડે. નવા સ્થપાતા ઉદ્યોગોને કાચો માલ પર્યાપ્ત,સમયસર અને વ્યાજબી ભાવે મળે તે માટે નવેસરથી સપ્લાય ચેઈનનું આયોજન કરવું પડે. અનેક કાચા માલ પર ચીને વિશ્વવ્યાપી પકડ જમાવી છે. પરિવહનક્ષેત્રે પણ તે તે અંતરાયો સર્જી શકે છે. આમ જોઈએ તો અમેરિકાનો હાથ ચીની ડેગ્રેનના મોઢામાં ફસાયો છે. અમેરિકાએ સ્થાનિક લોકોને શ્રમકાયદા હેઠળ મજૂરી પણ વધારે ચૂકવવી અનિવાર્ય છે. અમેરિકા ઘરઆંગણે ચીનથી આયાતી માલ માટે ઉત્પાદનક્ષમતા વિકસાવે તો તેમાં જ ૩ થી પ વર્ષનો સમયગાળો લાગે તેમ છે. આ સમય દરમિયાન શું કરવું તે યક્ષપ્રશ્ન છે. પ્રમુખશ્રી ટ્રમ્પનું નિદાન સાચું છે પણ તે તેની સારવાર જે પદ્ધતિથી કરવામાં આવી છે તેની આડઅસરો કેટલી ગંભીર હશે તેનો અંદાજ તેમને આવતો નથી. શરુઆતમાં ચીન જ નહીં પણ વર્ષોના સાથી દેશો જેવા કે કેનેડા, બ્રિટન અથવા પાડોશી દેશો મેક્સિકો કે બ્રાઝિલ પર પણ ટેરિફ વધારવાના પગલાએ એ સાબિત કર્યું કે ટ્રમ્પ રઘવાયા થયા છે. તેઓ ભુમિગત વાસ્તવિકતાને નજરઅંદાજ કરીને વધારે પડતા આત્મવિશ્વાસમાં આડેધડ નિર્ણયો કરી રહ્યા છે.
અમેરિકાની આર્થિક અને લશ્કરી તાકાત સૌથી વધારે છે. જેના જોરે અમેરિકા ૫ોતાનું ધાર્યું કરાવશે જ તેમ કરીને ટ્રમ્પ ગમે તે દેશને ખુલ્લી રીતે અને બુરી રીતે ધમકાવે છે. ચીનના એક કટાર લેખકે કહ્યું, ‘‘ અમેરિકા સૌથી મોટી મહાસત્તા છે તેવો વહેમ છોડી દે. અમેરિકાની માથાદીઠ આવક ભલે ચીનથી વધારે છે પણ ખરીદશક્તિની ગણતરી કરીએ તો ચીને થોડા વર્ષો અગાઉ જ અમેરિકાનું પ્રથમ સ્થાન પડાવી લીધું છે. આર્થિક કે લશ્કરી રીતે અમેરિકા ચીનને પડકારી શકે તેમ નથી. સામે પક્ષે ચીન પાસે દુર્લભ ખનીજો, ડ્રોન અને આધુનિક શસ્ત્રો, ઉત્પાદનની સમગ્ર શ્રેણી પરનો અંકુશ જોતાં અમેરિકા ચીન સાથે જે રીતે અવળચંડાઈ કરી રહ્યું છે તેના પરિણામેા અમેરિકા માટે ખૂબ નુકશાનકારક સાબિત થશે.
ટ્રમ્પે શાસન સંભાળ્યાને હજી માંડ ૧૦૦ દિવસ થયા છે. તેમણે જે ઝડપથી કારોબારી હુકમો દ્વારા કેનેડા, રશિયા, ઈરાન, યુક્રેન,ઈઝરાયલ, હમાસના પ્રદેશ ગાઝા ચીન અને ભારત સાથે મુદ્દાઓ અંગે તડાપીટ બોલાવી છે તેનાથી વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. કોઈને અંદાજ નથી કે આવતીકાલે શું થશે ? ટ્રમ્પના તરખાટથી શરુઆતમાં શેરબજારો તૂટ્યા, અનેક દેશોના ચલણનું મૂલ્ય ઘટ્યું. સોના-ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો. આવા પ્રત્યાઘાતો જોતાં ચીન સિવાયના દેશો સાથેની ટેરિફનો વધારો ૯૦ દિવસ સુધી (લગભગ જૂનના છેલ્લા પખવાડિયા સુધી) મુલત્વી રાખતા વિશ્વનું અર્થતંત્ર ફરી સ્થિર થવા લાગ્યું છે. પ્રશ્ન એ છે કે ૯૦ દિવસ બાદ શું ?
ભારત સહિત અનેક દેશો અમેરિકા સાથે મંત્રણા કરી નવી વ્યાપાર સંધિ કરવાના પ્રયત્નમાં છે. અમેરિકા પોતાના હિત ઉપરાંત વ્યાપાર કરવા ઈચ્છતા દેશોના વ્યાજબી કારણો વિચારી સમાધાનકારી માર્ગઅપનાવશે તો તેનો લાભ ઉભય પક્ષે થશે એટલું જ નહીં પણ તેનાથી વિશ્વવ્યાપારમાં સ્થિરતા આવશે.
૨૦૨૫ ના વર્ષની શરુઆતમાં અમેરિકા-ચીનના વ્યાપારની ખાદ્યના આંકડા દર્શાવે છે કે બન્ને દેશો વચ્ચેની આયાત- નિર્યાતમાં મોટો ઘટાડો નોંધાશે. જેની પ્રિતકૂળ અસર બન્નેના અર્થતંત્રો સાથે સમગ્ર વિશ્વમાં થશે. જાન્યુઆરી ૨૦૨૫ ની ચીન સાથેની વ્યાપાર ખાદ્ય ૧૩૨ બિલિયન ડોલર, ફ્રેબુઆરી ૨૦૨૫ માં ઘટીને ૧૨૧ બિલિયન ડોલર રહી છે. માર્ચ ૨૦૨૫ માં આમાં ટેરિફ વોરના કારણે ધરખમ ઘટાડો નોંધાવાની સંભાવના છે.
ચીન અને અમેરિકાનું વ્યા૫ાર યુદ્ધ આપણને ‘‘ બેઉ બળીયા બાથે વળગ્યા’’, ની પંક્તિની યાદ અપાવે છે. સાથે સાથે ગુજરાતી કહેવત ‘ બે પાડાઓ લડે ત્યારે ઝાડની ખો નિકળેના’’ ન્યાયે આ લડાઈના કારણે અનેક દેશોને નુકશાન થશે.
Comments
Post a Comment